સ્વામીજીની પૈતૃક પશ્ચાદ્‌ ભૂમિકા

જેને કારણે સ્વામીજીની ગહન માતૃભક્તિ ઊભરી એવા માતા ભુવનેશ્વરી દેવીના ચારિત્ર્યની પવિત્રતા અને ઉમદાપણાને સ્વામીજીના પૈતૃક પશ્ચાદ્‌ ભૂમિકાને સંક્ષેપમાં જોયા વિના આપણે સમજી ન શકીએ. 

દાદા-દાદીમા અને પિતાનું ઉમદાપણું

ઉત્તર કોલકાતાના સિમુલિયામાં રહેતું દત્ત કુટુંબ પોતાનાં સંપત્તિ, શિક્ષણ અને ઉદારતા માટે જાણીતું હતું. વિશ્વનાથ દત્ત (૧૮૩૫-૧૮૮૪) અને ભુવનેશ્વરી દેવી (૧૮૪૧-૧૯૧૧)ના પુત્ર રૂપે સ્વામીજી જન્મ્યા હતા. વિશ્વનાથ દત્તના પિતા દુર્ગાપ્રસાદની સાધુ બનવાની પ્રબળ ઇચ્છા હતી અને વિશ્વનાથના જન્મ પછી થોડા જ મહિનામાં ૧૮૩૫માં એમણે સંસારત્યાગ કર્યો. શાસ્ત્રોની આજ્ઞાને ચુસ્તપણે માનીને પોતાની આધ્યાત્મિક સાધનાઓ પછી ૧૨ વર્ષ બાદ એક વખત જ તેઓ કોલકાતામાં આવ્યા હતા.

સ્વામીજીના દાદાની આ મુલાકાત વિશે એક રમૂજી ઘટના પ્રસંગ છે અને એ પ્રસંગ સંન્યાસીના ખમીરને પ્રગટ કરે છે. દુર્ગાપ્રસાદ પોતાના એક મિત્રના ઘરે ઊતર્યા. એણે એમને ખાતરી આપી હતી કે એમની આ ઉપસ્થિતિની વાત કોઈને નહિ કરે. પણ એમના મિત્ર પોતાના આ આનંદને છુપાવી ન શક્યા. એણે દુર્ગાપ્રસાદનાં કુટુંબીજનોને વાત કરી. એ લોકો તરત જ ત્યાં આવી પહોંચ્યા અને પોતાના મિત્રની વ્યાકુળતા વચ્ચે કુટુંબીજનોએ એમને ઝડપી લીધા. આમ છતાં પણ આ સમગ્ર ઘટના પ્રસંગ દરમિયાન દુર્ગાપ્રસાદે પોતાનું માનસિક સંતુલન ક્યારેય ન ગુમાવ્યું. પોતાના સગાને ઘરે આપેલ એક ખંડના ખૂણામાં તેઓ બેસી રહ્યા. ઓરડાના બારણે તાળું મારી દીધું. ત્રણ દિવસ સુધી દુર્ગાપ્રસાદ ભોજનનેય અડ્યા નહિ. આમને આમ મરી જશે એમ માનીને કુટુંબીજનોએ અંતે બારણાનું તાળું ખોલી નાખ્યું અને દુર્ગાપ્રસાદ ત્યાંથી વિલીન થઈ ગયા. વિશ્વનાથ દત્ત ત્યાર પછી વારાણસી ગયા અને પોતાના પિતાની શોધખોળ કરી પણ બધું વ્યર્થ ગયું. 

પૈતૃક સંપત્તિમાંથી પોતાને ભાગ ન મળ્યો અને અત્યંત મુશ્કેલીભરી પરિસ્થિતિમાં વિશ્વનાથ દત્તના માતુશ્રી વિશ્વનાથને ઉછેરવાની મોટી જવાબદારી સ્વીકારી લીધી એ એમનું ખમીર બતાવે છે. પતિનાં કુટુંબીજનોનાં સ્વાર્થ શત્રુતા અને વિરોધને સતત સહન કરતાં કરતાં પોતાના પુત્રને ઉછેરવો એ કેટલું કઠિન છે એની કલ્પના કોઈ પણ કરી શકે. જ્યારે વિશ્વનાથ ૧૨ વર્ષના હતા ત્યારે એમનાં પ્રેમાળ માતાનું અવસાન થયું.

