આદર્શ વિદુષિ, સતી તથા આદર્શ માતા મદાલસા ગંધર્વરાજ વિશ્વાવસુકીની પુત્રી હતી. તેના લગ્ન રાજા શત્રુજીતના પુત્ર ઋતુધ્વજની સાથે થયા હતા. સમય જતા  સતી મદાલસાને ત્યાં પુત્રનો જન્મ થયો. રાજાએ તેનું નામ ‘વિક્રાંત’ રાખ્યું ત્યારબાદ તેને બીજા બે પુત્રો થયા. તેમનું નામ અનુક્રમે સુબાહુ અને શત્રુમર્દન રાખ્યું.

રાણી મદાલસા આ ત્રણે પુત્રને હાલરડાં ગાવાને બદલે તેમને આત્મજ્ઞાનનો ઉપદેશ આપતી અને પારણું ઝુલાવતા ઝુલાવતી કહેતી.

शुद्धोऽसि रे तात न तेऽस्ति नाम कृतं हि ते कल्पनयाधुनैव ।
पञ्चात्मकं देहमिदं तवैतन्नैवास्य त्वं रोदिषि कस्य हेतोः॥१॥

(मार्कण्डेयपुराण २५/११)

હે તાત! તું તો શુદ્ધ આત્મા છે, તારું કોઈ નામ નથી. આ કલ્પિત નામ તો તને હમણા મળ્યું છે. આ શરીર પાંચ ભૂતોનું બનેલું છે,આ શરીર તારું નથી કે તું એમનો નથી. તો પછી શા માટે રડે છે?

न वा भवान् रोदिति वै स्वजन्मा शब्दोऽयमासाद्य महीशसूनुम् ।
विकल्प्यमाना विविधा गुणास्तेऽगुणाश्च भौताः सकलेन्द्रियेषु॥३॥

(मार्कण्डेयपुराण २५/१२)

આ તું નથી રડતો, આ શબ્દ તો રાજકુમાર પાસે પહોંચીને પોતાની જાતે પ્રગટ થાય છે. તારી બધી ઈંદ્રિયોમાં જે વિવિધ પ્રકારના ગુણ-અવગુણોની કલ્પના થાય છે તે પણ પંચ ભૌતિક જ છે.

भूतानि भूतैः परिदुर्बलानि वृद्धिं समायान्ति यथेह पुंसः ।
अन्नाम्बुदानादिभिरेव कस्य न तेऽस्ति वृद्धिर्न च तेऽस्ति हानिः॥३॥

(मार्कण्डेयपुराण २५/१३)

જેવી રીતે આ જગતમાં અત્યંત દુર્બલ ભૂત બીજાં ભૂતોની સહાયતાથી વૃદ્ધિ પામે છે, તેવી રીતે અન્ન અને જળ વિ. ભૌતિક પદાર્થો પુરુષના પંચભૌતિક શરીર જ પુષ્ટ થાય છે, તેનાથી તારી – શુદ્ધ આત્માની ન તો વૃદ્ધિ થાય છે કે હાનિ થાય છે.

त्वं कञ्जुके शीर्यमाणे निजेऽस्मिंस्तस्मिंश्च देहे मूढतां मा व्रजेथाः ।
शुभाशुभैः कर्मभिर्दे हमे तन्मदादिमूढै : कञ्जुकस्तेऽपिनद्धः॥४॥

(मार्कण्डेयपुराण २५/१४)

તું આ દેહરૂપી વસ્ત્રના ર્જીણ-શીર્ણ થવાથી મોહ ન કરીશ. શુભાશુભ કર્મ અનુસાર આ દેહ પ્રાપ્ત થાય છે. તારું આ વસ્ત્રરૂપી દેહ મદાદિથી બંધનમાં છે. તું તો સર્વદા મુક્ત છે.

तातेति किञ्चित् तनयेति किञ्चिदम्बे ति  किञ्चिद्दयितेति किञ्चित् ।
ममेति किञ्चिन्न ममेति किञ्चित् त्वं भूतसङ्कं बहुमानयेथाः॥५॥

(मार्कण्डेयपुराण २५/१५)

કોઈ જીવ પિતાના રૂપે પ્રસિદ્ધ છે, તો કોઈ જીવ પુત્ર રૂપે છે, તો કોઈ માતા તો વળી કોઈ પ્યારી સ્ત્રી રૂપે પ્રસિદ્ધ છે; ‘આ બધાં મારા છે’ એમ કહીને અપનાવી લેવાય છે વળી કોઈ ‘મારું નથી’ એમ કહીને પારકા બને છે. આ રીતે ભૂત સમુદાયના આ તો વિવિધ રૂપ છે, એમ તારે માનવું જોઈએ.

