ભુવનેશ્વરીદેવીનાં પવિત્રતા અને સદાચાર

થોડાક સમયગાળાને બાદ કરતાં લગ્નથી માંડીને ૧૯૧૧માં એમના મૃત્યુ પર્યંત પોતાના જીવનનો સુદીર્ઘ સમય ભુવનેશ્વરીદેવી દત્ત કુટુંબ સાથે જ રહ્યાં. પોતાના કુટુંબના વડીલ, કાકાજી સસરા અને કાકીજી દ્વારા થતા કઠોર અન્યાયોમાં પણ તેમણે શાંત રહીને પોતાની સ્ત્રીત્વની ક્ષમતા બતાવી. એમનાં આ વડીલો એક સાડીથી વધુ સાડી પણ ન આપતાં. પોતાના અત્યંત નજીકના આ વાલી જેવાં વડીલોએ એમના પર વીતાવેલ અન્યાયી વિતકોને ભુવનેશ્વરી દેવીએ શાંત મને સહન કર્યાં. આ બધું અંતે એમના પતિની નજરે આવ્યું. તેમણે એક વખત આક્રોશ કરતાં કહ્યું: ‘અરે! આ તે કેવું! હું આટલું બધું કમાઉ છું અને જુઓ તો ખરા! મારાં પત્નીને પેટ ભરીને ખાવાનુંયે મળતું નથી!’ ગુસ્સે થઈને એમણે આ વાત કહી પણ ખરી; પણ પોતાનાં કાકા-કાકી પર એની જરાય અસર ન થઈ. ૨૦

કૌટુંબિક ઝઘડાને લીધે વિશ્વનાથ દત્તે જુદા થવું પડ્યું. તેઓ બીજે સ્થળે રહેવા ગયા. અહીં નરેન્દ્રનાથે બી.એ.નો અભ્યાસ કર્યો. ભૂપેન્દ્રનાથ દત્ત આ વિશે લખે છે: ‘જુદા થયા પછી અમારું કુટુંબ થોડા સમય માટે પોતાના પૈતૃક નિવાસ સ્થાનમાંથી ૭, ભૈરવ વિશ્વાસ લેનના ભાડાના મકાનમાં રહેવા ગયા. અહીં નરેન્દ્રનાથે બી.એ.ની પરીક્ષા માટે અભ્યાસ કર્યો.’ ૨૧ પોતાના કાકા ભયભીત થવાથી આશ્ચર્ય સાથે વિશ્વનાથ દત્ત પોતાના પૈતૃક નિવાસસ્થાને આવી ગયા.

વિશ્વનાથ દત્તના મૃત્યુ પછી સ્વામીજીનું કુટુંબ એમનાં નાનીમા રઘુમણિ (૧૮૨૫-૧૯૧૧)ના ઘરે ૭, રામતનુ બસુ લેનમાં રહેવા ગયા. સ્વામીજીએ ખેતડીના મહારાજાને લખેલા પત્રમાં આ ઘરનો ઉલ્લેખ નાના અને ગંદા ઘર તરીકે કર્યો છે. ભૂપેન્દ્રનાથ દત્તે લખ્યું છે: ‘અમે ૧૯૦૩ સુધી નાનીમાની સાથે રહ્યા. તેમણે અમને ઘણી સહાય કરી અને અમારા માટે સહન પણ કર્યું. અમારા કાકા દ્વારા કાયદાકીય કેસમાં એમણે પોતાની કેટલીક ભાડાની જમીનનું નુકશાન વેઠવું પડ્યું હતું.’૨૨ અમારા અવિવેકી કાકા અને બીજાઓના હર વખતના તકવાદી ખોટા દાવાઓને લીધે એમના જીવન પર આવેલી મુસીબતોની તો માત્ર આપણે કલ્પના જ કરી શકીએ.

