શાળામાં કેવી રીતે મૂલ્યશિક્ષણ આપવું?

વર્તમાન શિક્ષણપદ્ધતિ ભલે ઊણપોભરી હોય અને મૂલ્યલક્ષી શિક્ષણ માટે અનુચિત પણ લાગે; વળી તે સાવ ઔપચારિક અને પરીક્ષાલક્ષી પણ હોય તોયે મૂલ્યોનું વિદ્યાર્થીઓમાં સંક્રમણ કરવું એ શૈક્ષણિક સંસ્થાઓની વર્તમાન વિષમ પરિસ્થિતિમાં પણ શક્ય છે. આ વાત આપણે છેલ્લા ત્રણ સંપાદકીય લેખોમાં જોઈ ગયા. વિહંગાવલોકન કરતાં મૂલ્યશિક્ષણ આપવામાં નડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે સ્વામી વિવેકાનંદે આપેલી ગુરુચાવી જેવી કેટલીક સંકલ્પનાઓ આપણે નજર સમક્ષ રાખવી રહી :

૧. એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહિ. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો નેવું ટકા ભાગ વ્યર્થ જાય છે, અને તેથી તે સતત ભૂલો કર્યા કરે છે; કેળવાયેલું મન અથવા માણસ કદી ભૂલો કરે નહિ. (૭.૬૪) .. ધન મેળવવામાં કે ઈશ્વરની આરાધના કરવામાં કે કોઈ કાર્યમાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે. (૫.૧૧૨).. મનને એક વસ્તુ પર એકાગ્ર કર્યા પછી આપણી મરજી મુજબ તેને તેમાંથી અલગ પાડી દઈ શકાતું નથી. આ અવસ્થા બહુ દુ:ખદાયક નીવડે છે.. તેથી એકાગ્રતાની શક્તિ સાથે જ અલગ થવાની શક્તિ પણ કેળવવી જોઈએ. આપણે મનને એક જ વસ્તુ પર પૂરેપૂરું કેન્દ્રિત કરતાં શીખવું જોઈએ, એટલું જ નહિ; પણ એક ક્ષણમાં જ તેને તેનાથી વેગળું કરી દઈને બીજી વસ્તુ પર પણ લગાડતાં આપણને આવડવું જોઈએ. (૮.૭૫) ..બાલ્યાવસ્થામાં જ એકાગ્રતાની તેમજ અલિપ્તતાની શક્તિ સાથોસાથ જ કેળવવી જોઈએ. (૮.૭૫)

૨. આપણું દુર્ભાગ્ય એ છે કે એકાગ્રતાની અને અલિપ્તતાની શક્તિ કેળવવા અને સાર્વત્રિક વિકાસ સાધવા આપણે આપણી ઇચ્છાશક્તિને સમૃદ્ધ કરી નથી અને એને સુયોગ્ય રીતે કેળવી પણ નથી. એટલે જ સ્વામીજી આ માટે આગળ આ શબ્દોમાં વાત કરે છે :

સફળ થવા માટે તો તમારામાં જબરદસ્ત ખંત હોવો જોઈએ, પ્રબળ ઇચ્છાશક્તિ હોવી જોઈએ, ‘હું સાગર આખો પી જઈશ, મારી ઇચ્છાશક્તિના જોરે પર્વતોના ચૂરા થઈ જશે,’ ખંતીલો જીવ તો એમ બોલે. એ પ્રકારનો ઉત્સાહ રાખો, એ જાતની ઇચ્છાશક્તિ કેળવો, તો તમે ધ્યેયે પહોંચશો જ. (૩.૧૪૧)

આવી પ્રબળ ઇચ્છાશક્તિ વિના કોઈ પણ વ્યક્તિ પોતાના નિશ્ચિત ધ્યેય સુધી પહોંચી શકતી નથી; કેળવણી એટલે માત્ર પરીક્ષામાં ઉત્તમ ગુણે સફળ થવું એ નથી પણ કેળવણીમાં તો એક એવી તાલીમ મળે છે કે જેના દ્વારા ઇચ્છાના પ્રબળ પ્રવાહ અને તેની અભિવ્યક્તિને સંયમ-નિયમમાં રાખી શકાય અને સર્વજનહિતાય સર્વજનસુખાયના ઉદાત્ત અને ઉમદા હેતુ માટે એનો ઉપયોગ થાય.

