બાઈબલના ‘નવા કરાર’માંના સંત લૂકનો કથામૃતના આઠમા અધ્યાયમાં એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે :

ઈસુ ખ્ર્રિસ્ત ટોળાથી ઘેરાઈને જઈ રહ્યા છે. ટોળામાં ધક્કામૂકી પણ થતી હશે અને ઈસુને પણ લોકોના ધક્કાઓનો અનુભવ થતો હશે. આવી રીતે જતાં અચાનક અટકી જઈ, પાછળ નજર નાખી તેઓ બોલી ઊઠ્યા : ‘કોઈકે મને સ્પર્શ કર્યો છે.’

‘મહારાજ, આ ટોળામાં તો ધક્કા વાગ્યા જ કરે છે. આપને પણ કોઈનો ધક્કો લાગ્યો હશે’, પછીથી ઈસુના પટ્ટશિષ્ય બનનાર પીટર બોલ્યા.

ઈસુ કહે, ‘ના, આ તેવો સ્પર્શ નથી. કોઈ પીડિત વ્યક્તિ મને સ્પર્શી છે અને, મારા પુણ્યમાંથી એણે ભાગ પડાવ્યો છે.’

બધાં ઊભાં તો રહી જ ગયાં હતાં. ઈસુના આ બોલે સૌ વિચારમગ્ન બની ગયાં.

તરત જ, ટોળાના પાછળના ભાગમાંથી એક સ્ત્રી આગળ આવી અને માથું નમાવીને કહેવા લાગી : ‘હા, પ્રભુ, આપની વાત સાચી છે. મને ખૂબ લોહી પડતું હતું તે આપના ડગલાને સ્પર્શ્યા પછી બંધ થઈ ગયું.’ એ પીડિત મહિલા ઈસુના દેહને તો સ્પર્શ પણ કરી શકી ન હતી. એ પ્રભાવ ઈસુના અંગને અડીને રહેલા એક વસ્ત્રનો હતો. એ વસ્ત્રમાંથી ઈસુની દૈવી શક્તિ નીતરતી હતી.

સ્પર્શની પોતાની એક વિશિષ્ટ અસર છે. ઠેસ વાગીને પડી જવાથી રોતો બાળક માતાના મૃદુ સ્પર્શે શાતા પામે છે, પોતાનું રુદન થંભાવી દે છે ને સ્વસ્થ થઈ પાછો રમવા દોડી જાય છે. ઈરાનનો એક કવિ પ્રિયતમાના સ્પર્શ પર એટલો વારી જાય છે કે એ સમરકંદ – બુખારાની બક્ષિસ આપવા તૈયાર થઈ જાય છે.

આપણે મિત્રોની સાથે હસ્તધૂનન કરીએ છીએ, વડીલોને અને ગુરુઓને ચરણે સ્પર્શ કરીએ છીએ, બાળકના કે જિગરજાન દોસ્તના વાંસામાં ધબ્બો મારીએ છીએ, નવપરિણિતોને મસ્તકે હાથ મૂકી આશીર્વાદ આપીએ છીએ. પાશ્ચાત્ય દેશોમાં તો કોઈ વિશેષ પ્રસંગે કોઈ વ્યક્તિને અનેક માણસો સાથે હસ્તધૂનન કરવું પડે છે.

આ સ્પર્શની શી અસર થાય છે? કેવળ સ્થૂળ, ભૌતિક દૃષ્ટિએ વિચારીએ તો, જાણીતા કે અજાણ્યા જે લોકો સાથે આપણે હાથ મિલાવ્યા હોય તેમાંથી કોઈના ને કોઈના હાથમાં કોઈ રોગનાં જંતુઓ હોવાનો સંભવ ખરો. આ દૃષ્ટિએ જોઈએ તો, આરોગ્યની દૃષ્ટિએ હસ્તધૂનન આરોગ્યપ્રદ નથી. પણ આજના જગતમાં હસ્તધૂનન સંસ્કારિતાની પારાશીશી બની ગયેલ છે એટલે, એનાથી પૂરા દૂર રહેવાથી મરજાદ-સભ્યતા પાળવાનું શક્ય નથી.

પરંતુ મસ્તક પર કે વાંસા પર પડતા વડીલોના અને ગુરુજનોના હાથ પાછળના સાંસ્કારિક તથ્યને 

આપણે ઘણીવાર ઉવેખીએ છીએ. આપણાં નિકટનાં વડીલોનો, સાધુ સંન્યાસીઓનો અને ગુરુજનોનો આશીર્વાદાત્મક સ્પર્શ આપણને આદરથી, પ્રેમથી, પાવિત્ર્યથી ભરે છે. કોઈ સંતજનને સ્પર્શે અમુકતમુક વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન આવી ગયાના દૃષ્ટાંતો આપણને સાંભળવા મળે છે.

