સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત માસિક ‘બુલેટિન’માં પ્રસિદ્ધ થયેલ લેખનોે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

શ્રીરામકૃષ્ણનો માનવજાતિને સંદેશ છે કે સર્વોત્તમ પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો. તેઓ કહે છે કે એમની વિચારદૃષ્ટિએ સર્વોત્તમ શું છે? – તે છે ઈશ્વરપ્રાપ્તિ. ઈશ્વરપ્રાપ્તિ દ્વારા તેઓ શી સલાહ આપવા ઇચ્છે છે? એમની દૃષ્ટિએ ઈશ્વરપ્રાપ્તિ એ એવો અનુભવ છે કે જેનાથી વ્યક્તિ પૂર્ણત : પરિવર્તન પામે છે. ત્યારે તે વ્યક્તિ નથી રહેતી પણ તે પૂર્ણ, અનંત બ્રહ્માંડ અને સર્વ કંઈ બની જાય છે. આ વાત નદીના સમુદ્રમાં મળવા જેવી છે. નદી પોતાનું અલગ અસ્તિત્વ ગુમાવીને સમુદ્ર બની જાય છે. શું આ થઈ શકે છે?

શ્રીરામકૃષ્ણ ઘોષણા કરે છે કે બેશક આ સંભવ છે. જ્યારે યુવાન નાવિકે પોતાના ભાઈને માર્યો ત્યારે શ્રીરામકૃષ્ણ દર્દ સાથે મોટેથી ચિત્કાર કરી ઊઠ્યા, એમના શરીર પર એ મારનાં ચિહ્ન દેખાતાં હતાં.

જો કોઈ પાંદડું તોડતું તો તેમને એવો અનુભવ થતો કે કોઈ તેમના હૃદય પર પ્રહાર કરે છે. જો બીજા લોકો ખુશ થતા તો તેઓ પણ ખુશ થતા. જો બીજા લોકો પીડા કે દુ :ખમાં હોય તો તેમ ને દુ :ખ અને પીડા થતાં.

બીજા સાથે એકાત્મભાવ – દરેક અને બધાની સાથે, ‘પરમાત્માથી લઈને ઘાસના તણખલા’ સાથે, આ ઈશ્વર સાક્ષાત્કારના અનુભવનું પ્રત્યક્ષ પરિણામ છે. જ્યારે આવું થાય છે ત્યારે ‘હું’ અને ‘મારું’ અર્થહીન થઈ જાય છે. નાનો અહમ્ મરી જાય છે, મોટો અહમ્ તેની જગ્યા લઈ લે છે. જેવી સ્વાભાવિક છે પવનની શીતળતા, ફૂલની સુગંધ અને બુલબુલનું ગાવું તેમ પ્રેમ અને કરુણા સ્વાભાવિક બની જાય છે.

શ્રીરામકૃષ્ણે પોતાના સંદેશને પોતે જ જીવી બતાવ્યો છે. તેઓ ‘પ્રેમ’ની જીવંતમૂર્તિ હતા. એક વ્યક્તિએ ભલે ગમે તેટલી ભૂલો કરી હોય, તેની વિચારધારા ગમે તેટલી ખામીવાળી હોય તો પણ શ્રીરામકૃષ્ણે એની નિંદા કરી નથી. એની ભૂલોને સુધારવામાં તેઓ ઉતાવળ પણ ન રાખતા. પ્રત્યેક વ્યક્તિ અજોડ છે, દરેકનો વિકાસ પોતાના પ્રમાણે જ થાય છે; શ્રીરામકૃષ્ણ મનુષ્યને આ દૃષ્ટિએ જોતા.