જો ઉપર્યુક્ત ભૂમિકા પર સારી રીતે કેળવણી અપાય તો વિદ્યાર્થીના ચારિત્ર્યઘડતરનું કાર્ય સહજ-સરળ બની જાય અને વિદ્યાર્થી પોતાના પગ પર ઊભા રહેવાની શક્તિ કેળવી શકે છે. એ દ્વારા એ પોતાને અને સમાજને બંનેને ઉપયોગી બની શકે છે.

મૂલ્યશિક્ષણ માટેનાં કેટલાંક આવશ્યક સૂચનો

* પહેલાં તો બાળકો સમક્ષ કોઈ અનુસરણીય આદર્શ હોવો જોઈએ. આ આદર્શ એમણે પોતાની નજર સમક્ષ હંમેશાં રાખવો જોઈએ. આ આદર્શ વિદ્યાર્થી પોતાની જ મેળે પસંદ કરે એ જ હિતાવહ છે.

* માતપિતા કે શિક્ષકો બાળકોને પોતાની સ્વપ્નની દુનિયામાં જ જકડી રાખે એ નાદુરસ્ત વાત છે. બાળકોને પોતાના અભ્યાસ, કારકીર્દિ વગેરેની પસંદગી એમની મેળે જ કરવા દો. જ્યારે જરૂર લાગે ત્યારે એમને માર્ગદર્શન આપો કે સહાય કરતા રહો.

* માણસ જ પોતાનું ભાગ્ય પોતાના હાથે ઘડે છે. એટલે કે દરેક વિદ્યાર્થી પોતાનો ભાગ્યવિધાતા છે. એ મુશ્કેલ છે પણ અશક્ય નથી. પોતાનું ભાગ્ય ઘડવા માટે સૌ પ્રથમ તો શ્રદ્ધા અને આત્મવિશ્વાસ હોવાં જોઈએ. બાળકમાં શ્રદ્ધા અને આત્મવિશ્વાસની ધીમે ધીમે ક્રમશ: સંવૃદ્ધિ થતી રહે એ માટે શાળામાં કે ઘરમાં શિક્ષકો કે માતપિતાએ અનુકૂળ વાતાવરણ ઊભું કરવું પડે.

* મૂલ્યલક્ષી કેળવણી એ કોઈ ‘આવું કરો’ અને ‘આવું ન કરો’ની માત્ર આદેશાત્મક પ્રક્રિયા નથી.

* જ્ઞાન અને પોતાના સદાચરણના ઉદાહરણ દ્વારા શિક્ષકો કે માબાપે બાળકોને પ્રેરવાં જોઈએ.

* બાળકના સર્વાંગી ઘડતર માટે બાળ, કિશોર અને તરુણોના મનોવિજ્ઞાનના જ્ઞાનની પ્રબળ ભૂમિકા શિક્ષકો અને માબાપમાં હોવી જોઈએ. બાળક પર પ્રભાવ પાડતા વાતાવરણનાં વિવિધ પરિબળો વિશેની સાચી સમજણ પણ એમણે કેળવવી જોઈએ.

* બાળકનાં ક્રિયાવર્તનોનું વ્યક્તિગત સુક્ષ્મ નિરીક્ષણ અને બાળકોને જરૂરી તથા સુયોગ્ય માર્ગદર્શન આ બંને વસ્તુ એમના સાચા વિકાસ માટે જરૂરી છે.

* દરેક નાના બાળકમાં નિર્દોષ નિર્મળ મન છે. એમનામાં સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌ માટે સ્વયંભૂ પ્રેમભાવ હોય છે.

* માતપિતા અને શિક્ષકોએ હંમેશાં બાળકમાં રહેલ ઉમદા ગુણોને જાણવા જોઈએ અને એની પ્રશંસા પણ કરવી જોઈએ. એમની ઊણપો પર જ ધ્યાન કેન્દ્રિત કરવું ન જોઈએ. અલબત્ત, એને અપરોક્ષ રીતે સુધારવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ.

