ભારતમાં સાધુ-સંતોને મુખે મુખે કહેલી પ્રચલિત કથા વહેતા જળ જેવી છે. ત્યાગ અને વૈરાગ્યના સ્રોતમાં કેટલાંય જીવન વહેતાં થયાં અને પૂર્ણતાના સાગરમાં મળ્યાં. તે બધી વાર્તાઓ ઓછી સાંભળેલી અને લોકોના મુખે વાગોળેલી વાર્તા અચાનક સાંભળવાથી મનમાં અસીમનો ભાસ થાય! વૈરાગ્યના ગેરુઆ રંગમાં મન રંગાય! અંતરમાંથી કોઈ જાણે કહે : ‘ચાલો મુસાફિર, બાંધો ગઠરિયાં.’

આ એક પ્રાચીન વાર્તા છે. આપણા દેશમાં કેવળ જનક રાજા જ ન હતા, કેટલાય રાજાઓ રાજ્ય છોડીને ચાલ્યા ગયા છે. બધા રાજાઓ કદાચ ભલે બુદ્ધ ભગવાન ન પણ થઈ શકયા હોય તો પણ તેઓએ એક શાશ્વત સનાતન ત્યાગના ખેંચાણથી પોતાના જીવનમાં અનેક પરિવર્તન લાવ્યા હતા.

એક રાજા હતા. સુડોળ શરીર અને દેખાવમાં અતિ સુંદર. રાજાના વેષમાં પણ તેમની બંને આંખો હંમેશ ઉદાસ રહેતી – જાણે નીલા આકાશની ઊંડી છાયા. રાજા સવારે ચારણોની સ્તુતિ સાંભળતાં સાંભળતાં ઊઠે. નોબતખાનામાં હંમેશા રાગરાગિણી વાગે, કેટલી બધી દાસીઓ તેમની સેવામાં હાજર, ચાલતાં ફરતાં તેમને કેટલા માણસો ઘેરી વળે! કેટલી સાવધાનતા? કેટલી સુરક્ષા? કેટલુંય જાણે બંધન, રાજમુકુટના અંતરાલમાં વિપુલ કાર્યભાર. રાજાનું મન જાણે આવા ઐશ્વર્યના બંધનમાંથી મુક્ત થવા ઝંખે. એક દિવસ મંત્રી પર રાજ્યભાર સોંપીને રાજા અંતરાત્માના પોકારે નીકળી પડયા. વૃથા શોધખોળ થઈ. કોઈપણ ઘરમાં તેમની ભાળ મળી નહિ. શોધતાં શોધતાં પછી લોકોએ આશા છોડી દીધી. કોઈ કહે – રાજા મહામૂર્ખ – નહિ તો આવું ઐશ્વર્ય છોડીને ચાલ્યો જાય? કોઈ કહે : કદાચ થોડા દિવસો પછી ફરી આવશે. ભાવુક લોકો કહેતા : શું ખબર? શ્રેયનો માર્ગ જેને પોકારે તે કદી પાછો આવે?

