ગયા સંપાદકીયમાં સામાન્ય રીતે આજના વિદ્યાર્થીઓએ, યુવાનોએ તેમજ વૃદ્ધોએ શા માટે, શું અને કેવી રીતે વાંચવું એની પ્રાથમિક ચર્ચા આપણે કરી. સામાન્ય રીતે અધ્યયન શબ્દ આપણા મનમાં વર્ગખંડ કે વિદ્યાલયનું ચિત્ર ઊભું કરે છે. અહીં એક શિક્ષક વિદ્યાર્થીઓને વિષયવસ્તુ સમજાવે છે અને એને કેવી રીતે સ્મૃતિમાં ભંડારી દેવું અને જરૂર પડે ત્યારે પરીક્ષામાં એને રજૂ કરી દેવું – આ વાત આપણા મન સમક્ષ આવ્યા વગર રહેતી નથી. પરંતુ ધર્મ, તત્ત્વજ્ઞાન કે વ્યક્તિત્વ ઘડતર વિશેના ગ્રંથો વાંચતી વખતે આવો અભિગમ આપણે અપનાવી શકીએ? સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મોટા ભાગના વાચકો પરીક્ષાલક્ષી અધ્યયનને ઘણી ગંભીરતાથી ધ્યાનમાં લે છે, ભલે પછી એમાં પરીક્ષાની બીક કારણભૂત હોય. જ્યારે ઉપર્યુક્ત ગંભીર અને જીવનોપયોગી વિષયોના વાચનમાં વાચકોનો અભિગમ આવો હોતો નથી, એને બદલે પ્રમાણમાં ઘણો હળવો હોય છે.

પતંજલિના યોગસૂત્રમાં સ્વાધ્યાયને એક આધ્યાત્મિક સાધનાનું મુખ્ય અંગ ગણવામાં આવ્યું છે. આ પદ્ધતિને નજર સમક્ષ રાખીએ તો સ્વામી વિવેકાનંદ જેવા મહામનીષીની ગ્રંથમાળામાં સંગ્રહિત લેખો, વિચારો અને સંભાષણો વગેરે માટે કોઈ વિશેષ સ્વાધ્યાય પદ્ધતિ અપનાવી શકીએ ખરા! ઘણા લોકો આવા ગ્રંથોનું અધ્યયન ભક્તિભાવપૂર્વક કરે છે. દા.ત. આપણા ઘરમાં વૃદ્ધો રામાયણ, ભાગવત જેવા ગ્રંથોનું વાચન કરે છે તે રીતે. આવા વાચનમાં સામાન્ય રીતે એક ભક્તિભાવ ભરેલું અધ્યયન જોવા મળે છે, પણ એમાં સારાસાર વિવેકબુદ્ધિવાળી વિવેચનાત્મક સમાલોચનાને કોઈ સ્થાન હોતું નથી. ધર્મગ્રંથોના વાચન પાછળનો હેતુ સામાન્ય રીતે ધર્મભાવના કેળવવાનું તેમજ પોતાના ઈષ્ટની લીલા વિશે ચિંતન કરવાનું હોય છે. જ્યારે સ્વાધ્યાયપૂર્વક સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાનો અભ્યાસ કરવાનો હેતુ વિચારોની પૂર્ણ સ્પષ્ટતા અને સમજણની ગહનતામાં વધારો કરવાનો છે. આ દૃષ્ટિએ જોઈએ તો પેલું ધર્મગ્રંથોનું વાચન થોડું નિષ્ક્રિય કે શુષ્ક જેવું લાગે, જ્યારે બીજા પ્રકારનું વાચન સક્રિય હોય છે અને એમાં વાચકે પોતાની જાતને વધારે સમર્પિત કરવી પડે છે. પ્રથમ પ્રકારના ભાવાત્મક વાચનની અસર તત્કાલ કે અલ્પસમય પૂરતી હોય છે; પણ ગહન અધ્યયનના લાભો વધારે દીર્ઘજીવી હોય છે.