दुःखानि दुःखोपगमाय भोगान् सुखाय जानाति विमूढचेताः।
तान्येव दुःखानि पुनः सुखानि जानाति विद्वानविमूढचेताः॥६॥

(मार्कण्डेयपुराण २५/१६)

જો કે બધા જ ભોગો દુ:ખદાયક છે તથાપિ મૂઢચિત્ત માનવ તેને દુ:ખ દૂર કરનાર રૂપે તથા સુખની પ્રાપ્તિ કરાવનારા છે એમ સમજે છે; પણ વિદ્વાન છે, જેનું ચિત્ત મોહથી આચ્છન્ન નથી થયું તેઓ ભોગયુક્ત સુખોને પણ દુ:ખ જ માને છે.

આ રીતે મદાલસા પોતાના ત્રણે પુત્રને પારણાંમાં જ આત્મજ્ઞાન આપીને ઉછેરતી હતી. તે ત્રણે પુત્ર મોટા થયા ત્યારે મહાન ત્યાગી થયા હતા. સતી મદાલસાએ ચોથા પુત્રને જન્મ આપ્યો. રાજાએ એ પુત્રનું નામ પોતે ન પાડતા રાણી મદાલસાને કહ્યું આનું નામ તમે રાખો. સતી મદાલસાએ તેનું નામ ‘અલર્ક’ રાખ્યું. રાજાએ તેનો અર્થ પૂછ્યો. ત્યારે મદાલસાએ જવાબ આપ્યો કે ‘નામને આત્મા સાથે કોઈ સંબંધ નથી. સંસાર વ્યવહાર ચલાવવા માટે નામ રાખવામાં આવે છે તે સંજ્ઞામાત્ર છે. જેમ તમે અગાઉના ત્રણે પુત્રનાં નામ રાખ્યા તે નામનો પણ આત્મા સાથે સંબંધ નથી. તેમ આ અલર્ક નામનો પણ આત્મા સાથે કોઈ સંબંધ નથી.

જ્યારે સતી મદાલસાએ ચોથા પુત્રને પણ પારણાંમાં જ જ્ઞાન આપવા લાગી. આ જોઈને રાજાએ કહ્યું : ‘આને પણ આત્મજ્ઞાન આપી મારા વંશનો તમારે નાશ કરવો છે! તેને પ્રવૃત્તિમય જીવન જીવવા ઉપદેશ આપો.

મદાલસાએ રાજાની વાત સ્વીકારી અને ‘અલર્ક’ને નાનપણથી જ વ્યવહાર શાસ્ત્ર અને રાજનીતિનું જ્ઞાન આપી પંડિત  બનાવી દીધો. તે ‘અલર્ક’ને નીચે પ્રમાણે ઉપદેશ આપતી.

धन्योऽसि रे यो वसुधामशत्रुरेकश्चिरं पालयितासि पुत्र ।
तत्पालनादस्तु सुखोपभोगो धर्मात् फलं प्राप्स्यसि चामरत्वम्॥६॥ 

( मार्कण्डेयपुराण २६ / ३५)

બેટા! તું ધન્ય છે. ચિરકાળ સુધી શત્રુરહિત બનીને વસુંધરાનું એકચક્રી શાસન-પાલન કરતો રહીશ. પૃથ્વીના પાલનથી તને સુખોપભોગની પ્રાપ્તિ થશે, અને આ ધર્મના આચરણના ફળ સ્વરૂપે તને અમરતા પ્રાપ્ત થશે.

धरामरान् पर्वसु तर्पयेथाः समीहितं बन्धुषु पूरयेथाः ।
हितं परस्मै हृदि चिन्तयेथा मनः परस्त्रीषु निवर्तयेथाः॥७॥

(मार्कण्डेयपुराण २६ / ३६)

તું તારા ચરિત્રને આવા બનાવજે. તહેવારો, ઉત્સવોમાં બ્રાહ્મણોને ભોજનથી તૃપ્ત કરજે, સખા-મિત્રોની ઇચ્છા પૂર્ણ કરજે. હંમેશાં હૃદયથી બીજાના પરોપકારનું – હિતનું ધ્યાન રાખજે, મનને પરાયી સ્ત્રીથી વિમુખ રાખજે. નીતિના આ ગુણોને અપનાવીને જ તું શ્રેષ્ઠ રાજા બની શકીશ.

सदा मुरारिं हदि चिन्तये था स्तद्ध्यानतोऽन्तः षडरीञ्जयेथाः ।
मायां प्रबोधेन निवारयेथा ह्यनित्यतामेव विचिन्तयेथाः॥८॥

(मार्कण्डेयपुराण २६ / ३७)

મનમાં હંમેશાં ભગવાનનું ચિંતન-મનન કરજે, તેના ધ્યાનથી અંત:કરણના કામ-ક્રોધાદિ છ શત્રુઓને જીતી લેજે. જ્ઞાન દ્વારા માયાના આવરણને દૂર કરજે. સંસાર અસાર – અનિત્ય છે – તે યાદ રાખજે.

