(ગતાંકથી આગળ)

પાઠક : મુક્ત ક્યાં થયો છું? જેવો હતો તેવો જ છું. એ જ રોગ, એ જ શોક, એ જ સંસારની ઝંઝટ. એ બધું તો એનું એ જ છે. અને હું ફરતો રહું છું.

ભક્ત : પહેલાંના નશાની અસર હજુ છે એટલે એવું દેખાય છે. તે કઈ રીતે જાણો છો? તમે એક ખૂબ બળવાન ઘોડા ઉપર સવાર થયા છો. ઘોડો તેજ ગતિથી દોડી રહ્યો છે. એ વખતે તમારા મનમાં આવ્યું કે હું આ ઘોડાને અમુક સ્થળે રોકી દઈશ. અને એ માટે તમે ઘણા દૂરથી લગામ ખેંચીને આવો છો. ઘોડો પણ જોકે અટકતો અટકતો આવી રહ્યો છે પણ તમે તેને જે સ્થળે અટકાવવા ઇચ્છતા હતા ત્યાંથી તે દશ હાથ આગળ નીકળી ગયો છે. તમારી સાથે પણ એવું જ થયું છે. દશ હાથની અંદર ભલે હોય પણ અટકી તો ગયા જ છો. થોડુંક જ ચાલવાથી તમે તમને મુક્ત રૂપે જાણી શકશો.

અને તમે જે કહ્યું કે સંસારની ઝંઝટ જેવી હતી તેવી જ છે, તો તેના જવાબમાં ઠાકુરની વાત સાંભળો, તેઓ કહેતા હતા કે મુન્શી જેલમાંથી છૂટીને બહાર આવીને મુન્શીગીરી જ કરશે. એ તો નહીં કે તે ઉછળકૂદ કરતો નાચતો ફરે. ભગવાનની કૃપાથી સંસારી લોકો મુક્ત થઈને સંસારમાં જ રહે છે. સંસાર શું ભગવાનથી જુદો છે? સંસાર એમનો જ છે.

અને રહી રોગ-શોકની વાત. સગડીની પાસે રહેવાથી જ શરીર ગરમ થઈ જશે. સંસાર તો સળગતો ચૂલો છે અને ત્યાં તો રહેવાનું છે. તો પછી શરીરને ગરમી નહીં લાગે? શરીરમાં ડાઘ નહીં લાગે? પણ આ બધુંય હોવા છતાં પણ ઈશ્વરની કૃપાથી જીવ મુક્ત થઈ જાય છે. તમે પોતે જ તમારી અવસ્થા સમજી શકશો.

પાઠક : તમે ઘોડાની ઉપમા આપીને જે કહ્યું કે મુક્ત થઈને પણ ફરી રહ્યો છું આ વાત સમજાતી નથી આ કેવી વાત છે?

ભક્ત : એ વાત શું છે તે બીજી રીતે સાંભળો. કુંભાર પોતાના ચાકડાને લાકડીથી ગોળ ગોળ ફેરવી દે છે. જ્યાં સુધી તે ચાકડાને લાકડીથી ફેરવે છે ત્યારે તે ખૂબ જોરથી ફેરવે છે પણ પછી જ્યારે તે લાકડી છોડી દે છે તો પણ ચાકડો તો ફરતો જ રહે છે. તમારા ચાકડામાં આટલા દિવસો સુધી લાકડી હતી પણ તમે જેવા એમનાં દર્શન કરી લીધા કે એમણે લાકડી ખેંચી લીધી તો પણ જે ફરી રહ્યું છે તે પહેલાંના ફરવાને કારણે જ. આ ફરવાને લઈને ઘણાં કામ થવાનાં છે. ઠાકુર આ વખતે કોઈ બીજા પ્રકારનાં વાસણ ઘડશે એ તમે પાછળથી જોઈ શકશો.

પાઠક : આ ફરવાનું ક્યારે બંધ થશે? અને હું કેવી રીતે જાણી શકીશ કે તે બંધ થયું છે કે નહીં?

