આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે શ્વાસોચ્છ્‌વાસનાં તાલબદ્ધ કંપન અથવા પ્રાણાયામ દ્વારા કેવી રીતે શરીરની બીજી બધી પ્રક્રિયાઓને નિયંત્રિત કરી શકાય છે. આ પ્રાણાયામની પ્રક્રિયા એકાગ્રતા અને ધ્યાનની પૂર્વ તૈયારી કહી શકાય.પ્રાણશક્તિનું આ નિયંત્રણ આપણને આપણી વિચારશક્તિને સંયમિત કરવામાં મદદરૂપ બને છે. આપણે જોયું કે પહેલું પગલું ફેફસાની ગતિને કાબૂમાં લેવાનું છે. તેથી આપણે શરીરની અંદર ચાલી રહેલી વધુ સૂક્ષ્મ ક્રિયાઓને પારખી શકીએ છીએ. આપણું બહિર્મુખી મન આ આંતરિક સૂક્ષ્મ ક્રિયાઓને પારખવાનો અભ્યાસ કરે છે ત્યારે તે ધીરે ધીરે અંતર્મુખી બનતું જાય છે. એકેએક માંસપેસીઓમાં ચેતના અને જીવનશક્તિ આપતા જ્ઞાનતંતુઓનો પ્રવાહ જ્યારે નિયંત્રણમાં આવે છે ત્યારે આપણા વિચારો અને આપણું મન આપણા કાબૂમાં આવે છે. પ્રાણાયામની પૂર્વતૈયારી તરીકે સ્વામીજીએ નીચે પ્રમાણે સૂચના આપી છે :

‘ટટ્ટાર બેસો; શરીર સીધું રહેવું જોઈએ… જો તમે વાંકા બેસો તો કરોડરજ્જુને ખલેલ પહોંચે, માટે તેને છુટ્ટી રહેવા દો. જ્યારે ક્યારેય પણ તમે વાકાં વળીને બેસો અને ધ્યાન કરવાનો પ્રયત્ન કરો ત્યારે તમે પોતાને નુકસાન કરો છો. શરીરના ત્રણ ભાગ, છાતી ગરદન અને માથું હમેશાં સીધાં એક લીટીમાં રાખવાં જોઈએ… બીજી બાબત જ્ઞાનતંતુઓ પર કાબૂ મેળવવાની છે. આપણે કહી ગયા છીએ કે જ્ઞાનતંતુઓનું જે કેન્દ્ર શ્વાસોચ્છ્‌વાસની ઈંદ્રિયોનું નિયમન કરે છે, તેની બીજા જ્ઞાનતંતુઓ પર પણ નિયામક અસર કરે છે, અને એ કારણસર તાલબદ્ધ શ્વાસચ્છ્‌વાસ થાય એ આવશ્યક છે. જે શ્વાસોચ્છ્‌વાસ આપણે સામાન્ય રીતે લઈએ છીએ તેને શ્વાસોચ્છ્‌વાસ કહેવો જ ન જોઈએ. એ તો ઘણો અનિયમિત હોય છે.’ (૩.૧૩૧)

સ્વામીજીએ આપણને તાલબદ્ધ શ્વાસોચ્છ્‌વાસ કે પ્રાણાયામની એક સરળ અને સલામત પ્રક્રિયા કરવા નિર્દેશ કર્યો છે :

