यथोदकं शुद्धे शुद्धमासिक्तं तादृगेव भवति।
एवं मुनेर्विजानत आत्मा भवति गौतम ॥

गौतम, હે ગૌતમ; यथा, જેવી રીતે; शुद्धम्‌ उदकम्‌, સ્વચ્છ પાણી; शुद्धे, સ્વચ્છ પાણીમાં; आसिक्तं, રેડેલું;  एव भवति, એવું – એકાકાર જ – બની રહે છે; विजानत: मुने: आत्मा, આત્મજ્ઞાની ઋષિનો આત્મા; एवम्‌, એવો જ – (બ્રહ્મ રૂપ જ); भवति, થાય છે.

હે ગૌતમ, જ્યારે નિર્મળ પાણી, નિર્મળ પાણીમાં રેડવામાં આવે છે, ત્યારે તે બન્ને જળ એકાકાર થઈ જાય છે; તેવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરનાર ઋષિના આત્માની પણ તેવી જ સ્થિતિ થાય છે. એટલે કે તે બ્રહ્મની સાથે એકાકાર બની જાય છે. (૧૫)

અહીં દરેક સ્થળે એકસમાન આત્માને જોતી વ્યક્તિ, તેમજ દરેક જુદાં જુદાં પ્રાણીમાં અલગ અલગ આત્મા જોનાર બીજી વ્યક્તિ વચ્ચેનો ભેદ દર્શાવવામાં આવ્યો છે. પહેલા પ્રકારની વ્યક્તિ આત્માને સાચી રીતે જાણે છે. પણ બીજી વ્યક્તિને એ વિશે કશો વિચાર હોતો નથી. બીજી વ્યક્તિ જગતમાં ફસાયેલ છે. એવી વ્યક્તિ જગતને જ વાસ્તવિક – પારમાર્થિક – માને છે. અને ભોગ્ય સમજે છે. ઈંદ્રિયગમ્ય સ્થૂળ પદાર્થોની પેલી પાર જવામાં તે અસમર્થ છે; એ ઈંદ્રિયજન્ય સુખોમાં લપસી પડેલ છે. પણ પહેલી વ્યક્તિ સારાસારવિવેક કરનારી છે. એવી વ્યક્તિ બધી જ પરિવર્તનશીલ વસ્તુઓને છોડી દે છે. અને કેવળ અમરત્વની જ ઝંખના કરે છે. એમ કરવામાં તે ઘણાં કષ્ટો સહન કરે છે, છતાં એની એને કશી દરકાર હોતી નથી. પોતાના મન પર કાબૂ રાખવા તે બધી વસ્તુઓને હોડમાં મૂકે છે. તે આત્મજ્ઞાનને પોતાના મનમાં સ્થિર કરવા ઇચ્છે છે. આત્મજ્ઞાન સિવાય એને બીજું કશું ખપતું નથી. જો એના મનમાં આત્મજ્ઞાન સિવાય કશી ખેવના ન હોય, તો એનું મન નિર્મળ થયું છે, અને આવા નિર્મળ મનથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ ઘણી સરળ બની જાય છે. આ કેન્દ્રબિંદુએ વ્યષ્ટિચૈતન્ય (જીવાત્મા) સમષ્ટિચૈતન્યમાં (પરમાત્મામાં) ભળી જાય છે – એકાકાર થઈ જાય છે.

इति काठकोपनिषदि द्वितीयाध्याये प्रथमा वल्ली॥

કઠોપનિષદ, બીજો અધ્યાય, પહેલી વલ્લી પૂર્ણ.