હવે એક અનાથ બાળક રૂપે તેઓ પોતાના કાકા કાલીપ્રસાદના કુટુંબમાં ઊછર્યા. એમણે વિશ્વનાથની હકની સંપત્તિ પરાણે કબજે કરી લીધી. પોતાના કાકાની અસહિષ્ણુ વર્તણૂક વિશ્વનાથ ‘પોતે પૂરેપરું જાણતા હતા કે તેમને કાકા ડગલે ને પગલે છેતરે છે છતાં પણ તેમણે કાકાનું માન-સન્માન જાળવ્યું અને ઉદાર હાથે મદદ પણ કરી હતી.’ ૧૧

વિશ્વનાથે પોતાના જમાનાનાં પરિવર્તનોને હસતે મુખે સ્વીકાર્યા. આ સમય દરમિયાન હિંદુ અને ઈસ્લામ સંસ્કૃતિ પશ્ચિમની સંસ્કૃતિ તરફ ઝૂકતી થઈ હતી. આધુનિક દૃષ્ટિકોણ સાથે તેઓ એક સારા માનવ તરીકે ઊભર્યા. તેઓ અંગ્રેજી ભાષા સાથે કેટલીયે ભારતીય ભાષામાં પ્રભુત્વ ધરાવતા હતા.  તેમણે એક ઉસ્તાદના માર્ગદર્શન હેઠળ સંગીતનો અભ્યાસ કર્યો. સંગીત માટે એમને ઘણો લગાવ હતો. કોલકાતાના લોકો એમના મૃત્યુ પછી પણ એમના સંગીત પ્રત્યેના પ્રેમ અને એમની ઉદારતાને યાદ કરતા.

વિશ્વનાથ દત્તે કોલકાતાના ઉચ્ચ ન્યાયાલયમાં એટર્ની તરીકે પોતાની નામનોંધણી કરી. કાયદાકીય વ્યવસાયમાં પોતાની નિપુણતાને લીધે તેમને ઉત્તર ભારતનાં ઘણાં સ્થળે જવાનું થતું. તેઓ ઉદારમતવાદી હતા અને એટલે સારી સંસ્કૃતિ કે બીજા ધર્મના લોકોના સાહિત્યને માણી શકતા. હિંદુ શાસ્ત્રગ્રંથોનું વાચન કર્યું હતું. સાથે ને સાથે તેમણે હાફીઝનાં કાવ્યો અને બાઈબલનો પણ અભ્યાસ કર્યો હતો. તેઓ પ્રગતિવાદી અને ઉદારમતવાદી હતા. અને પોતાના ભારતીય ભોજન વગેરે તેમજ પોષાક અને બીજી વ્યક્તિગત ટેવોની બાબતમાં રૂઢિવાદીપણાથી થોડા દૂર રહ્યા હતા. તેમના ઘરે મુસ્લિમ અને અંગ્રેજી મિત્રો પણ આવતા. એકવખત એમણે પોતાના પુત્ર નરેન્દ્રનાથને બાઈબલની એક નકલ ભેટ આપીને કહ્યું: ‘આ એક પુસ્તકમાં ધર્મનું બધું સારતત્ત્વ મળી રહેશે.’૧૨

વિશ્વનાથ અંધશ્રદ્ધાથી મુક્ત હતા. વિધવા વિવાહના આગ્રહી પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે એક યુવાન વિધવાનાં લગ્નનું આયોજન કર્યું ત્યારે એમણે એ બાબતમાં ટેકો આપ્યો હતો. એક વખત લાહોરમાં એમણે દુર્ગામાતાની છબિપૂજા કરી હતી. એ વખતે એમણે મા દુર્ગાને અર્પણ કરેલ નૈવેદ્યને ઘણા લોકો સાથે આરોગીને આ મહોત્સવનો આનંદ માણ્યો હતો. સ્વામી સારદાનંદજીના મતે – ‘સારી રીતે જીવન વ્યવહાર ચલાવવા, ધન કમાવું અને શક્ય બને તેટલી દાનશીલતા, બીજાને સુખી કરવા એ એમના જીવનનો સર્વોત્કૃષ્ટ હેતુ હતો.’૧૩ વાસ્તવિક રીતે પોતાના કાયદાના વ્યવસાયની આવકનો મોટો ભાગ કુટુંબીજનો અને આશ્રિતોની જાળવણીમાં ખુલ્લેહાથે વપરાઈ જતો. એમના એક પુત્રે પછીથી લખ્યું હતું: ‘ગરીબ અને અસહાય દુ:ખી લોકોને ઉદાર હાથે સહાય કરવાનો એમને અજબનો ચસકો હતો.’