જેમને માટે આટલી બધી કલ્પનાઓ તે તો એક ગહન, ગંભીર અરણ્યના માર્ગે ચાલ્યો જાય છે. કયારેક વનનાં ફળ ખાય છે, કયારેક ઝરણાંઓનું પાણી પીવે છે. જે કંઈ મળે તેમાં ચલાવે છે. છેવટે, ઇચ્છિત સ્થાને પહોંચે છે; એક સાધુના આશ્રમમાં, ત્યાં સખત નિયમો. ત્યાં આચાર્યનાં દર્શન શિષ્યો સહજતાથી પામે નહિ. ઉચ્ચકોટિના મહાત્માની કૃપા પામવા માટે ઘણા સાધકો ત્યાં રહે છે. ધૂળથી મેલોઘેલો રાજા જાણવા ઇચ્છે છે કે કઈ રીતે તેમનાં દર્શન પામશે? કેવી સાધના કરશે? અંદરથી એક બ્રહ્મચારી આદેશ લઈને આવ્યા. દૂરમાં એક પર્ણકુટિ છે તેમાં તેમને રહેવાનું છે અને પરિશ્રમ કરવો પડશે. મંજૂર છે? નૂતન પથિકે સંમતિ આપી અને પૂછ્યું : શું કામ કરવાનું? રોજ સવારે એક કુહાડી લઈને વનમાં ચાલ્યા જવાનું. વૃક્ષનાં લાકડાં કાપી લાવવાં સહજ નથી. એક મણ કાષ્ઠ કાપીને સાંજે પાછા ફરવાનું. ભોજન સાથે આપવામાં આવશે. આ છે આ આશ્રમનો પહેલો પાઠ. ગુરુનાં દર્શન? તે તો બહુ દૂરની વાત.

થાકયો પાકયો પથિક, મુગ્ધ વદને અને પ્રશાંત મનથી કુટીરમાં ગયો. તેમાં એક ખાટલો અને એક ખૂણામાં એક પાણીનો કુંજો. જમીન પર બે રોટલી અને થોડું શાક ઢાંકી રાખ્યું છે. ક્ષુધાર્ત રાજાએ એ ખાઈ લીધું. ભોજન કરીને રાજા સૂઈ ગયા. આવતીકાલથી તેમના અપૂર્વ જીવનનું નવીન પર્વ શરૂ થશે!

કાળનું ચક્ર ફરતું રહ્યું. રાજાના અનભ્યસ્ત કોમળ હાથ કઠણ કામ માટે ધીરે ધીરે નિપુણ થયા. રાજાને કામ સારું લાગે છે. ભોજન કે પોષાકની કોઈ ચિંતા નથી. સવારથી આખો દિવસ શારીરિક પરિશ્રમ – રાતના એકાંતમાં વચ્ચે વચ્ચે આકાશ તરફ જોયા કરે અને વિચારે : ઓ! માત્ર કેટલાં સુખસગવડ સભર મારું જીવન હતું! રાજવૈભવના અઢળક ભોગ હતા! આજે તો રોટલી ખાઈને પણ કંઈ ખરાબ લાગતું નથી. કેટલાં દાસદાસીઓ મારી સેવામાં હરપળ પાછળ પાછળ ફરતાં. આજ તો મારે કોઈની જરૂર પડતી નથી.

આજે અંતે તો હું એટલું સમજ્યો છું કે જીવનમાં જરૂરિયાતો ઓછી કરી શકાય. આનંદમાં રહેવા માટે એ બધાંની જરૂર રહેતી નથી. આ રીતે વિચાર કરતાં કરતાં મનનો વિકાસ થાય. કાષ્ટ કાપતાં કાપતાં અજાણતાં જ મનની ગ્રંથિઓ પણ કપાઈ જાય!

