વિવિધ સ્વરૂપો

આજે અસંખ્ય લોકો શ્રીરામકૃષ્ણને પોતાના ઈષ્ટ તરીકે અને ધ્યાનના દેવ તરીકે માને છે. ધ્યાનની રીતો અનેક છે. આપણે દિવ્ય રૂપનું, દિવ્ય ગુણોનું, દિવ્ય કાર્યો કે ઘટનાઓનું, જગદ્‌ગુરુઓના સંદેશોનું, શાસ્ત્રોમાંના કોઈ ખંડનું ઈ.નું ધ્યાન કરી શકીએ છીએ. સામાન્ય રીતે ભક્તો દિવ્ય રૂપોનું ધ્યાન કરે છે કારણ, કોઈ મંત્રનો કે કોઈ દિવ્ય નામનો જપ ભક્તો કરે છે ત્યારે, એ દિવ્ય રૂપ એમનાં ચિત્તમાં પ્રગટ થાય છે. આપણાં ચિત્તની મલિનતાને કારણે, ધ્યાન માટે આપણી આંખો આપણે બંધ કરીએ છીએ ત્યારે, આપણને અંધકાર, ગાઢ ઝાકળ જેવું કંઈ કે આપણા ઈષ્ટનું એકાદ અંગ દેખાય છે. પણ જેમનાં ચિત્ત વિશુદ્ધ અને સંસારની તૃષ્ણાઓથી મુક્ત છે તે સૌ પોતાના ઈષ્ટ દેવનું તેજસ્વી, કૃપાળુ, પૂર્ણ સ્વરૂપ નિહાળે છે. સ્વામી બ્રહ્માનંદ કહેતા કે, ‘ધ્યાનનો તમે અભ્યાસ કરો ત્યારે, તમારા ઈષ્ટના કરુણાળુ રૂપનું ચિંતન કરો. એથી તમારા જ્ઞાનતંતુઓ તનાવ વિનાના થશે. તમારા ઈષ્ટ તમારી પ્રત્યે હસતે મુખે અને આનંદથી જુએ છે, તેમ વિચારો. નહીં તો તમારું ધ્યાન શુષ્ક અને કંટાળાભર્યું થશે.’

એક કેનેડિયન મહિલાએ મને એકવાર કહ્યું કે : ‘રામકૃષ્ણ કરતાં મને વિવેકાનંદ વધારે ગમે છે.’

‘શા માટે?’ મેં પૂછ્યું.

એણે ઉત્તર આપ્યો કે : ‘વિવેકાનંદ રૂપાળા છે તે કારણે.’

હું હસી પડ્યો ને બોલ્યો : ‘એકવાર એક ભક્તે સ્વામી વિજ્ઞાનાનંદને કહ્યું કે, ‘સ્વામી, શ્રીરામકૃષ્ણનું ચિત્ર જોતી વેળા અમને પ્રભાવશાળી વ્યક્તિત્વ દેખાતું નથી પણ, સ્વામી વિવેકાનંદના ચિત્રમાં મહાન વ્યક્તિત્વ અંકિત છે.’ સ્વામી વિજ્ઞાનાનંદે જવાબ આપ્યો કે : ‘એ સાચું નથી. ઠાકુર તો અસાધારણ અને અદ્‌ભુત વ્યક્તિ હતા. કુંડલિનીનાં છયે કેન્દ્રોમાંથી તેઓ પસાર થયા છે તે એમનું ચિત્ર દાખવે છે. એમનું ઈશ્વરમસ્ત રૂપ જોઈને આપણને લાગે છે કે તેઓ આનંદસાગરમાં નિમજ્જિત છે અને બધાં કેન્દ્રો પાર કરી ગયા છે. ઠાકુરના એ ચિત્રમાં મને અનેક દિવ્ય રૂપોનું દર્શન થાય છે. એમનામાં કેવી મહાન શક્તિ હતી! પોતાની ઇચ્છા મુજબ તેઓ સૂર્યલોકમાં, ચંદ્રલોકમાં, તારકલોકમાં કે બ્રહ્મલોકમાં વિહરી શકતા. એકવાર ઠાકુરે મને પોતાની છબી બતાવી અને કહ્યું : ‘જો, હું આમાં વસું છું. મારું ધ્યાન કર.’ ઠાકુરની છબીમાં બધું જ સાંપડે છે.’