ઠાકુર શ્રીરામકૃષ્ણદેવનો સ્પર્શ આવા વિશિષ્ટ પ્રકારનો હતો. એમના કેટલાક શિષ્યોની જીવનશૈલીમાં એ પાવનકારી સ્પર્શ ગહન પરિણામ લાવનાર બન્યો હતો એમ એ ભાગ્યશાળી શિષ્યોએ જ જણાવ્યું છે.

વિવેકાનંદને એ દિવ્ય સ્પર્શની અનુભૂતિ

ભવિષ્યમાં સ્વામી વિવેકાનંદને નામે પ્રસિદ્ધ થનાર નરેન્દ્રનાથ દત્ત કોલેજમાં ભણતા હતા અને, કોઈ ભક્તને ત્યાં શ્રીરામકૃષ્ણની દૃષ્ટિમાં વસી જઈ, તેમના બોલાવ્યા, ઠાકુરને મળવા દક્ષિણેશ્વરમાં કાલી મંદિરે ગયા હતા. પહેલી મુલાકાતે તેઓ દક્ષિણેશ્વરને કાલી મંદિરે ગયા ત્યારે એકલા ગયા ન હતા. એ મુલાકાતનો અનુભવ પણ યુવાન નરેન્દ્રને માટે એવો તો વિચિત્ર હતો કે એ યુવાન કોલેજિયનને ઠાકુર શ્રીરામકૃષ્ણમાં પાગલપણાની શંકા ગઈ હતી!’ બીજીવાર આવજે, ને એકલો’, એ ઠાકુરના આગ્રહભર્યા કહેણે નરેન્દ્રનાથ બીજી વાર, ૧૮૮૨ના આરંભમાં એકલા જ ગયા હતા તે દિવસની આ ઘટના છે.

તે દિવસે નરેન્દ્રનાથ એકલા જ ગયા હતા અને એ કાલી મંદિરના પરિસરમાં આવેલ ઠાકુર શ્રીરામકૃષ્ણને ઓરડે પહોંચ્યા. ત્યારે, ઠાકુર પણ એકલા જ હતા. પોતાની એ મુલાકાતનું વર્ણન નરેન્દ્રનાથના શબ્દોમાં જોઈએ : ‘એક નાનકડી ચારપાઈ ઉપર મેં એમને એકલા બેઠેલા જોયા. મને જોઈને તેઓ પ્રસન્ન થયા અને પ્રેમપૂર્વક બોલાવીને ચારપાઈ ઉપર પોતાની પડખે બેસાડ્યો. પરંતુ બીજી જ પળે મેં એમને એક પ્રકારના આવેશમાં આવી ગયેલા જોયા. 

કંઈક સ્વગત ગણગણતા, મારી તરફ એકટશે જોતા તેઓ ધીમે ધીમે મારી તરફ સરકયા. મને થયું કે પૂર્વે કર્યું હતું તેવું જ કંઈક વિચિત્ર વર્તન તેઓ કરશે. પરંતુ નિમિષમાત્રમાં જ એમણે મારી છાતી ઉપર પોતાનો જમણો પગ મૂકી દીધો. એમનો સ્પર્શ થતાંવેંત મને કોઈ અવનવો અનુભવ થયો. આંખો ઉઘાડી હોવા છતાં મેં જોયું કે દીવાલો અને ઓરડામાંની તમામ ચીજવસ્તુઓ એકદમ ફરવા લાગી ને શૂન્યમાં લય પામી ગઈ હતી અને મારા સહિત આખું વિશ્વ એક સર્વગ્રાહી શૂન્યમાં ગરક થઈ જવાની અણી પર હતું! હું અત્યંત ભયભીત થઈ ગયો. મને થયું કે હું મૃત્યુના મુખમાં છું, કારણ કે વ્યક્તિનો લોપ થતો હોય ત્યાં મૃત્યુના ભાવ સિવાય બીજું કશું હોઈ શકે નહીં. મારાથી રહેવાયું નહીં તેથી હું બરાડી ઊઠ્યો : ‘તમે મને આ શું કરી રહ્યા છો? ઘેર મને મારાં માતાપિતા છે!’ આ સાંભળીને એ મોટેથી હસી પડયા અને મારી છાતી પર હાથ ફેરવીને બોલ્યા : ‘ઠીક હમણાં, આ બધું ભલે બંધ પડે. વખત આવ્યે બધું થઈ રહેશે. આશ્ચર્યની વાત તો એ હતી કે એમણે આમ કહ્યું કે તરત જ મારો એ અવનવો અનુભવ પણ દૂર થઈ ગયો. ફરી હું સ્વસ્થ થયો અને મેં જોયું કે ઓરડાની અંદરની તેમજ બહારની દરેક વસ્તુ. પહેલાંની જેમ યથાસ્થાને હતી.’

