૧૯મી અને ૨૦મી સદીના વ્યવસાય અને ઔદ્યોગિક ક્ષેત્રમાં સમય જતાં કેટલાક પાયાના ફેરફાર થયા હતા. પણ ૨૦મી સદીના અંતમાં અને ૨૧મી સદીની શરૂઆતમાં ઈન્ફોર્મેશન તેમજ કોમ્યુનિકેશન ટેક્નોલોજીમાં એક ક્રાંતિ આવી અને વૈશ્વિક અર્થતંત્ર તેમજ વ્યવસાય અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ તેની અસર આપણને જોવા મળે છે. ભવિષ્યનું અર્થતંત્ર કેવું હશે એ પ્રશ્ન વિશ્વના અર્થશાસ્ત્રીઓ સમક્ષ એક તર્ક-વિવાદનો વિષય બની ગયો છે. એમાંના ઘણાના મત પ્રમાણે સામાજિક વ્યાવસાયિકતા (સોશિયલ એન્ટ્રિપ્રિન્યૂઅરશીપ) આ દાયકાના નવા અર્થતંત્ર તરીકે ઊભરી આવશે. કારણ કે સામાજિક હિત, માનવ અધિકાર અને પર્યાવરણ જેવા વિષયો સંબંધી ગંભીર સમસ્યાઓ અને તેના ઉકેલ વિશે વિશ્વમંચ પર અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. સ્વામી વિવેકાનંદે પોતાની દીર્ઘદૃષ્ટિ દ્વારા એ સમયના વ્યવસાય અને ઔદ્યોગિક ક્ષેત્રે થતી પ્રગતિને જોઈને ભવિષ્યના અર્થતંત્ર અને સમાજ પર તેની અસર વિશે જે વિચારો વ્યક્ત કર્યા હતા તે આજે પણ એટલા જ પ્રાસંગિક છે.

સ્વામીજીએ વિશ્વમાં ખાસ કરીને પાશ્ચાત્ય દેશો દ્વારા પ્રેરિત મૂડીવાદી અર્થતંત્રની માઠી અસર વિશે વાત કરતાં એમના શિષ્યને કહ્યું હતું :

‘ખેડૂત, મોચી, ભંગી અને ભારતના બીજા હલકા વર્ગના ગણાતા લોકોમાં તમારા કરતાં કામ કરવાની શક્તિ અને આત્મવિશ્વાસ વધારે છે. યુગો થયા તેઓ મૂંગાં મૂંગાં કામ કરે છે અને દેશની સમૃદ્ધિમાં બધી રીતે વધારો કરે છે… આ નીચલો વર્ગ જ બધા દેશોમાં પ્રજાની આધારશિલા છે. જો આ લોકો કામ કરતા અટકી જાય તો તમે તમારાં અન્ન અને વસ્ત્ર ક્યાંથી મેળવવાના છો?.. મજૂરો કામ બંધ કરે તો તમને રોજનાં અન્ન અને વસ્ત્ર મળતાં પણ બંધ થાય… માનવબુદ્ધિથી ચલાવાતાં યંત્રોની માફક તેમણે લાંબા કાળ સુધી એકધારું કામ કર્યું છે, જ્યારે તેમના પરિશ્રમના ફળનો મોટો ભાગ ચાલાક શિક્ષિત લોકોએ લીધો છે… જીવનસંઘર્ષમાં ગળાડૂબ રહેવાથી તેમને જ્ઞાનનો વિકાસ કરવાની તક મળી નથી… પણ હવે કાળ બદલાયો છે. નીચલા વર્ગના માણસો આ હકીકત પરત્વે ધીરે ધીરે સજાગ બની રહ્યા છે. તેમણે સંયુક્ત મોરચો ઊભો કરવા માંડ્યો છે, અને પોતાના વાજબી હકો હાંસલ કરવા કૃતનિશ્ચયી બન્યા છે. યુરોપ અને અમેરિકાની જનતા પહેલાં જાગ્રત થઈ છે, અને તેણે લડત શરૂ પણ કરી દીધી છે. ભારતમાં પણ આ જાગૃતિનાં ચિહ્‌નો જણાવા લાગ્યાં છે. કે જે હાલમાં નીચલા થરના લોકોની હડતાળો પરથી સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ગમે તેટલો પ્રયાસ કરવા છતાં ઉચ્ચ વર્ગના લોકો હવે નીચલા વર્ગને લાંબો વખત દબાવી રાખી શકશે નહિ. હવે તો નીચલા વર્ગના લોકોને તેમના યોગ્ય હકો મેળવવામાં સહાય કરવામાં જ ઉચ્ચ વર્ગના લોકોનું કલ્યાણ રહેલું છે.’ (સ્વા. વિ.ગ્રં.મા. ભાગ-૯, પૃ.૮-૯)