મહાન સંત વિવેકાનંદે ઠાકુરની સાંધ્ય આરતી લખી ત્યારે એમણે લખ્યું હતું કે : ‘જ્ઞાનાંજન વિમલનયન, વીક્ષણે મોહ જાય.’ આ અર્વાચીન યુગમાં લેય્‌ઝર કિરણ આંખોમાંથી મોતિયા ઝડપથી દૂર કરે છે તેમ, ઠાકુરની દિવ્ય દૃષ્ટિને સર્વ સંસાર બંધનોએ અને મનનાં પડળોને દૂર કરી શકે છે.

ઈશ્વર સાકાર કે નિરાકાર, સગુણ કે નિર્ગુણ? આ સવાલ કોઈએ ઠાકુરને કર્યો ત્યારે, એમણે નીચે આપેલી વાર્તા કહી : ‘એક માણસ જંગલમાં દાખલ થયો અને એણે એક ઝાડ પર બેઠેલો કાકિંડો જોયો. પોતાના મિત્રોને એણે કહ્યું કે, ‘મેં લાલ ગરોળી જોઈ.’ એ લાલ જ છે એવી ખાતરી એને હતી. એ ઝાડ પાસેથી પસાર થનાર બીજા એકે કહ્યું કે, ‘મેં લીલી ગરોળી જોઈ.’ એ લીલી જ છે એવી તેને પાછી ખાતરી હતી. પણ એ ઝાડ નીચે રહેનારે કહ્યું કે : ‘તમે બંનેએ કહ્યું છે તે ખરું જ છે. પણ હકીકતે, એ પ્રાણી કોઈવાર રાતું, કોઈવાર લીલું, કોઈવાર પીળું અને કોઈવાર વળી રંગ વગરનું પણ હોય છે.’

આ વાર્તા કહીને શ્રીરામકૃષ્ણ નિર્દેશતા હતા કે, તેઓ પોતે પેલા કાકિંડા જેવા હતા અને બધા ધર્મોના અનુયાયીઓ એમની પાસે જઈને આધ્યાત્મિક સિદ્ધિ પામશે. ઠાકુરના આધ્યાત્મિક ભાવોને સીમા ન હતી. ‘અનંત આધ્યાત્મિકતાની મૂર્તિ ઠાકુર હતા.’ એમ વિવેકાનંદે કહ્યું હતું. સ્વામી સારદાનંદે લખ્યું છે કે, ‘ઈશ્વર અમર્યાદ છે એમ ઠાકુર કહેતા. ઠાકુરનો આધ્યાત્મિક ભાવ પણ અમર્યાદ હતો તે અમે જોયું છે.’ શ્રીરામકૃષ્ણ શું હતા તેનું પૂરું વર્ણન કરવું અશક્ય છે, ગિરીશચંદ્ર ઘોષે આ બાબતે લખ્યું છે કે : ‘શ્રીરામકૃષ્ણને આટલી બધીવાર જોયા પછીયે, વાસ્તવમાં એ પોતે કે એમના લાક્ષણિક ભાવો શું છે તે કહેવું મારે માટે શક્ય નથી. જુદે જુદે પ્રસંગે મેં એમને જુદાં જુદાં રૂપો પ્રગટ કરતાં જોયાં છે. દાખલા તરીકે પાણિહાટીના ઉત્સવ પ્રસંગે, ઠાકુરને વિવિધ આધ્યાત્મિક ભાવોમાં મેં જોયા છે. તે ઘડીથી હું કહી શકું એમ નથી કે તેઓ પુરુષ છે કે પ્રકૃતિ છે. પોતે પુરુષ છે કે પ્રકૃતિ એ હકીકત એ પોતે પણ જાણતા નથી એમ તેઓ જાતે કહેતા.’

ઠાકુરની આરસની પ્રતિમાની માટીની પૂર્વાકૃતિ પર મંજૂરીની મહોર મારવા એકવાર સ્વામી બ્રહ્માનંદને સ્વામી સારદાનંદે કહ્યું. બ્રહ્માનંદ બોલ્યા : ‘ઠાકુરના ક્યા સ્વરૂપને હું માન્યતા આપું? એક જ દિવસે અનેક રૂપો ધારણ કરતા એમને મેં જોયા છે. કોઈવાર એ દૂબળા, ક્ષીણકાય અને અવ્યવસ્થિત વાળવાળા જોવા મળે; કોઈવાર સમાધિમગ્ન અને પ્રકાશમય દેહધારી દેખાય; તો કોઈકવાર પોતાના સાધારણ સ્વરૂપ કરતાં તેઓ ક્યાંય ઊંચેરા’ ને બળવત્તર દેખાય અને પરસાળમાં મોટી ડાંફ ભરી ચાલતા દેખાય.’ ઠાકુર અનેકરૂપી હતા એમ એમના અંતેવાસીઓએ પ્રમાણ્યું હતું : ધારે ત્યારે તેઓ પોતાનું સ્વરૂપ બદલાવી શકતા.

