જ્યારે ગાંધીજીને ગોળી વાગી અને ‘હે રામ !’ એ અંતિમ શબ્દો સાથે ઢળી પડ્યા, ત્યારે આ સિવાય બીજા કોઈ શબ્દોચ્ચાર સાથે તેમણે અંતિમ શ્વાસ લીધા હોત તો આશ્ચર્ય ઊપજત, કારણ કે તેમણે હંમેશાં એમ વિચાર્યું હતું કે ઈશ્વર જ મારી પાસે આ બધું કરાવે છે, અને એ પ્રમાણે જ તેઓ વર્ત્યા. એનો અર્થ એ થયો કે ઈશ્વર એમના સતત માર્ગદર્શક, પ્રેરણાસ્રોત રહ્યા અને તેમણે ઈશ્વરને રાજી રાખવા બધું કર્યું. અને એટલે જ તેઓ કયારેય પ્રાર્થના કરવાનું ચૂક્યા ન હતા. ભલે પોતે ગમે તેટલી રાજકીય પ્રવૃત્તિઓની વચ્ચે રહેતા હોય, પણ જ્યારે પ્રાર્થનાનો સમય થાય ત્યારે એ પ્રવૃત્તિઓમાં વિરામ રાખીને તેઓ દૈનિક પ્રાર્થના કરતા. તેઓ ક્યારેય પોતાના સમય આયોજનમાં જરાય બાંધછોડ ન કરતા. આ વૃદ્ધ ડોસાના આવા તરંગીપણાને સૌ કોઈ રાજીખુશીથી સ્વીકારી લેતા અને રાહ જોતા, પછી ભલે એ વાઈસરાૅય હોય કે બ્રિટિશ કેબીનેટના સભ્ય હોય, ગમે તે હોય; તેઓ જાણતા હતા કે અહીં વિરોધ કરવાનો કોઈ અર્થ નથી. આટલું આપણે પૂર્વસ્મરણ કરવું જોઈએ કે ગાંધીજી પ્રાર્થનાસભામાં જતાં રસ્તામાં મૃત્યુ પામ્યા.

શું તેમને પોતાના મૃત્યુ વિશે પહેલાંથી જ ખ્યાલ આવી ગયો હતો ? એમ કહેવું મુશ્કેલ છે, છતાં ખાસ કરીને સ્થાનિક પોલીસને ચોક્કસપણે કંઈક અનિષ્ટની ગંધ આવી ગઈ હતી. અરે, શેરીમાંના એક વ્યક્તિને કંઈક માઠું બનવાનું છે એવી ગંધ આવી ગઈ. થોડા દિવસ પહેલાં એક પ્રાર્થનાસભામાં બોમ્બ ધડાકો થયો હતો. જો કે એમાં કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. કેટલાક લોકો અટકવાના નથી એવી આ સ્પષ્ટ ચેતવણી હતી. દેશના ભાગલા અને લોકોએ વ્યક્તિગત રીતે સહન કરેલાં ભયંકર દુ :ખકષ્ટો માટે તેઓ દોષનો ટોપલો ગાંધીજી પર ઢોળતા હતા. જો કોઈ માણસ પોતાની નજર સામે જ પોતાની યુવાન પુત્રી પર થતા બળાત્કારને જુએ કે પોતાની આંખ સામે જ પોતાનાં વયોવૃદ્ધ માતપિતાને મારી નખાતાં જુએ તો તેને માટે તે ગાંધીજીને જ જવાબદાર ગણવાનો. શું તેમણે આ બધા લોકોને સ્વાતંત્ર્ય માટે અને શાંતિ-સુખાકારી માટે દોરવણી નહોતી આપી ? આ બધાંને એમ લાગ્યું કે ગાંધીજીએ એમને છેતર્યા છે. ઘણા લાંબા સમય સુધી તેમની અહિંસા, સત્ય અને જાતિ-જાતિ વચ્ચેના સમન્વયની વાતો સાંભળીને તેઓ પ્રભાવિત થયા હતા, પણ કોણ જાણે કેમ હવે એમને આ બધું નકામાં ફૂંકેલાં બણગાં જેવું લાગ્યું. આ પહેલાં તેઓ એ બધાને મન એક સંત હતા, પણ આજે તેઓ વિલન બની ગયા.

