તે દિવસે ચૌદશ હતી. ગામડાના કહેવાતા જમીનદારના ઘરમાં ભાવિ ઉત્સવનું આયોજન ચાલી રહ્યાું હતું. જમીનદારને એક માત્ર સુંદર કન્યા હતી. પરંતુ દીકરીનો વાન જરા શ્યામ હતો. માતાપિતાએ શ્યામવર્ણી પુત્રીનું નામ તામસી રાખ્યું હતું. ખૂબ લાડકી દીકરી હતી. કાળી ભમર મોટી મોટી આંખો – કાજળ આંજયા વિના પણ કાજળ આંજયું હોય તેમ લાગતું. માથાના વાળ કમરથી નીચા જમીનને અડું અડું કરે છે. કેવા રેશમ જેવા કાળા વાળનો જથ્થો: કેશ ખુલ્લા રાખે તો પાછળથી કોઈ અંગ જ ન દેખાય. પિતાજી લાડથી તેને એલોકેશી કહેતા – કાળી કન્યા પિતાને કહેતી; ‘પિતાજી, વિવાહ કર્યા વિના શું ન રહી શકાય? કેવી મા (ઇષ્ટદેવી મા કાલી)ની સેવા કરી શકું.’ પિતાજી હસીને કહેતા, ‘ગાંડી, સમાજ છે, સંસાર છે, લોકભય છે. ઇચ્છા રાખું તો પણ હું તને મારી પાસે કંઈ રાખી શકું ? તે ઉપરાંત વરપક્ષના તો તારો કાળો રંગ છે તો પણ રાજી છે.’ દીકરીનું મોઢું પડી જાય અને કહે, ‘જુઓ, આ વિવાહ કયારેય થશે નહિ. એ લોકોએ તો ધનસંપત્તિની આશાથી આ વિવાહને માન્ય રાખ્યો છે. હું તમારાં શ્યામા માની કાળી કન્યા. માતાજી કંઈક સારી વ્યવસ્થા કરશે.’ પિતાજી મજાક કરે; હા, મા, કાળી કન્યાથી ભુવન પર પ્રકાશ પથરાય છે. દ્રૌપદી શું કાળી ન હતી? બધાં જ શું તારી મા જેવાં ગૌરવર્ણનાં હોય ? તું વિવાહ માટે મનાઈ ન કરીશ. હવે તું સોળ વરસની થઈ છે. લગ્નની વાત તો મારે વિચારવી જ જોઈએ તેમ છતાંય અંતે તો માતાજીની જેવી ઇચ્છા. હવે કહે, આજ માતાજીને કયું ગીત સંભળાવીશ ?’

દીકરી હસીને ગણગણવા લાગી:

દીનદયામયી શું થશે શિવનું ?

બહુ નિશ્ચિંત રહ્યા છો. તારું પતિત તનય ડૂબ્યું ભવે,

આ ઘાટે તરણી વિના કેમ પાર થાઉં મા!’

સૂરાવલી વાતાવરણમાં રેલાઈ ગઈ. મુગ્ધ થઈને બાબા બેસી રહ્યા! બંને આંખોમાં આંસુ! ભજન પૂરું થયા બાદ બોલ્યા: ‘કેવું ગીત ગાયું. મા!’ હવે દીકરી ઊઠી, ‘જાઉં બાબા, માતાજીને ભોજન થાળ ધરવાનો છે.’

મહેલ જેવું વિશાળ ત્રણ માળનું મકાન. સીડીનાં પગથિયાં ગોળાકારે ઉપર ઊઠે છે. પહોળાં ખૂબ ઊંચાં. લગભગ પંદર પગથિયાં પછી દાદરાનો વળાંક છે. રેલિંગ ઉપર કાળો વાર્નિશ કરેલ લાકડાનો કઠેડો ઝગમગે છે. હરણીની જેમ તામસી નીચે ઊતરે છે. રંગીન કાપડ પહેરેલ છે. બે હાથથી લાંબા વાળ બાંધે છે. પગમાં ચાંદીનાં ઝાંઝરાં ઝણકે છે.

જમીનદારનું કામ પૂરું કરીને શેઠ હમણાં જ ઊભા થયા – એવે સમયે કાળા ઘોડાની પીઠ પર ઝડપથી એક સવાર આવી પહોંચ્યો. પ્રતીક્ષા કરી નહિ. એક ચિઠ્ઠી દરવાનના હાથમાં આપીને ઝડપથી દૂર ચાલ્યો ગયો. દરવાને શેઠને તે ચિઠ્ઠી આપી. શેઠે ચિઠ્ઠી વાંચી અને થોડીવાર સ્તબ્ધ થઈ ઊભા રહ્યા. પછી ધીમે ધીમે મહેલના ખંડમાં ચાલ્યા ગયા.