સ્વામીજીનાં માતાના બીજા વિલક્ષણ ગુણ

પોતાની વિશાળ અને સંકુલ ગૃહવ્યવસ્થાને સંભાળવામાં ભુવનેશ્વરીદેવીએ અપવાદરૂપ ક્ષમતાનું દર્શન કરાવ્યું છે. તેઓ વહેમોથી પર હતા અને પોતાની પુત્રીઓ અને પુત્રોની કેળવણીને વધુ મહત્ત્વ આપતાં. એમણે પોતાની બે મોટી પુત્રીઓને કેળવણી માટે બેથૂન કોલેજમાં મૂકી હતી અને બે નાની દીકરીઓને રામબાગાનની મિશન સ્કૂલમાં શિક્ષણ અપાવ્યું હતું. યોગેન્દ્ર બાલાએ બેથૂન કોલેજના પ્રાચાર્યા કુમારી કામિની શિલ પાસે અંગ્રેજીનો અભ્યાસ કર્યો હતો. શ્રીમતી મેક્ડોનાલ્ડ (પ્રો. મેક્ડોનાલ્ડનાં પત્ની) તેમને ઘરે ભણાવવાં આવતાં.૨૩

૧૮૬૭માં નવગોપાલ મિત્રે યોજેલા હિંદુ વાર્ષિક મેળામાં દત્ત કુટુંબના લગભગ બધા સભ્યોએ ભાગ લીધો હતો. એના દ્વારા એમણે ભારતના સાંસ્કૃતિક વારસા પ્રત્યે પ્રગતિશીલ રાષ્ટ્રિય ગૌરવને પ્રોત્સાહન આપ્યું હતું. ભુવનેશ્વરીદેવીની પુત્રીઓએ પોતાના હસ્તકળાના નમૂના રજૂ કર્યા હતા. એક વર્ષે એમનાં બે સંતાનોને – પુત્રી હીરામણિદેવીને જરીના લાલ વેલ્વેટ પરના ભરતકામ માટે અને નરેનને અંગકસરત માટે ઉચ્ચતમ પુરસ્કારો મળ્યા હતા. ૧૮૮૦ના કોલકાતાના યુવ-બળ પ્રદર્શનમાં તેમની પુત્રી યોગેન્દ્રબાલાએ કાંગરીની માળાના પ્રદર્શન દ્વારા એક ચંદ્રક મેળવ્યો હતો.૨૪

પોતાની અત્યંત વ્યસ્ત ફરજોની વચ્ચે પણ સ્વામીજીનાં માતા અંગ્રેજી શીખવાનો સમય કાઢી લેતાં. જ્યારે ભગિની નિવેદિતા અને ભગિની ક્રિસ્ટીન એમની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ એમની સાથે અંગ્રેજીમાં વાતચીત કરી શક્યાં હતાં. વ્યક્તિગત રીતે તેઓ પોતે ઘરે પોતાના ત્રણેય પુત્રને પ્રાથમિક કક્ષાનું અંગ્રેજી શીખવતાં. અંગ્રેજીના શિક્ષણ ઉપરાંત એમણે નીતિ અને સદાચારના સંસ્કાર પોતાનાં સંતાનોમાં રોપ્યા હતા. તેમણે પોતાનાં સંતાનોને ભારપૂર્વક સમજાવ્યું હતું કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ અને મૂંઝવણો આવે છતાં પણ નૈતિક અને સદાચારના નિયમો ક્યારેય ત્યજવા નહિ.