ભક્ત : રામકૃષ્ણદેવ તમારા મનને પોતાની અંદર જેટલું ખેંચી લેશે એટલો આ ચકરાવો ઓછો થતો જશે. જ્યારે તેઓ પૂરા મનને ખેંચી લેશે તો તમે જુદો જ અનુભવ કરશો. સંસારમાં તો આ બધો જ ઉત્પાત – રોગ – શોક, ભય વગેરે બધું જ હોવા છતાં પણ નહીં હોય. એ છે શાંતિની અવસ્થા.

સંસારમાં તાપ હોવા છતાં પણ નહીં – એ તમને હું હમણાં નહીં સમજાવી શકું. એ એક ભૂમિકા છે. જ્યારે તે મેળવશો ત્યારે સમજાશે. તમારું મન જ તમને બતાવી દેશે, સમજાવી દેશે. હમણાં તો તમારું મન કહે છે – બંધાયેલો છું; મુક્ત ક્યાં છું? પણ ત્યારે તમે કહેશો મારે વળી બંધન કેવું? હું તો ચિરકાળથી મુક્ત છું. એટલા માટે ઠાકુર કહેતા હતા – મનુષ્ય મનથી જ બંધાયેલો અને મનથી જ મુક્ત છે. મુક્ત પુરુષ હજારો કામ કરતો હોવા છતાં પણ બંધાયેલો નથી હોતો.

પાઠક : જે મને બાંધી રાખ્યો છે એ મન જ બંધન ખોલી દે છે ત્યારે તો મન જ એક માત્ર સર્વ કંઈ કહેવાય પણ તમે અગાઉ કહ્યું કે રામકૃષ્ણદેવ મનના રાજા છે.

ભક્ત : પ્રભુકૃપાથી તમે સારી રીતે લીલાને જોઈ અને સમજી શક્યા છો. હવે સાંભળો; મન અને ઠાકુરમાં તફાવત ક્યાં છે. મેં તમને પહેલાં ભગવાનનાં સ્વરાટ્‌ અને વિરાટ સ્વરૂપની અને ખેલની વાત કરી છે. બાહ્ય જગત અને આંતર જગતમાં જે ખેલ ચાલી રહ્યો છે તેની વાત પણ શક્ય તેટલી કરી છે. આ તો અંતર જગતનો ખેલ છે. એક વાત ખાસ મનમાં રાખો કે આ સૃષ્ટિમાં ફક્ત તેનો એકલાનો જ ખેલ ચાલી રહ્યો છે. એક એટલે કે રામકૃષ્ણદેવ. રામકૃષ્ણદેવ સિવાય બીજી કોઈ વસ્તુ નથી. લીલામાં આ એક – મૂળ વસ્તુ – જ અસંખ્ય રૂપોમાં વ્યક્ત થયેલી છે. જ્યાં એક છે ત્યાં કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ જ્યાં લીલા છે, એટલે કે અનંત કોટિઓ છે ત્યાં પ્રશ્ન છે. લીલાકથાના પ્રસંગમાં હું આત્મા, પરમાત્મા, ભગવાન, શક્તિ, માયા, મન, બુદ્ધિ વગેરે કંઈ પણ કહું તો તે રામકૃષ્ણદેવ સિવાય બીજું કાંઈ જ નથી. અવસ્થા ભેદ, ગુણભેદ, નામભેદ અને વૃત્તિભેદથી આ એક જ તત્ત્વ લીલામાં અનંત રૂપે પ્રગટ થયેલું છે. એટલા માટે લીલાના પ્રસંગમાં આ એક વસ્તુને જુદાં જુદાં નામોથી ઓળખવામાં આવે છે. આ વિશ્વમાં ફક્ત એકનાં જ જુદાં જુદાં રૂપો છે. તે કેમ જાણો છો? એક સામાન્ય ઉદાહરણથી સમજીએ – જેમકે લાકડાના કારખાનામાં મૂળ કાચો માલ છે, ફક્ત લાકડું. આ લાકડામાંથી જ જુદી જુદી વસ્તુઓ બને છે જેમ કે દરવાજા, બારી, કબાટ, ખાટલો, પેટી, ડબલાં, વહાણ, રમકડાં, સિંહાસન વગેરે વગેરે. જ્યાં ફક્ત લાકડું જ છે ત્યાં અનેકતા નથી એટલે કે એનું કોઈ વિવરણ પણ નથી. વિવરણમાં ફક્ત એક જ વાત છે લાકડું. જ્યાં કારખાનું છે ત્યાં જુદા જુદા પ્રકાર છે અને તેનાં જુદાં જુદાં નામો માટે જુદાં જુદાં વિવરણ છે. કારખાનામાં લાકડાની વસ્તુઓ તેના આકાર, પ્રકાર, અવસ્થા અને પ્રકૃતિમાં જુદી જુદી દેખાય તો છે, પણ એ બધાની અંદર તો એક જ લાકડું છે. અથવા તો બધી વસ્તુઓ તે એક જ લાકડામાંથી બનેલી છે. લાકડાના કારખાનામાં જુદાં જુદાં નામ થયાં એ જ રીતે પોતાના લીલા-કારખાનામાં સ્થૂળ, સૂક્ષ્મ વગેરે જુદાં જુદાં પ્રકારનાં વિવિધ રૂપોમાં વિભક્ત થવાને કારણે આ એક રામકૃષ્ણદેવના જ જુદાં જુદાં નામ થયાં છે. સૃષ્ટિમાં બધાંની અંદર તે એક જ રામકૃષ્ણદેવ છે અથવા તો બધું જ એકે એક રામકૃષ્ણદેવમાંથી જ સર્જાયું છે. અહીં એક ગીત સાંભળો.