મંદિરમાં માતાજીની સંધ્યા આરતી થઈ રહી છે. શંખ અને ઘંટ વાગી રહ્યા છે. બધા જ આરતી નિહાળે છે. દક્ષિણા કાલીની અતિ મનોરમ મૂર્તિ. સાડી પહેરેલી, છૂટાવાળ – નાકમાં નથ. માથાનો મુગટ ઝગમગ થાય છે. ત્રિનયના. મુખ પર પ્રદીપનો પ્રકાશ પડે છે. સ્નેહ, પ્રેમ, કૃપા તેમની દૃષ્ટિમાંથી ઝરે છે. આવી ભુવનમોહન મૂર્તિ કયાંય જોવા ન મળે. વળી આટલાં વર્ષાેથી ભક્તિ-વિશ્વાસ સાથે તેની પૂજા કરવામાં આવે છે. જમીનદારબાબુ હાથ જોડીને મંદિરની સીડી પર ચઢયા. તેમના નિર્દિષ્ટ આસન પર સ્થિર થઈને બેઠા. પણ મનની અંદર ગડમથલ ચાલે છે. આંખના બંને ખૂણામાંથી અશ્રુબિંદુ ઝરે છે.

ચિઠ્ઠી આવી છે. દીકરીનાં લગ્નના આગલા દિવસે ઘરમાં બહારવટિયાઓ આવશે. દરવાજા ખુલ્લા રાખવા સૂચના આપી છે. ચીજવસ્તુઓ સામે જ રાખવાની નહિ તો કોઈના પ્રાણ બચશે નહિ – ત્યારના દિવસોમાં આવી જાસા ચિઠ્ઠી અતિ સમૃદ્ધ ઘરમાં આવતી. મોટેભાગે માણસો તેઓનો સામનો કરતા જ નહિ. તેઓ લૂંટપાટ કરીને પાછા ફરતા. ઘણી વખત તો ઘરના માલિક તેઓને જમાઈની માફક સારું ખવડાવી – પીવડાવી રૂપિયા – પૈસા આપી દઈને વિદાય કરતા.

હવે બધો આનંદ ધૂળમાં મળી ગયો. દીકરીએ કહ્યું: પિતાજી, આ વિવાહ હવે થશે નહિ. તારીખ પાછળ કરી નાખો. મા કાલી ચોક્કસ કંઈક વ્યવસ્થા કરશે.

દિવસો વીતવા લાગ્યા. ચિંતામાં બધાંનું મોઢું ઢીલું પડી ગયું છે. કોઈને આ ખરાબ સમાચાર આપવામાં આવ્યા નથી. સમાચાર ફેલાવે તો બધાંનું ખૂન થઈ જશે. જમીનદાર બાબુએ ગુપ્ત રીતે લઠૈતોને સમાચાર આપ્યા છે. તે રાત્રે કોઈ પ્રકારના અત્યાચારનો અવાજ આવે તો તેઓ અંધારામાં તૂટી પડે. તેમ છતાંય કેટલા લોકો આવશે તે તો તેઓ જ જાણે.

તામસી હવે દિવસ – રાત માતાજીના મંદિરમાં વીતાવે છે. પિતાજીનું વીલું મોઢું તામસી જોઈ શકતી નથી. મોટા ભાઈ દૂરના દેશમાં છે. સમાચાર મોકલવામાં આવ્યા નથી. વિવાહના દિવસે તે આવી જશે. જેટલીવાર તે માતાજીના મુખને નિહાળે તેટલીવાર તેમના મુખ પર પ્રસન્ન હાસ્ય-દિવસો નજીક આવી રહ્યા છે. તામસીએ કેટલાક દિવસ પહેલાં જ એક સ્વપ્ન જોયું. મા છૂટા કેશ રાખીને તે સીડીના વળાંક પાસે ઊભાં છે, તેમના હાથમાં તીક્ષ્ણ ધારવાળી તલવાર છે. મુખ પર મધુર હાસ્ય છે. તેને બોલાવે છે: આવ, આવ. આ જ સ્વપ્ન તેને વારંવાર દેખાવા લાગ્યું. તેણે ધીમે ધીમે મન સ્થિર કર્યંુ. માનો સંકેત સમજીને તે પાગલની જેમ હસી પડી. પિતાને તેણે કહ્યું, ‘પિતાજી, તમે ત્રીજા માળે ઘરના દરવાજા બંધ કરીને બેસજો. હું બીજા માળે રહીશ.’ બધાએ કહ્યું: એ વળી શું તું એકલી રહીશ ? દીકરી હસે છે: તમે બધા ભૂલી ગયા છો કે ? – શ્યામા મા છે!’