તેઓ દરરોજ રામાયણ અને મહાભારત તેમજ બંગાળી સાહિત્યના વાચન માટે અને બંગાળી કાવ્ય રચના કરવા માટે સમય કાઢી લેતાં. એમના બંગાળી હસ્તાક્ષર અત્યંત સુંદર હતા. એમની વિલક્ષણ સ્મૃતિશક્તિને લીધે નરેન્દ્રનાથ એમની પાસે બેસીને આપણાં મહાકાવ્યો અને પુરાણોની કેટલીયે વાર્તાઓ શીખ્યા હતા. આ વાર્તાઓમાંથી ઘણી ભગિની નિવેદિતાને કહી હતી. નિવેદિતાએ આ બધી વાતોને પોતાની રીતે પોતાના પુસ્તક ‘ક્રેડલ ટેલ્સ ઓફ હિન્દુઈઝમ’માં મૂકીને અમર બનાવી દીધી છે. ભુવનેશ્વરીદેવી અને વિશ્વનાથ બંને ઉદાર દિલના હતાં. યુવાન વિધવાઓનાં પુનર્લગ્ન માટેના પોતાના પતિના કાર્યમાં પૂરેપૂરા સહમત હતાં. આવા સામાજિક સુધારા સામે એમના પાડોશીઓનો મોટો વિરોધ હોવા છતાં ભુવનેશ્વરી દેવી પોતાના વિસ્તારમાં યોજાયેલ આવાં બે લગ્નમાં જોડાયાં હતાં.

તેમના પતિ કોર્ટ દ્વારા વેચાણમાં મૂકાતી મોટી મિલકતો ખરીદતા અને વેચી પણ નાખતા. આમાંની એક સ્થાવર મિલકત એમણે ભુવનેશ્વરીદેવીના નામે ખરીદી અને ભાડે આપી દીધી. જ્યારે મુસ્લિમ ભાડુઆતો ભાડુ ચૂકવી ન શક્યા ત્યારે તેઓ એમને મળ્યા. એ વખતે વિશ્વનાથે એ મિલકતના સાચા માલિક પોતાનાં પત્નીને મળવા કહ્યું. જ્યારે ભુવનેશ્વરીદેવીએ તેમની હકીકત સાંભળી ત્યારે એમને ચિંતામાંથી મુક્ત કર્યા. ત્યાર પછી આ મુસ્લિમ ભાડુઆતોએ ભાડું ન આપ્યું અને અંતે એમને એ મિલકતનો કાયદાકીય હક પણ મળી ગયો.૨૫

એમના મનહૃદયની અનન્ય ઉદારતા અને સમર્પણભાવને દર્શાવતો એક પ્રસંગ છે : એમના જમાઈએ પોતાની પુત્રી યોગેન્દ્રબાલાના આપઘાત પછી ૨૫ વર્ષની ઉંમરે ૧૮૯૧માં સીમલા હિલમાં પુનર્લગ્ન કર્યાં. પુત્રી પ્રત્યેની પોતાની લાગણીઓને એક બાજુએ મૂકીને અત્યંત ઉદારતાથી એ નવવધૂને પોતાને ઘરે આવકારી અને પોતાની પુત્રી હોય એમ વર્તન એમણે દાખવ્યું.૨૬

૧૯૦૦માં કોલકાતામાં પડેલા ભારે ધોધમાર વરસાદને કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયાં ત્યારે ભુવનેશ્વરીદેવીએ પોતાના પુત્ર ભૂપેન્દ્રનાથ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓ કાકુડગાચ્છી યોગોદ્યાનમાં મોકલી. એ વખતે ભૂપેન્દ્રનાથે કેડ સમાણા પાણીમાં ચાલીને એ વસ્તુઓ ત્યાં આપી. (અહીં શ્રીરામકૃષ્ણદેવના અસ્થિનો એક કુંભ રાખવામાં આવ્યો છે.) ૨૭

ભુવનેશ્વરીદેવી ૪૩ વર્ષના હતાં ત્યારે ૧૮૮૪માં એમના પતિનું અવસાન થયું હતું. વિશ્વનાથ દત્તના અવસાન પછી ભુવનેશ્વરીદેવીનાં ગૃહકૌશલ્ય અને પ્રયુક્તિઓને લીધે કુટુંબ દારુણ અવદશામાં સંરક્ષિત રહ્યું. સ્વામી સારદાનંદજીએ એમનાં ચાતુર્ય અને આત્મનિર્ભરતા વિશે વર્ણન કરતાં કહ્યું છે :