યુવાન કોલેજિયન નરેન્દ્રને કેવળ થોડી સેકન્ડોને અંતરે કરેલા બે સ્પર્શોની નરેન્દ્રનાથ પર કેવી તો એકમેકથી વિપરીત અસર થઈ છે! પોતાને જમણે પગેથી નરેન્દ્રની છાતી પર કરેલા સ્પર્શે ઠાકુર નરેન્દ્રને ગભરાવી નાખે તેઓ અનુભવ કરાવે છે. એ એટલો તો ઉચ્ચ આધ્યાત્મિક અનુભવ છે કે નરેન્દ્ર એને જીરવી શકતા નથી – એને જીરવવા જેવી યોગ્યતા એમણે હજી પ્રાપ્ત કરી નથી. અને, નરેન્દ્રની ગભરાટની બૂમ સાંભળીને ઠાકુરે કરેલા બીજા સ્પર્શે, પ્રથમ સ્પર્શના અનુભવે ઉત્પન્ન કરેલું એકાકારનું વિશ્વ અસ્ત પામે છે અને એ યુવાન પાછા ‘સામાન્ય’ થઈ જાય છે. ઠાકુરને પ્રથમ સ્પર્શે નરેન્દ્રનાથ અનંતના મહાસાગરમાં ડૂબકી મારે છે ને તેથી ગભરાટ અનુભવે છે. તરત જ, ઠાકુર એમને ફરી સ્પર્શ કરે છે અને એ અનંત મહાસાગરમાંથી નરેન્દ્રનાથ પાછા નક્કર ધરતી પર આવી જાય છે. ઠાકુરે મૂઠ મારી ન હતી. તેઓ મેલી વિદ્યાના જાણતલ ન હતા.

ઠાકુરના આ અનન્ય સ્પર્શોના પ્રભાવે નરેન્દ્રનાથમાં મોટું પરિવર્તન કરી નાખ્યું. પહેલી મુલાકાતે પાગલપણાની છાંટવાળા લાગેલા ઠાકુર નરેન્દ્રનાથ માટે કોયડો બની ગયા હતા. એમના ભણતરમાં, એ જે વિજ્ઞાન ભણ્યા હશે તેમાં, આવા સ્પર્શ વિશે તેમણે કયાંય વાંચ્યું ન હતું. ક્ષણ જેટલા સમયના અંતરે ઠાકુરે કરેલા બે સ્પર્શોની અસરો કેટલી તો વિભિન્ન હતી? એ સ્પર્શોની પાછળ કામ કરતું તત્ત્વ કયું હતું? કોલેજિયન નરેન્દ્રનાથ માટે આ કોયડો હતો. એનું રહસ્ય ન ઉકલે ત્યાં સુધી, ફરીવાર આ ‘સ્પર્શના જાદુગર’ પાસે જવું ત્યારે પૂરા સજાગ રહેવાનો પાકો નિશ્ચય નરેને કર્યો.

ત્રીજા સ્પર્શની કથા

પોતાના દૃઢ મનોબળ વડે નરેન્દ્રે સંકલ્પ કર્યો હતો કે, ફરીવાર કાલીમંદિરે જવું ત્યારે પૂરા સાવધાન રહેવું. આ સંકલ્પ સાથે, જતી વેળા પણ મનમાં દૃઢતાનો એકડો ઘૂટતા, નરેન્દ્ર ત્રીજી વાર કાલીમંદિરે ઠાકુરને મળવા ગયા ત્યારે, કંઈ ઓચ્છવ-ઉત્સવ જેવું હશે તેથી મંદિરના પરિસરમાં લોકોની અવરજવર વધારે હતી એટલે, કાલીવાડીને અડીને જ આવેલા યદુ મલ્લિકને ઉદ્યાનગૃહે ઠાકુર નરેન્દ્રને લઈ ગયા. 

યદુ સાથે ઠાકુરના સંબંધો ખૂબ સારા હતા અને યદુએ પોતાના એ બંગલાના રખેવાળને સૂચના આપી રાખેલી કે ‘ઠાકુર જ્યારે પણ આવે ત્યારે, એમને બેસવા માટે દીવાનખાનું ખોલી આપવું.’