હરે રામકૃષ્ણ બોલો, રામકૃષ્ણ બોલો મન
રામકૃષ્ણ છે ભુવનચન્દ્ર કરે પ્રકાશ ત્રિભુવન.
જે રામ, જે કૃષ્ણ એ જ છે રામકૃષ્ણ.
છે વિશ્વગુરુ જગતના કલ્યાણદાતા
સ્પષ્ટ જોયું, શ્રીઅંગોમાં આ દર્શન,
એ જ સાકાર એ જ નિરાકાર
સર્વમાં આત્મરૂપે વ્યાપ્ત એ જ ચૈતન્ય
કારણોના પણ એ જ છે મહાકારણ.
કોણ છે રામકૃષ્ણ? ક્યાંથી આવ્યા તે?
આ વિચારનું શું છે કામ તારે?
બિંદુ જેવડું મન તારું સિંધુને શું જાણે!
ભજી લે એ અભય ચરણ
જો જવું હોય તારે ભવ પાર!

તે એક પરમાત્મા વિરાટ રૂપે બહાર અનેક બન્યા છે. આ અનેકત્વ એક જ પ્રકારનું નથી. પરંતુ આકાર, રંગ, ગુણ અને પ્રકૃતિને લઈને અલગ અલગ છે. તેઓ એવી રીતે ભિન્ન ભિન્ન રૂપે વ્યક્ત થયા છે કે કોઈનામાં પણ એવું સામર્થ્ય  નથી કે આ એક જ વસ્તુ છે અને આ એકનો જ ખેલ છે એ સમજી શકે. આ એક તત્ત્વને જ આપણે જુદાં જુદાં નામોથી પોકારીએ છીએ. એ એ જ પરમાત્મા છે, એ જ જીવાત્મા છે. એ જ મન વગેરે છે. તે ક્યારેક ઘોડો છે તો ક્યારેક સવાર. તમારા થિયેટરમાં દક્ષયજ્ઞ નાટકમાં ભૂતોનું પાત્ર જેઓ ભજવે છે તેઓ છે તો મનુષ્ય પણ હાથ, મોઢું અને શરીર પર શાહી ચોપડીને ભૂત બને છે. એવી જ રીતે આત્મા શરીરમાં મેલ લગાવીને મન બનીને મનનો ખેલ ખેલે છે. વળી તે કેટલીક ઉપાધિઓ ધારણ કરીને જીવાત્માના રૂપમાં પણ રહે છે. આ બધા જ ખેલ રામકૃષ્ણદેવના ગુપ્ત ખેલ છે. તેઓ જો આ ન બતાવે તો કોઈનામાં એ શક્તિ નથી કે આ જોઈ શકે. હવે તો એ સાંભળી લીધું કે બધું એકનો જ ખેલ છે. તો પછી દરેકને અલગ અલગ રૂપમાં જોઈ શકીએ છીએ. જીવના રૂપે તે એક પ્રકારના રૂપમાં છે. મનના રૂપે તેની સાથે તે એકબીજા જ રૂપમાં છે. પછી પાછો, એ એક બીજું રૂપ લઈને બંનેને જુદા જુદા જુએ છે. અદ્‌ભુત ખેલ છે!