મોટા ભાગના લોકો એમ માને છે કે અમે વાચનની રીત જાણીએ છીએ; પણ વાસ્તવિક રીતે સારા અને સાચા અધ્યયનની રીત દુર્લભ હોય છે. ચિંતન કરતાં કરતાં વાંચવું એ એક કૌશલ્યવાળી પ્રક્રિયા છે અને એનાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા કોઈ ચોક્કસ પદ્ધતિની આવશ્યકતા રહે છે. આવા પ્રકારના વાચન માટે સામાન્ય રીતે પાંચ પ્રકારના પ્રાથમિક વાચન પદ્ધતિનાં પગલાં આપી શકાય : અવલોકન, પ્રશ્ન કરવા, વાચન, પુનરાવૃત્તિ અને પુનરાવલોકન. આ પદ્ધતિ દ્વારા કોઈ પણ વિષયવસ્તુની વધારે સારી સમજણ કેળવી શકીએ છીએ અને એ ગ્રંથમાં રહેલા આદર્શો કે વિચારોને સુસંકલિત કરીને એને આત્મસાત્‌ કરી શકીએ છીએ. હવે આપણે આ પાંચેય મુદ્દા વિશે વિગતે વાત કરીએ.

અવલોકન : આના દ્વારા કોઈપણ ગ્રંથનો પૂર્ણત: અવલોકન કરવાનો પ્રયત્ન થાય છે. સામાન્ય રીતે આમાં મુખ્ય શીર્ષકથી માંડીને અનુક્રમણિકા અને પ્રકરણ પ્રમાણે આપેલી મીતાક્ષરી નોંધ પર આપણે નજર દોડાવવી જોઈએ. પાના પછી પાનું પલટાવીને એક ઉપરછલ્લી નોંધ તૈયાર કરવી અને વિષયવસ્તુના મુખ્ય વિભાગોનું તારણ કાઢવું જોઈએ. આપણે આમ કરતી વખતે સામાન્ય રીતે વિષયવસ્તુની સામાન્ય સમજણ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. સાથે ને સાથે એ ગ્રંથના મુખ્ય વિભાગો અને એ બધાની વચ્ચેના પરસ્પર સંબંધોને પણ જાણવા-સમજવાના હોય છે. આ પ્રયાસ દ્વારા આપણને ગ્રંથ વિશેનું એક વિહંગાવલોકન મળી રહેશે.

પ્રશ્ન કરવા : ઉપર્યુક્ત પ્રક્રિયા પૂરી થાય એટલે ગ્રંથને એક બાજુએ રાખીને એના વિષયવસ્તુ વિશે આપણે પ્રશ્નાત્મક દૃષ્ટિએ ચિંતન કરવું જોઈએ. દા.ત. સ્વામી વિવેકાનંદનું કર્મયોગ નામનું પુસ્તક વાંચતા હોઈએ ત્યારે એમાં રહેલ કર્મ, ચારિત્ર્ય, ફરજનિષ્ઠા, અનાસક્તિ, વગેરે શબ્દો અને એની સંકલ્પનાઓ જે આપણે પહેલી પ્રક્રિયામાં નોંધી રાખી છે, તેના વિશે ચિંતન કરવું. વાચનનાં પાંચ અંગોમાં આ પ્રક્રિયા અત્યંત મહત્ત્વની છે. વેદાંતમાં કહ્યું છે તેમ, બધું જ્ઞાન ભીતર જ છે. પણ આ સત્યની શોધ કરવા જતાં એને ખ્યાલ આવે છે કે એની ભીતર જ પહેલેથી જ કેટલો જ્ઞાનનો ભંડાર ભરેલો છે અને એમાંના મોટા ભાગના વિષયવસ્તુથી તે પહેલેથી જ અવગત છે. આપણે આપણા જબરદસ્ત સ્મૃતિભંડારમાં રહેલી અને હાલ વિસારે પડેલી માહિતી અને જ્ઞાનને ફરીથી ઉઘાડીને, સ્મૃતિને બરાબર ઢંઢોળીને એક વિડિયો કેસેટની જેમ એને ફરીથી ચલાવીએ છીએ. અલબત્ત આ પ્રક્રિયા થોડો સમય માગી લે તેવી અને કષ્ટપ્રદ છે; પણ ધીરતાથી એની પાછળ પડવાથી એનાં પરિણામો ઘણાં સારાં અને મોટાં ફળદાયી નીવડે છે.

વાચન : વાચનમાં આપણે કોઈપણ ગ્રંથને સાદ્યંત વાંચી જઈએ છીએ. વાચન વખતે આપણે સામાન્ય રીતે એનાં કેટલાંક મહત્ત્વનાં શબ્દો, શબ્દસમૂહો અને વાક્યોની હારમાળાને વધુ ધ્યાનથી જોવાં જોઈએ. એટલે કે આપણે એમાં રહેલી સંકલ્પનાઓ પછી આવતા આગવા પ્રસ્તાવો અને ચર્ચા વિચારણા અને તર્કને પણ ધ્યાનમાં લેવાના છે. કર્મયોગ નામના પુસ્તકમાં આપેલ એમના ચાવીરૂપ શબ્દો અને શબ્દસમૂહો જાણી લીધા પછી એનું વાચન સરળ બની જાય.