પણ, સીધા તેઓ દીવાનખાને ન જતાં, પહેલાં, ઠાકુર નરેન્દ્ર સાથે ગંગાકાંઠે ને બાગમાં ટહેલવા તથા વાતો કરવા લાગ્યા. આમ થોડીવાર આંટા માર્યા પછી, ઠાકુર નરેન્દ્રને લઈને યદુના બંગલાના દીવાનખાને આવ્યા. બંને કોઈ આસન પર એકબીજાની નિકટ બેઠા. થોડો સમય વીત્યા બાદ, ઠાકુર સમાધિમાં સર્યા અને પોતાની એ સમાધિ અવસ્થામાં જ એમણે નરેન્દ્રને સ્પર્શ કર્યો. ઠાકુરના આ સ્પર્શથી નરેન્દ્રનાથના દૃઢ મનોબળના કિલ્લાના કાંગરા ખરી પડયા અને એ પણ સમાધિમાં સરી પડયા. એ સમાધિ દરમિયાન શું બન્યું તે વિશે એમને કશી ખબર જ પડી નહીં. પણ તેઓ પોતાની સમાધિમાંથી જાગ્રત થયા ત્યારે, શ્રીરામકૃષ્ણદેવને પોતાની – નરેન્દ્રની – છાતી પર હાથ ફેરવતા એમણે જોયા હતા. પોતાની એ સમાધિદશા દરમિયાન શું બન્યું હતું તે વિશે નરેન્દ્રનાથને કશો જ ખ્યાલ ન હતો.

પણ, એ વિશે ઠાકુર શ્રીરામકૃષ્ણને પૂરો ખ્યાલ હતો. નરેન્દ્રનાથની એ સમાધિદશા દરમિયાન, પોતાને નરેન્દ્રનાથ વિશે જે દર્શન થયું હતું તેની ખાતરી, વિવિધ પ્રશ્નો દ્વારા મેળવી, ઠાકુરે પોતાનાં એ દર્શનની ખાતરી કરી લીધી હતી.

ઠાકુરના લાડકા નરેનને, એના ઠાકુર પાસે આવવાના આરંભકાળના આ ત્રણ સ્પર્શાનુભવ એકબીજાથી કેટલા ભિન્ન પરિણામ દાયક હતા તે જોઈ શકાય છે. ૧૮૮૬ના ઓગસ્ટની ૧૨ કે ૧૩ તારીખે પોતાની મહાસમાધિની બે ત્રણ દિવસ પૂર્વે જ, ઠાકુરે નરેન્દ્રનાથને બોલાવ્યા અને ત્યાં જે કોઈ હતું તેને ચાલી જવા તથા, પોતે બોલાવે નહીં ત્યાં સુધી, કોઈને ન આવવા સૂચના આપી.

દૃષ્ટિનો સ્પર્શ

ઠાકુર પોતે બેચાર તકિયાઓનું ટેકણ લઈને પોતાની પથારીમાં બેઠા હતા. હાથથી નરેનને બોલાવી, તેમને પોતાની બરાબર સાથે બેસવા ઠાકુરે કહ્યું. નરેન્દ્ર તે રીતે બેઠા અને થોડી જ વારમાં ઠાકુર સમાધિમાં સરી પડયા. નરેન્દ્રને લાગ્યું કે ઠાકુરના દેહમાંથી કશુંક અદૃશ્ય તત્ત્વ પોતાની અંદર પ્રવેશી રહ્યું છે. થોડી જ વારમાં નરેન્દ્ર પણ સમાધિમાં સરી પડયા. એમની એ સમાધિ ઊતરી ત્યારે ઠાકુરની સામે જોતાં એમની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. એમણે પોતાના પ્રિયતમ શિષ્ય નરેન્દ્રનાથને કહ્યું : ‘નરેન, મારી બધી શક્તિ મેં તને આપી દીધી છે અને હું રંક ફકીર બની ગયો છું. એ શક્તિ વડે તું જગતમાં અદ્‌ભુત કાર્ય કરી શકીશ. તારે શ્રીમાનું મોટું કાર્ય કરવાનું છે.’