‘શ્વાસોચ્છ્‌વાસની ક્રિયાનો પહેલો પાઠ તો ફક્ત શ્વાસને માપસર અંદર લેવો અને બહાર કાઢવો એ છે. એનાથી શરીરયંત્રમાં સંવાદિતા આવશે. કેટલાક સમય સુધી આનો અભ્યાસ કર્યા પછી તેની સાથે ૐ, કે એવા કોઈ બીજા મંત્રનો જપ જોડો તો સારું થશે. ભારતમાં અમે એક, બે, ત્રણ, ચાર એમ ગણવાને બદલે કેટલાક પ્રતીકમંત્રોનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે હું તમને પ્રાણાયામની સાથે ૐ અથવા ઈશ્વરના બીજા કોઈક પવિત્ર નામનો મનમાં જપ કરવાની સલાહ આપું છું. શ્વાસોચ્છ્‌વાસની સાથે એ નામનું રટણ પણ તાલબદ્ધ રીતે, સંવાદીપણે ચાલવા દો; તો તમને જણાશે કે આખું શરીર તાલબદ્ધ થતું જાય છે. ત્યારે તમને ખબર પડશે કે આરામ શું છે. તેની સરખામણીમાં ઊંઘ એ આરામ જ નથી. એકવાર જો આ આરામ આવશે તો ગમે તેવાં થાકી ગયેલાં જ્ઞાનતંતુઓ પણ શાંત થઈ જશે, અને તમને જણાશે કે અગાઉ તમને કદી પણ ખરેખરા આરામનો અનુભવ થયો જ નથી.’ (૩.૧૩૧- ૩૨)

જો મનને સ્વસ્થ રાખવું હોય તો ઉપરોક્ત પ્રાણાયામની પ્રક્રિયા સાથે આપણે આપણાં દૈનિક જીવન અને વ્યવહારમાં નિયમબદ્ધતા અને સ્થિરતા કેળવવી જોઈએ. આ સ્વસ્થ શરીર અને મન દ્વારા જ આપણી અંદર તેમજ બહાર એક શાંતિમય વાતાવરણનું નિર્માણ આપણે કરી શકીએ છીએ, તથા તે ધ્યાન માટે અત્યંત આવશ્યક પણ છે. આપણા મનમાં હંમેશાં ધસી જવા તત્પર રહેતા નિરર્થક વિચારોને રોકવામાં નિયમબદ્ધ અને કાર્યશીલ જીવન અત્યંત ઉપયોગી નીવડે છે.આમ કરવાથી આપણું મન ધ્યાન માટે તૈયાર થાય છે અને જ્યારે આપણે નિશ્ચિત સમયે ધ્યાનના અભ્યાસ માટે બેસીએ ત્યારે તે સહેલાઈથી એકાગ્ર થાય છે.

ધ્યાન કરવા માટે જેઓએ પ્રયત્ન કર્યો છે તે ચોક્કસ જાણે છે કે મનને વશ કરવા માટે કેટલી બધી મહેનત કરવી પડે. મનનો સ્વભાવ જ છે કે તે એક વિષયથી બીજા વિષય પર કૂદકા લગાવે. ઉપરાંત આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પરંતુ વાસ્તવિક સત્ય એ છે કે આપણા શરીરની સ્થિતી ઉપર જ મનની સ્થિતિ મહદંશે આધાર રાખે છે. જો શરીરને સ્વસ્થ અને કાર્યવાહક સ્થિતિમાં ન રખાય તો મનને સ્થિર કરવું લગભગ અશક્ય છે.ગીતામાં ભગવાન કહે છે, ‘હે અર્જુન! યોગ્ય પ્રમાણમાં આહાર-વિહાર કરનારને, યથાયોગ્ય રીતે કર્મોમાં પ્રયત્ન કરનારાને, તેમજ યથાયોગ્ય રીતે ઊંઘનાર-જાગનારને આ દુ:ખનાશક યોગ (સિદ્ધ) થાય છે.’ (ગીતા – ૬.૧૭)