‘રેમિનન્સિસ ઓફ સ્વામી વિવેકાનંદ’માં ભગિની ક્રિસ્ટીન પિતા વિશ્વનાથ દત્ત વિશે સ્વામીજીના આ શબ્દોને યાદ કરે છે : ‘તેઓ કહે છે – મારી બુદ્ધિપ્રતિભા અને મારી કરુણા માટે હું મારા પિતાનો ઋણી છું.’ તેમના પિતાશ્રી એક દારૂડિયાને પણ પૈસા આપતા. કયા હેતુ માટે એ ધન વપરાશે એ તેઓ જાણતા પણ હતા. એમના પિતાશ્રી આત્મવિશ્વાસ સાથે એ વખતે આટલા શબ્દો ઉચ્ચારતા – ‘આ દુનિયા ભયંકર છે, ભલે એ થોડી ક્ષણો માટે એને ભૂલી જાય, જો ભૂલી શકે તો.’ દાન આપવાની બાબતમાં એના પિતાશ્રી અતિવ્યયી હતા. હંમેશ પ્રમાણે એક દિવસ પોતાના પિતાને આવી રીતે ધનને ઉડાવ રીતે આપી દેતા જોઈને એના એક યુવાન પુત્રે કહ્યું: ‘બાપુજી, મારા માટે તમે શું છોડી જશો?’ પિતાશ્રીનો જવાબ આ હતો – ‘જા, અરીસાની સામે ઊભો રહે અને હું તારા માટે શું છોડી જાઉં છું એ તને જોવા મળશે.’ ૧૪

સ્વામીજીના ઉમદા પ્રકૃતિનાં માતા ભુવનેશ્વરીદેવી

જેમના ક્ષેમકલ્યાણ માટે સ્વામીજીએ અનન્ય પ્રેમ અને સમર્પણભાવ દર્શાવ્યો હતો, એવાં એમનાં માતા ભુવનેશ્વરીદેવી એક અસાધારણ નારી હતાં. ભારતીય સંસ્કૃતિની કરોડરજ્જૂ રચતાં અસીમ સદ્‌ગુણોનું તેઓ મૂર્તિમંત રૂપ હતાં. ઉત્તર કોલકાતાના વિસ્તારમાં સુખ્યાત માતપિતાનું ભુવનેશ્વરીદેવી એકમાત્ર સંતાન હતાં. જ્યારે તેઓ દસ વર્ષનાં થયાં ત્યારે તેમનાં લગ્ન સોળ વર્ષના વિશ્વનાથ દત્ત સાથે થયાં. ભુવનેશ્વરી દેવીને પોતાનાં પત્ની રૂપે પામીને વિશ્વનાથ ઘણા સદ્‌ભાગી બન્યા હતા. પોતાના પતિના વિશાળ સંયુક્ત કુટુંબનાં સુખદુ:ખમાં ભાગીદાર બનીને દરેક રીતે તેઓ એમનાં સારાં સહધર્મિણી હતાં. તેઓ હિંદુ જીવનની પ્રણાલી પ્રમાણે જીવન જીવ્યાં.