‘પોતાના પતિના અવસાન પછી આ માઠા દિવસોમાં કુટુંબ પર આવી પડેલ સંકટમાં એમનું ખમીર કસોટીની સરાણે ચડ્યું. પોતાના પર આવી પડેલ અણચિંતવ્યા સંજોગોના પરિવર્તન સમયે એમણે અદ્‌ભુત ધૈર્ય, શાંતિ, કરકસર અને સમાધાનવૃત્તિ દાખવ્યાં. જે નારી પોતાની ઘરગૃહસ્થી ચલાવવા માટે મહિને એક હજાર રૂપિયા વાપરતી એ જ નારીએ પોતાના તેમજ પોતાના પુત્ર-પુત્રીઓના નિભાવ માટે માત્ર ૩૦ રૂપિયામાં ચલાવવું પડતું. આ પરિસ્થિતિમાં પણ એકેય દિવસ તેઓ ઉદ્વિગ્ન ન બન્યાં. પોતાના કુટુંબની બધી બાબતોનું સુપેરે વ્યવસ્થાપન કરવા માટે આટલી અપૂરતી આવકનો કરકસરથી ઉપયોગ કરતાં. એમને ખર્ચ કરતા જોનારને આ ખર્ચની રકમ ઘણી મોટી દેખાતી. પોતાના પતિના થયેલા એકાએક અવસાનથી જે ભયંકર પરિસ્થિતિમાં ભુવનેશ્વરીદેવી મૂકાયાં, તેનો વિચાર કરીને કોઈ પણ વ્યક્તિને કંપારી છૂટવાની. પોતાના કુટુંબની આવશ્યકતાઓને પહોંચી વળવા કોઈ ચોક્કસ આવક તો હતી નહિ. આવી પરિસ્થિતિમાં પણ એમણે પોતાનાં વૃદ્ધ માતા, પુત્રો અને પુત્રીઓને સારી પરિસ્થિતિમાં રાખવાનાં હતાં; તેમજ પોતાનાં સંતાનોની કેળવણી માટે પણ ખર્ચ કરવાનો હતો. એમનાં સગાંસંબંધીઓ પોતાના પતિની ઉદારતા અને પ્રભાવને લીધે સારી એવી કમાણી કરતા અને જીવન જીવતાં થયાં હતાં. આમ છતાં પણ માઠા દિવસોમાં તેઓ એમને મદદ કરવાને બદલે પોતાને મન ફાવે તે રીતે ભુવનેશ્વરીદેવીના હકની સંપત્તિમાંથી પણ દૂર રાખવા બધા પ્રયત્નો કરી લેતા. ઘણી સારી ગુણવત્તાવાળા પોતાના વરિષ્ઠપુત્ર નરેન્દ્રનાથે અનેક સ્થળે અને દિશાઓમાં અત્યંત પુરુષાર્થ કર્યો છતાં પણ નોકરી ધંધો મેળવવામાં નિષ્ફળ રહ્યા. દુનિયા પ્રત્યેની એમની આસક્તિ ઓછી થતી ગઈ અને તેઓ આ વિશ્વનો પરિત્યાગ કરવાની તૈયારી કરવા લાગ્યા. આવી ભયંકર વિષમ પરિસ્થિતિમાં પણ ભુવનેશ્વરીદેવીએ પોતાના ઘરને સંભાળવાની જે રીતે ફરજો નિભાવી તેનો વિચાર કરતાં કોઈ પણ વ્યક્તિ એમના પ્રત્યે માન અને આદરભાવની લાગણી સ્વાભાવિક રીતે અનુભવે જ. ૨૮

