બાળપણમાં કયારે ગુરુ તેને ઘરમાંથી લઈ આવ્યા હતા, તે બહુ યાદ આવતું નથી. પરંતુ માની આંસુભરી આંખ, કોમળ કરુણ પ્રેમભર્યો ચહેરો યાદ આવતો. તે તો ઘરનું સરનામું પણ ભૂલી ગયો છે. હવે ઉદય – અસ્ત ગુરુના સાંનિધ્યમાં પસાર થાય છે. તે ગુરુ એક મહાન તપસ્વી. તેમના બીજા પણ અનેક શિષ્યો હતા. તેઓ પણ નાની ઉંમરમાં આવ્યા હતા. ગાઢ જંગલમાં તેમનો આશ્રમ. બધા આખો દિવસ સખ્ત પરિશ્રમ કરતા. બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠીને ગુરુ સાથે ધ્યાનમાં બેસતા. તેમના શરીર પર કેટલીય વાર સાપ ચાલ્યો જતો. હલવા ચલવાની હોંશ રહેતી નહિ – ઘણાં વર્ષો આ રીતે વિતી ગયાં. આટલી બધી કઠોરતા સહન ન થતા શિષ્યો એક એક કરતા ચાલ્યા જાય. છેવટે આ એક જ શિષ્ય ટકયો છે. ગુરુદેવ સિવાય તે કશું જ જાણે નહિ અને જવા માટે કોઈ સ્થાન પણ ન હતું. વળી તે વનને પણ પ્રેમ કરતો. ગુરુએ કહ્યું હતું: ‘આ વન તો માત્ર વન નથી. આ ‘માનું વન’ છે!’ વચ્ચે વચ્ચે મનમાં અનેક પ્રશ્નો ઊઠે. આટલાં બધાં નામ હોવા છતાં આ વિશાળ વનનું નામ ‘માનું વન’ કેમ પડયું!

એક દિવસ ગુરુ બોલ્યા: આવતી કાલે માના વનમાં જા. આ ટોકરી લઈને બે માઈલ ચાલી વનની બરાબર વચ્ચે જે વિશાળ વૃક્ષો છે, તેનાં ફળ લઈ આવ. ફળો લાલ લાલ અને મોટાં મોટાં તેમ જ સુગંધી હશે. પરંતુ સાવચેત રહેજે વધારે સમય વૃક્ષ પર રહેતો નહિ.

શિષ્ય ચાલ્યો. ફળોને વૃક્ષ પરથી નીચે લાવવા માટે ટોકરી અને દોરી પણ સાથે લીધી. ટોકરી પીઠ પર દોરી વડે બાંધી દીધી. મનમાં ને મનમાં ઉચ્ચારણ કરવા લાગ્યો. તાજેતરમાં જ એક દેવીનું સ્તવન શીખ્યો હતો: ‘દેવી ભક્તને અરણ્યમાં દારુણ રણમાં શત્રુઓ વચ્ચે, અગ્નિમાં, પહાડ પર, સાગરમાં જ્યાં પણ વિપદ હોય તેનાથી રક્ષા કરે.’ આ અરણ્ય પણ દેવીથી રક્ષિત! અંધકાર રહેતા જ વહેલી સવારે તે નીકળી પડયો છે. સમય જાણવાનો ઉપાય સૂર્યદેવની ગતિ અને પંખીઓનો કલરવ; બંને હજુ ન હતાં. અંધારાને લીધે ચારેબાજુ નિ:સ્તબ્ધતા છવાઈ છે. અંતે સવારનો સૂર્યોદય થતાં વૃક્ષ દેખાવા લાગ્યાં. વનની વચ્ચે એક વિશાળ વૃક્ષ, જેમાં અનેકાનેક લાલ પાકાં ફળો! ચારે બાજુ કેવી સુગંધ!