ભુવનેશ્વરીદેવીનું તપ અને પુત્રપ્રાપ્તિની પ્રાર્થના

વિશ્વનાથ દત્ત અને ભુવનેશ્વરી દેવીને ચાર પુત્રો અને છ પુત્રીઓ હતાં. એમનું પ્રથમ સંતાન પુત્ર અને બીજું સંતાન પુત્રી તો બાળપણમાં જ મૃત્યુ પામ્યાં હતાં. ત્યાર પછીનાં ત્રણ સંતાનો રૂપે પુત્રીઓ હતી. પ્રાચીન હિંદુ પ્રણાલી પ્રમાણે હિંદુકુટુંબમાં પુત્રપ્રાપ્તિને હંમેશાં વધાવતા. સ્વાભાવિક રીતે જ ભુવનેશ્વરી દેવીને પુત્ર પ્રાપ્તિની ઝંખના થઈ. સદીઓ સુધી હિંદુ નારીઓ પોતાના જીવનની મુશ્કેલીઓમાંથી પાર ઉતરવા ઈશ્વરકૃપા માટે પ્રાર્થના કરતી. ભારતની નારીઓ પોતાની ઇચ્છાઓ અને પોતાનાં દુ:ખડાં ઈશ્વરને ચરણે વિનવણી સાથે મૂકતી. તેઓ વિવિધ જપતપ કરતી અને પ્રભુકૃપા માટે શાસ્ત્રોનો અભ્યાસ પણ કરતી. ભુવનેશ્વરી દેવીએ સોમવારનું વ્રત કર્યું. સોમવારે ઉપવાસ કરીને ભગવાન શિવની પ્રાર્થના કરવાની હોય છે. વારાણસીમાં કુટુંબનાં નજીકનાં સગાં એક વૃદ્ધાને ‘ભુવનેશ્વરી દેવીને ત્યાં પુત્ર જન્મ થાય તે માટે વારાણસીના વીરેશ્વર શિવને આવશ્યક નૈવેદ્ય અર્પણ કરવાનું અને પ્રાર્થના કરવાનું કહ્યું.’ ૧૫

ભુવનેશ્વરીદેવી શાસ્ત્રાજ્ઞાઓનું ચૂસ્તપણે પાલન કરતાં. ભગવાન શિવ પ્રત્યેની પ્રાણમનની એમની ભક્તિથી શિવજીની કૃપા એમના પર ઊતરી. એક રાતે એમણે એક અદ્‌ભુત સ્વપ્નદૃશ્ય જોયું. તેમણે સ્વપ્નમાં જોયું તો ‘શિવજી પોતાની મહાસમાધિમાંથી ઊભા થયા અને બાળકનું રૂપ ધારણ કર્યું અને તેઓ એમની કૂખે પુત્ર રૂપે અવતરવાના છે.’ ૧૬

૧૮૬૩ની ૧૨મી જાન્યુઆરીને સોમવારે, મંકરસંક્રાંતિના પાવનકારી દિવસે સવારે પુત્ર નરેન્દ્રનાથનો જન્મ થયો. એનો ચહેરો અદલોઅદલ દાદા દુર્ગાપ્રસાદને મળતો આવતો હતો. પુત્ર નરેન્દ્રને માતા તરફથી સુરીલો કંઠ, સંગીત પ્રત્યેની રુચિ અને અસામાન્ય સ્મૃતિશક્તિ વારસામાં મળ્યાં હતાં. ભુવનેશ્વરી દેવી વિશે આવું લખાણ મળે છે:

‘… વળી ભુવનેશ્વરી દેવી ધર્મપ્રેમી પ્રકૃતિનાં હતાં. તેઓ દરરોજ શિવપૂજા કરતાં. તેઓ બહુ વાતચીત ન કરતાં. એક ઉમદા હિંદુ નારીની જેમ તેઓ બધાં સંજોગો અને પરિબળોમાં ઈશ્વરની ઇચ્છા અને શક્તિને સંપૂર્ણપણે અધીન રહેતાં. ગરીબ અને અસહાય લોકોને જોઈને તેઓ વ્યગ્ર બની જતાં. વિશ્વનાથની જેમ જ ભુવનેશ્વરીદેવી પણ મધુરકંઠ ધરાવતાં હતાં અને જુદાં જુદાં ધર્મનાટકોમાં સાંભળેલ ભગવાન શ્રીકૃષ્ણનાં ગીતો મધુર કંઠે ગાઈ શકતાં. જ્યારે ભીખ માગતા ભીખારીઓ ભક્તિગીતો ગાતાં એમના ઘરે આવતા ત્યારે એમનાં એ મધુર ગીતો એક જ વખત સાંભળીને યાદ કરી લેતાં. તેઓ અસાધારણ સ્મૃતિશક્તિ માટે જાણીતા હતાં અને રામાયણ – મહાભારતના લાંબા લાંબા ગદ્યખંડો તેમણે મુખસ્થ કરી લીધા હતા. આ અનંત મહાકાવ્યોના સારભૂત તત્ત્વને તેઓ પી ગયાં હતાં. જીવન જીવવામાં ચાવી રૂપ ભારતીય સંસ્કૃતિ અને મહાકાવ્યોનાં આ સત્ત્વો તેમણે પોતાનાં સંતાનોને વારસામાં આપ્યાં હતાં. આ બંને વિશ્વનાથ દત્ત અને ભુવનેશ્વરીના ઘરે પોતાના યુગના સર્વશ્રેષ્ઠ માનવ બનનાર, પોતાના પ્રભાવથી સમગ્ર વિશ્વને હચમચાવી મૂકનાર અને નવા સંઘની સ્થાપના કરનાર એક પુત્રનો જન્મ થયો હતો.’ ૧૭