અને આ બોલ બોલાયાને સાત વર્ષ અને એક મહિનાનો સમય થાય તેની આસપાસ, ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે, અમેરિકાની શિકાગો નગરીમાં મળેલી વિશ્વ ધર્મપરિષદની પહેલી જ બેઠકમાંના પોતાના ટૂંકા પણ પ્રેરક પ્રવચને કોલંબસ હોલમાંના સમગ્ર શ્રોતાગણને મુગ્ધ કરી દીધો હતો અને, અકિંચન, ભટકતા, અનામી, આવી પરિષદોમાં જવાના નિયમોથી પૂરા અજાણ હોઈને, કોલંબસ હોલને તોરણેથી એકવાર રવાના કરી દેવાયેલા અને, હાર્વર્ડ યુનિવર્સિટીના ગ્રીકના પ્રોફેસર રાઈટની ભલામણે છેક છેલ્લી ઘડીએ પ્રવેશવા દેવાયેલા, કશી જ તૈયારી વગર ગયેલા સ્વામીજીના આ પહેલા જ પ્રવચને એમને વિશ્વવંદ્ય વિભૂતિમાં ફેરવી નાખ્યા હતા. કોલકાતાના સિમલા મહોલ્લાના પ્રખ્યાત વકીલ વિશ્વનાથ દત્તના તેજસ્વી ને તોફાની બાળકમાંથી સ્વામી વિવેકાનંદમાં થયેલા આ રૂપાન્તર પાછળ ઠાકુરના સ્પર્શનો જાદુ ન હતો એમ કોણ કહી શકશે?

રાખાલ (સ્વામી બ્રહ્માનંદ)ની અનુભૂતિ

નરેન્દ્રના કરતાં આઠ દસ દિવસો નાના એવા રાખાલ પણ ઠાકુરના ખૂબ લાડકા અને માનીતા શિષ્ય હતા. નરેન્દ્ર અને રાખાલ મિત્રો હતા પણ, ઠાકુર પાસે રાખાલ વહેલેરા ગયા હતા. રાખાલના પિતા જમીનદાર હતા અને રાખાલનો ઉછેર દાસદાસીઓના લશ્કર વચ્ચે થયો હતો. રાખાલ પાંચેક વર્ષના હતા ત્યારે એમનાં માતા મૃત્યુ પામ્યાં હતાં. ઠાકુર તરફથી એમને માતૃવાત્સલ્યની અમીવર્ષા મળતી. આમ છતાં ઠાકુરે ચીંધ્યું કંઈ પણ કામ કરવા આડે જમીનદારની ‘ખાનદાની’ આડે આવી જતી. એ ગર્વના ગઢને ઠાકુરે જમીનદોસ્ત કરી નાખ્યો તેની ઘટના રસિક છે. એકવાર રાખાલ દક્ષિણેશ્વરે ગયા ત્યારે બપોરનો સમય હતો, અને પોતાના ઓરડામાં ઠાકુર એકલા જ હતા. પલંગમાં લાંબા પડી તેઓ આરામ કરતા હતા. એમણે રાખાલને કહ્યું : ‘સારું થયું તું આવ્યો તે, ચાલ, જરા મારા પગ દબાવ.’

જમીનદારનો નબીરો તે શું આમ કોઈના પગ દાબે? એ તો દાસદાસીનું કામ – સંકોચાઈને રાખાલ ઊભા રહી ગયા. ગુરુસેવાના, સાધુસેવાના લાભ ઠાકુરે ગણાવ્યા. રાખાલ નરેન્દ્રનાથની માફક દલીલબાજ ન હતા. એટલે કચવાતે મને તેઓ ઠાકુરના પગ દબાવવા લાગ્યા. એમણે ઠાકુરની ચરણસેવા ચાલુ કરી તેવું જ એમને જગદંબાનું દર્શન થયું! સાત આઠ વર્ષની નાની બાળાનું રૂપ લઈ જગદંબા સાક્ષાત્‌ ઠાકુરના પલંગની ચોમેર ફરતાં, જાણે પ્રદક્ષિણા કરતાં, રાખાલને દેખાયાં. અને એ માતૃસ્વરૂપ અંતે ઠાકુરમાં ભળી જતું પણ રાખાલે – પછીના સ્વામી બ્રહ્માનંદે – નિહાળ્યું. રાખાલ સ્તબ્ધ થઈ ગયા. તરત જ મુખ પર આછા સ્મિત સાથે ઠાકુર બોલ્યા : ‘કેમ, સાધુસેવાનું ફળ તને મળી ગયું ને?’ આમ, ઠાકુરને સ્પર્શ કરીને રાખાલને માતાજીનાં દર્શનની અનુભૂતિ થઈ હતી. એમના અને નરેન્દ્રનાથના અનુભવોમાંનો તફાવત સ્પષ્ટ છે. બંનેની કક્ષા પણ ભિન્ન હતી અને તેને અનુરૂપ જ અનુભવોની પ્રાપ્તિ તેમને થાય તે ઠાકુરના લક્ષમાં હતું.