આ કાર્યનો કોઈ લાભ કે લોકવ્યવહાર નથી . કોઈ આશા – પ્રતિઆશા નથી. આ તો કેવળ

સમર્પણ! કેવો અદ્‌ભુત આનંદ રાજાના અંતરમાં છવાઈ જાય છે! લાકડાં બહુ ચીવટથી કાપે, ધીરજપૂર્વક ભારાને બાંધે, ત્યારબાદ માથા પર ઊંચકી આશ્રમના માર્ગે ચાલતા થાય. કામ કરવામાં આવી માદકતા – તૃપ્તિ અગાઉ કદી અનુભવી ન હતી. મન જાણે કશું જ ઇચ્છે નહિ – એકદમ ઉદાસીન અને વૈરાગી થઈ જાય. રાજા ઘણાં વર્ષો પછી જીવનમાં પહેલીવાર સેવા અને પરિચર્યામાં દિવસો વિતાવે છે. આજે રાજા પોતાના હાથથી કામ કરે છે. અંતરાત્મા ખૂબ પ્રસન્ન છે નિર્જનમાં અરણ્યનો માર્ગ ગમે છે.  જાણે કોના અદૃશ્ય હાથ વનમાં પણ તેમની સાથે કામ કરે છે! રોજ એક જ નિયમ પ્રમાણે ચંદ્ર, સૂર્ય, તારા, આકાશમાં ઊગે. હવા મધુર, આકાશ મધુર, પાર્થિવ રજ પણ મધુમય! મનમાં સમસ્ત પ્રાણી પ્રત્યે પ્રાણપૂર્ણ આકર્ષણ જાગે. સમગ્ર પ્રાણી સારી રીતે રહે, તેમનાં દિવસ – રાત મધુમય બને, તે બધાં આનંદમાં રહે અને આ આનંદમાં જીવન ટકાવવાની વાત શાસ્ત્રમાં છે.

‘આનંદાદ્ઘયેવ, ખલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે આનંદેન જાતાનિ જીવન્તિ.’

આ વિશ્વ આનંદ સ્વરૂપમાંથી જ જન્મ્યું છે, એ તો આનંદથી જ બચી શકે. જીવન ટકાવવું એ આનંદ નથી. પરંતુ અસ્તિત્વ જ આનંદ સ્વરૂપ છે. આવી કેટલીય વાતો મનમાં તરંગિત થાય અને શમી જાય. આ રીતે દિવસો વિતે છે. કેટલાંય વાણાં વીતી ગયાં! રાજાના માથા પર મોટી જટા થઈ ગઈ છે. પહેરેલાં કપડાં ફાટી ગયાં છે હવે ઝાડની છાલનાં વલ્કલ પહેરે છે. કોઈ તેમની પાસે વાતચીત કરવા આવે નહિ. મૌનમાં મન મસ્ત રહે છે. બાહ્ય જગત જાણે માયા જેવું ભ્રામક. જગત જાણે સ્વપ્નવત્‌! પોતાના આંતર જગતમાં આનંદની ચેતના જેટલી જાગે, બાહ્ય જગત જાણે તેટલું જ લોપ થઈ જાય. તેનાં રુપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શે કંઈ પણ નવીન વિચાર મનમાં લાવી શકે નહિ. જગતરૂપી પોપડાની નીચે હજુય વિશેષ કોઈ ગંભીર ચૈતન્ય સત્તાનો આભાસ તેઓ અંતરમાં પામે છે. પરંતુ શરીર ક્રમશ: શિથિલ અને દુર્બળ થઈ ગયું છે. દરરોજ એક જ માર્ગ પર પાછા ફરે નહિ.

એક વખત એક માર્ગ છોડી બીજો કોઈ માર્ગ પકડયો. એક વિશાળ જળાશય રસ્તામાં પડે છે. ત્યાં બહુ કાદવ કીચડ છે. કમળનાં પુષ્પો ફૂટયાં છે. સુગંધ પ્રસરી છે. માથા પર લાકડાનો મોટો ભારો લઈને જળાશયની પાળ પર ચાલ્યે જાય છે. અચાનક માથું ભમવા લાગ્યું અને કાદવમાં પડી ગયા. તો પણ લાકડાના ભારાને બચાવવા કોશિષ કરે છે. જાતે જ ખૂબ મહેનત કરીને કાદવમાંથી ઊભા થાય છે. પરંતુ કોઈ રીતે લાકડાનો ભારો ફરી માથા પર ચડાવી શકતા નથી. બંને હાથ જાણે તદ્દન વિવશ. માર્ગ તરફ મીટ માંડી જોઈ રહ્યા છે. અચાનક જોયું – એક દીર્ઘ શરીરવાળા, ઉજ્જવળ શ્યામ વર્ણના પાતળા પથિક ઝડપથી તેમની તરફ આવી રહ્યા છે. ગેરુઆ પહેર્યાં છે, માથા પર વિશાળ જટાનો ભાર છે. બંને આંખો મોટી મોટી અને ઉજ્જવળ. તેમની આંખોમાંથી કરુણા અને પ્રેમ વરસે છે. નજીક આવીને તેમણે હાથ લંબાવ્યો. આહા! ખૂબ કષ્ટ વેઠ્યું છે. આવો – ઊઠો હું તમને માથા પર ભારો મૂકી દઉં છું!