ભારતે વિશ્વનાં અર્થતંત્ર, વ્યવસાય અને ઔદ્યોગિક ક્ષેત્રે કરેલ પ્રદાન વિશે સ્વામી વિવેકાનંદ કહે છે :

‘માનવ પ્રગતિની આજની સ્થિતિ માટે પ્રાચીન કાળથી જે જે બાબતો કારણભૂત બની છે, તેમાં ભારતના વ્યાપારે કદાચ સહુથી અગત્યનો ભાગ ભજવ્યો છે. ફળદ્રૂપતા અને વ્યાપારી ઉદ્યોગમાં અનાદિ કાળથી ભારત જેવો ઉન્નત દેશ બીજો કોઈ થયો નથી. એક જ સૈકા પહેલાં આખી દુનિયાની કપડાં, રૂ, શણ, ગળી, લાખ, ચામડાં, હીરા અને મોતીની માંગ ભારતમાંથી પૂરી પડાતી હતી. ઉપરાંત કિનખાબ જેવાં ઉત્તમ રેશમનાં અને ઊનનાં કપડાં બીજો કોઈ દેશ ઉત્પન્ન કરી શકતો નહિ. ભારતમાં ઘણા તેજાના જેવા કે લવિંગ, એલચી, મરી, જાયફળ અને જાવંત્રી પેદા થાય છે. તેથી ઘણા પ્રાચીન કાળથી જ્યારે કોઈ પણ દેશ સંસ્કારિતામાં પ્રગતિ કરવા લાગતો ત્યારે આવી વસ્તુઓ માટે તે ભારત ઉપર આધાર રાખતો… બેબિલોન, ઈરાન, ગ્રીસ, રોમ વગેરે પ્રાચીન દેશો પોતાની સમૃદ્ધિ માટે ભારતના વેપાર ઉપર કેટલો બધો આધાર રાખતા હતા તે ઘણા લોકો જાણતા નથી… ભારતનો વેપાર અને નીપજ, બધું આજે અંગ્રેજોના હાથમાં છે તેથી તેઓ સઘળી પ્રજાઓમાં મોખરે આવ્યા છે. પણ હવે ભારતમાં ઉત્પન્ન થતી વસ્તુઓ કરતાં વધારે સારી વસ્તુઓ અમેરિકા વગેરે દેશોમાં ઘણે સ્થળે ઉત્પન્ન થાય છે, તેથી એ બાબતમાં ભારતની પ્રતિષ્ઠા અગાઉના જેટલી રહી નથી. યુરોપિયનો આ કબૂલ કરવા રાજી નથી. ભારતનો આમ વર્ગ અને એમનું ભારત, તેમની (વિદેશીઓની) સમૃદ્ધિ અને સંસ્કારનું મુખ્ય સાધન છે, એ હકીકત સ્વીકારવા કે સમજવા તેઓ તૈયાર નથી.’ (ભાગ-૬, પૃ.૧૬૨-૧૬૩)

ભારતના મજૂર અને કહેવાતી વિકસતી જાતિએ વિશ્વનાં વ્યવસાય અને ઔદ્યોગિક ક્ષેત્રે કરેલ પ્રદાન વિશે સ્વામી વિવેકાનંદ કહે છે :