દરેક વ્યક્તિ સંઘર્ષ કરે, સુધારણા, ઉન્નતિ અને પ્રગતિ માટે સંઘર્ષ કરે, એ જ એમની ચેષ્ટા રહેતી. આ પ્રયાસ ઘણો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે આપણે સંઘર્ષ કરીએ છીએ ત્યારે સુધારણા સંભવ બને છે. બહુ જલદી સંતુષ્ટ ન થઈ જવું, તુચ્છ વસ્તુઓથી સંતોષ ન માનવો, ઊંચું લક્ષ્ય રાખવું, સર્વોત્કૃષ્ટ અને સર્વોત્તમ વસ્તુ જ્યાં સુધી હાથમાં ન આવી જાય ત્યાં સુધી સંઘર્ષ કરવો, એ જ એમનું બધાના માટે આહ્‌વાન હતું. જો થોડાં નર-નારી મહાન બની શક્યાં હોય તો તેઓ એમની જેમ જ બીજાને મહાન બનાવી શકે છે.

પ્રશ્ન છે – સંઘર્ષ, શ્રદ્ધા અને સાહસનો. આ હોવાથી અસંભવ પણ સંભવ બની જાય. માનવસભ્યતાનું ભવિષ્ય આ જ સંઘર્ષ પર આધારિત રહે છે. જો મનુષ્યને એમ લાગે કે તેણે જીવનમાં પર્યાપ્ત ઉપલબ્ધિ મેળવી લીધી છે તો તેણે વધારે સંઘર્ષ કરવાની કોઈ આવશ્યકતા નથી. તો પછી ભવિષ્યમાં એમની પ્રગતિનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

આ જડત્વ ગતિહીનતાનું લક્ષણ છે, મૃત્યુ જેવું છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં માનવે નિશ્ચિતરૂપે ઘણી મહાન પ્રગતિ કરી છે. પરંતુ માનવ હોવાને કારણે મનુષ્ય ત્યાં અટકી શકતો નથી. તેણે વધારે આગળ જવું પડશે, છે એનાથીએ આગળ. સદૈવ આગળ વધવું પડશે. આ છે મનુષ્યની નિયતિ, આ છે એની જવાબદારી.

વર્તમાન યુગમાં માનવ પોતાની જાતથી પરાયો બની ગયો છે. તે પોતાની અંદર અને બહાર પૂર્ણ રીતે અશાંત છે. તે દિશાહીન બની ગયો છે, તે ક્યાં જઈ રહ્યો છે એનું એને સાનભાન નથી.

એણે ઠીક ઠીક પ્રમાણમાં ઉપલબ્ધિઓ મેળવી છે, પરંતુ તે તેના વિનાશનું કારણ પણ બની શકે છે. તે ઇચ્છે છે કે તે પ્રેમ કરે અને પ્રેમ પામે, પરંતુ કંઈક અવ્યવસ્થિત થઈ ગયું છે; કારણ કે પ્રેમ કરવા અને પ્રેમ મેળવવાના સ્થાને તે ઘૃણા કરે છે અને ઘૃણા પામે છે.

વર્તમાન યુગમાં માનવના પારસ્પરિક સંબંધોની સમસ્યા સૌથી વિકટ સમસ્યા છે. વ્યક્તિ અને વ્યક્તિ, રાષ્ટ્ર અને રાષ્ટ્રના પરસ્પરના સંબંધ સંદેહ અને અવિશ્વાસને કારણે ગૂંચવાઈ ગયા છે. ઘર, સમાજ કે આંતરરાષ્ટ્રિય સ્તર પર ક્યાંય પણ શાંતિ નથી. માનવનાં પોતાનાં બેચેની, લોભ, ક્રોધ, ઘૃણા અને ઈર્ષ્યા તેને ભયભિત કરી રહ્યાં છે.

વર્તમાન યુગમાં જે માર્ગ શ્રીરામકૃષ્ણે બતાવ્યો છે એના દ્વારા જ માનવતાનું રક્ષણ થઈ શકે છે. એમનો માર્ગ છે પ્રેમનો, સર્વશ્રેષ્ઠની પ્રાપ્તિનો. તે સર્વશ્રેષ્ઠ આપણી અંદર જ છે, બીજે ક્યાંય બહાર નથી.

Total Views: 287

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.