द्वितीय: प्रश्न: અધ્યાય બીજો, બીજી વલ્લી

पुरमेकादशद्वारमजस्यावक्रचेतसः।
अनुष्ठाय न शोचति विमुक्तश्च विमुच्यते। एतद्‌ वै तत् ॥१॥

अजस्य अवक्र-चेतसः, અજન્મા અને જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તેવા, પોતાના સ્વરૂપમાં કદી પરિવર્તન ન પામતા; एकादश द्वारं पुरम्‌, અગિયાર દરવાજાવાળું નગર (અર્થાત્‌ દેહ); अनुष्ठाय આત્માની સેવામાં લગાડીને અને આત્મા પર જ ધ્યાન કેન્દ્રિત કરીને (સાધક); न शोचति, કદાપિ શોક કરતો નથી; विमुक्त:, આસક્તિથી મુક્ત; विमुच्यते च, જન્મ અને મૃત્યુમાંથી મુક્ત; एतद्‌ वै तत्, ખરેખર આ તે જ છે (જેના વિષે નચિકેતા પૃચ્છા કરી રહ્યો હતો).

અગિયાર દરવાજાવાળો આ દેહ આત્માનું નિવાસસ્થાન છે. એ આત્મા અજન્મા છે અને સદાય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. આધ્યાત્મિક સાધક પોતાના દેહનો ઉપયોગ આત્માની સેવા માટે કરે છે. (અર્થાત્‌ આધ્યાત્મિક સાધના માટે જ) અને એમ કરીને આત્માના સાચા સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. પછી તે શોકને પાર કરી જાય છે. તેણે અવિદ્યામાંથી મુક્તિ મેળવી લીધી છે અને દેહ એ જ આત્મા છે એ ભ્રમમાંથી મુક્ત થઈ જાય છે (તે મૃત્યુ પછી જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. તે જ ખરેખર આ છે (અર્થાત્‌ જેના વિષે નચિકેતા પૃચ્છા કરતો હતો, તે આત્મા).

ઉપનિષદ શરીરનું વર્ણન નગર તરીકે કરે છે. શહેરમાં પ્રવેશ કરવા માટે અને બહાર જવા માટે કેટલાક દરવાજા હોવા જોઈએ; શરીરને પણ આવા દરવાજા છે. હકીકતમાં એને અગિયાર દરવાજા છે – બે આંખો, બે કાન, બે નસકોરાં, મોઢું, નાભિ, બે નિમ્ન ઈંદ્રિયો (જનનેન્દ્રિય તથા ઉત્સર્ગ માટેની ઈંદ્રિયો) અને માથાના ઉપરના ભાગમાં રહેલું બ્રહ્મરંધ્ર. (જેના દ્વારા યોગી દેહત્યાગ કરે છે.) શરીરનું શાસન કરવા માટે કોઈક સત્તા હોય છે, શરીરની બાબતમાં આત્મા એ સર્વોચ્ચ સત્તા ધરાવે છે. શરીર જે કાંઈ કરે છે, તેના પર તે કાબૂ રાખતો હોય છે.

વાસ્તવમાં આ આત્મા વૈશ્વિક આત્મા બ્રહ્મ છે. આથી જ તે જન્મ (અને મરણરહિત છે). એ વિશુદ્ધ ચૈતન્ય છે અને તેના ગુણધર્મમાં કદાપિ પરિવર્તન આવતું નથી. પરંતુ વૈયક્તિક આત્મા (જીવ) અજ્ઞાન છે અને પોતાના અજ્ઞાનને લીધે એમ માનતો રહે છે કે આત્મા એટલે જ શરીર. જો શરીરમાં કંઈક વ્યાધિ ઉત્પન્ન થાય તો તેને વ્યાધિ થાય છે અને જીવ શરીરની બધી ઉપાધિઓને (મર્યાદાઓને) તેની માની લે છે. એ જ રીતે, તે મનના તરંગોનો ભોગ બને છે. ખરેખર જીવ એ શરીર અને મનનો ગુલામ છે.