દેવરૂપના પડછાયા ન પડે એમ શાસ્ત્રો કહે છે. પોતાના પુત્ર સ્વામી અંબિકાનંદને નિસ્તારિણી ઘોષે કહ્યું હતું કે, ‘ઠાકુરે એકવાર જોયું કે પોતાનું શરીર પારદર્શક ત્રિપાશ્ર્વ કાચ જેવું છે. એમના દેહનો પડછાયો પડતો ન હતો. આ નિહાળીને ઠાકુરે પ્રાર્થના કરી કે, ‘મા, આ વળી શું? આ દિવ્ય રૂપને ભીતર વાળી દો. એને દબાવી દો નહીં તો, ભયથી લોકો અહીં નહીં આવે. બીજાં માનવીઓની જેમ, મારે સૌની સાથે ભળવું છે.’

શ્રીરામકૃષ્ણનો શારીરિક દેખાવ

શ્રીરામકૃષ્ણની દૈવી અવતાર વિશેની બે અગત્યની નોંધો સાંપડે છે : એક – શ્રીરામકૃષ્ણ કથામૃત; એમના ફોટોગ્રાફો તે બીજી. ઠાકુરના રોજિંદા જીવનની અને બોધોની શ્રીમ.એ ઝીણવટપૂર્વક નોંધ કરી છે. બીજા કોઈ અવતાર સંબંધી આવી નોંધો સાંપડતી નથી. ઠાકુરના ફોટોગ્રાફો એમના દૈહિક દેખાવનો ચોક્કસ ખ્યાલ પૂરો પાડે છે પણ, બીજા અવતારોનાં સ્વરૂપોની આપણે કલ્પના કરવી પડે છે. ઠાકુર પોતાની છબીની પૂજા કરતા અને કહેતા કે : ‘સમય વીતતાં આ છબી ઘરેઘરમાં પૂજાશે.’

એક સાધુએ એકવાર પૂજ્ય શ્રીમાને પૂછ્યું કે : ‘ઠાકુર શું છબીમાં વસે છે?’ ‘ચોક્કસ વસે છે’, એમણે ઉત્તર વાળ્યો. દેહ અને એની છાયા એક જ છે. અને એમના દેહની છાયા સિવાય આ છબી બીજું શું છે?’

પોતાના ધ્યાનને તીવ્ર કરવા માટે કેટલાક લોકો નિયમિત રીતે ત્રાટક કરે છે. એ મુજબ, ઠાકુરની છબી કે ધ્યાનના અન્ય કોઈ પદાર્થ પર ધ્યાતા આંખનું મટકું માર્યા વિના, તાકી રહે છે. આંખો તણાય ત્યારે, આંસુ ઝરે છે; પછી આંખો બંધ કરીને એ વ્યક્તિ હૃદયમાં ધ્યાન કરે છે. પોતાના દૈહિક સૌંદર્યનું ઠાકુરે પોતે કરેલું વર્ણન પણ સાધકને ધ્યાનમાં સહાય કરે છે : ‘એ કાળે મારા દેહનું સૌંદર્ય એવી રીતે પ્રકટ થતું કે, લોકો મારી સામે તાકી રહેતા,’ એમ ઠાકુરે કહ્યું છે. ‘મારો ચહેરો અને મારી છાતી હંમેશાં લાલ રહેતાં અને મારા દેહમાંથી એક પ્રકારનું તેજ પ્રગટતું. લોકો મારી સામે તાકી રહેતા એટલે મારી જાતને હું ચાદરથી ઢાંકી રાખતો. હું માતાજીને પ્રાર્થના કરતો કે, ‘મારું બાહ્ય સૌંદર્ય લઈ લો, મા. મને અંદરનું સૌંદર્ય આપો.’ મારે શરીરે હાથ ફેરવી એના પર વારંવાર હાથ પછાડતાં કહેતો કે : ‘અંદર ચાલી જા, ચાલી જા અંદર.’ થોડા દહાડા પછી, આજે તમને દેખાય છે તેવી, મારી ચામડી ઝાંખી પડી ગઈ.’