अर्थागमाय क्षितिपाञ्जयेथा यशोऽर्जनायार्थमपि व्‍ययेथाः।
परापवादश्रवणाद्विभीथा विपत्समुद्राज्ञ्जनमुद्धरेथाः॥९॥

(मार्कण्डेयपुराण २६ / ३८)

ધન-પ્રાપ્તિ માટે રાજાઓને જીતી લેજે, યશ પ્રાપ્તિ માટે ધનનો સદ્ઉપયોગ કરજે. પરનિંદા સાંભળવાથી ડરતો રહેજે તથા વિપત્તિઓના સમુદ્રમાંથી લોકોનો ઉદ્ધાર કરજે. હંમેશાં નિર્બળ-અસહાયોની મદદ કરજે. આ નૈતિક ચરિત્રનાં ઉત્તમ લક્ષણ છે.

राज्यं कुर्वन् सुहृदो नन्दयेथाः साधून् रक्षंस्तात यज्ञैर्यजेथाः ।
दुष्टान् निघन् वैरिणश्चाजिमध्ये गोविप्रार्थे वत्स मृत्‍युं व्रजेथाः॥१०॥

(मार्कण्डेयपुराण २६ / ३९)

હે તાત! રાજ્યશાસન દરમ્યાન મિત્રોને પ્રસન્ન રાખવા. સાધુઓની રક્ષા કરવી, સાથે ને સાથે યજ્ઞોથી શ્રીહરિનું યર્જન-પૂજન કરવું અને હે પુત્ર! રણક્ષેત્રમાં દુષ્ટ દુશ્મનોનો વિનાશ કરજે તથા બ્રાહ્મણો માટે પ્રાણની આહુતિ પણ આપી દે જે. (મૃત્યુનું વરણ કરીને પણ ગાય-બ્રાહ્મણોનું રક્ષણ અવશ્ય કરવું.)

રાજકુમાર ‘અલર્ક’ જ્યારે મોટો થયો. ત્યારે તેણે માતાને રાજનીતિનો ઉપદેશ આપવા માટે કહ્યું ત્યારે રાજનીતિનો ઉપદેશ આપતા મદાલસાએ કહ્યું : ‘બેટા તારો જ્યારે રાજ્યાભિષેક થાય પછી ત્યારે ધર્મ પ્રમાણે રાજ્ય ચલાવી પ્રજાને પ્રસન્ન રાખવી અને સાતે પ્રકારનાં વ્યસનનો ત્યાગ કરવો. સાત વ્યસન : (૧) કટુ વચન (૨) સખત સજા કરવી (૩) ધનનો બગાડ કરવો (૪) દારૂ પીવો (૫) સ્ત્રીમાં આસક્તિ રાખવી (૬) શિકારમાં સમય વ્યય કરવો (૭) જુગારમાં

આ ઉપરાંત અન્ય રાજનીતિજ્ઞ ઉપદેશ આપતા કહ્યું રાજાએ પહેલા પોતાના કામ અને આંતરિક શત્રુઓને જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આ આંતરિક શત્રુને જીત્યા પછી તેનો બહારના શત્રુ પર વિજય અવશ્ય થાય છે.

આમ મદાલસાના ચરિત્ર દ્વારા જોઈ શકાય છે કે બાળકના સર્વાંગીણ વિકાસમાં માતા જ પાયાનું જ્ઞાન આપી શકે છે. પરંતુ આજે મોટાભાગે માતાઓ બાળકોને પારણાંમાં જ સામર્થ્યનું જ્ઞાન ન આપતા બાળક ન સુવે તો ‘માવ’ આવ્યું ‘બાવો’ આવ્યો, તેમ કહી કુમળા માનસને ભયથી પીંખી નાખે છે. થોડું મોટું થતા અભ્યાસ કે બીજી ન ગમતી પ્રવૃત્તિ પરાણે કરાવવા જુદાં જુદાં ભય કે શિક્ષા દ્વારા એક ચેતનશીલ બાળકને જડ જેવું બનાવી દે છે. જે દેશમાં મદાલસા જેવી માતા દ્વારા પારણાંમાં જ આત્મજ્ઞાન મેળવતાં બાળકોના દેશમાં આજે તેમની જ માતાઓ દ્વારા અજ્ઞાન વશ નિર્માલ્ય બનાવે તેવું જ્ઞાન અપાય છે, તે કમનસીબી છે. ત્યારે આજની દરેક માતાએ પોતાના બાળકને સામર્થ્યવાન અને બહાદુર બનાવવા સતી મદાલસાનું આદર્શ ચરિત્ર જરૂર વાંચવું જોઈએ. વિશ્વવિભૂત સ્વામી વિવેકાનંદ પણ આ વાતનું સમર્થન કરતાં કહે છે કે ‘જો મારે બાળક હોત તો હું પણ સતી મદાલસાની જેમ પારણામાંથી જ બાળકને સ્વનું જ્ઞાન આપત.’

Total Views: 117

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.