પરંતુ તેના ભવિષ્યમાં આ જ કંઈ ન હોવું જોઈએ. ‘હું વૈશ્વિક આત્મા છું’ એમ કહીને જો જીવ એક વખત પોતાની જાતને આગળ ધરવા માંડે તો ચિત્ર સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. વૈશ્વિક આત્મા તરીકે એ હંમેશાં મુક્ત અને સર્વનો ઈશ્વર છે. કંઈક થવા માટે વિચારણા એ પ્રથમ પગથિયું છે. અને જો એક વખત જીવ સતત વિચારવા લાગે કે હું દિવ્ય છું, તો તે દિવ્ય બની જાય છે. શરીર અને મન બન્ને રીતે કામ કરી શકે તેવાં ઉપકરણો છે; તેઓ તમારા પર વર્ચસ્વ ભોગવે છે કે તમે તેમના પર વર્ચસ્વ ભોગવો છો, તેના પર આધાર રાખીને તમારા માટે બંધન કે મુક્તિનાં સાધનો બની શકે છે. જ્યારે શરીર અને મન તમારા પર વર્ચસ્વ ભોગવતાં હોય છે, તેનું કારણ એ હોય છે કે તમે તમારા વાસ્તવિક સ્વરૂપથી અજ્ઞાત હો છો. તમે તે બન્ને સાથે તમારી જાતને એકરૂપ કરી દો છો અને તે બન્નેને જે કાંઈ થાય છે, તેની અસરો તમે ભોગવો છો. પરંતુ તમે જો એવી અનુભૂતિ કરી લો કે તમે વિશ્વાત્મા છો અને શરીર તથા મનના સ્વામી છો તો તમે મુક્ત થઈ જાઓ છો. તમે દરેક વસ્તુના સ્વામી છો એવી સભાનતા સાથે જો તમે તમારા જીવનનાં બાકીનાં વરસો જીવી જાઓ તો તમે સુખી છો. જ્યારે તમારું મરણ થાય ત્યારે તમે કાયમ માટે મુક્ત બની જાઓ અને પછી તમારા માટે જન્મ કે મૃત્યુ રહેતાં નથી.

हंसः शुचिषवद्‌ वसुरन्तरिक्ष होता वे दिषदतिथिर्दुरोणसत् ।
नृषद्‌ वसदृतसद्‌ व्योमसदब्जा गोजा ऋतजा अद्रिजा ऋतं बृहत् ॥२॥

हंसः, સર્વત્ર જાય છે; शुचिषवत्‌, સ્વર્ગમાં રહે છે; वसु:, બધાનો આધાર છે; अन्तरिक्षसद्‌, અંતરિક્ષ (સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે) રહે છે; होता, અગ્નિ; वदिषत्‌, પૃથ્વી ઉપર; दुरोणसत्‌ अतिथि:, ઘરમાં રહેતા બ્રાહ્મણ અતિથિ (અથવા ઘડામાં રહેલો માદક સોમરસ); नृषद्‌, મનુષ્યોમાં; वरसत्‌, દેવો તથા દેવીઓમાં; ऋतसत्‌, સત્યમાં; व्योमसत्‌, આકાશમાં; अब्जा, જલચર પ્રાણીઓ તથા કીટકોમાં; गोजा, પૃથ્વી પર ઊગતી વસ્તુઓ (ઘઉં, જવ, ચોખા વગેરે); ऋतजा, યજ્ઞમાં વપરાતી વસ્તુઓ; अद्रिजा, નદીઓ, ઝરણાં વગેરે, પર્વતો તથા ટેકરીઓ પરથી ઊતરી આવતાં; ऋतम्‌, બધાના આત્મા તરીકે સત્ય; बृहत्‌, મહાન, બધાંનું કારણ.

આ આત્મા સર્વવ્યાપી છે, આકાશમાં એ સૂર્ય છે દરેકનો આધાર છે તેથી તે વસુ છે અને પૃથ્વી તથા આકાશ વચ્ચેના ભાગમાં તે વાયુ છે. (યજ્ઞોમાં) અગ્નિ હોવાથી તે હોતા છે. યજ્ઞની વેદિમાં તે અગ્નિ છે, અથવા સમગ્ર પૃથ્વી તેના માટે યજ્ઞની વેદિરૂપ છે. તે બ્રાહ્મણરૂપ અતિથિ છે, અથવા ઘડામાં રહેલો સોમરસ છે. તે બધા માનવોમાં, બધી સારી વસ્તુઓમાં અને અતંરિક્ષમાં છે. પાણીમાં તે માછલાં તથા અન્ય જલચર પ્રાણીઓ રૂપે છે. અને તે ચોખા, ઘઉં તથા અન્ય છોડવા રૂપે પૃથ્વીની સપાટી પર ઊગે છે. તે ઋતજા છે કેમકે યજ્ઞમાં વપરાતી પવિત્ર વસ્તુઓ રૂપે અસ્તિત્વ ધરાવે છે. પર્વત પરથી ઊતરી આવતાં ઝરણાં તથા નદીરૂપે પણ એ જ છે. બધી વસ્તુઓમાં સૌથી મોટો છે અને બધામાં આત્મરૂપે છે.