પુનરાવૃત્તિ : પુનરાવૃત્તિ એ વાચનપદ્ધતિનું ચોથું પગથિયું છે. મનમાં જે તે ગ્રંથની માહિતી ભરી રાખવી એ પૂરતું નથી, એની પુન: પુન: અક્ષરશ: પુનરાવૃત્તિ પણ થવી જોઈએ; એને લીધે શબ્દમાં રહેલી પ્રાણશક્તિને આપણે સાચી રીતે જાણી શકીએ છીએ. એને ગોખી મારીને પોપટની જેમ રામ, રામ રટ્યે રાખવાનું નથી. મુદ્દાની વાત તો એ છે કે જે તે ગ્રંથના ઉપદેશને આપણે આપણા શબ્દોમાં મૂકવાનો છે, એ ગ્રંથના બધા મુખ્ય સિદ્ધાંતોનો નીચોડ આપણે આપણા અનુભવમાં લાવવાનો છે, એને આપણાં પોતાનાં જ ઉદાહરણો દ્વારા પુન: રજૂ કરવાનો છે અને એને આપણી પોતાની ભાષામાં ઉતારવાનો છે. આ કંઈ કંઠસ્થ કે મુખસ્થ કરવાની પ્રવૃત્તિ ન બનવી જોઈએ; તો અને તો જ આપણી સૂઝબૂઝને તે વધુ સ્પષ્ટ કરે છે અને આપણા સ્મૃતિભંડારમાં એને કાયમને માટે જાળવી પણ શકાય છે.

પુનરાવલોકન : આ છેલ્લું અને પાંચમું પગથિયું ઘણું મહત્ત્વનું છે. આપણે જે કંઈ પણ વાંચ્યું એને ફરીથી અવલોકી લઈએ છીએ. પુનરાવૃત્તિ વિના કોઈ પણ માહિતીને સ્મૃતિમાં જાળવી રાખવી ભાગ્યે જ શક્ય બને છે. આપણા મનમાં ગ્રંથ વિશેની જે છાપ જાગી છે એને ફરીથી તાજી કરવાનું કામ આ પુનરાવલોકનથી થાય છે. આપણી માનસિક પ્રતિછાપોને ફરીથી ચિંતનાત્મક રીતે તાજી કરવાથી કે જે તે વિષયવસ્તુનું વાસ્તવિક પુનર્વાચન કરવાથી પુનરાવલોકન પર ઘણી સારી અસર પડે છે. પછીથી આપણા માટે કોઈ નવાઈની વાત ન રહે એટલા માટે કોઈ પણ એક વખત વાંચેલો સદ્‌ગ્રંથ ફરી ફરી વાર વાંચવો એ વધારે સારું છે. એમાંયે ગહન શાસ્ત્ર ગ્રંથોનું અધ્યયન કે એના વિષયોનો સ્વાધ્યાય જિંદગીભર ચાલુ રહે છે.

જે કોઈ પણ વ્યક્તિ વાચન શોખીન હોય છે તે જો આ – અવલોકન, પ્રશ્ન કરવા, વાચન, પુનરાવૃત્તિ અને પુનરાવલોકન – પાંચેય પગથિયાંને અનુસરે તો ગ્રંથના વિષયવસ્તુ પર પ્રભુત્વ મેળવી શકાય. આવું પ્રભુત્વ એમને માહિતી કે જ્ઞાનની દૃઢ આધારશિલા પૂરી પાડે છે. સાથે ને સાથે નવું નવું અધ્યયન કરવાની અને વાંચેલું છે એના કરતાં વધારે ઉન્નત અભ્યાસના પ્રકલ્પો સફળતાપૂર્વક હાથ ધરવાની તૈયાર ક્ષમતા પણ આપણને મળી રહે છે.

સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના દસ ભાગમાં ૪૦૦૦ જેટલાં પૃષ્ઠોની એક વિશાળ, પ્રેરણાદાયી વાચન સામગ્રી આપણને સાંપડે છે. (અંગ્રેજીમાં આ ગ્રંથમાળાના નવ ભાગ છે, એની પૃષ્ઠસંખ્યા ૪૬૦૦ છે. અંગ્રેજીના નવમા ભાગનો ગુજરાતી અનુવાદ તૈયાર છે અને ટૂંક સમયમાં પ્રકાશિત થશે. એટલે આ ભાગ ઉમેરાતાં ગુજરાતીના ૧૧ ભાગ થાય અને પૃષ્ઠસંખ્યા ૪૬૦૦ જેટલી રહેશે.) કોઈ પણ અધ્યયનશીલ અને આધ્યાત્મિક જ્ઞાનપિપાસુ માટે આ વાચનસામગ્રી ઘણી વિસ્તૃત, વિપુલ, પ્રાસાદિક, રસિક, વિવિધતાપૂર્ણ અને ક્યારેક ક્યારેક મૂંઝવી દેતી બને તેવી છે. આવા વાચકને આ બધું વાંચ્યા પછી એટલો સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે તે કોઈ સંકીર્ણ ભાવધારા કે એકપથિયા વિચારધારાને રજૂ કરતા નથી. એમાં તો ધર્મ અને તત્ત્વદર્શનનાં વિવિધ અને ધર્મ જીવનને સ્પર્શતાં તમામ પાસાઓનો સમાવેશ થયેલો છે એ વાત પણ એની સમજમાં તરત જ આવી જવાની. સ્વામીજીની આ ગ્રંથમાળા બહુમુખી અમૂલ્ય રત્ન જેવી વિવિધ પાસાંની ચમત્કૃતિ ધરાવે છે.

કોઈપણ સુજ્ઞ વાચકે સૌ પ્રથમ તો આ દસેદસ ભાગ સાંગોપાંગ વાંચી જવા જોઈએ. કદાચ કોઈ પણ સારા વાચકને માટે આટલા મહાકદનું વાચન થોડું ભારે પડી જાય એવું લાગે ખરું પણ વાસ્તવિક રીતે એવું થતું નથી. એટલે સારા વાચકે આ સમગ્ર ગ્રંથમાળાના વાચનને આ રીતે વિભાજિત કરી દેવું જોઈએ – એક તો દરરોજ બે થી ત્રણ કલાકમાં ૫૦ પાનાંનું વાચન કરવું, કોઈ કોઈ આમાં ગતિ વધારીને ૧૦૦ પાનાં સુધી પણ પહોંચી શકે. આવું સતત વાચક કરવાથી બે કે અઢી મહિનામાં આ ૪૬૦૦ જેટલાં પાનાંનું વિપુલ સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં એક વાચન પૂરું કરી શકે. કોઈના મનમાં આવો પ્રશ્ન પણ ઉદ્‌ભવે: ‘આટલા બધા પ્રકારની વિવિધતા ધરાવતું સાહિત્ય સળંગ અને એકીસાથે શા માટે વાંચવું?’ વળી ‘એક અધ્યયનની રીતે નહિ પણ થોડું ઉપરછલ્લું ગણી શકાય એવા ઝડપી વાચનનો અર્થ શો?’ પણ વાસ્તવિક રીતે તો વાચનની ઉત્કટતાની એક કસોટી ગણી શકાય. સાથે ને સાથે એ વિદ્યાર્થીની વાચન રુચિની નિષ્ઠાને પણ ચકાસે છે. વળી કેટલાક એકાદ ખંડમાંથી અમુક પૃષ્ઠોનું વાચન કરે, બીજામાંથી વળી અમુક પૃષ્ઠોનું – એમ આખા વર્ષ દરમિયાન માંડ માંડ એક ખંડ-બે ખંડ વાંચી લે. પણ આવા વાચનથી વાચકને કંઈ મોટું વાચનફળ મળતું નથી.

સ્વામી વિવેકાનંદની આ વિશાળ ગ્રંથમાળાને એકવાર સાંગોપાંગ વાંચી ગયા પછી એક નિષ્ઠાવાન વાચક મૂંઝવણ ભરેલી પરિસ્થિતિમાં મૂકાઈ જાય એવી શક્યતા છે. એનું કારણ એ છે કે આ ગ્રંથમાળામાં ઘણી વિપુલ પ્રમાણમાં અને વિવિધ વિષયો પરની વાચન સામગ્રી છે. આ સામગ્રી દસેદસ ભાગમાં અહીંતહીં વાંચવા મળે છે, એકી સાથે એક જ વિષય પરની સાહિત્ય સામગ્રી આપણને એમાં મળતી નથી. સ્વામીજીએ ભિન્ન ભિન્ન સ્થળે એક સરખા વિષય પર ઘણાં વ્યાખ્યાનો કે વર્ગવાર્તાલાપો આપ્યાં છે.