શિષ્ય વૃક્ષ પર ચઢયો. ટોકરી આખી ફળોથી ભરાઈ ગઈ. હવે નીચે ઉતરવું પડશે. અચાનક મીઠા સૂરનો પોકાર સાંભળ્યો. એક લાલ સાડી પહેરેલી અપૂર્વ સુંદર સ્ત્રી તેને બોલાવે છે: ‘નીચે આવ, નીચે આવ. ફળ નીચે ઉતારી કૂદકો માર.’ સાથો સાથ દોરી બાંધીને ફળની ટોકરીને નીચે ઉતારી અને પોતે વિચારે છે કે હવે શું કરવું. અચાનક જ નજર પર પડી વૃક્ષની એક ડાળી પર, મોટો અજગર સાપ! જે ડાળ પર તે બેઠો છે તે ડાળ પર જ અજગર આવી રહ્યો છે. ડરનો માર્યો તેણે ઝાડ પરથી કૂદકો માર્યો. પરંતુ બહુ ઈજા ન થઈ. કોણ જાણે પડતા પહેલાં જ હળવા હાથે કોઈએ તેને નીચે ઉતાર્યો. પછી તે એક ય બાજુ જોયા વગર ટોકરી લઈને વનના માર્ગે દોડવા લાગ્યો. છાતી ધબકવા લાગી. જતાં જતાં મનમાં થયું: ‘તે સ્ત્રી કોણ હતી?’ પરંતુ પાછા વળીને જોવાની હિંમત ન થઈ.

ગુરુદેવ વનની બહાર રાહ જોતા હતા. શિષ્યને જોઈને ગુરુ હસ્યા અને પૂછયું: માનાં દર્શન થયાં? શિષ્ય ચૂપ – ‘એક સ્ત્રીને તો જોઈ હતી.’ ગુરુએ ફરી પૂછયું: ‘નહિ તો ફળ લઈને પાછો કઈ રીતે ફર્યો?’ ત્યારે શિષ્યે બધી વાત કરી: ‘સાડી પહેરેલી એક અપૂર્વ સ્ત્રીએ તેને નીચે ઉતાર્યો, નહિ તો કયારનો સાપના મૃત્યુપાશમાં સપડાયો હોત.’ ગુરુદેવે હવે શિષ્ય તરફ દૃષ્ટિ માંડી.

ગુરુના મુખ પર રહસ્યમય સ્મિત ફરી વળ્યું અને બોલ્યા: ‘સંસાર તો તેં જોયો નથી. આ સંસારનું બીજું એક રૂપ છે. રસવાળા સ્વાદિષ્ટ ફળના ભોગ માટે બધા જ જાય પરંતુ જે માનો સાદ સાંભળીને કૂદકો મારે તે બચી જાય. બાકીના એ ભોગમાં પડયા રહે, નીચે ઉતરી શકે નહિ. વિષયરૂપી વિષધર તેમનાં મર્મસ્થાનને દંશે છે. સમજ્યો?

હવે શિષ્યની ચેતના જાગી – સ્વપ્નની જેમ અડધા અંધકારમાં ઘટેલાં દૃશ્યો આંખની સામે ફરી દેખાયાં અને બોલ્યો: ‘ગુરુદેવ, ફળો ને શું કરું?’ ગુરુદેવે પૂછયું: ‘ફળ કયાં છે?’ હવે શિષ્ય ફરી અવાક્ થઈ ગયો કારણ કે ખરેખર, ટોકરી તો ખાલી છે. એક પણ ફળ નથી. નવાઈની વાત! ગુરુદેવ ફરી હસ્યા: ‘માયાવૃક્ષનું ફળ પણ માયા, ડાળ પણ માયા, તારું નીચે પડવું માયા, ભય પામવું ય માયા. કેવળ મા જ સત્ય. તે અંબાએ જ જગદ્વૃક્ષ તૈયાર કર્યું છે. તે વૃક્ષને કાપે ‘અસંગશસ્ત્ર’ – વૈરાગ્યરૂપી કુહાડી વડે. પણ તે માની કૃપા પર નિર્ભર છે. મા જો વૈરાગ્યની રક્ષા કરે તો જ જીવ સંસાર સંગ્રામમાં યુદ્ધ કરી શકે.

ઘણા દિવસોથી શિષ્ય સાંભળે છે તે ‘માના વન’ની ધાર પર રહે છે. તો પછી ‘માનું વન’ શું? માયાનું વન – આ દૃશ્ય જગત, તેમ જ હશે. આટલા દિવસો પછી આવી વિચિત્ર અભિજ્ઞતાથી તેનું મન વિહ્વળ થઈ ગયું. શા માટે તેને ભય થયો? શા માટે માને શોધ્યાં નહિ. જે દેવીની આટલા દિવસોથી પ્રાણપણે પૂજા કરતો તેને ઓળખી પણ ન શકયો. એમ વિચારી વિચારીને તેનું મન ક્ષુબ્ધ થયું.