ભુવનેશ્વરીદેવી અનેક રીતે વિલક્ષણ નારી હતાં. એને લીધે એના પુત્રને તેની અત્યંત પ્રશંસા કરવા પ્રેર્યા. કુટુંબના રહેઠાણમાંથી, પોતાની કાયદાકીય મિલકતોના ભાગમાંથી વંચિત રાખવા વર્ષો સુધી ચાલતા રહેલા કાયદાકીય કોર્ટ કેઈસના ખર્ચાને લીધે અત્યંત વિષમ આર્થિક મુશ્કેલીઓ અને પુત્રી યોગેન્દ્રબાળાનો આપઘાત જેવાં અનેક કારણોને લીધે એમને કષ્ટપીડા ભોગવવાં પડ્યાં હતાં. પોતાના સૌથી મોટા પુત્રની સૂચક ગેરહાજરી અને ૧૮૯૬માં કાયદાના વધુ અભ્યાસાર્થે ઈંગ્લેન્ડ ગયેલ બીજા પુત્ર મહેન્દ્રનાથના ઠામઠેકાણાનાં કોઈ ખતખબર ન હતાં, એ પણ એમને માટે એક સંતાપ જ હતો. સ્વામીજીના દેહાવસાન પછી મહેન્દ્રનાથ કોલકાતામાં પોતાના માતા પાસે આવ્યા.

આ સમયગાળો ભુવનેશ્વરી દેવી માટે નાણાવિહીનતા અને લાગણીઓના ઉકાળાનો હતો. ભૂપેન્દ્રનાથ દત્ત ૧૯૦૩માં ભારતના ક્રાંતિકારી આંદોલનમાં જોડાયા. ૧૯૦૭માં (બંગાળી ભાષાનું ક્રાંતિકારી સ્વાતંત્ર આંદોલનનું એક સામયિક) ‘યુગાન્તર’ના તંત્રી તરીકે એના પર પ્રજાને ખોટી રીતે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો. એમને એક વર્ષની સખત કેદની સજા થઈ. ત્યાર પછી એમને જેલમાંથી છોડવામાં આવ્યા. ભગિની ક્રિસ્ટીનની આર્થિક સહાય અને સૂચન-માર્ગદર્શનથી તેમણે એ જ દિવસે કોલકાતા છોડ્યું. ત્રણચાર દિવસ પછી તેઓ પ્રછન્ન નામે અમેરિકામાં પ્રવાસ કરી રહ્યા હતા. એમના ગયા પછી બેલૂર મઠમાં એમની નિરર્થક શોધ માટે પોલીસે ઘણા ઉધામા કર્યા. આવા બહાદૂર પુત્રની માતા બનવા માટે કોલકાતાની ઘણી નારીઓએ ભુવનેશ્વરીદેવીને અભિનંદન પાઠવ્યાં. ભુવનેશ્વરીદેવીએ એ વખતે આ ગંભીર વાણી ઉચ્ચારી હતી: ‘ભૂપેનનું કામ તો હજી શરૂ થયું હતું. મેં એને આ દેશના યોગક્ષેમના કાર્ય માટે અર્પણ કરી દીધો છે.’ ૨૯ ખેતડીના મહારાજ સાથે સ્વામીજી ગાઢ સંબંધ ધરાવતા હતા. એના પ્રકાશમાં આપણે એટલું તો સરળતાથી સમજી શકીએ કે કેવી રીતે સ્વામીજીએ એમને પોતાની માતાને મદદ કરવા માટે અપીલ કરી હશે.

Ref:

  1. Bhupendranath Datta, Swami Vivekananda, Patriot-Prophet, A Study (Calcutta: Nababharat Publish-Aesdalers, 1954), p.107. (Hereafter SV, Patriot-Prophet) 
  2. Ibid.
  3. SV., Patriot-Prophet, p.111. See also Comp. Bio., SV, Part I,10.
  4. SV, Patriot-Prophet, p.139.
  5. Comp. Bio., SV, Part I, p.11.
  6. SV, Patriot-Prophet p.103-4.
  7. Comp. Bio., SV, Part I, p.12.
  8. SV, Patriot-Prophet, p.123.
  9. Swami Saradananda, Sri Ramakrishna, The Great Master, p.840
  10. SV, Patriot-Prophet, p.112-13.
Total Views: 25

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.