એ વખતે સારા સ્ટેનોગ્રાફરના અભાવે ક્યારેક પ્રવચનની આખેઆખી નોંધ મળી આવતી નથી,  પણ એનું ટાંચણ મળે છે. વળી જે. જે. ગુડવીન જેવા સમર્થ સ્ટેનોગ્રાફર શિષ્ય મળ્યા પછી એમના સમયની મોટા ભાગની વ્યાખ્યાનનોંધો અક્ષરશ: મળી આવી છે. આ સિવાય એમણે લખેલા પત્રો જે એમને એમ મળ્યા છે તે અત્યંત પ્રમાણભૂત સાહિત્યસામગ્રી ગણી શકાય. એમણે પોતે જ કુમારી વાલ્ડોને લખાવેલ ગ્રંથ ‘રાજયોગ’ તેમજ એમના પોતાના જીવનકાળ દરમિયાન પ્રકાશિત થયેલ ‘શિકાગો વ્યાખ્યાનો’, ‘કર્મયોગ’, ‘ભક્તિયોગ’, ‘જ્ઞાનયોગ’ અને ‘ભારતમાં આપેલાં ભાષણો’ને પણ પ્રમાણભૂત સાહિત્યસામગ્રી ગણી શકાય. એમણે સ્થાપેલી ‘ઉદ્‌બોધન’ પત્રિકા માટે લખેલ ‘વર્તમાન ભારત’, ‘યુરોપ પ્રવાસનું વર્ણન’, વિવિધ સમયે એમને સ્ફૂરેલ ‘કાવ્યો’ની રચના વગેરે પણ પ્રામાણિક સાહિત્ય સામગ્રી પૂરી પાડે છે. તત્કાલિન દેશવિદેશનાં વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયેલ એમનાં વ્યાખ્યાનો-વાર્તાલાપોની નોંધ પણ આપણને ત્રુટક રીતે મળે છે, સમગ્રતયા નહિ.

એટલે જ આવી ગ્રંથમાળાના સઘન વાચન માટે કોઈ વિશેષ વાચનશૈલી અપનાવવી પડે. વાચનવસ્તુનું વિશેષ રીતે આકલન-સંકલન કરવું પડે, આવા વર્ગીકરણથી આપણે આ વિપુલ સાહિત્ય સામગ્રીને આત્મસાત્‌ કરવાનો પ્રયત્ન કરી શકીએ.

સ્વામીજીની ગ્રંથમાળાના વાચન માટે એમાં રહેલ પ્રકરણો, લેખો, પત્રો, વર્ગવ્યાખ્યાનો, કાવ્યો વગેરેનું અલગ અલગ વર્ગીકરણ કરી શકાય. પણ એમાંય સૌથી શ્રેષ્ઠ રીત તો જે તે વિષયવસ્તુને જુદા જુદા ગ્રંથમાંથી પોતાની રીતે સંકલિત કરીને કાલાનુક્રમને ધ્યાનમાં રાખીને ગોઠવીએ અને વાંચીએ તો એ સહજસરળ અને સહજબોધ્ય બની રહેશે.

ઉપર્યુક્ત પદ્ધતિનું અનુશીલન કરવા માટે સૌ પ્રથમ તો વિવિધ પત્રો, વ્યાખ્યાનો અને વાર્તાલાપો વગેરે એક પછી એક કાલાનુક્રમ જાળવીને ગોઠવણી કરવી જોઈએ. જો કે પ્રક્રિયા થોડી યાંત્રિક અને કષ્ટપ્રદ લાગે ખરી; સાથે ને સાથે એમાં અન્વેષણાત્મક કાર્યદૃષ્ટિ અને વિચારમનનની આવશ્યકતા રહે છે. આ કાલાનુક્રમ ગોઠવણી કે સંકલન એ અભ્યાસ પ્રકલ્પ માટે ઘણું મહત્ત્વનું છે અને ખૂબ ફળદાયી પણ છે.