હવે તે મનમાં દૃઢ સંકલ્પ કરે છે કે ગમે તે થાય માનાં દર્શન કરવા જ પડશે. તે માટે વિપદમાં પડવા પણ તૈયાર છે. તે રાત્રે શિષ્ય આગ જલાવ્યા વગર જ વૃક્ષ નીચે ધ્યાન કરવા બેઠો. વાઘનો ભય હોય છે પરંતુ આશ્રમની ચારેબાજુએ તો તે ક્યારેય આવ્યો નથી. આજે શિષ્યનું મન માતાજીનાં ચિંતનમાં ચોંટી ગયું છે. યાદ આવે છે, પહેલાંના દિવસો, શરૂ શરૂમાં ગુરુદેવ આગ પેટાવીને ગાઢ રાતે શિષ્યો સાથે ધ્યાનમાં બેસતા. ઊંઘ આવતી તો પીઠ પર લાકડી મારતા. પણ અત્યારે તો સહજતાથી મન ધ્યાનમાં લાગી ગયું. રાત્રિની સ્તબ્ધતા સાથે મન પણ ક્રમશ: અંતર્મુખી થયું. ઊંડા ચિંતનમાં ચેતના જાગી છે. તે ચેતના મંત્રમાં ભળી જાય છે. ધીમે ધીમે મન સૂક્ષ્મથી સૂક્ષ્મ થવા લાગ્યું. આ બધું ગુરુદેવના સાંનિધ્યનું ફળ છે. પછી એક પ્રકારની જાણે અસ્વસ્થતા જાગી. કોણ જાણે કઈ રીતે બંને આંખ ખુલી ગઈ. 

અચાનક અંધારામાં બે આંખો જુએ છે. વાઘ! બરાબર એ જ સમયે સળગતું લાકડું લઈને ગુરુદેવ આગળ આવ્યા. શિષ્યને કહ્યું: ‘માને શા માટે વારંવાર હેરાન કરે છે? સ્વયં સાવધાન ન રહી શકે? માતાજીએ મને મોકલ્યો અને કહ્યું: તેને કહો, વૈરાગ્યરૂપી આગ અંતરમાં પેટાવીને બેસવું પડે, તો જ રક્ષા થાય. આગની જ્વાળા જોઈએ, મનના અંધકારમાં ન બેસાય. ત્યાંથી ભયંકર જીવો બહાર નીકળે. જાગ, ઊઠ, પુરુષાર્થ કર – આગ જલાવ. અંદર – બહાર એક કર ત્યારે માને પામીશ.’

શિષ્ય સ્તબ્ધ! તે દિવસે ગાઢ રાત્રીના અંધકારમાં શિષ્યનું મન કોઈ એક અજાણી ચેતનામાં  ડૂબી ગયું. જાણે તેની સમસ્ત સત્તામાં અજવાળાં થઈ ગયાં. તેણે માતાજીનો મધુર કંઠ સાંભળ્યો: ‘બેટા, ઊઠ, હું તારી સામે છું.’ એકીટશે જોયું. મા કેવા મહિમામય તેજોમૂર્તિ રૂપી ઊભાં છે! તેમના પ્રકાશથી આખા અરણ્યમાં અજવાળું ફેલાઈ રહ્યું છે. આકાશ પણ દિવ્ય જ્યોતિથી ઉજ્જ્વળ, આત્મહારા સાધક મનમાં ને મનમાં દેવીનાં ચરણે સર્વસ્વ અર્પણ કરે છે. અચાનક જગત જાણે માતાની જ્યોતિમાં વિલીન થઈ ગયું. સાધક ભક્તિભાવમાં આનંદપૂર્ણ થઈ જાય છે. શિષ્ય દેવીની સ્તુતિ કરતો રહ્યો. વળી મનમાં પ્રશ્ન ઊઠયો: ‘તો પછી માયા શું?’ પોતાના જ અંતરાત્મામાં દેવીનો સ્વર સંભળાયો: ‘હું જ મહામાયા, આ મારું માયિક રૂપ છે. તું શરણાગત છો તેથી મારું દર્શન થયું.’

સ્વપ્નની માફક તે અપાર્થિવ દૃશ્ય દૂર થયું અને હવે સામે ગુરુદેવને ઊભેલા જુએ છે. તેમના મુખ પરનું હાસ્ય પણ સ્વર્ગીય! ધીમે ધીમે બોલે છે – આનંદ, ઊઠ, માતાજીની કૃપાથી તારો પથ સહેલો થયો. હવે આગળ ધપો; અનુભૂતિના રાજ્યમાં. જ્યાં અનવરત ચેતના ચમકે છે. આ પથ તો અનંત છે, સાધક કદી અટકે નહિ – ચરૈવેતિ – ચરૈવેતિ.

Total Views: 13

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.