તારક (સ્વામી શિવાનંદ)ની અનુભૂતિ

ઠાકુરના એક ભક્ત શ્રીરામચંદ્ર દત્તને ત્યાં ઠાકુરને જોયા સાંભળ્યા પછી, આશરે એકાદ મહિના પછી, તારકના પગ એમને, કોઈ મિત્રની સંગાથે, દક્ષિણેશ્વર લઈ ગયા. એ બંને મિત્રો કાલી મંદિરે પહોંચ્યા ત્યારે સંધ્યાકાળ વીતી ગયો હતો અને, ઠાકુરના ઓરડામાં તેલના કોડિયાના દીવાનો ઝાંખો પ્રકાશ રેલાતો હતો. ત્રણચાર ભક્તોથી વીંટળાયેલા ઠાકુર પલાંઠી વાળીને જમીન પર જ બેઠા હતા. એ દિવ્ય ખંડના વાતાવરણથી તારક એટલા તો પ્રભાવિત થઈ ગયા કે, રિવાજ મુજબ, ઠાકુરને વંદન કરવાને બદલે એમણે પોતાનું મસ્તક ઠાકુરને ખોળે મૂક્યું. ઠાકુરે પોતાનો વત્સલ હાથ એ મસ્તકે ફેરવ્યો અને એમને પંપાળતા રહ્યા. તારકને સમાધિનો અનુભવ ન થયો, ન કાંઈ દિવ્ય સ્વરૂપનું દર્શન થયું પરંતુ, ઠાકુરના એ દિવ્ય સ્પર્શમાં એમને પોતાની માતાનો સ્પર્શ અનુભવાયો. તારકે તરત જ ઠાકુરનું શરણ સ્વીકાર્યું. તે જ ક્ષણથી એમણે પોતાની જાતને ઠાકુરને સોંપી દીધી.

કાલીની અનુભૂતિ

ભવિષ્યમાં સ્વામી અભેદાનંદને નામે ઓળખાનાર કાલીની અનુભૂતિ વળી જુદી જ હતી. શ્રીરામકૃષ્ણ પાસે દક્ષિણેશ્વરમાં એ પહેલી વાર ગયા ત્યારે એમની – કાલીની – ઉંમર હતી અઢાર વર્ષની. એ કાલીમંદિરે પહેલીવાર ગયા ત્યારે, ઠાકુર ત્યાં ન હતા. ઠાકુરને મળવા માટે એમને ત્યાં જ રોકાઈ જવું પડયું અને રાત પણ ત્યાં જ પસાર કરવી પડી. વળતી સવારે, ઠાકુરના ભત્રીજા રામલાલ એમને ઠાકુર પાસે લઈ ગયા. બે એક ઔપચારિક પ્રશ્નો પછી માણસોના પારખુ ઠાકુર કાલીને પોતાના ઓરડાને અડીને આવેલી ઓતરાદી પરસાળમાં લઈ ગયા. એ પરસાળમાં પડેલ પલંગ પર ઠાકુરે કાલીને બેસવા કહ્યું અને કાલી પદ્‌માસન વાળીને બેઠા ને પછી ઠાકુરે કાલીને પોતાની જીભ બહાર કાઢવા કહ્યું. કાલીએ તેમ કરતાં, પોતાના જમણા હાથની મધ્યમા વડે ઠાકુરે એની જીભ ઉપર કોઈ મંત્ર લખી, જગદંબાનું ધ્યાન કરવા તેમણે કાલીને કહ્યું. કાલીએ તેમ કરતાં થોડી જ વારમાં એમનું બાહ્ય ભાન જતું રહ્યું. એ રીતે થોડો સમય વીત્યા પછી ઠાકુર કાલીની છાતીને પોતાના હાથથી પસવારવા લાગ્યા. એમ થતાં થોડા સમય પછી કાલી બાહ્ય જગતના ભાનમાં આવ્યા. કાલીની જીભ પરના પોતાની મધ્યમાના સ્પર્શે ઠાકુર એમને જગત પારના પ્રદેશમાં લઈ ગયા હતા અને કાલીની છાતી પરના પોતાના મૃદુ સ્પર્શે કાલીને એમણે પાછા આ ધરતી પર આણ્યા હતા.