મા-બાપે હવે ચિંતા છોડીને વિચાર્યું કે દીકરી તો બુદ્ધિમતી છે, તેને ચોક્કસ કોઈ ઉપાય સૂઝયો છે. દીકરી જ બધી વ્યવસ્થા કરશે. બધાં દાસદાસીઓને તે દિવસે સંધ્યા સમયે ખવડાવી – પીવડાવીને એક ઘરની ચાવી આપી દીધી – ઉપર માતાપિતા ડરનાં માર્યાં જાગે છે. માતાજીનું મંદિર ખુલ્લું રાખ્યું. અમાવાસ્યાનું ભયંકર અંધારું. તામસીએ માતાજીની નીલા રંગની સાડી પહેરેલી છે. વાળ છૂટા છે.

દૂરથી મશાલનો પ્રકાશ જમીનદારના ઘર તરફ આગળ આગળ આવતો દેખાય છે. વિરાટ દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે. બંને બાજુ વૃક્ષોની કતાર છે. તામસી ધીમે ધીમે માને સાષ્ટાંગ પ્રણામ કરે છે. દીવાલ પર લટકાવેલી બલિ માટેની વિરાટ તલવાર લઈને અંધારામાં ભળી જાય છે. જતા પહેલાં માતાજીના મંદિરમાં વિરાટ પ્રદીપનો પ્રકાશ ઉજ્જવળ કરે છે. હો હા કરતું બહારવટિયાનું ધાડું આવે છે. બૂમબરાડા પાડે છે. નશામાં ચકચૂર થઈને તેઓ આવે છે. આવતાંની સાથે જ સરદારની આંખ માતાજીના મંદિર પર પડે છે. દક્ષિણા કાલી જાણે હસ્યા કરે છે. કેવી સુંદર મૂર્તિ! ડાકુઓ નશામાં વારંવાર પ્રણામ કરે છે. સરદાર બોલ્યો: બહુ સારાં લક્ષણ છે. તમે નીચે ઊભા રહો. એક એક કરીને આવજો.

મશાલ લઈને બહારવટિયાનું ધાડું નીચે રાહ જોતું ઊભું છે. સરદાર સીડી પર ચઢયો અને મશાલના અજવાળામાં જોયું કે વળાંક પાસે મંદિરનાં માતાજી ઊભાં છે. દીર્ઘ લાંબા કાળા કેશ, નાકમાં નથણી, ગળામાં રત્નોનો હાર ઝગમગે છે. જિહ્વા લાલ! જમણો પગ સામે, હાથમાં તલવાર – સરદાર નશામાં ‘મા મા’ પોકારતો પગમાં પડી પ્રણામ કરે છે, ત્યારે માતાજીની તલવારે તેનું મસ્તક છેદી નાખ્યું! ફરી એક ડાકુ આવ્યો. માતાજી બોલાવે છે: આવ, આવ. સીડીના પ્રત્યેક પગથિયા પર છૂટા કેશવાળી દીર્ઘાંગી માતાજીની મનોહર મૂર્તિ ચમકી ઊઠે છે. નશામાં બધા જ મંદિરની દેવીને જ જુએ છે. મા, મા! માના પોકારથી પ્રણામ કરે કે તુરંત મસ્તક છેદાઈ જાય. આમ કરતાં છ મસ્તકો છિન્ન થયાં. એવે સમયે હારે! રે રે કરીને લઠૈતોની ટુકડી ત્યાં આવી પહોંચી અને ડાકુઓ પર તૂટી પડી. ડાકુઓની સંખ્યા ઓછી. થોડીવારમાં તો બધું સૂમસાન. લઠૈતોએ જમીનદાર બાબુને સાદ પાડી બોલાવ્યા. ત્યારે જમીનદાર બાબુ નીચે ઊતર્યા. ‘આ શું ? દીવો લાવો, દીવો લાવો – સીડી પરના પ્રત્યેક પગથિયા પર માથા વિનાનાં ધડ પડયાં છે અને સીડીના ખૂણામાં દીવાલને ટેકો દઈને કોણ ઊભું છે ? જમીનદાર બાબુ ચકિત થઈ ગયા. આ તો તેમની પોતાની પુત્રી – છૂટાવાળવાળી તામસી. સમસ્ત અંગ તેનું લોહીથી રંગેલું. હાથમાં માતાજીનું ખડગ છે. આંખો અનિમેષ – મુખ પર સ્મિત, અંગ પર માતાજીનાં ઘરેણાં અને સાડી.

ના, તામસીની ચેતના પાછી ફરી નહિ. અમાવસ્યાના અંધકારમાં દાનવોનો વિનાશ કરીને બધાને બચાવ્યાં અને અંતે દાનવદલનિ મા કાલીના ખોળામાં ચાલી ગઈ છે. મંદિરમાં માતાજીના મુખ પર વિસ્મિત હાસ્ય – હોઠમાં રક્તધારા!

Total Views: 272

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.