આ શ્લોકમાં ભગવાને આપણા શરીર-મનને કેવી રીતે સ્વસ્થ રાખવું તેમજ તેની સાથે કેવી રીતે કામ પાડવું તનો સુંદર રીતે નિર્દેશ કર્યો છે. શરીરના પોષણ માટે આહાર જરૂરી છે પરંતુ તેની માત્રા જો વધુ હોય તો આપણા મસ્તિષ્કમાં જે પ્રમાણમાં રક્તની જરૂર છે તે ત્યાં પહોંચવાને બદલે ચયાપચયની પ્રક્રિયામાં વપરાય છે. આધુનિક શરીર વિજ્ઞાન પણ કહે છે કે વધુ પડતો ખોરાક પચાવવા ચયાપચય પ્રક્રિયામાં રક્તનો વધુ જથ્થો રોકાઈ જતાં આપણું મગજ સુસ્ત બની જાય છે, તેની ક્ષમતા ઓછી થઈ જાય છે. વળી બીજી બાજુ ભૂખ્યા માણસ માટે પણ ધ્યાન કરવું શક્ય નથી. સ્વામીજી કહેતા કે ભૂખ્યા પેટે ધર્મ થાય નહિ. પહેલાં ભોજન અને પછી ધર્મ. ભૂખ્યાને મન રોટલો એ જ ભગવાન. આકરી શારીરિક તપસ્યા કર્યા પછી ભગવાન બુદ્ધે આહારવિહાર માટે મધ્યમમાર્ગનો બોધ આપ્યો. વધુ પડતી ઊંઘ આપણા મનને નિરંકુશ અને સુસ્ત બનાવે છે. બીજી બાજુ વધુ પડતું જાગનારાને આખો દિવસ તંદ્રા (કે ઘેનની અવસ્થા)નો અનુભવ થાય છે.

નિયમિત ઊંઘ મગજને સ્ફૂર્તિ અને આરામ આપે છે. માત્ર યુક્ત આહાર અને નિદ્રા જ નહિ પરંતુ યુક્ત પ્રમાણમાં મનોરંજન, રમત, શારીરિક વ્યાયામ સાથે સુનિયંત્રિત કાર્યપદ્ધતિ કે શ્રમને આપણા દૈનંદિન જીવનમાં ચોક્કસ સ્થાન છે. ધ્યાનની પૂર્વતૈયારી રૂપે તે અત્યંત આવશ્યક છે. સ્વામી વિવેકાનંદે આહારની મન ઉપર થતી અસર વિશે જે વિચારો વ્યક્ત કર્યા છે તે આપણને અત્યંત ઉપયોગી નીવડશે. તેઓ કહે છે:

‘મોટા ભાગના જે દુ:ખો આપણે અનુભવીએ છીએ તેને માટે આપણો ખોરાક જવાબદાર છે. આપણે જાણીએ છીએ કે ભારે અને પચાવવો મુશ્કેલ પડે તેવો ખોરાક ખાધા પછી મનને કાબૂમાં રાખવું મુશ્કેલ બને છે.’ (૪.૩૧૦)

સ્વામીજીના મત પ્રમાણે એકીસાથે વધુ ખોરાક ખાવા કરતાં દિવસ દરમિયાન વધારે વાર પણ ઓછા પ્રમાણમાં ખોરાક લેવો એ શરીર અને મનને સ્વસ્થ રાખવા મદદરૂપ થાય છે. તેઓ કહે છે :

‘ખોરાક જેમાં પોષકતત્ત્વ વધારે હોય તેવો પણ ઓછા પ્રમાણમાં લેવો જોઈએ…. જાપાનીઓને જુઓ; એ લોકો મટરની દાળ સાથે દિવસમાં બે-ત્રણવાર ભાત ખાય છે. પણ મજબૂત બાંધાવાળા માણસો સુદ્ધાં એકી સાથે થોડુંક જ ખાય છે, જો કે તેઓ જમે છે વધારે વાર. (૧૧.૧૮૮)

સ્વામીજી એમ પણ કહે છે કે વધારે તેલ અને મસાલાયુક્ત ખોરાક શરીર-મનના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેઓ કહે છે :

‘યોગ્ય ખોરાક એટલે સાદો ખોરાક, ખૂબ મસાલાયુક્ત ખોરાક નહિ.’ (૯.૨૨૬)

‘બહુ તેલ-ચરબીવાળો આહાર લેવો સારો નથી. પુરી કરતાં રોટલી વધારે સારી. પુરી તો માંદાનો ખોરાક છે.’ (૧૦.૨૪૭)

સ્વામીજીનો ચોક્કસ મત છે કે તેલ કે ઘીયુક્ત મિઠાઈ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેઓ કહે છે :