લાટુ પર કૃપા

સ્વામી વિવેકાનંદે લાટુ – પછીના સ્વામી અદ્‌ભુતાનંદ – ને ઠાકુરના સૌથી મહાન ચમત્કાર તરીકે ઓળખાવેલ છે. બિહારના દેહાતી પ્રદેશમાં વસતા કોઈ ભરવાડ કુટુંબનો બાળક તેને શ્રીરામકૃષ્ણે ‘લાટુ’ નામ આપ્યું હતું. શૈશવમાં એ શીતળાનો ભોગ બનેલા. એમાંથી રામે બચાવ્યા એટલે માબાપે એ પુત્રનું નામ રાખ્યું – ‘રખ્તુરામ’. એ પૂરા સમજણા થાય તે પહેલાં એનાં ગરીબ માબાપ બંને ગુજરી ગયાં. આ બાળ રખ્તુની એના કાકાએ સંભાળ લીધી. કાકા થોડા પામતા-પહોંચતા હતા. પછાત વિસ્તારના એ નાના ગામડામાં નિશાળ પહોંચી ન હતી. કાકાનાં ઢોર ચારવા લઈ જવાં એ કામ હતું અને એ શિક્ષણ પણ હતું. પણ રખ્તુરામને નસીબે રામ રૂઠયા અને ભયંકર દુકાળ પડયો. ખેતર, ઢોર બધું કાઢી, પેટ ભરવા માટે રખ્તુરામના કાકાએ કોલકાતાની વાટ પકડી. રખ્તુરામ પણ સાથે જ હતા. બાર-પંદરની વયે એ પહોંચ્યા હશે. કાકાના કોઈ ઓળખીતાની મદદથી રખ્તુરામને રામચંદ્ર દત્તની દવાની દુકાને નોકરી મળી. સંજોગવશ પછી એ દવાની દુકાનેથી રામચંદ્રે રખ્તુરામને પોતાને ઘેર, ઘરઘાટી તરીકે, ગોઠવ્યા. રખ્તુરામ દિલ દઈને, નિષ્ઠાપૂર્વક બધું ઘરકામ કરવા લાગ્યા.

આ રામચંદ્ર ઠાકુર શ્રીરામકૃષ્ણ પાસે જનાર ભક્તવૃંદમાંના આરંભના સભ્ય હતા. પોતાના મિત્ર મનમોહન મિત્ર સાથે સદાયે તેઓ શનિ-રવિવારે દક્ષિણેશ્વર જતા અને ઘેર પાછા આવી પોતાનાં પત્ની સમક્ષ તેઓ દક્ષિણેશ્વરની ઘટનાનું ઉત્સાહપૂર્વક વર્ણન કરતા. ‘આજે ઠાકુરે કહ્યું કે…’, ‘આજે ઠાકુર પ્રસન્ન મુખે બોલ્યા કે…’

રામચંદ્રની આ બધી વાતોથી એમનાં ‘પત્ની’ કેટલાં પ્રભાવિત થયાં એ ખબર નથી પણ આ રખ્તુરામના કાને પણ રામચંદ્રના આ બધા બોલ પડતા અને સીધા એમના હૈયામાં પ્રવેશતા. ઠાકુર પાસે જતી વેળા શ્રીરામચંદ્ર મીઠાઈનું પડીકું કે ફળની ટોપલી જેવું લઈ જતા. એક વાર એ ટોપલીને ગાડીમાં મૂકવા રામચંદ્રે રખ્તુરામને કહ્યું. ટોપલી ગાડીમાં મૂકી. ગાડી પાસે જ ઊભા રહેલા રખ્તુરામે પોતાના શેઠને પૂછ્યું : ‘આ ટોપલી દક્ષિણેશ્વરમાં ઉતારી દેવા હું સાથે આવું?’ રામચંદ્રે ડોકી ધુણાવતાંવેંત જ રખ્તુરામ ઉત્સાહથી ઘોડાગાડીમાં ચડી બેઠા.

ગાડી દક્ષિણેશ્વર પહોંચી અને હાથમાં ટોપલી સાથે રામચંદ્રની પાછળ પાછળ રખ્તુરામ ઠાકુર શ્રીરામકૃષ્ણને ઓરડે પહોંચ્યા તો, ઠાકુર ઓરડામાં ન હતા. પેલી ટોપલી શ્રીરામચંદ્ર અંદર બેઠા હતા ત્યાં બાજુમાં મૂકી, પોતાના સ્થાનના ભાનવાળા રખ્તુરામ એ ઓરડાની બહાર દરવાજા પાસે, ટટ્ટાર ઊભા રહ્યા. થોડી જ વારમાં શ્રીરામકૃષ્ણ બહારથી આવ્યા અને ઓરડાના દરવાજા પાસે ઊભેલા રખ્તુરામની સિકલ પર નજર નાખી, એ પોતાના ઓરડામાં પ્રવેશ્યા. એમણે ડોકટર રામચંદ્રને સીધો સવાલ પૂછયો : ‘રામ, આ છોકરો તમારી સાથે આવ્યો છે? મને એનામાં સાધુનાં લક્ષણ જણાય છે! શ્રીરામકૃષ્ણની કેવી તો વેધક દૃષ્ટિ! એક દૃષ્ટિપાતે એમણે પોતાના એક થનાર મહાન શિષ્યને માપી લીધો!