* ક્યારેક બાળકો અણછાજતું વર્તન કરે છે કે એવી કુટેવો પાડી બેસે છે ત્યારે બાળકો પ્રત્યે કઠોર વર્તન ન રાખવું જોઈએ. વિનમ્રતા અને વિવેકથી એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાળકો ખરેખર સૂક્ષ્મ નિરીક્ષણ કરતા હોય છે. તેઓ માતપિતા અને શિક્ષકોના દોષોને પણ જોઈ શકે છે.

* જો ઈરાદો સારો હોય તો ક્યારેક સજા પણ એક સારો ઈલાજ છે. પણ એમાં બાળકની સાર્વત્રિક સુધારણા અને એના કલ્યાણની ખેવના તેમજ સદિચ્છા હોવાં જોઈએ. ખરેખર તો સાચો પ્રેમ હોય તો આ થાય. આટલું યાદ રાખવું જોઈએ કે તમારા ઈરાદાઓ વિશે બાળકમાં સ્વાભાવિક સમજણ હોય છે.

* માતપિતાએ આટલું યાદ રાખવું જોઈએ કે ઉદ્ધતાઈ ભરેલું વર્તન કે અવડચંડિલાઈ સાથેના તોફાન-ટિખળ એ બાળકમાં રહેલી વધારાની શક્તિ કે ઊર્જાનું પરિણામ છે. એ ઊર્જાને કે શક્તિને યોગ્ય દિશામાં વાળવામાં જ સાર છે.

* અતિપ્રેમ એ બાળકને બગાડે છે, એને બીચારો બાપડો બનાવી દે છે. બાળકને કોઈ પણ કાર્ય માટે તમારી પાસે કે બીજા પાસે સહાય માટે દોડી જવું પડે એવું ન કરો. એટલે કે માતપિતા અથવા શિક્ષકે બાળક પ્રત્યે પ્રેમ કે હૂંફ રાખવામાં થોડી આવશ્યક દૃઢતા પણ રાખવી જરૂરી છે.

* માતપિતા અને શિક્ષકોએ હંમેશાં બાળકને શાંત, શક્તિવાન, સ્થિર, ધીર અને નિષ્ઠાવાન બનતાં શીખવવું જોઈએ. બાકીનું બીજું બધું તો એની મેળે થઈ રહેશે.

* બાળકોને બધુંય વગરવિચાર્યે આંખ મીંચીને ‘સ્વીકારી લેવાનું છે’ એવું કરતાં બનાવી ન દેશો. એને ગળે આટલી વાત માતપિતા અને શિક્ષકોએ ઉતારવી જોઈએ કે જ્યારે એને કોઈ પણ બાબતમાં પાકી ખાતરી થાય કે એમના માટે અને બીજા માટે એ સારું છે ત્યારે જ એને અનુસરવા કહેવું.

* બાળકમાં નિખાલસતા નિખરી આવે એ માટે હંમેશાં પ્રેરવા જોઈએ. બાળક પોતાનાં દોષખામીને છુપાવે નહિ એવું વલણ કેળવે એ જોવું જોઈએ.

* નાનાં બાળકો માટે શિક્ષકો અને માબાપ પોતે જ એમના આદર્શ અને અનુસરણીય વ્યક્તિ છે. એમનાં શિક્ષકો કે માતપિતા જે કંઈ કહે કરે એને તેઓ હંમેશાં અનુસરવાના અને એમાં શ્રદ્ધાવિશ્વાસ પણ રાખવાનાં.

* ભય એ જ બધાં દુ:ખપીડાનું મૂળ છે એટલે બાળકો નિર્ભય બને અને હિંમતવાન બને તે રીતે તેમને કેળવવાં જોઈએ.

* શિક્ષકો કે માતપિતા માટે બાળકો એ જ એમની સાચી અને કીમતી મૂડી છે. એટલે સમય કાઢીને એમની સાથે ગાળો.

* બાળકોની બીજા સાથે સરખામણી ન કરો. દરેક બાળકનું એક અનન્ય વ્યક્તિત્વ છે. બધા બાળકોમાં વિશિષ્ટ ગુણવત્તા હોય છે કે જેને લીધે તે બીજાથી અલગ પડે છે. એમની ભીતર પણ અનંત શક્યતાઓ સુષુપ્ત અવસ્થામાં રહેલી છે, આટલું તો માતપિતા અને શિક્ષકોએ જાણવું જ જોઈએ.