‘ખોરાક તે કહેવાય કે જે ખાધા પછી શરીરમાં એક રૂપ થઈ જાય; ગમે તે ખાઈને પેટની કોથળી ભરવા કરતાં તો ખાધા વિના રહેવું વધુ સારું છે. કંદોઈની દુકાનની મીઠાઈઓમાં પોષણ આપે એવું કંઈ જ નથી હોતું, ઊલટું એમાં તો વિષ હોય છે… ભૂખ લાગે તો એ મીઠાઈઓ અને તળેલા પદાર્થો ન ખાતાં ચણા-મમરા ખાઓ કે જે સસ્તા પણ પડશે અને પોષક પણ થશે. ભાત, દાળ, રોટલી, શાકભાજી અને દૂધ! આટલી ચીજો પૂરતી પોષણદાયક થશે… આપણા દેશમાં જે માણસ સ્થિતિસંપન્ન હોય છે તે પોતાના બાળકોને તરેહતરેહની મીઠાઈ અને ઘીમાં તળેલી ચીજો ખવરાવે છે; કારણ કે બાળકોને સાદાં દાળ, ભાત, રોટલી, શાક જ ખવરાવવાં એ કદાચ નાનમ જેવું લાગતું હોય, અને વળી લોકો શું કહેશે એવું પણ હોય! આવી રીતે ખવરાવીને મોટા કરેલાં બાળકો પ્રમાણ વગરનાં શરીરવાળા, આળસુ, નિર્માલ્ય, પોતાના મેરુદંડ વિનાના અને બુદ્ધિહીન નીવડે એમાં શી નવાઈ? (૬.૩૦૧-૩૦૪)

તેઓ આગળ કહે છે:

‘પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીર ને સુદૃઢ બનાવવું જોઈએ ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સૂક્ષ્મ ભાગ જ છે.’ (૧૦.૩૧૧)

શરીરની તંદુરસ્તી તેમજ મનના સ્વાસ્થ્ય વિશે સ્વામીજીના મનના વિચારો નીચેના વિચારો બાળકોને તેમજ વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે :

ઓછામાં ઓછા આપણા એક તૃતીયાંશ દુ:ખોનું મૂળ આપણી શારીરિક નબળાઈ છે. (૪.૧૧૯)

શરીરને મજબૂત અને તંદુરસ્ત રાખવું જ જોઈએ. કારણ કે આપણી પાસે સારામાં સારું સાધન એ જ છે. (૩.૧૧૦)

આ શરીર, તે કર્મ કરવાનું સાચું સાધન છે, અને જે તેને નરકસ્થાન બનાવે છે તે ગુનેગાર છે. અને જે તેની સંભાળ રાખતો નથી તે પણ દોષપાત્ર છે. (૧૨.૨૦)

નિયમિત કસરત વિના શરીર બરાબર રહેતું નથી. (૧૨.૨૧૯)

સવારસાંજ ફરવા જાઓ અને શારીરિક મહેનત કરો, શરીર અને મન એક સાથે ચાલવા જોઈએ. (૧૧.૨૬)

ગંદુ પાણી અને ગંદો ખોરાક બધા રોગોનું મૂળ છે. (૬.૩૦૩)

રોગ કરતા રોગની ચિંતા વધુ ખરાબ હોય છે. (૧૧.૩૫૫)

સ્વામીજી કહે છે કે જ્યારે આપણું શરીર નબળું બને છે ત્યારે આપણું મન પણ નબળું થાય છે. તેથી સાચા ધર્મને છોડીને આપણામાંના ઘણા લોકો વહેમો અને રહસ્યપૂર્ણ બાબતોને વળગી રહે છે, તેમજ મનને વધારે નબળું બનાવનારી વિદ્યાઓ પાછળ દોડે છે. આવા લોકો માટે સ્વામીજીનો સ્પષ્ટ નિર્દેશ છે કે એવી સ્થિતિમાં શરીરને સારા ખોરાક અને કસરત દ્વારા સબળ બનાવવાથી મન પણ શક્તિશાળી બને છે. તેઓ કહે છે :

