એક મોટો રાજા હતો. તે જંગલમાં ગયો. ત્યાં તેને એક ઋષિ મળ્યા. ઋષિ સાથેની વાતચીતમાં તેની પવિત્રતા અને જ્ઞાન જોઈને રાજા અત્યંત પ્રસન્ન થયો. એટલે રાજાને ઇચ્છા થઈ કે, ઋષિ પોતાની પાસેથી કોઈ પણ ભેટનો સ્વીકાર કરીને પોતાને કૃતાર્થ કરે. ઋષિએ તેનો અસ્વીકાર કરતાં કહ્યું: ‘હે રાજા! મારે માટે જંગલનાં ફળ પૂરતાં છે; પર્વતોમાંથી વહેતા શુદ્ધ જળનાં ઝરણાઓ મને પીવાને પૂરતાં પાણી આપે છે; ઝાડની છાલો મને પહેરવા માટે પૂરતું વસ્ત્ર આપે છે; અને પર્વતોની ગુફાઓ મારા નિવાસ માટે પૂરતી છે. તો પછી મારે શા માટે તમારી કે બીજા કોઈ પાસેથી કંઈ ભેટ સ્વીકારવી જોઈએ?’ રાજાએ કહ્યું : ‘ભગવન્! કેવળ મને કૃતાર્થ કરવા સારું કૃપા કરીને મારી સાથે મારા મહેલમાં ચાલો. મારી પાસેથી કોઈપણ વસ્તુ લો.’ રાજાનો અત્યંત આગ્રહ જોઈને ઋષિએ તેની ઇચ્છા પ્રમાણે કરવા સંમતિ આપી અને તે રાજાની સાથે એના મહેલમાં ગયા. ઋષિને ભેટ આપતાં પહેલાં રાજા ઈશ્વરની પ્રાર્થના કરતાં બોલ્યા : ‘હે પ્રભુ! મને વધુ સંતાનો આપો; મને વધુ ધન આપો; મને વધુ રાજ્ય આપો; હે પ્રભુ! મારા શરીરને વધુ સ્વસ્થ રાખો.’ વગેરે વગેરે.

પરંતુ રાજા પોતાની પ્રાર્થના પૂરી કરે તે પહેલાં તો ઋષિ ઊભા થઈ ગયા અને શાંતિપૂર્વક ઓરડામાંથી બહાર નીકળી ગયા! આથી રાજા મૂંઝાયો અને તેમની પાછળ દોડીને મોટેથી બૂમ પાડીને કહેવા લાગ્યો : ‘અરે મહારાજ! થોભો, થોભો! તમે તો મારી ભેટ સ્વીકાર્યા વિના ચાલ્યા જાઓ છો! ઊભા રહો અને મારી ભેટનો સ્વીકાર કરો.’ ઋષિએ કહ્યું : ‘હું ભિખારીઓ પાસે માગતો નથી. તું પોતે એક ભિખારી સિવાય કંઈ જ નથી, તો તું મને કોઈ વસ્તુ શી રીતે આપી શકે? તારા જેવા એક ભિખારી પાસેથી મારે કશું ન જોઈએ.’

Total Views: 27

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.