પાઠક : જીવની સાથે મન કેવી રીતે છે? અને મન અને જીવને જે અલગ રૂપે જુએ છે તે કોણ છે?

ભક્ત : મન જીવની સાથે જે રીતે છે એ તમે જાણો છો? જેમ દૂધની સાથે પાણી કે ઘી હોય છે. મન અને જીવને જે અલગ વસ્તુના રૂપે જુએ છે તે કોણ છે તે જાણો છો? તે એ આત્મા છે કે જે પોતે પોતાને જ જુએ છે. તે આટલા દિવસો સુધી મનને સાથે લઈને દેહમાં કાદવ ચોપડીને ખેલ કરી રહ્યો હતો. હવે તે એ ખેલ બંધ કરીને, દેહનો કાદવ ધોઈને, મનને નિર્મલ બનાવીને, તેની અંદરથી પોતાને પોતે જ જુએ છે. આ પણ તેનો એક પ્રકારનો ખેલ છે.

જ્યારે તે પોતે પોતાને જુએ છે, ત્યારે તેના આ જોવાને સાધુ લોકો આત્મદર્શન કહે છે. આ દર્શન મનને સાથે રાખીને જ થાય છે. હવે મનના ઈંદ્રિયરૂપી ઘોડા હોતા નથી. અહીં એક મજાની વાત બને છે તે સાંભળો – તે એક કે જે ‘હું’ કે જે જીવનભર ‘હું’ ‘હું’ કરીને બૂમરાડ મચાવી રહ્યો હતો, તે આ સમયે એવો ભાગે છે કે તેનો પડછાયો પણ પછી જોવા મળતો નથી. ત્રણેય લોકોમાં તેને શોધો તો પણ તમે તેને ક્યાંય જોઈ શકશો નહીં.

પાઠક : તમારા કહેવા પ્રમાણે આત્મદર્શનનો અર્થ છે – જીવાત્માનું સ્વરૂપ-દર્શન. તો શું આ દર્શન આંખો દ્વારા થાય છે?

ભક્ત : ના. અનુભૂતિ દ્વારા.

પાઠક : આ દર્શન સાકાર હોય છે કે નિરાકાર?

ભક્ત : તે કેવું દેખાય છે તે હું વાણીથી વ્યક્ત નહીં કરી શકું. તો પણ એ વખતની અવસ્થાનો કંઈક આભાસ આપી શકું છું. જે લોકો આ દર્શન કરે છે તેમની એ સમયની સ્થિતિ કેવી હોય છે તે જાણો છો? તેની સ્થિતિ ગાંજાની ચલમ પીને જડ બનીને બેસી રહેલા માણસ જેવી હોય છે. અહીં મનના ઘોડાનો ખેલ એકદમ અદૃશ્ય થઈ જાય છે. જાણે કે એ ખેલ ક્યારેય હતો જ નહીં. અહીં આગળ સુખ-દુ:ખ, સારું-નરસું કંઈ પણ રહેતું નથી. આ રાજ્ય પરમ શાંતિનું રાજ્ય છે. પછી તે ભલેને થોડીકવાર માટે પણ હોય.

પાઠક : આ અવસ્થામાં ભગવાન કઈ રીતે દેખાય છે?

ભક્ત : ઠાકુર કહેતા હતા એકવાર રામે હનુમાનને પૂછ્યું. હનુમાન તમે મને ક્યા રૂપે જુઓ છો? ત્યારે હનુમાને કહ્યું, ‘હે રામ, ક્યારેક હું તમને વિરાટ તેજ સ્વરૂપે જોઉં છું અને ત્યારે હું જોઉં છું કે તમે સ્વામી છો અને હું તમારો દાસ છું. વળી ક્યારેક જોઉં છું કે તમારામાં અને મારામાં કોઈ ભેદ નથી. પણ અહીં ભગવાન મહાઅગ્નિના રૂપમાં દેખાય છે.

પાઠક : જીવનમુક્ત અવસ્થાનને પ્રાપ્ત કરેલો મનુષ્ય સંસારમાં કઈ રીતે રહે છે?