‘આ બાબતનો પણ વિચાર કરો. ભારતના નીચલા વર્ગના ઉપેક્ષિત લોકો – ખેડૂતો, વણકરો વગેરે-જેમને પરદેશી લોકોએ જીતી લીધા છે અને જેમને પોતાના જ જાતભાઈઓ તુચ્છકાર કરે છે  તે લોકો જ અનાદિ કાળથી મૂંગા મૂંગા કામ કર્યે જાય છે પણ તેમની મહેનતનું ફળ તેમને મળતું નથી! પણ કુદરતના કાનૂનો અનુસાર સમગ્ર દુનિયામાં કેવાં મહાન પરિવર્તનો ધીરે ધીરે થયાં કરે છે! દેશો, સંસ્કૃતિઓ, સાર્વભૌમત્વ, બધામાં ઊથલપાથલ થયા કરતી હોય છે. હે ભારતના શ્રમજીવીઓ! તમારી મૂંગી સતત મહેનતને પરિણામે બેબિલોન, ઈરાન, એલેકઝાંડ્રિયા, ગ્રીસ, રોમ, વેનિસ, જીનિવા, બગદાદ, સમરકંદ, સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સ, ડેન્માર્ક, હોલેન્ડ, ઈંગ્લેન્ડ; બધાંએ વારાફરતી સત્તા અને સમૃદ્ધિ મેળવ્યાં છે. અને તમે? તમારો વિચાર સરખોય કરવાની કોને પડી છે?.. માનવજાતિની જે પ્રગતિ અત્યાર સુધી જેમના લોહી રેડાવાથી સધાઈ છે, તેનો યશ ગાવાની કોને પડી છે? આધ્યાત્મિકતા, સંગ્રામ, સાહિત્ય વગેરે ક્ષેત્રોમાં આગેવાનો બધાની નજરે મોટા દેખાય છે, બધાના પૂજ્ય બન્યા છે, પણ જેમને કોઈ જોતું નથી, જેમને માટે પ્રોત્સાહનનો એક શબ્દ પણ કોઈ કાઢતું નથી, ઊલટું જેમના પ્રત્યે સહુ ઉપેક્ષા દાખવે છે, તે શ્રમજીવીઓ આવા સંજોગોમાં રહેતા હોવા છતાં તેમનામાં કેવી અસીમ ધીરજ, અખૂટ પ્રેમ અને નિર્ભય વ્યાવહારિકપણું છે! આપણા ગરીબો મૂંગા મૂંગા પોતાનું કામ કર્યેં જાય છે. શું આમાં પણ વીરતા નથી? જ્યારે કોઈ મહાન કાર્ય કરવાનું માથે આવે છે ત્યારે તો ઘણાય લોકો શૂરવીર બની જાય છે… પરંતુ બધાથી અજાણ રહીને નાનાં નાનાં કાર્યોમાં પણ તેવી જ નિ:સ્વાર્થ ભાવના અને કર્તવ્યનિષ્ઠા બતાવનાર જ ધન્યવાદને પાત્ર છે. ભારતના સદા કચડાયેલા શ્રમજીવીઓ! તમે અબોલ છો. તમને અમારાં વંદન હો!’ (ભાગ-૬, પૃ.૧૬૩-૧૬૪)

એકસોથી વધુ વર્ષ પહેલાં સ્વામીજીએ કહેલ આ શબ્દો આજના પ્રબુદ્ધ અર્થશાસ્ત્રીઓ માટે એક રામબાણ ઔષધિ તરીકે સ્વીકાર્ય રહેશે. કારણ કે વૈશ્વિકમંદીની માઠી અસર અને તેનાં કારણો વિશે વિચાર કરતાં તેમને હવે ખ્યાલ આવી ગયો છે કે વિશ્વની આમપ્રજાનાં હિતોની અવગણના કરવાથી અર્થતંત્ર વધુ વામણું પૂરવાર થશે. એટલે જ આજના આધુનિક મેનેજમેન્ટમાં ‘ઈન્ક્લુઝિવ કેપિટેલિઝમ’ (પ્રબુદ્ધ મૂડીવાદ), ‘સોશિયલ એન્ટ્રિપ્રિન્યૂઅરશીપ’ (સામાજિક વ્યાવસાયિકતા), ‘કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટિ’ જેવા શબ્દો અવારનવાર વપરાય છે.

સ્વામીજી માનતા કે સાચું ભારત ગામડાઓમાં વસે છે અને આમજનતાના હિતની અવગણના કરીને કોઈ પણ વિકાસપ્રકલ્પ સફળ થશે નહિ. એટલે જ સમાજ-સુધાર તેમજ રાષ્ટ્રિય ઘડતર માટે તેમણે આહ્‌વાન કર્યું હતું:

‘નૂતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝૂંપડીમાંથી -માછીમારોની, ચમારોની અને ઝાડૂવાળાઓની ઝૂંપડીમાંથી તેને જાગવા દો; મોદીની દુકાનમાંથી, ધાણીદાળિયા વેચનારાની ભઠ્ઠીમાંથી તેને કૂદવા દો; કારખાનામાંથી અને બજારોમાંથી તેને બહાર નીકળવા દો; ઝાડી અને જંગલો, ટેકરીઓ અને પર્વતોમાંથી તેને બહાર આવવા દો. આ સામાન્ય જનતાએ હજારો વર્ષ સુધી એક પણ શબ્દ બોલ્યા વિના જુલમો સહ્યા કર્યા છે. પરિણામે તેમનામાં અદ્‌ભુત સહિષ્ણુતા આવી છે. તેઓએ પાર વિનાનું દુ:ખ વેઠ્યું છે, કે જેમાંથી તેમને અખૂટ ખમીર મળ્યું છે. એક મુઠ્ઠીભર અનાજ ઉપર નભી રહીને તેઓ દુનિયાને ઊથલપાથલ કરી શકે છે; જો ફક્ત અરધો રોટલો જ તેમને આપો તો તેમનું તેજ ત્રણે લોકમાં સમાશે નહિ. તેમનામાં રક્તબીજની અખૂટ પ્રાણશક્તિ છે. ઉપરાંત તેમનામાં દુનિયામાં ક્યાંય પણ ન સાંપડે તેવા નીતિમય જીવનની અદ્‌ભુત તાકાત છે. સ્વભાવની આવી શાંતિ, આવો સંતોષ, આવો પ્રેમ, દિનરાત મૂંગા મૂંગા કાર્ય કરવાની આટલી શક્તિ અને કાર્યને સમયે સિંહસમી તાકાતનું પ્રદર્શન તમને બીજે ક્યાં જોવા મળવાનાં છે?.. તમો કરોડો મેઘગર્જનાઓ સમા ત્રણે લોકને કંપાવનાર તથા ભાવિ ભારતને જાગ્રત કરનાર નાદ સાંભળશો: ‘વાહ ગુરુકી ફતેહ!’ ‘ગુરુનો વિજય હો!’ (ભાગ-૬, પૃ.૧૪૦-૧૪૧)

સ્વામીજીએ રાષ્ટ્રિય ઘડતર અને આમજનતાના પુનરુત્થાનના ભગીરથ કાર્ય માટેની એક રૂપરેખા એમના શિષ્યોને લખેલા પત્રોમાં જોવા મળે છે. એ વિચારો આજથી સો વર્ષ પહેલાં લખેલા હતા, છતાંયે આજે પણ એ આપણને એટલા જ પ્રાસંગિક લાગે છે. એનું કારણ એ છે કે સ્વામીજીએ ચીંધેલા સામાજિક કલ્યાણ તેમજ રાષ્ટ્રઘડતરના વિચારોને એમની મહાસમાધિ પછી ભારતના રાષ્ટ્ર નેતાઓ તેમજ સમાજ-સુધારકો દૂરદૃષ્ટિના અભાવે પૂરેપૂરા સમજવામાં નિષ્ફળ નિવડ્યા. આઝાદી પહેલાં મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રનેતાઓએ સ્વામીજીના વિચારોથી પ્રેરણા મેળવીને પોતપોતાની આગવી રીતે પ્રયાસો કર્યા; પણ આઝાદી પછી એ અભિગમને પૂર્ણ રીતે આગળ ધપાવવામાં આપણે નિષ્ફળ નિવડ્યા છીએ.

આજે વિશ્વના પ્રબુદ્ધ નાગરિકો, અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ તેમજ કેળવણીકારો આર્થિક મંદીમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરી રહ્યા છે. એમાંના ઘણા એ નિષ્કર્ષ પર આવ્યા છે કે પ્રબુદ્ધ મૂડીવાદ અને સમાજવાદના સુમિશ્રણ દ્વારા જ સાચું સામાજિક હિત સાધી શકાય છે. પણ એને કેવી રીતે વ્યવહારુ બનાવવું એ બાબતમાં તેમની વચ્ચે ઘણા બધા મતભેદો ઊભા થયા છે. પ્રબુદ્ધ બુદ્ધિજીવીઓ આ બાબતમાં સ્વામીજીએ કરેલ ઉદ્‌ઘોષ પર ઊંડો વિચાર કરશે તો તેમને સચોટ દિશાનિર્દેશ મળશે. ૨૪ જાન્યુઆરી, ૧૮૯૪ના પત્રમાં મદ્રાસના શિષ્યોને ઉદ્દેશીને સ્વામીજીએ લખ્યું હતું:

‘મારા જીવનની સમગ્ર અભિલાષા એ છે કે એક એવી યોજના અમલમાં મૂકી દેવી કે જેથી પ્રત્યેક વ્યક્તિને ઊંચામાં ઊંચા વિચારો સુલભ બને. ત્યાર બાદ ભલે સ્ત્રીઓ અને પુરુષો પોતપોતાનું ભાગ્ય નક્કી કરે. જીવનના અત્યંત મહત્ત્વના પ્રશ્નો વિશે આપણા પૂર્વજોએ તેમજ બીજા દેશોના વિચારકોએ શું વિચાર્યું છે એ હકીકતની તેમને જાણ થવી જોઈએ. બીજાઓ અત્યારે શું કરી રહ્યા છે એ તેઓ ખાસ જુએ અને પછી પોતાના નિર્ણયો બાંધે. આપણે તો માત્ર રસાયણોનો સંયોગ કરવાનો છે; પાસા પાડવાની ક્રિયા તો કુદરત પોતાના નિયમાનુસાર કરી લેશે… તમારી સમક્ષ આ મુદ્રાલેખ ધ્યાનમાં રાખો : ‘ધર્મને હાનિ પહોંચાડ્યા વગર જનતાની ઉન્નતિ.’ યાદ રાખજો કે સાચું રાષ્ટ્ર તો ઝૂંપડાઓમાં વસે છે. પરંતુ અફસોસ! કોઈએ પણ આ ઝૂંપડાંવાસીઓ માટે કદાપિ કશું કર્યું નથી… રાષ્ટ્રનું ભાવિ.. આમવર્ગની સ્થિતિ ઉપર નિર્ભર છે. એમનો તમે ઉદ્ધાર કરી શકશો? એમનામાં રહેલી આધ્યાત્મિકતાનો લોપ થવા દીધા વગર એમનું ખોવાયેલું વ્યક્તિત્વ તમે એમને પાછું અપાવી શકશો? સમાનતા, સ્વતંત્રતા, શ્રમ અને ઉદ્યમની ભાવનામાં ચૂસ્તમાં ચૂસ્ત પશ્ચિમવાસી બનવાની અને સાથોસાથ ધાર્મિક સંસ્કારો અને વૃત્તિઓની બાબતમાં પૂરેપૂરા હિંદુ બની રહેવાની તમારામાં શક્તિ છે?.. જીવનની છેલ્લી ઘડી સુધી ગરીબો અને પદદલિતો પ્રત્યે અનુકંપા, એ છે આપણો મુદ્રાલેખ.’ (ભાગ-૯, પૃ.૨૧૪-૨૧૫)

પણ આ કાર્યમાં પ્રબુદ્ધ નાગરિક અને સમાજ સુધારકોએ એક વાત યાદ રાખવાની છે કે આ મનુષ્યનિર્માણ અથવા વ્યક્તિત્વ વિકાસનાં કાર્યમાં એમનું પ્રદાન માત્ર એટલું જ રહેશે કે જગતમાં જે કોઈ પણ શ્રેષ્ઠ અને સકારાત્મક વિચારો કે વિદ્યા ઉપલબ્ધ છે તેનો આમજનતાના કલ્યાણ માટે પ્રચાર કરવો. બાકી બધું તો એ લોકો પોતે જ વિચાર કરીને પાર પાડશે. ૨૧ ફેબ્રુઆરી, ૧૯૦૦ના પત્રમાં તેમણે ગુરુભાઈ અખંડાનંદને આ અંગે માર્ગદર્શન આપતાં લખ્યું હતું :

‘માણસે પોતાના પરિશ્રમથી જ પોતાની ઉન્નતિ કરવી જોઈએ – આ વાક્ય પ્રત્યેક ક્ષેત્રમાં સાચું છે. તેઓ (આમજનતા) પગભર થાય તે માટે જ આપણે તેમને મદદ કરીએ છીએ… જ્યારે તેઓ પોતાની સ્થિતિ સમજશે અને મદદ તથા સુધારાની જરૂર છે એમ તેમને ભાન થશે, ત્યારથી જાણી લેજો કે તમારા કાર્યની અસર થઈ ચૂકી છે અને તે સાચી દિશામાં છે. ધનિકો દયાભાવથી ગરીબોનું જે થોડુંક ભલું કરે છે તે ચિરંજીવ નથી, અને અંતે બન્ને પક્ષને નુકસાનકારક નીવડે છે. ખેડૂતો અને મજૂરવર્ગના લોકો મૃતપ્રાય અવસ્થામાં છે; એટલે પૈસાદાર લોકોએ તેમને શક્તિ પાછી મેળવવા પૂરતી જ મદદ કરવાની જરૂર છે, તેથી વિશેષ નહિ. પછી તો એ લોકો પોતે જ પોતાના પ્રશ્નોમાં ઊંડા ઊતરે તથા સમજીને તેમનો ઉકેલ લાવે, એ તેમના પર છોડી દો.’ (ભાગ-૧૦, પૃ.૩)