રાજાને અહેસાસ થયો કે માથા પરનો લાકડાનો ભારો જાણે અચાનક હળવો થઈ ગયો. શરીર પણ સ્વસ્થ થઈ ગયું. સાધુએ તો વાત કરવાનો મોકો પણ ન આપ્યો. જેટલી ઝડપથી આવ્યા તેટલી જ ઝડપથી વનમાં ચાલ્યા ગયા.

આશ્રમમાં પાછા ફરીને લાકડાનો ભારો નીચે મૂક્યો અને કુટીરમાં પ્રવેશ્યા. ત્યારબાદ વિસ્મયપૂર્વક તેમણે જોયું કે એક વયોવૃદ્ધ સાધુ તેમની પ્રતીક્ષા કરતા ઊભા છે. રાજા માટે સારાં વસ્ત્ર, સ્નાન માટે પાણી, ગરમ ગરમ ભોજન, નરમ શય્યા તૈયાર છે. આ બધું શા માટે? સાધુ બોલ્યા : ‘ગુરુ મહારાજની આજ્ઞાથી હવે આપને લાકડા કાપવા જવાનું નથી. ઘરમાં બેસીને જ સાધન ભજન કરજો.’

રાજા હસી પડયા. શું છે? આટલા દિવસો પછી અચાનક આવું પરિવર્તન?

– કારણ કે આપને ગુરુજીનાં દર્શન થયાં છે. એ વળી શું કહો છો? કયારે દર્શન મળ્યાં? કેમ, તેમણે સ્વયં આપના માથા પર ભારો ચઢાવી દીધોને?

ઓહો. અત્યારે છેક રહસ્ય સમજાયું છે. તેઓ એ જ દુર્લભ-દર્શન મહાત્મા, જેમની આશાથી આ બધા અહીં રહે છે!

ફરી વૃદ્ધ સાધુ બોલ્યા : આજ ગુરુજીએ અમને પૂછ્યું કે આપ કેટલા દિવસોથી લાકડાં કાપી લાવો છો? અમે જે જાણતા હતા તે કહ્યું. ત્યારે તેમણે કહ્યું : એમને હવે વનમાં મોકલશો નહિ. તે તો મુક્ત પુરુષ છે. તેમનાં બધાં બંધન ક્ષય પામ્યાં છે. રાજા સિદ્ધિના દ્વાર પાસે પહોંચી ગયા છે. તેમનું સાધન ભજન હવે કુટીરમાં જ થશે. પરમાત્માની કૃપાથી સિદ્ધિ દ્વાર નજીકના ભવિષ્યમાં જ ખુલ્લી જશે. હું પણ આવતીકાલે આવીશ.’

રાજા અવાક્‌ થઈ ગયા. તેમને શું જોઈતું હતું? સિદ્ધિ? ના સિદ્ધિ તો નહિ. મનમાં કોઈ ઇચ્છા જ થતી નથી. જરા હસ્યા. કેવું નિર્મળ સ્મિત! તે સ્મિતમાં નિર્વાસનાની દિવ્ય છટા જોવા મળી. વૃદ્ધ સાધુ વિસ્મયપૂર્વક જોઈ રહ્યા. કેવો નિરુદ્વિગ્ન અને પ્રશાંત આ માણસ! સાધના તો આવી પ્રશાંતિ પામવા માટે જ તો!

Total Views: 21

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.