હવે આદર્શોને વ્યાવહારિક જીવનમાં, આચરણમાં ઉતારવાની રીતો વિશે કહું. પ્રથમ આપણે એ સમજવાનું કે આપણો આદર્શ અશક્ય ન હોવો જોઈએ. અતિ ઉચ્ચ આદર્શ પ્રજાને નબળી પાડે છે અને નીચી ઉતારે છે. બૌદ્ધો અને જૈનોના સુધારાઓ પછી આવું બન્યું હતું. બીજી બાજુએ અતિમાત્રામાં વ્યાવહારિકપણું પણ ખોટું છે. જો તમારામાં સહેજ પણ કલ્પનાશક્તિ ન હોય, જો તમને દોરવા માટે કોઈ આદર્શ જ ન હોય, તો તમે કેવળ પશુ જ છો. એટલા માટે જેમ આપણે આપણા આદર્શને નીચો ન ઉતારીએ તેમજ વ્યાવહારિકતાને પણ નજર બહાર ન રાખીએ. બંનેમાં અતિશયતાને છોડી દેવી જોઈએ. આપણા દેશમાં જૂનો વિચાર ગુફામાં બેસીને ધ્યાન કરતાં કરતાં મરી જવું એ છે. મુક્તિની બાબતમાં બીજાઓને મૂકીને એકલા આગળ જવું એ ખોટું છે. વહેલેમોડે માણસે સમજવું જોઈએ કે પોતાના ભાઈઓની મુક્તિ માટે પ્રયાસ ન કરનારને મુક્તિ ન મળી શકે. તમારે જીવનમાં પ્રખર આદર્શવાદ અને પ્રખર વ્યાવહારિકતા એ બંનેનો સમન્વય સાધવો જોઈએ. એક ક્ષણે ઊંડા ધ્યાનમાં મગ્ન થવા છતાં બીજી ક્ષણે આ સામેનું મઠનું ખેતર ખેડવા માટે પણ તૈયાર થઈ જવું જોઈએ. એક ક્ષણે અત્યંત કઠિન શાસ્ત્રગ્રંથને સમજાવવા તૈયાર રહેવું જોઈએ અને બીજી જ ક્ષણે જઈને ખેતરની પેદાશ બજારમાં વેચવાને તૈયાર રહેવું જોઈએ. માત્ર અહીં જ નહિ પણ બીજે કોઈ પણ સ્થળે, સર્વ પ્રકારનું હલકું કામ કરવાને તમારે તૈયાર રહેવું જોઈએ.

ત્યાર પછી યાદ રાખવાની બાબત એ છે કે આ સંસ્થાનો ઉદ્દેશ સાચા મનુષ્યો તૈયાર કરવાનો છે. ઋષિઓએ જે શીખવ્યું તેટલું જ માત્ર તમારે શીખીને બેસી રહેવાનું નથી. એ ઋષિઓ પણ ગયા અને તેમના અભિપ્રાયો પણ તેમની સાથે જ ગયા. તમારે પોતાને હવે ઋષિ બનવાનું છે. તમે સુધ્ધાં મહાનમાં મહાન જન્મેલા પુરુષો જેવા જ, અરે આપણા અવતારી પુરુષો જેવા જ મનુષ્યો છો. એકલું પુસ્તકિયું જ્ઞાન શું કરી શકે? ધ્યાન સુધ્ધાં શું કરી શકવાનું હતું? મંત્રો ને તંત્રોય શું કરવી શકવાનાં હતાં? તમારે તમારા પોતાના પગ ઉપર ખડા રહેવાનું છે. તમારે આ નવી પદ્ધતિ, માણસ તૈયાર કરવાની પદ્ધતિ અપનાવવી જોઈએ. ખરો મર્દ તે છે કે જે શરીરે ખૂબ જ સશક્ત હોવા છતાં તેનું હૃદય નારી જેવું કોમળ હોય. તમારી આસપાસના લાખો જીવોને માટે તમારા અંતરમાં લાગણી હોવી જોઈએ, તે સાથે તમારે મજબૂત અને અણનમ થવું જોઈએ; તમારામાં આજ્ઞાપાલન પણ હોવું જોઈએ. જો કે એ સહેજ વિરોધાભાસ જેવું દેખાય, છતાં તમારામાં ઉપલક દૃષ્ટિએ વિરોધી લાગતા આ ગુણો હોવા જોઈએ. જો તમારો ઉપરી હુકમ કરે કે નદીમાં પડીને મગરમચ્છને પકડી લાવો, તો તમારે પ્રથમ તેનો હુકમ માનવો અને તેની સાથે તર્ક પછીથી કરવો, હુકમ ભલે ખોટો હોય, પણ પ્રથમ તેનું પાલન કરો અને પછી તેનો વિરોધ કરો.

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ-૨, પૃ.૨૯૬-૯૭)

Total Views: 28

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.