સત્ય તરીકે, આત્મા બધામાં છે, પણ બહારેય છે. તે નાની વસ્તુઓમાં તથા મોટી વસ્તુઓમાં ય છે. તે દરેક વસ્તુના સારરૂપ છે અને કારણ તથા કાર્ય પણ છે. સમગ્ર વિશ્વના તાણાવાણારૂપે પણ એ છે અને તેને લીધે વિશ્વ અસ્તિત્વ ધરાવે છે. તેને ઋત, સત્ય અથવા આત્મા – એમ વિવિધ રીતે ઓળખવામાં આવે છે.

ऊर्ध्वं प्राणमुन्नयति अपानं प्रत्यगस्यति ।
मध्ये वामनमासीनं विश्वे देवा उपासते ॥ ३ ॥

प्राणम्‌ ऊर्ध्वम्‌ उन्नयति, (આત્મા) પ્રાણને ઉપરની બાજુએ ધકેલે છે; अपानम्‌ प्रत्यक्‌ अस्यति, અપાનને નીચેની બાજુએ ધકેલે છે; मध्य आसीनम्‌ वामनम्‌, મધ્યમાં પણ તે જ આત્મા છે (મધ્યે – હૃદયકમલમાં); आसीनम्‌, બુદ્ધિરૂપે પ્રકટ થતો; वामनम्‌, ઉપાસના કરવાના પદાર્થરૂપે (અર્થાત્‌ આત્મા); विश्वेदेवा: उपासते, બધી ઈંદ્રિયો જેને પોતાની અંજલિ અર્પે છે.

આત્મા પ્રાણને ઉપર ધકેલે છે; અપાન (વાયુ)ને નીચેની બાજુએ ધકેલે છે. આ આત્મા હૃદયમાં રહે છે અને યોગીઓ તેના પર ધ્યાન ધરે છે. જાણે કે તેઓ પોતાના અધિષ્ઠાતા દેવને અંજલિ અર્પણ કરતી હોય તેમ બધી ઈંદ્રિયો પોતપોતાનાં કર્તવ્યો બજાવે છે. એક વખત ફરીથી ભારપૂર્વક કહેવામાં આવે છે કે શરીરમાં આત્મા સર્વોચ્ચ સત્તા છે. બધી ઈંદ્રિયો તેનાથી ગૌણ છે.  લોકો પોતાના નિયામકને અંજલિ આપે છે. એ જ રીતે બધી જ ઈંદ્રિયો કાળજીપૂર્વક પોતાના નિયામક આત્માને અંજલિ અર્પતી હોય એ રીતે પોતાનાં કાર્યો કરતી રહે છે.

अस्य विस्रं समानस्य शरीरस्थस्य देहिनः ।
देहाद्विमुच्यमानस्य किमत्र परिशिष्यते । एतद्‌ वै तत् ॥ ४ ॥

शरीरस्थस्य अस्य देहिनः, (જ્યારે) શરીરમાં રહેલો આત્મા; विस्रं समानस्य, છૂટો પડે છે; देहात्‌ विमुच्यमानस्य, (અને) શરીરનો ત્યાગ કરે છે; अत्र किम परिशिष्यते, (શરીરમાં) શું રહે છે; एतद्‌ वै तत्, ખરેખર આ તે છે (આત્મા, જેના વિષે નચિકેતા પૂછતો હતો.