* વ્યક્તિના જીવનમાં શિસ્તનું મહત્ત્વ શું છે એ એમને સ્પષ્ટપણે સમજાવવું જોઈએ અને સમય સૂચકતા તેમજ સમયની ઉપયોગીતા વિશે પણ એને કેળવવું જોઈએ.

* માતપિતા અને શિક્ષકોએ એ જોવું જોઈએ કે બાળકો પોતાની મેળે, પોતાને ખભે જવાબદારીઓ ઉપાડતા શીખે. ભલે એ ભૂલો કરે પણ એમણે ભૂલોમાંથી જીવનની સાચી કેળવણી મેળવવા દો. એમને સતત અને બિનજરૂરી બાબતોમાં રક્ષવા કે બચાવવા દોડી ન જવું.

* માતપિતા અને શિક્ષકોએ દરેક બાળક સંબંધોની જાળવણી કેવી રીતે કેળવે છે એ શીખવવું જોઈએ. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં વિનયવિવેક અને માનાદર જાળવે તે રીતે તેને કેળવવું જોઈએ.

* સારું સાહિત્ય વાંચવા માટે એ પ્રેરાય એટલે એનામાં સદ્‌વાચનની વિવેકબુદ્ધિ વિકસાવવી જોઈએ.

* શરીરને સુદૃઢ રાખવા નિયમિત આસન કે વ્યાયામ કરવા જરૂરી છે, તેમજ ધ્યાન-પ્રાણાયામનો અભ્યાસ એટલો જ આવશ્યક છે એ વાત એને ગળે ઉતારવી જોઈએ.

* બાળકો સમક્ષ હંમેશાં સમાજની કે રાષ્ટ્રની મહાન વ્યક્તિઓનો જીવન-આદર્શ મૂકો કે એમના વિશે એમને અવાર-નવાર કહેતા રહો.

* બાળક આત્મનિરીક્ષણ કરવાની ટેવ કેળવે અને આત્મ સુધારણા કે વિકાસ માટે ઇચ્છા સેવતો થાય તેવું વાતાવરણ માતપિતા અને શિક્ષકોએ રચવું જોઈએ.

* બાળકની સાર્વત્રિક સુધારણા માટે શિક્ષકોએ અવાર-નવાર બાળકના માતપિતાના સંપર્કમાં રહેવું જોઈએ અને એમની પાસેથી અનુપૂર્તિનાં સૂચનો મેળવવાં જોઈએ.

* વર્તમાનપત્રોના અહેવાલો કે સમાચાર અને ટીવી પર બતાવવામાં આવતી સિરિયલો કે ફિલ્મો નકારાત્મક વલણવાળા હોવા છતાં એના દુષ્પ્રભાવથી બાળકોને બચાવવા માટે શક્ય તેટલો પ્રયાસ કરવો જોઈએ. આવા કાર્યક્રમોમાં રહેલી શક્ય તેટલી સારી કે સકારાત્મક બાબતોને તારવીને અને દૈનંદિન પરિસ્થિતિઓ સાથે એની સરખામણી કરીને મૂલ્યોની ચર્ચા કરવાનો પ્રયત્ન કરી શકાય છે. આવી સાચી ચર્ચાને લીધે બાળકોમાં જીવનની વાસ્તવિક પરિસ્થિતિઓ માટેની સાચી માનસિકતા કેળવાય છે. સાથે ને સાથે તેઓ જીવનમાં ભૂતકાળના કે વર્તમાન કાળના પ્રેરક ઘટનાપ્રસંગોને પોતાના વાસ્તવિક જીવન સાથે સરખાવતાં શીખે છે. એને લીધે જીવનમાં આવનારી ભવિષ્યની સમસ્યાઓ અને તેના શક્ય નિરાકરણો માટેની પુખ્ત સમજણ એમનામાં કેળવાય છે.

ઉપરોક્ત બાબતો પર માતપિતા તેમજ શિક્ષકો ગંભીરતાથી વિચાર કરીને પોતપોતાના કાર્યક્ષેત્રમાં બાળકોમાં મૂલ્યોનું સિંચન કરી શકે છે. આ પરિશ્રમ પોતાના કુટુંબ, સમાજ, દેશ માટે જ નહિ પણ સમગ્ર વિશ્વ માટે અત્યંત ફળદાયી નીવડશે એમાં કોઈ શંકા નથી.

Total Views: 99

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.