તેમણે તત્કાલ સહન કરેલી દરેકે દરેક કરુણાંતિકાને માટે ગાંધીજી અને એકલા ગાંધીજીને જ તેઓ જવાબદાર ગણતા હતા.

ગાંધીજી લોકોના આ મિજાજને પરખી ગયા, પણ તેમણે એની જરાય ચિંતા ન કરી. તેઓ ક્યારેય સત્ય કહેતાં અચકાયા નથી કે ગભરાયા નથી અને આ સમયે તો તેઓ વધારે નિર્ભય બન્યા હતા. આ પહેલાં તેમણે જે રીતે હિંસાને વખોડી હતી, તેના કરતાં પણ વધુ કડક વાણીમાં હિંસાને વખોડી કાઢી. ગાંધીજી સિવાય બીજા કોઈપણ નેતાઓએ આ વખતે થોડી વિનમ્રતા દર્શાવી હોત, પરંતુ તેઓ તો સ્પષ્ટવક્તા અને ખુલ્લા દિલવાળા માનવ હતા. લોકોનું લોહી તો ક્રોધથી બળતું હતું, પણ શું કરવું તે તેઓ જાણતા ન હતા. પોલીસ જાણતી હતી કે મોટા ભાગના લોકો આ જૂના દિવસોની રામકહાણી માટે ગાંધીજીને કોઈ ઈજા નહીં પહોંચાડે, પરંતુ એવા ચક્રમ કે ગરમ મિજાજના જુવાનિયા હતા કે તેઓ ગાંધીજીને સજા કરવા ગમે તે પળે ગમે તે કરી શકે. જો પોલીસે ધાર્યું હોત તો ગાંધીજીને ખુલ્લામાં પ્રાર્થનાસભા કરતાં અટકાવ્યા હોત કે સલામતીનાં વધુ ચુસ્ત પગલાં ભર્યાં હોત. આ કમનસીબ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ, તત્કાલીન ગૃહપ્રધાન આ બાબતો વિશે ચર્ચા કરવા આવ્યા હતા, પણ એ શક્ય બન્યું ? આ બાબત ક્યારેય જાણી નહીં શકાય. પરંતુ જો તેમણે ગાંધીજી સાથે આ બાબતની ચર્ચા કરી હોય તો તેઓ દેખીતી રીતે જ તેમના પર પોતાનો પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યા. એનું કારણ એ છે કે ગાંધીજી તરત જ પ્રાર્થનાસભા માટે અને મૃત્યુના મુખમાં આગળ ચાલ્યા. ગમે તેવા સંજોગોએ એમને પ્રાર્થનામાં જતા અટકાવ્યા નથી, તો પછી ગૃહપ્રધાને ધાર્યું કે તમારા પર મૃત્યુનો ભય છે, આવા સમયે પણ તેઓ કેવી રીતે પ્રાર્થનાને ચૂકી જાય ?

પરંતુ જો ગાંધીજી આવા ધર્મપુરુષ હતા તો તેઓ રાજકારણમાં કેવી રીતે જોડાઈ શકે ? શું રાજકારણ એ ધર્મવિરોધી નથી ? કોઈ સાચો ધર્મપુરુષ રાજકારણી બની શકે? એ વાત સાચી છે કે ગાંધીજીએ પોતાનું સમગ્ર જીવન દેશની આઝાદી માટે લડવામાં ખર્ચી નાખ્યું. પરંતુ તેમને રાજકારણી કહેવા એ વાત પણ ખરેખર શંકા ભરેલી છે. ઔપચારિક રીતે તેમને રાજકારણી ન કહી શકાય. એ વાત પણ સાચી છે કે ત્રણ ત્રણ દાયકા સુધી તેઓ આ દેશના રાજનૈતિક નેતા રહ્યા. પરંતુ આ તો તેમની ધર્મની શ્રદ્ધાએ એમના પર લાદેલો રોલ હતો. એમના ઈશ્વરપ્રેમે જ એમને જ્યાં જ્યાં અન્યાય જોયો ત્યાં ત્યાં તેની વિરુદ્ધ લડતા કર્યા.