રખ્તુરામને એમણે અંદર બોલાવ્યા અને બેસવા કહ્યું અને રખ્તુરામ બેઠા તે પછી થોડી જ વારમાં ઠાકુરે પોતાનો વરદ હસ્ત રખ્તુરામને મસ્તકે મૂક્યો. જમીનમાં ઢંકાઈ ગયેલા કોઈ ફુવારા આડેનો પથ્થર હઠાવી લેતાં જેમ ફુવારો પુન: ફૂટી નીકળે તેમ, રખ્તુરામનો આધ્યાત્મિક ફુવારો પણ ફૂટી નીકળ્યો. લાટુ, લેટો – ઠાકુર રખ્તુરામને એ નામે બોલાવતા અને, સ્વામી વિવેકાનંદે એ ‘લેટો’નું રૂપાંતર ‘પ્લેટો’માં કર્યું હતું – સમાધિમાં સરી પડયા. એમની આંખોમાંથી આંસુ વરસવા લાગ્યાં અને એમના હોઠ ફફડવા લાગ્યા. પૂરો એક કલાક એ દશામાં વીત્યા પછી, ઠાકુરે લાટુને ફરી સ્પર્શ કર્યો, અને નરેન્દ્રની માફક, ઠાકુરના બીજા સ્પર્શે એ પુન: સ્વસ્થ બની ગયા. સ્વામી અદ્‌ભુતાનંદ વિશેના પોતાના સુંદર લેખમાં સ્વામી ચેતનાનંદે જણાવ્યા પ્રમાણે: ‘લાટુનો દેહ પાછો કોલકાતા ગયો પણ, એમનું ચિત્ત દક્ષિણેશ્વરમાં મૂકીને.’

ઠાકુરના ચમત્કારિક સ્પર્શના અને તેની અસરના થોડાક દૃષ્ટાંતો અહીં આપ્યા છે. આવા સ્પર્શ દ્વારા ઠાકુર શાનું પ્રદાન કરતા હશે? આ બાબત વિશે પૂજ્ય સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું છે કે :

ધર્મનું પ્રદાન કરી શકાય છે તે મેં સગી આંખે જોયું છે. એક સ્પર્શ, એક દૃષ્ટિપાત સમગ્ર જીવનમાં પરિવર્તન આણી શકે છે. બુદ્ધ, ઈસુ ખ્ર્રિસ્તના અને મહમ્મદ પયગંબર વિશે, તેમજ, એવા બીજા જ્યોતિર્ધરો વિશે વાંચ્યું હતું કે, ઊભા રહીને તેઓ બોલે : ‘તું ઊભો થઈ જા’, અને પેલો માણસ સાજોસમો થઈને ચાલવા લાગતો. હવે મને એ સાચું લાગે છે અને મેં આ માનવી (શ્રીરામકૃષ્ણ)ને જોયા તે પછી, મારા બધા સંશયો છેદાઈ ગયા છે. એમ કહી શકાય છે; અને મારા ગુરુ કહેતા : ‘દેખી શકાય, અનુભવી શકાય તે રીતે ધર્મની આપ-લે કરી શકાય છે; સંસારમાંની બીજી કોઈ વસ્તુની આપ-લે કરતાં, વધારે સ્થૂળરૂપે અને વધારે સાચા રૂપે એની આપલે કરી શકાય છે.’ તો પહેલ પ્રથમ આધ્યાત્મિક બનો; આપવા જેવું કંઈ પ્રાપ્ત કરો અને પછી, જગત સમક્ષ ખડા રહી તેનું પ્રદાન કરો.’

(નોંધ : ચેન્નઈના રામકૃષ્ણ મઠમાંથી પ્રદર્શિત થતા અંગ્રેજી માસિક ધ વેદાંત કેસરીના જૂન, ૨૦૦૯ના અંકમાંના આ લેખકના લેખને આધારે.)

Total Views: 20

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.