એકવાર વાતચીત કરતાં પૂજ્ય શ્રીમાએ ઠાકુરના શારીરિક દેખાવનું વર્ણન કરતાં કહ્યું હતું કે :

એમનો વર્ણ સોનાના વર્ણ જેવો હતો. એમના હાથ પરના સોનાના તાવીજના વર્ણ સાથે એમનો વર્ણ ભળી જતો હતો. હું એમને તેલ ચોળું ત્યારે એમના સમગ્ર શરીરમાંથી તેજ આવતું દેખાતું. મંદિરમાંના પોતાના ઓરડામાંથી તેઓ બહાર આવે ત્યારે લોકો હારબંધ ઊભા રહી જાય અને બોલે : ‘અરે! જુઓ તો, એ જાય છે!’ તેઓ ઠીક ઠીક મજબૂત હતા. મથુરબાબુએ બેસવા માટે નીચી પાટ આપી હતી. એ જરા પહોળી હતી પણ જમવા માટે પલાંઠી વાળીને બેસાય એટલી મોટી એ ન હતી. ધીમે પણ દૃઢ પગલે, તેઓ ગંગાસ્નાન કરવા જતા ત્યારે, આશ્ચર્યસભર બનીને લોકો એમને જોઈ રહેતા. તેઓ કામારપુકુર જાય અને ઘરની બહાર નીકળે ત્યારે બધાં સ્ત્રી-પુરુષો તાકીને જોઈ રહેતાં. એકવાર તેઓ ભૂતિની નહેર તરફ જતા હતા અને, પાણી ભરી લાવતી કેટલીક સ્ત્રીઓએ એમને જોયા. ફાટે મુખે તેઓ સૌ ઠાકુર તરફ જોવા લાગી અને બોલી ઊઠી: ‘જુઓ, જુઓ, તેઓ જાય છે!’ ઠાકુરને મેં કદી દુ:ખમય જોયા નથી.

ઠાકુરની ભત્રીજી લક્ષ્મીને કોઈએ પૂછ્યું હતું : ‘સમાધિમાં ઠાકુરનો દેહ શી સ્થિતિમાં હોય છે?’

એણે જવાબ આપ્યો કે : ‘સમાધિ દરમિયાન ઠાકુરનો દેહ જડ થઈ જાય છે. એમની આંખોમાંથી આંસુ સરે અને કોઈકવાર એમના પેટની બંને બાજુઓ થોડી ધ્રૂજે. ત્યારે તેઓ ખૂબ સુંદર દેખાય અને, એમના મુખ ફરતી આભા દેખાય.’

એકવાર એક ભક્તને સ્વામી અદ્‌ભુતાનંદે કહ્યું કે : ‘જુઓ, આપણે ક્યારેક કંઈક જોઈએ છીએ કે તરત જ તે આપણા મનને વીંધી અંદર પ્રવેશે છે. ઠાકુરને મેં અનેકવાર સમાધિમાં જોયા છે પણ, એકવાર એમને મેં અનન્ય અને સુંદર રૂપમાં જોયા. એમનો વર્ણ બદલાયો હતો અને, એમની મુખમુદ્રા પર અભય અને કરુણા વર્તાતાં હતાં. ઠાકુરનું એ રૂપ હું આજેયે ભૂલી શકું તેમ નથી.’

પોતાના પુસ્તક ‘શ્રીશ્રી રામકૃષ્ણ મહિમામાં અક્ષયકુમાર સેને લખ્યું છે કે : ‘એમનું ભાલ વિશાળ હતું અને એમના હોઠ સુંદર વળાંકવાળા અને આછા લાલ રંગના હતા. યમુનાની સપાટી પર વાતો મંદ પવન જલસપાટી પર તરંગો પેદા કરે છે તેમ, એમનું હાસ્ય ગંભીર ચાંદનીને ઝીલતા સરિતા તરંગ જેવું હતું. એમની ડોક સપ્રમાણ હતી અને, એમનો સ્વર બંસીના સ્વર જેવો હતો. એમનું વક્ષસ્થળ વિશાળ હતું અને હાથ ગોઠણ સુધી પહોંચતા; એમના પગ કલાસભર હતા અને એમનાં પગનાં તળિયાં સંતરાં કરતાંયે સુંવાળાં હતાં. એમનો સ્પર્શ સંસારીને અધ્યાત્મ પુરુષમાં પરિવર્તિત કરતો. એમનો સમગ્ર દેહ દૈવી ગુણોથી ઓેપતો હતો.