ભક્ત : તે સંસારમાં ઉતરે છે; હરે છે, ફરે છે પણ એની અંદર સંસારરૂપી પાણી ઘૂસી શકતું નથી. તે સંસારનાં સુખ-દુ:ખથી ચંચળ થતો નથી. ધ્રુવ તારારૂપી ભગવાન એ જ તેનું લક્ષ્ય હોય છે તેમાંથી તે ચ્યુત થતો નથી. તેનું શરીર ક્યાંય પણ કેમ ન જાય પણ તેનું મન હોકાયંત્રની સોયની જેમ ભગવાનનાં ચરણકમળમાં જ લાગેલું રહે છે. આ પરમ શાંતિની સ્થિતિ છે. ભગવાનની અપાર કૃપા ન હોય તો મનુષ્ય આ અવસ્થા પ્રાપ્ત કરી શકતો નથી. જીવનમુક્તિની આ અવસ્થામાં ‘હું’ સંપૂર્ણપણે જતો નથી. થોડોક રહી જાય છે. પરંતુ તે મૃત ‘હું’ના રૂપે.

પાઠક : રામકૃષ્ણદેવ પ્રત્યે જો સોળઆના મન આપી દેવાથી જ બધી ઝંઝટ મટી જતી હોય તો મનને ખૂબ ઝડપથી તેમના પ્રત્યે કેવી રીતે લગાવી શકાય? એનો ઉપાય શું છે? અત્યારે તો મનને જોઉં છું તો તે માખીના જેવું છે. મધ પર પણ બેસે છે અને પાછું વિષ્ટા પર પણ.

ભક્ત : પહેલાં તો તે એકવાર પણ મધની પાસે જતું નથી. ફક્ત વિષ્ટા પર જ રહેતું હતું. પણ હવે જેમની કૃપાથી મધનો સ્વાદ પ્રાપ્ત કર્યો છે તેમની જ કૃપાથી સમય આવતાં મધમાખીના જેવો સ્વભાવ પ્રાપ્ત કરીને તે હંમેશાં મધ ઉપર જ બેસશે. હમણાં તમે એમને પકડી રાખો. એનાથી જ બધું થઈ જશે. ઠાકુર એક ગીત ગાતા હતા –

હરિ સે લાગી રહો રે ભાઈ,
તેરી બનત બનત બનિ જાઈ
રંકા તારે બંકા તારે તારે સદન કસાઈ.
સુવા પઢાવત ગનિકા તારે તારે મીરાબાઈ.
દૌલત દુનિયા માલ ખજાના બધિયા બૈલ ચરાઈ.
જબહિ કાલકો ડંકા બાજૈ, ખોજ ખબર નહિં પાઈ.
ઐસી ભક્તિ કરો ઘર ભીતર, છોડ કપટ ચતુરાઈ.
સેવા બંદગી ઔર અધીનતા સહજ મિલે રઘુરાઈ.

ઠાકુર એક બીજી સરસ ઉપમા આપતા હતા. વરસાદ વરસે છે ત્યારે મેદાન પાણીમાં ડૂબી જાય છે. જાણે તળાવ જ જોઈ લો. મેદાન દેખાતું જ નથી હવે મેદાન શું કરે? એ દિવસ રાત આકાશને જોતું ચુપચાપ પડ્યું રહે છે. સમય જતાં તે જુએ છે કે જે પાણીએ એને ડૂબાડી દીધું હતું એ પાણી હવે છે જ નહીં. બધું જ સુકાઈ ગયું છે. એ જ રીતે તમે રામકૃષ્ણદેવના મુખને જોતાં બેસી રહો સમય થતાં તમે જોશો કે કામકાંચનના જે રસે તમારા મનને ડૂબાડી રાખ્યું હતું તે હવે નથી.

ઠાકુર એક બીજી વાત કહેતા હતા. હે જીવ તારે બે હાથ છે એકને તું ભગવાનનાં ચરણકમળમાં રાખ અને બીજાને સંસારમાં જેનું જોર જાજું હશે તે ખેંચી લેશે.