‘જો કોઈ ગ્રહ મારા જીવનમાં નડતો હોય તો તે જીવનની કિંમત એક કોડીની પણ નથી. તમે જોશો કે જ્યોતિષ અને આ બધી રહસ્યમય બાબતો, સામાન્ય રીતે નિર્બળ મનની નિશાની છે; તેથી આપણા મનમાં જ્યારે તે પ્રબળ થવા લાગે ત્યારે તરત જ આપણે વૈદ્યને મળવું, સારો ખોરાખ ખાવો અને આરામ લેવો. (૯.૩૧૬)

શરીર અને મનની આવી કાળજી રાખીને પૂર્વતૈયારી સાથે જો આપણે ધ્યાનમાં બેસીએ તો તે મનને શાંત અને સ્થિર કરવામાં આપણને મદદરૂપ બને છે. લાંબા સમય સુધી ધ્યાન સરળ અને સ્વાભાવિક બને છે. ધ્યાન માટે અનુકૂળ એવી મનની સ્થિતિ કઈ છે? એ છે શાંતિ. આ શાંતિ ઉપરથી પરાણે લદાયેલી શાંતિ નથી, પરંતુ આ એક પ્રકારની આંતરિક શાંતિ છે. પ્રબળ સાંસારિક ભોગવાસનાઓ ઓછી ને ઓછી થવાથી આપણા મનમાં એક પ્રકારની નિશ્ચિંતતા-સ્થિરતા ઉત્પન્ન થાય છે, એક પ્રકારના સંતોષનો અનુભવ થાય છે અને મનમાં સતત ઊઠતાં અને તેને ચંચળ બનાવતાં તરંગો ઓછાં ને ઓછાં થતાં જાય છે. આ મનને અશાંત બનાવનાર તરંગોનો મૂળ સ્રોત આપણી સુષુપ્ત વાસનાઓમાં રહેલ છે. કોઈ પણ બાહ્ય વસ્તુ કે વ્યક્તિઓનું આકર્ષણ અથવા આપણી આંતરિક મનોકામનાઓ આપણા મનમાં અશાંતિનાં તરંગો ઉત્પન્ન કરે છે. એટલે આપણું મન એ સુષુપ્ત કે વ્યક્ત વાસનાઓને તૃપ્ત કરવા માટે અસંખ્ય લક્ષ્યો તરફ દોટ લગાવે છે અને તેને પ્રાપ્ત કરવા માટે અથાક પ્રયત્નો કર્યા કરે છે. મરણિયા પ્રયાસો કરવા છતાં આપણે ઘણી વાર નિષ્ફળ થઈએ છીએ, તો ક્યારેક ક્યારેક સફળ થઈએ પણ ખરા, એમ છતાં પણ આપણે સંતુષ્ટ થતા નથી. કારણ કે આપણા ઇચ્છિત પદાર્થોને આપણે ભોગવતા હોઈએ ત્યારે પણ તે આપણને ઘણીવાર સંભ્રાંત કરતા હોય છે. પરિણામે આપણે નિરાશ થઈએ છીએ અને આપણે ક્યાંક છેતરાયા છીએ એવી અનુભૂતિ આપણને સતત થયા કરે છે. આપણું મન આ ભોગવાસનાનાં પદાર્થો કે વ્યક્તિઓ પ્રત્યે જ્યારે આસક્ત બને છે અને તેને પ્રાપ્ત કર્યાનો આનંદ પણ માણે છે ત્યારે એક પ્રકારનો અતૃપ્તિનો અતિરેક મનને અશાંત કરતો રહે છે. મન ઉપરના આ બધા રોજ થતાં આઘાતો અને પ્રત્યાઘાતો તેને વિક્ષિપ્ત અને અશાંત અવસ્થામાં મૂકી દે છે, પછી ભલે તે અનુભવો સુખદ હોય કે દુ:ખદ.

આ અવસ્થામાંથી મુક્તિ મેળવવી હોય તો આપણે ધ્યાન શરૂ કરતાં પહેલાં ‘પ્રત્યાહાર’નો અભ્યાસ કરવો જોઈએ. આ પ્રત્યાચાર શું છે, એની ચર્ચા આપણે હવે પછીના સંપાદકીયમાં કરીશું.

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.