આવી કાલાનુક્રમવાળી ગોઠવણી અને ત્યાર પછી એમના જીવનચરિત્રમાં સ્ફૂટ થતા ઘટનાપ્રસંગોને ધ્યાનમાં રાખીને વાંચીએ તો એ વધારે પૂરક બનશે. એમણે પોતે જીવનકાળ દરમિયાન જે તે સ્થળેથી, જે તે સમયે આપેલ વ્યાખ્યાનો, લખેલ પત્રો, વાર્તાલાપો તેમજ સંભાષણો વગેરેનો એમના જીવનના ઘટના-પ્રસંગો સાથે અને એના સંદર્ભમાં અધ્યયન કરીએ તો એ અધ્યયનથી વિષયવસ્તુ સમજવામાં સરળતા રહેશે અને આપણા મન સમક્ષ આવતી મૂંઝવણોને પણ એ દૂર કરી દેશે. સ્વામીજી સમય, કાળ, પાત્ર, દેશને જોઈને, પરિસ્થિતિ અને આવશ્યકતાને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારનાં ઉપદેશો, સંભાષણો, સંદેશ આપતા. એમાં સ્વાભાવિક રીતે જરૂર જણાય ત્યાં થોડાં મનફેર જેવાં અને ક્યારેક વિરોધાભાસી લાગે તેવાં ઉચ્ચારણો પણ આવી શકે. ઉપર્યુક્ત સંદર્ભમાં એ બધું વાંચીએ અને વિચારીએ તો આજે પણ એ આપણને પ્રાસંગિક જ લાગવાનું.

સ્વામીજીની ગ્રંથમાળાના દસ ગ્રંથોના વાચનની સાથે હમણાં જ ગુજરાતીમાં પ્રકાશિત થયેલ ‘યુગનાયક વિવેકાનંદ’નું સઘન વાચન અત્યંત આવશ્યક બની જાય છે. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૧મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજે મૂળ બંગાળીમાં લખેલ ‘યુગનાયક વિવેકાનંદ’ (ત્રણ ભાગ) ગ્રંથને ગુજરાતીમાં બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ ગ્રંથમાં કુલ ૧૫૬૮ પાનાંની પ્રમાણભૂત લેખનસામગ્રી અને ૧૪૫૪ જેટલી પ્રાસંગિક તસવીરોનો સમાવેશ થાય છે. આ ગ્રંથના લેખકે સ્વામીજીની સમગ્ર લેખન સામગ્રીમાંથી આવશ્યક સામગ્રીને એમના જીવન પ્રસંગની વચ્ચે વચ્ચે ઉદ્ધૃત કરી છે, એટલે જુદા જુદા ગ્રંથોમાં સમાયેલી આ વિપુલ સામગ્રીનો અનુબંધ પણ આપણને આ ગ્રંથ દ્વારા મળી રહે છે. સાથે ને સાથે ગ્રંથમાળાના ઉદ્ધરણ રૂપે ટાંકેલ સંદર્ભોને પૂર્ણ રીતે વાંચવા આપણું મન આકર્ષાયા વગર રહેતું નથી. એટલે જ ગ્રંથમાળાના વાચનની સાથે સાથે આ ‘યુગનાયક વિવેકાનંદ’નું પણ વાચન થાય તો આપણા માટે આ વાચન સહજ સરળ બની જાય.

અંતે આટલો નિષ્કર્ષ કાઢી શકીએ કે વાચન અને અધ્યયન એ પ્રતિભાવાળું કૌશલ્ય છે. આપણે એક નવલકથાને એક જ દિવસમાં વાંચી કાઢીએ, એનો અર્થ એ નથી કે આપણે વાંચવાની રીત જાણીએ છીએ, એ તો શાળા-કોલેજમાંથી ગોખીને પાસ થવા જેવું છે. અહીં તો થોડું આંતર્નિરીક્ષણ કરવું અને એ પણ જાણી લેવું પડે છે કે આમાં કોઈ વ્યવહારુ ઊણપ તો નથી ને! જો આવું થાય તો પછી અધ્યયન ખરેખર અધ્યયન બની શકે. એનો અર્થ એ થાય છે કે આપણે જાણકારી તેમજ સૂઝસમજ કેળવીને માર્ગદર્શન મેળવીએ તો એ ખરેખર સ્વાધ્યાય બની શકે. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા નવા યુગના ધર્મનું મૂળ પ્રેરક સ્રોત છે. એટલે જ તમે આખા ઝાડને પાણી પાવા માટે એનાં મૂળિયાંને પહેલાં પાણી પાઓ છો એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.

Total Views: 31

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.