જ્યારે શરીરમાં રહેલો આ આત્મા (શરીરમાંથી) છૂટો પડે છે અને શરીરને પાછળ છોડી દે છે, ત્યારે (શરીરમાં) શું બાકી રહે છે? (કશું જ નહીં) ખરેખર તે (આત્મા છે જેના વિષે નચિકેતા પૂછતો હતો.)

શરીરમાં રહેલી બધી વસ્તુ પર આત્માનું નિયમન છે. જો શરીરની સરખામણી નગર સાથે કરવામાં આવે તો આત્મા તેનો નિયામક છે. જ્યારે આ નિયામક નગરને છોડી દે છે, ત્યારે અરાજકતા બની રહે છે. એમ લાગે છે કે કંઈ કામ થતું નથી. આત્મા જ્યારે શરીરનો ત્યાગ કરે છે, ત્યારે આમ જ બને છે. શરીરમાંની બધી જ ઈંદ્રિયો ભલે અક્ષત હોય, છતાં તેઓ કાર્યરત હોતી નથી. તેમની શક્તિનો સ્રોત આત્મા હતો. આત્માની વિદાય સાથે જ શરીર તથા તેની ઈંદ્રિયો લાચાર બની જાય છે.

न प्राणेन नापानेन मर्त्यो जीवति कश्चन ।
  इतरेण तु जीवन्ति यस्मिन्नेतावुपाश्रितौ ॥ ५ ॥

कश्चन मर्त्य:, કોઈ મરણશીલ પ્રાણી; प्राणेन न जीवति, પ્રાણ (શ્વાસમાં હવા અંદર લેવી) દ્વારા જીવતો નથી; न अपानेन, (એ જ રીતે) અપાન (શ્વાસમાં હવા બહાર કાઢવાની પ્રક્રિયા)થી નહીં; इतरेण तु जीवन्ति, પણ બીજી કોઈક વસ્તુથી જીવે છે; यस्मिन्‌ एतौ उपाश्रितो, જેના પર આ બન્ને આધાર રાખે છે.

કોઈ મરણશીલ પ્રાણી માત્ર પોતાના પ્રાણ કે અપાન વડે જીવતો નથી. તેને જીવાડે છે કોઈક બીજી વસ્તુ. આ બીજી વસ્તુ (અર્થાત્‌ વૈશ્વિક આત્મા) પર પ્રાણ અને અપાન બન્ને આધાર રાખે છે.

શરીરમાં શ્વાસોચ્છ્‌વાસને લીધે જે કાર્યો ચાલતાં રહે છે તે પ્રાણના પાંચ પ્રકારો માનવામાં આવ્યા છે. ઘણા લોકો માને છે કે તેઓ આ શ્વાસોચ્છ્‌વાસ (પ્રાણ)થી જીવે છે અને તેથી તેઓ શરીર ઈંદ્રિયો અને પ્રાણોથી  અલગ એવા આત્માના વિચારને નકારી કાઢે છે. આત્મા શરીર-મનના સમગ્ર સંઘાતનો નિયામક છે એ વાતમાં તેમને વિશ્વાસ રાખવો અઘરો પડે છે. શરીર, મન, ઈંદ્રિયો અને પ્રાણ – આ બધાં જ આત્મા પર આધાર રાખે છે. મૃત્યુ થાય છે ત્યારે, જ્યારે આત્મા શરીરનો ત્યાગ કરે છે ત્યારે, શરીર-મનનો આ સંઘાત તૂટી પડે છે. તેનાં ઘટકતત્ત્વો ભલે જેમનાં તેમ રહેતાં હોય, છતાં તેઓ નકામાં બની જાય છે. આવું વૈયક્તિક રીતે તથા સામૂહિક રીતે બને છે. આમ, બનવાનું કારણ એ છે કે આત્મા આ બધાંની શક્તિનો સ્રોત હતો અને એ આત્મા તો હવે ચાલ્યો ગયો છે. અત્યાર સુધી તે બધાંની પ્રક્રિયા ચાલતી હતી, જાણે કે તેઓ પોતાના સ્વામીની – આત્માની સેવા કરી રહ્યાં હતાં.

Total Views: 88

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.