પાઠક : પરમહંસદેવની વાતો કેવી સુંદર છે? જેટલીવાર એમની વાતો સાંભળું છું ત્યારે મનમાં બીજું કાંઈ જ રહેતું નથી. એમની વાતોમાં મન એકદમ ડૂબી જાય છે. મારી આટલી ઉંમરમાં મેં ઘણાં પ્રકારની વાતો સાંભળી છે પણ અત્યાર સુધીમાં આવી રીતે મનને મુગ્ધ કરવાવાળી એક પણ વાત સાંભળી નહોતી. જેટલું વધારે સાંભળું છું એટલું જ વધારે સાંભળવા માટે મન તડપે છે. પરંતુ વાસ્તવમાં ભૌતિક લાભ શું છે તે સમજી શકતો નથી. વળી, જે કંઈ વાતો સાંભળી છે તેને ક્યાં સુધી સમજી શક્યો છું, એ પણ જાણતો નથી.

હવે એક વાત જાણવા ઇચ્છું છું જે એમણે જીવન મુક્તિના સંદર્ભમાં કહી હતી. ‘આ અવસ્થામાં ‘હું’ મરી જાય છે અથવા તો જો જે કંઈ ઓછો વધતો ‘હું’ રહી જાય છે તે મૃત ‘હું’ ના રૂપે રહે છે.’ આ કેવી વાત છે એ જરા કહોને.

ભક્ત : આ તો મન વિષે કહેલી વાત કરતાં પણ વધારે કઠિન છે. ઠાકુરની કૃપાથી જે કંઈ જોઈ શક્યો છું, તે કહું છું, સાંભળો.

બાળપણથી જ આ હું, હું નું જે રટણ કરે છે; એ રટણ જ સર્વનાશનું કારણ છે. બાળકોને જુ – જુ કહીને ડરાવવાથી તેઓ ડરી જાય છે. પરંતુ હકીકતમાં જુ – જુ નામની કોઈ વસ્તુ છે જ નહીં, એવી જ રીતે માણસ હું – હું કરીને રાડો પાડતો ફરે છે, પણ ખરેખર હું જેવી કોઈ વસ્તુ જ નથી. જેમ બાળક મોટું થતાં જાણી જાય છે કે જુ – જુ એ ફક્ત ભય ઉપજાવવા માટેનો જ શબ્દ છે, એવી રીતે જ્ઞાન થતાં માણસ જાણી જાય છે કે ‘હું’ ફક્ત અહંકારવાચક શબ્દ છે. જુ – જુની સમાન કલ્પિત અને જુઠ્ઠો.

પરમહંસદેવ કહેતા; ‘આ હું કેવો છે, તે જાણો છો? જેમકે ડુંગળી. ડુંગળીનાં ફોતરાં દૂર કરતાં કરતાં પછી ડુંગળી રહેતી જ નથી. એવી જ રીતે શરીરને લઈને વિચાર કરવાથી પછી ‘હું’ની ખબર પણ પડતી નથી.

મનુષ્ય કે જે આટલા ઊંડા પાણીમાં ડૂબેલો છે, સીધા માર્ગને છોડીને ગોરખધંધામાં ફસાયેલો છે, સૂકી જગ્યામાં રહેવા છતાં ઊંડા જળમાં ગોથાં ખાઈ રહ્યો છે, તેનું મૂળ કારણ એ છે કે તેણે ખોટા ‘હું’ને સાચો ‘હું’ માની લીધો છે. જ્યારે તેને એ જ્ઞાન થાય છે કે હું પણાનું જ્ઞાન એ નર્યું અજ્ઞાન છે અને અવિદ્યાનું બંધન છે. ત્યારે તેની સઘળી શંકાઓ નિર્મૂળ થઈ જાય છે. એનાં ધર્મ-અધર્મ, પાપ-પુણ્યની માન્યતાઓ દૂર થઈ જાય છે. અને પવિત્રતા અને અપવિત્રતા બંને સમાન થઈ જાય છે. તે જોઈ શકે છે કે તેના ગળાનો હાર ગળામાં જ રહેલો છે. તેનાં પૂજા-પાઠ, જપ-તપ, સઘળા ક્રિયાકાંડો બધું જ સમાપ્ત થઈ જાય છે. સમગ્ર વિશ્વમાં તેને ઈશ્વરનાં દર્શન થાય છે અને બીજું વધારે જે કંઈ તેને થાય છે, તે એ સ્થિતિએ પહોંચ્યા વગર કોઈ જાણી શકતું નથી.