‘મનુષ્યરૂપમાં ઈશ્વરને જોવો અતિ કઠિન છે. ઈશ્વર ગમે તે રીતે અને ગમે તે સ્વરૂપમાં આવે, એ પોતે પોતાને જાણવાની શક્તિ કોઈને આપે નહીં ત્યાં સુધી કોઈ એને ઓળખી શકે નહીં. એનો સાક્ષાત્કાર દિવ્ય ચેતના દ્વારા જ થઈ શકે. પૂરા પ્રકાશમાં જે સ્પષ્ટ રીતે હું કોઈ ચીજને જોઈ શકું છું તે જ સ્પષ્ટતાથી મેં જોયું હતું કે ઠાકુરનો દેહ વિશુદ્ધ ઘનીભૂત ચેતના છે. અતિશય ઠંડી પાણીનો બરફ કરે છે તેમ, ઠાકુરની એકનિષ્ઠ ભક્તિએ એમના દેહને વિશુદ્ધ ચેતનામાં રૂપાંતરિત કર્યો હતો.’

‘શ્રીરામકૃષ્ણેર અનુધ્યાન’ નામના પોતાના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદના ભાઈ મહેન્દ્રનાથ દત્તે ઠાકુરનું વર્ણન નીચે મુજબ આપ્યું છે :

દક્ષિણેશ્વરના રામકૃષ્ણ પરમહંસને પહેલીવાર મેં કોલકાતામાં જોયા. એમની આકૃતિમાં મને કશી વિશેષતા ન જણાઈ. એમનો વાન કાળો ન હતો. પણ, સરેરાશ કોલકાતાવાસીના વાન કરતાં એ વધારે ઉજળો ન હતો. એમની દાઢી કાપેલી હતી. એમની આંખો સામાન્ય હતી પણ એમની પાંપણો વારંવાર ઉઘાડબીડ થતી. એમના હોઠ પાતળા ન હતા, અરે, એમનો નીચલો હોઠ જરા જાડો હતો. એમના ઉપરના થોડાક દાંત દેખાતા. કોણીઓ સુધી વાળેલી બાંયો વાળું પહેરણ તેઓ પહેરતા. થોડી વેળા પછી પોતાનું પહેરણ કાઢી એમણે બાજુએ મૂક્યું અને ધોતિયાનો એક છેડો પોતાને ખભે ચડાવ્યો. ઓરડામાં ખૂબ ગરમી હતી અને તાડછાના મોટા પંખા વડે એક માણસ એને પંખો નાખી રહ્યો હતો. એમની ભાષા કોલકાતાના ભણેલા લોકોના જેવી ન હતી; એ ગામઠી હતી. બોલતી વેળા એમની જીભ જરા થોથરાતી. પશ્ચિમ બંગાળના પશ્ચિમ ભાગના લોકો જેવું એમનું ઉચ્ચારણ હતું. ‘ન’ ને સ્થાને એ ‘લ’ બોલતા – ઉ.ત., ‘મે’ લરેનને કહ્યું, (‘નરેન’ને બદલે ‘લરેન’). પોતાની સાથેના બટવામાંથી અવારનવાર તેઓ તેજાનો (મુખવાસ) ખાતા.’

પોતાને મળેલા વિવિધ લોકો પાસેથી ઠાકુરનાં વિવિધ વર્ણનો સ્વામી નિર્લેપાનન્દે ભેગાં કર્યાં હતાં.

સ્વામી સારદાનંદજી મહારાજ પાસેથી આ પ્રમાણે વર્ણન મળે છે : ‘ઠાકુરનું મસ્તક સરસ ઘાટવાળું હતું અને એમનો વાંસો સીધો દીવાલ જેવો હતો – અર્થાત્‌, વાંકવળાંક વગરનો, એમનાં મુખ અને છાતી સુંવાળાં અને પૂર્ણ વિકસિત હતાં. (કોઈનાં મસ્તક અને શરીરના ઘાટ પરથી એ વ્યક્તિની પ્રકૃતિ જાણી શકાય.) મેં ઠાકુરને જોયા ત્યારે એમનો વર્ણ ઊજળો હતો, સ્વામી બ્રહ્માનંદના વર્ણ કરતાં થોડો વધારે આછેરો હતો. એમની છાતીએ થોડા વાળ હતા પણ (હસીને), મને છે તેટલા નહીં, સામાન્ય માનવીના હોય છે તેના કરતા એમના હાથ વધારે લાંબા હતા પણ તે એમના ગોઠણ સુધી પહોંચતા ન હતા. નહીં તો એ વિકૃત દેખાત.’