સ્વામીજી એમનાં છઠ્ઠા સંતાન હતા. સાતમું અને આઠમું સંતાન, બંને પુત્રીઓ હતી. છેલ્લાં બે સંતાન પુત્ર હતા. એમના નામ મહેન્દ્રનાથ અને ભુપેન્દ્રનાથ હતા. એ બંને દીર્ઘ જીવન જીવ્યા હતા. માતાનો સૌથી ગૌરવશાળી ગુણ કે નિયમ એટલે આત્મબલિદાન. આત્મસમર્પણ એ માતાના અસ્તિત્વનું જીવનરક્ત છે. ભુવનેશ્વરી દેવીએ શિવની પ્રાર્થનાથી જન્મેલા આ પુત્ર બાળકને અત્યંત કાળજી, અસીમ શાંતિ, ધૈર્ય અને સતત પ્રાર્થનાથી ઉછેર્યો હતો. બાળક નરેન્દ્ર જાણે કે એમનું સર્વસ્વ બની ગયો. આપણે સ્વામીજીનું બાળપણનું જીવન વાંચીએ છીએ ત્યારે એમના ચારિત્ર્ય ઘડતરમાં માતા ભુવનેશ્વરીદેવીના ગાઢ પ્રભાવને જોઈને મુગ્ધ બની જઈએ છીએ.

સ્વામીજીનાં માતા પોતાનાં બાળકોને હંમેશાં સત્યનિષ્ઠ, પવિત્ર, ગૌરવશાળી અને કરુણાળુ બનવાની સલાહ આપતાં. બાળકનાં વિકસતા મનમાં એમણે તંદુરસ્ત જીવનનાં શાશ્વત મૂલ્યો જડી દીધાં. ‘જે કર ઝુલાવે પારણું તે જગ પર કરે શાસન’ આ કહેવતમાં કંઈક સત્ય છે ખરું. એક વખત શાળામાં શિક્ષકે કોઈ પણ જાતના ન્યાયી કારણ વિના નરેન્દ્રનાથને અન્યાયી સજા કરી. જ્યારે નરેન્દ્રે આ વાત પોતાની માતાને કહી ત્યારે તેમણે આ શબ્દો કહીને શાંત પાડ્યા: ‘જો દીકરા તું સાચો હો તો પછી વળી તારે એમાં શી લેવા દેવા? ભલે અન્યાયી હોય, અણગમતું હોય પણ તને જે સાચું લાગે તે ગમે તે ભોગે કરવાનું.’ ઘણી વખત એમને અનિવાર્ય લાગતું હોય, પોતાના મનથી સાચું પણ લાગતું હોય એવું કથન બોલવાથી પોતાના નજીકના અને અંગતના લોકોમાં ગેરસમજણ ઊભી થતી અને એને કારણે સહન પણ કરવું પડતું. તેઓ પોતાના જીવનમાં જે જીવનસૂત્ર શીખ્યા અને હંમેશાં એને અનુસર્યા તે હતું: ‘જીવતાં રહીને કે મરીને પણ તમે તમારા સત્યને વળગી રહો.’ ૧૮

ભુવનેશ્વરી દેવી કદમાં નીચાં હતાં પણ સુંદર, શાહી ઢબ-છબવાળાં હતાં. આનો આનુવંષિક વારસો નરેન્દ્રનાથને મળ્યો. એ વાતને યાદ કરતાં ભગિની ક્રિસ્ટીન કહે છે : ‘સ્વામીજીએ આ વિશે આમ કહ્યું હતું: ‘રામાયણનું પઠન સાંભળ્યા પછી તેઓ પોતે જે કંઈ પણ સાંભળ્યું છે તેને ફરીથી ગાઈ બતાવે છે.’.. તેઓ (સ્વામીજી) માને છે કે આધ્યાત્મિકતાનું એક ચિહ્‌ન એટલે સારી સ્મૃતિશક્તિ.