પહેલાં આ લડત દક્ષિણ આફ્રિકામાં શરૂ થઈ અને પછી તે ભારતમાં આગળ વધી. પણ આ લડત તો રાજકીય અને સામાજિક અન્યાય સામેની લડત હતી. દક્ષિણ આફ્રિકામાં તેઓ પોતે જ જાતિ-રંગવાદનો ભોગ બન્યા હતા. એને કારણે તેનો વિરોધ કરવા અને તે અન્યાયની સામે સત્યાગ્રહની ચળવળ ચલાવી. તેમણે ખૂબ સહન કર્યું પણ અંતે વિજય તેમનો થયો. પોતાના દુશ્મનના હૃદયનું પરિવર્તન કરી શકાય છે, એવી પોતાની દૃઢ શ્રદ્ધાને એમણે ચરિતાર્થ કરી બતાવી. એનું કારણ એ છે કે તેમને ઈશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા અને માનવમાં પણ શ્રદ્ધા હતી.

તેઓ માનતા કે દરેક હૃદયમાં ઈશ્વર વસે છે અને તે ઈશ્વર દરેક માનવને સતત સાચું શું છે, તે કરવાનું અને ખોટા કે અસત્યથી દૂર રહેવાનું કહેતો રહે છે. જો કોઈપણ માણસ સાંભળવા તૈયાર હોય તો એમનો એટલે કે ઈશ્વરનો ‘ધીરસ્થિર અને સૂક્ષ્મ’ અવાજ સંભળાતો રહેશે. દીર્ઘ સમયના, પ્રશાંત મનના ઈશ્વર સાથેના સાન્નિધ્યથી તેમણે પોતાના જીવનના કેટલાયે મહત્ત્વના નિર્ણયો લીધા. તેઓ પોતાની જાતને ઈશ્વરના હાથનું યંત્ર ગણતા અને ઈશ્વર તેમની પાસે જે કરાવવા ઇચ્છતા હતા તે પ્રમાણે તેઓ કરતા, આવું તેઓ વિચારતા. આને લીધે જ તેઓ જે કંઈપણ કરવા કે કહેવા ઇચ્છતા તેની હિંમત તેમનામાં આવી જતી. એમને એ પણ ખાતરી હતી કે ઘણાને આવું ગમશે નહીં.

તેઓ એવું ચોક્કસપણે અનુભવતા કે તેઓ જે કંઈપણ કરે છે તે ઈશ્વરની જ ઇચ્છા છે એટલે આખી દુનિયા પણ તેની વિરુદ્ધમાં જાય તોપણ તેની તેઓ પરવા ન કરતા. ઘણા લોકો માનતા કે તેઓ ધૂની, અવ્યવહારુ અને ઉતાવળિયા છે, આવું વિચારવા માટે અનેક વખત એમણે બતાવેલાં વલણ, વર્તન પણ કારણભૂત છે. જ્યારે વિરોધ કરવાનું કોઈ કારણ ન હોય ત્યારે તેમણે વિરોધ કર્યો છે એવી જ રીતે જ્યારે બધાને લાગ્યું કે દુશ્મન પર ખાબકવું જોઈએ, એવે વખતે તેઓ દુશ્મનને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા. પરંતુ ગાંધીજી માનતા હતા કે ઈશ્વર તેમને માર્ગદર્શન આપે છે અને એટલે જ લોકો તેમના વિશે શું કહે છે કે વિચારે છે તેની તેઓ પરવા ન કરતા.