વિવેકાનંદના પિતરાઈ તમુ દત્ત અનુસાર : ઠાકુરના કાન ભમ્મરથી નીચેરા હતા. એમના ચિત્રના નિરીક્ષણથી આ જાણી શકાય છે. એમની આંખો વિશાળ અને સુંદર હતી. એમનાં પગનાં તળિયાં બહિર્ગોળ હતાં.’

ઠાકુરની આરસની પ્રતિમા માટેના માટીના નમૂનાને તપાસીને સંમતિની મહોર મારવા સ્વામી બ્રહ્માનંદને સ્વામી શારદાનંદે પૂછ્યું હતું તેનો ઉલ્લેખ અગાઉ આવી ગયો છે. મહારાજ સ્ટુડિયોમાં ગયા, ત્યાં એમણે નમૂનો તપાસ્યો અને પછી શિલ્પીને પૂછ્યું કે : ‘તમે પ્રતિમાની પીઠ વળેલી શા માટે કરી છે? બેસતી વેળા તેઓ કદી પીઠ વાળતા નહીં.’

શિલ્પીએ કહ્યું કે : ‘શરીરરચના શાસ્ત્રના માપ અનુસાર, માણસ તે રીતે બેસે તો એ થોડોક વંકાય એમ માનવામાં આવે છે.’ સ્વામી બ્રહ્માનંદે કહ્યું કે : ‘ઠાકુરના હાથ ખૂબ લાંબા હતા ને એ અસામાન્ય જ છે.’ ઠાકુરના કાન સંબંધી સ્વામીએ કહ્યું કે, એમના કાન આંખની સપાટીથી નીચેરા હતા.’ પછી શિલ્પીએ નમૂનામાં સુધારાવધારા કર્યા તે પછી સ્વામી બ્રહ્માનંદ ફરી સ્ટુડિયોમાં આવ્યા અને પોતાની મંજૂરીની મહોર મારી ગયા.’

ઠાકુરના દૈહિક સૌંદર્યનું વર્ણન વૈકુંઠનાથ સાન્યાલે કાવ્યમય રીતે કર્યું છે :

ઠાકુરને મેં પહેલવહેલા જોયા ત્યારે, એમનાં દેહયષ્ટિ ઊંચી કે નીચી ન હતી; પણ એમના હાથ સરેરાશ કરતાં થોડા લાંબા હતા. કોઈ અદૃશ્ય દેવનું તેઓ પૂજન કરતા હોય તેમ એમના હાથ બીડાયેલા હતા. એમની છાતી વિશાળ અને લાલ હતી; હળદર અને લાલ રંગના મિશ્રણ જેવો પણ થોડો તડકો ખાધેલા જેવો હતો. એમના હોઠ કંકુવરણા હતા. એમની આંખો મોટી હતી અને ઈશ્વર નામનાં ગુણગાન સાંભળતી વેળા બંધ રહેતી. સમાધિમાંથી નીચે ઊતરવા માટે તેઓ ‘ગોવિંદ, ગોવિંદ’ બોલતા અને પોતાની આંખો ચોળતા. એમની દાઢી અને એમના કેશ મધ્યમ લંબાઈનાં હતાં પણ હંમેશાં અવ્યવસ્થિત રહેતાં. તેઓ પાતળી લાલ કિનારનું ધોતિયું પહેરતા અને એનો એક છેડો એમને ખભે રહેતો. એમના પેટ ઉપર કેટલાંક લાલ ગોળાકાર નિશાનો હતાં; એમની વધતી બરોળના ઈલાજ માટે, ગામડાના કોઈ વૈદે દીધેલા ડામનાં એ ચિહ્‌નો હતાં. એમની દેહાકૃતિ દૃઢ અને બળવાન હતી, પણ પછીથી એ શિથિલ અને કોમળ થઈ ગઈ હતી.

(ક્રમશ:)

Total Views: 46

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.