ઘણી વાર્તાકથાઓ એમની માતાએ સંભળાવીને ગૌરવશાળી, કદમાં નાનાં લાગતાં એવા એ નારીએ પોતાનાં ગૌરવગરિમા અને ઊર્મિઓને એમની ભીતર જડી દેવાનો સખત પુરુષાર્થ કર્યો હતો. પોતે (સ્વામીજીએ) પસંદ કરેલ જીવનપથ, પોતે મેળવેલ પોતાના નામ પ્રત્યેના અણગમા અને પોતાના સ્વાભિમાનની વચ્ચે તેઓ (માતા) મનથી કેવાં ચીરાઈ ગયાં હતાં! અમારામાંથી જેમને જેમને એમનાં માતાને પ્રત્યક્ષ જોવાનો લ્હાવો મળ્યો તે લોકો આટલું તો ચોક્કસ જાણી શકે કે સ્વામીજીનો શાહી ઠાઠમાઠ એમને પોતાની માતા પાસેથી વારસામાં મળ્યો હતો. આ નાનાં દેખાતાં નારી જાણે કે પોતાની ભીતર એક રાણી જેવો ઠાઠમાઠ ધરાવતાં હતાં.’ ૧૯

ભુવનેશ્વરીદેવીનાં પવિત્રતા અને સદાચાર

થોડાક સમયગાળાને બાદ કરતાં લગ્નથી માંડીને ૧૯૧૧માં એમના મૃત્યુ પર્યંત પોતાના જીવનનો સુદીર્ઘ સમય ભુવનેશ્વરીદેવી દત્ત કુટુંબ સાથે જ રહ્યાં. પોતાના વાલી, કાકાજી સસરા અને કાકીજી દ્વારા થતા કઠોર અન્યાયોમાં પણ તેમણે શાંત રહીને પોતાની સ્ત્રીત્વની ક્ષમતા બતાવી. એમના આ વડીલો એક સાડીથી વધુ સાડી પણ ન આપતાં. પોતાના અત્યંત નજીકના આ વાલી જેવા વડીલોએ એમના પર વીતાવેલ અન્યાયી વિતકોને ભુવનેશ્વરી દેવીએ શાંત મને સહન કર્યાં. આ બધું અંતે એમના પતિની નજરે આવ્યું. તેમણે એક વખત આક્રોશ કરતાં કહ્યું: ‘અરે! આ તે કેવું! હું આટલું બધું કમાઉ છું અને જુઓ તો ખરા! મારાં પત્નીને પેટ ભરીને ખાવાનુંયે મળતું નથી!’ ગુસ્સે થઈને એમણે આ વાત કહી પણ ખરી; પણ પોતાનાં કાકા-કાકી પર એની જરાય અસર ન થઈ. ૨૦

 

Ref:

  1. His Eastern and Western Disciples, The Life of Swami Vivekananda (Calcutta : Advaita Ashrama, 2000), p.4 (Hereafter Life)
  2. S.N. Dhar,. A Comprehensive Biography of Swami Vivekananda (Madras: Vivekananda Prakashan Kendra, 1975), (Hereafter Comp. Bio., SV), p.6
  3. Ibid.
  4. Sister Christine in Reminiscences, p. 184
  5. Life, p.10
  6. Ibid., p.11
  7. The Life of Swami Vivekananda by His Eastern and Western Disciples, (Calcutta: Advaita Ashrama, 1979) Revised and enlarged Volume I, pp.8-9. (Hereafter Life of SV by Disciples)
  8. Life of SV by Disciples, Vol.I, p34
  9. Sister Christine in Reminiscences of Vivekananda (Kolkata: Advaita Ashrama, 2004), pp.174-5. (Hereafter Reminiscences) ,
  10. Bhupendranath Datta, Swami Vivekananda Patriot-Prophet, A Study (Calcutta: Nababharat Publish- ers, 1954), p.107. (Hereafter SV, Patriot-Prophet)
Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.