તેઓ માનતા કે ઈશ્વરની ઇચ્છા મુજબ જ તેઓ કાર્ય કરે છે એટલે જ, તેઓ જે કરતા તે પૂજા બની જતી. તેઓ હંમેશાં સત્યનો આગ્રહ રાખતા કારણ કે ઈશ્વર અને સત્ય બે સમાનાર્થી શબ્દ છે. તેમણે પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં કહ્યું છે કે તેમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન સત્યની શોધના કરી છે અને સત્યને તેઓ જેવું ને જેટલું સમજ્યા છે એટલું તેને પોતાના દૈનંદિનમાં જીવ્યા છે. જ્યારે તેમણે રાજકીય ચળવળ આરંભી ત્યારે પણ સત્યની સ્થાપના માટેનો એમનો એક પ્રયાસ હતો, કારણ કે ત્યારે જે રાજકીય પરિસ્થિતિ ભારતમાં પ્રવર્તતી હતી તેમાં સત્યને કચડી નાખવામાં આવ્યું છે તેમ તેઓ માનતા હતા. તેમણે બ્રિટિશરો પ્રત્ય કોઈ દુર્વૃત્તિ રાખી ન હતી. છતાં પણ તેઓ બ્રિટિશ શાસનનો અંત લાવવા લડતા રહ્યા. એનું કારણ એ હતું કે એ બ્રિટિશ શાસન એમની દૃષ્ટિએ દુર્વૃત્તિ ભરેલું, અન્યાયી અને અનિષ્ટ હતું. કોઈપણ માણસની વિરુદ્ધનું જે કંઈ હોય તે એમને મન ઈશ્વર વિરોધી હતું. એટલે જ તેઓ પોતાના સમગ્ર જીવનમાં અસ્પૃશ્યતા સામે લડતા રહ્યા. એનું કારણ એ હતું કે તેમણે જોયું કે ઈશ્વરની દૃષ્ટિએ અસ્પૃશ્યતા એ એક પાપ છે. કોઈપણ સ્વરૂપમાં રહેલી માનવીય પીડાને તેઓ એક અનિષ્ટ ગણતા અને એની સામે વિરોધ કરવો એ ન્યાયી ગણતા.

ધર્મભાવનાવાળા માનવ હોવાને લીધે તેમનો વિરોધ કરનાર કોઈને પણ તિરસ્કાર્યા ન હતા. તેમણે બ્રિટિશ શાસનપદ્ધતિનો વિરોધ કર્યો હતો, પણ બ્રિટિશ લોકોનો નહીં. તેઓ એવો દાવો કરતા કે પૂર્વનાં રાજ્યોમાં રહેલા બ્રિટિશ લોકો તેમના ઉત્તમ મિત્રો છે. આમાં કોઈ અત્યુક્તિ નથી. વળી તેઓ પ્રભુના માનવ હતા, એટલે તેમણે ક્યારેય સંદિગ્ધ કે શંકાસ્પદ સાધનોનો ઉપયોગ કર્યો ન હતો. સારાં પરિણામો કે સાધ્ય અનિષ્ટતાભર્યાં સાધનોથી મેળવી ન શકાય, તેમ તેઓ માનતા. લાલચો ગમે તેટલી પ્રબળ હોય તોપણ પોતાનું કોઈપણ કાર્ય સાચાં કારણ માટે ખરાબ સાધનને ક્યારેય નહીં અપનાવે તેનો તેઓ આગ્રહ રાખતા. કોઈપણ કાયદો અન્યાયી છે, એમ એમને જ્યારે લાગતું ત્યારે તેનો તેઓ સવિનય ભંગ કરે તે પહેલાં શાસકોને પૂર્વચેતવણી આપતા. દુશ્મનને અંધારામાં રાખીને કાર્ય કરવું, એ ખોટું છે, ભલે પછી તે ગમે તેટલો દુષ્ટ અને પ્રબળ હોય. એમની દૃષ્ટિએ યોગ્ય પૂર્વસૂચના આપવી જોઈએ અને ત્યાર પછી વિરોધનું કાર્ય કરવું જોઈએ. અલબત્ત, ઘણા લોકો માનતા કે ગાંધીજી પોતાની જાતને જ છેતરે છે, પરંતુ કાર્ય સાચું છે એવા વિચારેલા કાર્યમાંથી તેઓ ક્યારેય ડગતા નહીં. આમ આવી દૃઢતા પોતાના હેતુને વધારે તાકાતવાન બનાવતી.