આ જ પત્રમાં સ્વામીજી એમને સાવધાન કરતાં કહે છે કે આ પ્રયાસમાં તેઓ ગરીબ ખેડૂતો અને મજૂરવર્ગના લોકો તથા ધનિકવર્ગ વચ્ચે વર્ગવિગ્રહ ન થાય અને ધનિકો પ્રત્યે કોઈ વેરભાવ આમજનતામાં ન જાગે તે ખ્યાલ રાખે. કારણ કે તેઓ જાણતા હતા કે વર્ગવિગ્રહ હિંસા અને ઈર્ષ્યાથી જન્મે છે, અને તેનો લેશ પણ જો કોઈ પણ વર્ગમાં હોય તો તે સમાજનું કલ્યાણ શક્ય નથી. સ્વામીજીએ અખંડાનંદજીને આ પ્રકલ્પને વ્યવહારુ રૂપ આપવા માટે ખેડૂતવર્ગનાં કેટલાંક છોકરા-છોકરીઓને થોડોક પ્રારંભિક અભ્યાસ કરાવવા અને તેમના મગજમાં ઉત્કૃષ્ટ વિચારો દાખલ કરવાનું સૂચન કર્યું હતું. આ રીતે મજૂર વર્ગ નિ:સ્વાર્થ પ્રેમથી અપાયેલ શિક્ષણ દ્વારા જિતાઈ જશે અને પછી તેઓ પોતે જ નાની નાની રકમ ભેગી કરીને પોતાના ગામમાં સંસ્થાઓ શરૂ કરશે અને ધીમે ધીમે એ લોકોમાં જ શિક્ષકો તેમજ યુવાકાર્યકરો તૈયાર થશે.

સ્વામીજીએ પોતાના શિષ્યને થોડાક વ્યવહારુ દિશાનિર્દેશ કર્યા હતા:

‘આમવર્ગમાં કેળવણીનો પ્રચાર કરવાનું કામ હાથ ધરો. તેમને કહો અને સમજાવો કે તમે અમારા ભાઈઓ છો, અમારું જ અંગ છો; અમે તમને ચાહીએ છીએ, કદી તિરસ્કારતા નથી. તમારી પાસેથી આવી સહાનુભૂતિ મળવાથી તેમનો કામ કરવાનો ઉત્સાહ સો ગણો વધશે. આધુનિક વિજ્ઞાનની મદદથી તેમનામાં જ્ઞાનજ્યોતિ પ્રગટાવો. તેમને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને સાહિત્ય શીખવો અને આ બધાની સાથોસાથ ધર્મનાં ગૂઢ તત્ત્વો પણ સમજાવો. આ શિક્ષણના બદલામાં તેવા શિક્ષકોની ગરીબી પણ દૂર થશે. પરસ્પર આપ-લેથી બંને પક્ષો એકબીજા પ્રત્યે મૈત્રીભાવ રાખતા થશે.’ (ભાગ-૯, પૃ.૯)

સ્વામીજીના સમયે અને આજે પણ ગ્રામ્ય વિસ્તારોની યુવાપેઢી શહેરોમાં આવીને કોઈ નોકરીમાં લાગી જવાની આકાંક્ષા રાખે છે. એનાથી કોઈ ઉચ્ચતર લક્ષ્ય અથવા કારકિર્દીની પરિકલ્પના કરવાનું સાહસ તેઓ કરી શકતા નથી. આનાથી જ તેઓ સંતુષ્ટ થઈ જાય છે. સ્વામીજી જાણતા હતા કે ઉત્સાહ, સાહસ તેમજ અદમ્ય શક્તિ સિવાય વિકાસ શક્ય નથી. એટલે જ એમણે એમના શિક્ષકની નોકરી કરતા શિષ્યને કહ્યું હતું કે જો માત્ર ભણાવવાની નોકરી માણસ લાંબો સમય કરે તો એની બુદ્ધિ જડ થઈ જાય છે, તેનો વિકાસ થતો નથી. જ્યારે શિક્ષકે સ્વામીજીને પૂછ્યું કે માત્ર નોકરી કરવાથી માણસ અધોગતિ પામે તો એના માટે એણે શું ઉપાય કરવો? ત્યારે સ્વામીજીએ એમને વિદેશ જઈને ધંધો કરવાનું કહ્યું. એ સાંભળીને શિષ્ય તો ગભરાઈ ગયો અને એણે પૂછ્યું કે એના માટે તો પૈસાની જરૂર છે, તો એ એને ક્યાંથી મળવાના છે? ત્યારે સ્વામીજીએ ગર્જના કરતાં કહ્યું:

‘તમે કેવી નકામી વાત કરો છો! તમારામાં અદમ્ય શક્તિ રહેલી છે. માત્ર હું કંઈ નથી, હું કંઈ નથી, તેવો વિચાર કરવાથી નિર્બળ બની ગયા છો. તમે એકલા જ શા માટે? આખી પ્રજા તેવી બની ગઈ છે. તમે એકવાર દુનિયાની મુસાફરી કરી આવો તો તમને ખબર પડશે કે બીજી પ્રજાઓનો જીવનપ્રવાહ કેવો જોરદાર વહે છે; અને તમે લોકો શું કરો છો? આટલું ભણ્યા પછી પણ તમે બીજાના બારણે ભટકો છો અને ‘મને નોકરી આપો, મને નોકરી આપો’ એમ પોકારો છો. બીજાના પગ તળે ચગદાઈને – બીજાની ગુલામી કરીને તમે શું હજી સુધી માણસ રહ્યા છો!’ એક તણખલા જેટલી પણ તમારી કિંમત નથી. આ ફળદ્રૂપ દેશમાં જ્યાં પાણી પુષ્કળ છે, અને જ્યાં કુદરત સમૃદ્ધિ અને પાક બીજા દેશો કરતાં હજારગણો આપે છે ત્યાં ધરાઈને ખાવા જેટલું અન્ન નથી કે શરીર ઢાંકવા માટે કપડાં નથી!.. તમારા દેશના કાચા માલમાંથી પરદેશી લોકો સોનું પકવે છે, અને તમે લોકો ગધેડાની માફક તેનો માત્ર ભાર જ ખેંચ્યા કરો છો! પરદેશના લોકો ભારતમાંથી કાચો માલ મગાવે છે, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી અનેકવિધ વસ્તુઓ બનાવે છે અને સમૃદ્ધ બને છે, જ્યારે તમે તમારી બુદ્ધિને તાળું માર્યું છે, તમારી વારસાગત લક્ષ્મીને બીજાઓ પાસે ફગાવી દીધી છે, અને અન્નને માટે પણ કરુણ રુદન કરતાં કરતાં ટળવળ્યા કરો છો!’ (ભાગ-૯, પૃ.૫-૬)

જ્યારે શિષ્યે પોતાની દુર્બળતા સ્વીકારીને સ્વામીજીની સલાહ માગી ત્યારે સ્વામીજીએ જવાબ આપ્યો:

‘કેમ વળી? સાધનો તો તમારા હાથમાં જ છે… ભારતમાંથી કાપડ, ટુવાલ, વાંસની બનાવેલી ચીજો અને દેશમાં ઉત્પન્ન થતી એવી બીજી વસ્તુઓ લઈને યુરોપ અને અમેરિકાની શેરીઓમાં ફેરિયા તરીકે ફરો; તો આજે પણ પરદેશમાં ભારતની ચીજોની કેટલી માગ આવે છે, તે તમે જોશો. અમેરિકામાં મેં જોયું છે કે હુગલી જિલ્લાના કેટલાક મુસલમાનો આ પ્રમાણે દેશી ચીજોની ફેરીનો ધંધો કરીને પૈસાદાર થઈ ગયા છે. શું તેમના કરતાં તમારામાં બુદ્ધિ ઓછી છે? દાખલા તરીકે બનારસમાં બનતી સુંદર વણાટની સાડીઓ લો. તેના જેવી ચીજો દુનિયામાં બીજે ક્યાંય ઉત્પન્ન થતી નથી. આ કાપડ લઈને અમેરિકા જાઓ, અને એવા કાપડનાં ગાઉન બનાવીને વેચો. પછી જુઓ કે તમે કેટલું કમાઓ છો?’ (ભાગ-૯, પૃ.૬)

જ્યારે શિષ્યે પૂછ્યું કે આ ધંધા માટે પોતે મૂડી ક્યાંથી કાઢે? ત્યારે સ્વામીજીએ એમને કહ્યું:

‘ગમે તેમ કરીને હું કામની શરૂઆત કરાવી દઈશ; પછીને માટે તમારે તમારા પોતાના પ્રયત્નો પર આધાર રાખવો પડશે. (ભગવદ્‌ ગીતામાં કહ્યું છે ને) – ‘જો તું નિષ્ફળ જઈશ તો સ્વર્ગ મળશે, સફળ થઈશ તો પૃથ્વીને ભોગવી શકીશ.’ આ પ્રયાસમાં તમે મરી જશો તો પણ વાંધો નહિ; તમારો દાખલો લઈને બીજાઓ કામ ઉપાડશે. જો તમે સફળ થશો તો તમે ખૂબ જ સંપત્તિવાન થશો.’ (ભાગ-૯, પૃ.૬)

શિષ્યે કહ્યું, આપ કહો છો તે બરાબર છે. પણ હું એટલી હિંમત કરી શકું તેમ નથી. સ્વામીજીએ કહ્યું:

‘ભાઈ! હું એ જ કહું છું. તમારા પોતામાં તમને શ્રદ્ધા નથી, આત્મવિશ્વાસ નથી. તમે શું સાધી શકવાના છો? નહીં થાય તમારી ભૌતિક પ્રગતિ કે નહીં થાય તમારી આધ્યાત્મિક પ્રગતિ! કાં તો મેં સૂચવ્યો તે માર્ગે તમારી શક્તિ વાપરો અને જીવનમાં સફળ બનો, નહીં તો બધું છોડી દઈને અમે જે માર્ગ લીધો છે તે માર્ગે ચાલો. આધ્યાત્મિક ઉપદેશ આપીને તમામ દેશોના લોકોની સેવા કરો; ત્યારે જ તમે અમારી માફક પેટ ભરી શકશો. જો પરસ્પર આપ-લે ન હોય તો શું તમે એમ માનો છો કે કોઈને કોઈની પડી હોય? અમારા કિસ્સામાં તમે જુઓ છો કે અમે ગૃહસ્થોને ધર્મોપદેશ આપીએ છીએ એટલે તેના બદલામાં તેઓ અમને રોટલો આપે છે. જો તમે કાંઈ ન કરો તો તે શા માટે તમને ખવડાવે? તમે બીજાની નોકરી અને ગુલામીમાં કેટલું દુ:ખ વેઠો છો, છતાં જાગતા નથી; અને તેથી તમારા દુ:ખનો પણ અંત નથી. આ જ ખરેખર માયાની મોહિની શક્તિ છે.’ (ભાગ-૯, પૃ.૭)

સ્વામીજીએ પોતાના શિષ્ય પ્રિયનાથ સિંહાને એકવાર આમજનતાની કેવળણી વિશે કહ્યું હતું:

‘લોકોને જો સહેજ પણ હુન્નર ઉદ્યોગનું શિક્ષણ મળે તો વધારે સારું, જેથી નોકરી માટે ચોમેર દોડાદોડી અને બૂમબરાડા પાડવાને બદલે તેમને કામ મળે અને તેઓ રોટલો કમાઈ શકે.’ (ભાગ-૯, પૃ.૧૮૧)

શિષ્યે જ્યારે કહ્યું કે વેપારીઓ વધુ ડાહ્યા છે, કારણ કે તેઓ નોકરી ન કરતાં કોઈક ધંધામાં લાગી જાય છે. ત્યારે સ્વામીજીએ માત્ર થોડા નફા ખાતર વ્યાપાર કરવા કરતાં ઔદ્યોગિક સાહસના વખાણ કરતાં જવાબમાં કહ્યું:

‘કેવી વાત કરો છો! એ લોકો તો દેશનું સત્યાનાશ વાળવા બેઠા છે! તેમને પોતાના હિતનું પણ ભાન નથી. તેમના કરતાં તમે વધારે સારા છો. કારણ કે તમારી નજર ઉત્પાદન તરફ છે. એ લોકો જે પૈસો ધંધામાં રોકે છે તેમના પર તેમને માત્ર થોડાક ટકા જ નફો મળે છે; એમના ધંધાના ઘણાખરા મોટા સોદાઓનો લાભ યુરોપિયનોને મળે છે તથા તેમનાં જ ખિસ્સાં ભરાય છે. તે કરતાં તેમણે થોડાંક કારખાનાઓ અને ઉદ્યોગશાળાઓમાં તે મૂડી વાપરી હોત તો દેશનું કલ્યાણ થાત એટલું જ નહિ, પણ તેમને પણ ઘણા મોટા પ્રમાણમાં નફો થાત.’ (ભાગ-૯, પૃ.૧૮૧-૮૨)

પણ જ્યારે શિષ્યે આ પ્રૌદ્યોગીકરણ માટે પાશ્ચાત્ય દેશોના ભૌતિકવાદ પ્રેરિત શિક્ષણના વખાણ કર્યા ત્યારે સ્વામીજીએ કહ્યું :

‘ઉચ્ચ શિક્ષણનો અર્થ શું ભૌતિક વિજ્ઞાનોનો અભ્યાસ અને રોજિંદા ઉપયોગની ચીજોને સંચાઓ વડે પેદા કરવી એટલો જ છે? ઉચ્ચ શિક્ષણનો ઉપયોગ તો છે જીવનના પ્રશ્નોનો ઉકેલ કેમ કરીને લાવવો એ શોધવું તે. એ જ પ્રશ્ન આધુનિક સંસ્કારી વિશ્વની ગંભીર વિચારણા તળે છે. પરંતુ આપણા દેશમાં તો એ પ્રશ્ન હજારો વર્ષ પૂર્વે જ ઉકેલાઈ ગયો હતો.’ (ભાગ-૯, પૃ.૧૮૨)

સામાજિક પુનરુત્થાન માટે સ્વામીજીની શિક્ષણની પરિકલ્પના વિશે હવે પછીના લેખમાં ચર્ચા કરીશું

Total Views: 36

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.