હું ફલાણાનો પુત્ર છું, હું ફલાણો છું, શું તમે મને ઓળખતા નથી? જે ‘હું’ આ બધી વાતો કરે છે, તે જો કે મિથ્યા તો નથી. તો પછી તે શું છે, તે તમે જાણો છો? તે ઈશ્વર જ છે. આ તત્ત્વ, બુદ્ધિ કે વિચારથી જાણી શકાતું નથી. હજારવાર સાંભળવા છતાં પણ સમજાતું નથી. પરંતુ જ્યારે ભગવાન પોતે જ સમજાવી દે છે, બતાવી દે છે ત્યારે મનુષ્ય સમજી શકે છે અને ‘હું’ માંથી મુક્ત થઈ જાય છે. સૃષ્ટિમાં એક સિવાય બીજું કંઈ જ નથી. આ જીવજગતમાં તમે જે કંઈ જુઓ છો તે તે જ છે. માયાને લઈને જીવ બંધનમાં પડીને ‘હું, હું’ કરે છે. માયાનો ખેલ એવો મોહક છે, કે આ ‘હું’ તે જ છે, એ જાણવા જ નથી દેતો. માયાના આ ખેલથી જીવ મોહિત થયેલો છે, એટલે છેલ્લા શ્વાસ સુધી પણ તે માયાના આ ખેલને જાણી શકતો નથી. આ માયાનાં બે રૂપ છે. એક વિદ્યા માયા, અને બીજું અવિદ્યામાયા. જે બધા જીવો અવિદ્યામાયાના રાજ્યમાં છે, તેઓ કામ-કાંચનમાં ડૂબીને, બધું જ ભૂલી જઈને બેસુધ બની ખેલી રહ્યા છે. તેઓ માયાનો કોઈ જ ખેલ જોઈ શકતા નથી. દિવસ-રાત તેઓ એક જ નશામાં ડૂબેલા છે. અને જેઓ ભગવાનની કૃપાથી વિદ્યામાયામાં રહેલા છે, તેમને માયા પોતાનો ખેલ બતાવીને રમતાં રમતાં પોતાના ધામે પહોંચાડી દે છે. આવો મનુષ્ય કરોડોમાં એકાદ પણ ભાગ્યે જ જોવા મળે છે. જો એક એવો હોય છે તો તે પણ જગત્માતાનો લાકડો પુત્ર હોય છે. પણ યાદ રાખો કે આ લાડકો પુત્ર પણ હસવા-રડવાના ખેલથી મુક્ત નથી. જ્યાં સુધી ખેલ છે, ત્યાં સુધી માયાનું આધિપત્ય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશથી માંડીને જીવ-જંતુ બધાં જ માયાના ચક્રાવામાં ફરી રહ્યાં છે. માયાનું બંધન કેવું છે, તે તમે જાણો છો? એ ‘રબ્બર બેન્ડ’ જેવું છે. વસ્તુ જે પ્રકારની હોય તે પ્રમાણે ‘રબ્બર બેન્ડ’ લાંબુ ટૂંકું થાય છે. જો બાંધવાની વસ્તુ મોટી હોય તો તે લાંબુ બની જાય છે, અને જો વસ્તુ નાની હોય તો તે તે પ્રમાણે ટૂંકું થઈ જાય છે. વસ્તુ પછી ભલેને ગમે તેટલી સૂક્ષ્મ હોય, પણ તેણે આ બંધનની વચ્ચે જ રહેવું પડે છે. આ બંધનથી પર શું છે, તે હું જાણતો નથી અને તેનો કોઈ આભાસ પણ મને નથી. ભલે ગમે તેટલો માનીતો પુત્ર કેમ ન હોય, પણ બંધનમાંથી તેને મુક્તિ નથી. પણ આવું બંધન સ્તુત્ય છે અને દેવતાઓ પણ તેની ઇચ્છા કરે છે. કેમકે આ બંધનમાં કેવળ સુખ જ છે, દુ:ખ છે જ નહીં. આમાં બંધાયેલા મનુષ્યો માયાનો ખેલ જોતા જોતા જાય છે. અહીં પણ અવિદ્યાના બંધનની જેમ જ હાસ્ય-રૂદન છે, પણ આ હાસ્ય-રૂદન જુદા જ પ્રકારનું છે. એનું લક્ષણ એ છે કે એ બેહોશ નથી કરતું. માયાની કૃપાથી એનો આ ખેલ જોઈ શકાય છે. પણ એ સાંભળવાની કે કહેવાની વસ્તુ જ નથી.

‘હું’ની વાત ચાલતી હતી. માયા આ ‘હું’ને જાણવા નથી દેતી અને ‘હું’ પણ પૂરેપૂરો જતો નથી. મનુષ્યોને આ બધું જ બતાવવા માટે રામકૃષ્ણદેવે ઘણી બધી સાધનાઓ કરી હતી. તેઓ વારે-વારે કહેતા, ‘નાહં, નાહં તુંહું તુંહું’ અર્થાત્‌ હું નહીં, હું નહીં, તું, તું. જીવ ‘હું’ને છોડીને ક્યારે તું તું કરવા લાગે છે, એ સમજાવવા શ્રીરામકૃષ્ણદેવે આપેલા દૃષ્ટાંતને કહું છું તે સાંભળો.

ગાય એક પ્રાણી છે. એનું વાછરડું જન્મતાંની સાથે જ હમ્બા હમ્બા કહીને ભાંભરવા લાગે છે. હમ્બા હમ્બા એટલે કે ‘હું, હું’ પછી એ જ્યારે મોટું થાય છે ત્યારે ખેડૂત એને હળમાં જોડે છે કે ગાડામાં જોડે છે. અને તેની પાસેથી દિવસ-રાત કામ લે છે. તો પણ તે હમ – હમ કહીને ભાંભરવાનું છોડતો નથી. પછી તે વૃદ્ધ થઈ જાય છે. શરીરમાં માત્ર હાડકાંને ચામડાં જ રહે છે. અને તેના કામનો કોઈ અંત મળતો નથી તો પણ તે હમ્‌-હમ્‌નું જ રટણ કરતો રહે છે. પછી અંતે તે મરી જાય છે, ત્યારે તેના ચામડાંને ઉતરડીને, સાફ-સુથરું કરીને, બરાબર સરખું કરીને, તેનો ઢોલ બનાવવામાં આવે છે. તો આ સ્થિતિમાં પણ ચામડું તેના પર પીટવાથી હમ્‌-હમ્‌ જ બોલતું રહે છે. તેનું આ બોલવાનું બંધ થતું નથી. સૌથી છેલ્લે નસ, આંતરડાને પકાવીને એમાંથી તાંત તૈયાર કરવામાં આવે છે. તે સ્થિતિમાં પણ તેની અંદરમાં ‘હમ્‌’ તો રહેલું જ હોય છે. પછી જ્યારે પિંજારો એ તાંતને પોતાની પિંજણમાં લગાવે છે, અને તેને ખેંચે છે. ત્યારે પણ તે ધીમા અવાજે હમ્‌ હમ્‌ બોલે છે. પણ પછી જ્યારે પિંજારો આખરે ઘૂંટણભેર બેસીને જમણા હાથમાં હથોડી લઈને પિંજણને પકડીને તેના ઉપર વારંવાર હથોડી ઠોકે છે, ત્યાર પછી એ હંમેશ માટે તે ‘હમ્‌’ ને છોડીને ‘તુંહું તુંહું’ કરવા લાગે છે. જીવને આવી જ રીતે મહેનત કરાવીને, નચાવીને, મોઢામાંથી લોહી કાઢીને, ઊઠ-બેસ કરાવીને, ધન-સંપત્તિનો નાશ કરાવીને જો તેને સતત શોક-સંતાપથી જર્જરિત કરી દેવામાં આવે તો પછી તે ‘હમ્‌-હમ્‌’ નથી કરતો, ત્યારે તે કહે છે – ‘હે ભગવાન તું જ તું. જીવની આવી દુર્દશા ન થાય તો જે દુષ્ટ ‘હું’ તેની અંદર ઘૂસી ગયેલો છે, તે જાતો નથી. આ ‘હું’ની પોતાની માયા છે.

Total Views: 62

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.