એમણે જે પદ્ધતિઓ અપનાવી તે કોઈપણ રાષ્ટ્રની સ્વાતંત્ર્ય માટેની લડતના ઇતિહાસમાં સાવ નવી જ હતી. લોકોએ એમ ધાર્યું કે બ્રિટિશ સામ્રાજ્ય સામે લડવામાં એમણે અહિંસક સાધનો અપનાવ્યાં, કારણ કે એમની પાસે લશ્કર અને શસ્ત્રાસ્ત્રો ન હતાં અને એ સિવાય બ્રિટિશરો સામે લડવાનો બીજો કોઈ માર્ગ જ ન હતો. એ પ્રસંગોચિતતાની બાબત હતી. તેઓ જે કંઈ કરતા હતા તેને આવશ્યકતાનું મૂલ્ય બનાવી દેતા હતા. એમની બાબતમાં ધર્મસંકલ્પનાઓમાંથી સ્ફૂરી ઊઠેલી અહિંસા હતી. ઈશ્વર પ્રત્યેના ગહનપ્રેમનું એ પરિણામ હતું. ઈશ્વર પોતે જ પ્રેમ સ્વરૂપ છે અને ઈશ્વરે જ એમના હૃદયને પ્રેમભર્યું બનાવ્યું છેે. તો પછી તેમના હૃદયમાં ઘૃણાને સ્થાન કેવી રીતે હોઈ શકે ? એટલે તેમ કહેવું અસત્ય છે કે તેમને અહિંસાનો ઉપદેશ આપ્યો કારણ કે શસ્ત્રવિહોણા લોકોના નેતા રૂપે બ્રિટિશ લોકો સામે લડવામાં એમની પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો. વાસ્તવિક રીતે ભલે શસ્ત્રો ખરીદવાનાં લોકો પાસે સાધનો હોય તોપણ તેમની પાસે શસ્ત્રોનો ઉપયોગ કરનારા માણસો ન મળત.

એક કાયર માણસ પણ પ્રદર્શિત કરી શકે એવી અહિંસા તેઓ ઇચ્છતા ન હતા અને એના માટે એમણે ચેતવણી પણ આપી હતી. તેઓ એવી સાચી અહિંસા ઝંખતા હતા કે જે એક મર્દ માનવની અહિંસા હોય અને ફટકો કેવી રીતે મારવો તે જાણવા છતાં અને ઇચ્છવા છતાં સ્વેચ્છાચારી કાર્ય નહીં કરે. તેમણે લોકોને કહ્યું હતું કે કાયર બનવું એના કરતાં હિંસક બનવું વધારે સારું છે.

એનો અર્થ એ નથી કે આપણે એવું વિચારવું જોઈએ કે ગાંધીજી એક વિદ્વાન હતા, શ્રદ્ધાળુ અને દર્શનશાસ્ત્રી હતા. તેઓ તો એક સીધાસાદા માનવ હતા અને ઈશ્વરને પ્રાર્થના કરતા કે તેઓ તેમના હાથનું યંત્ર બને. તેમણે બધા સંપ્રદાયો અને રૂઢિવાદોને સન્માન્યા હતા. પણ એમાંના એકેયે એમની શ્રદ્ધેયતા પર દાવો નથી દાખવ્યો. તેમને કોરા સિદ્ધાંતવાદમાં રસ ન હતો, તેઓ બાહ્ય કર્મકાંડના વિધિવિધાનોમાં ન માનતા. એક વખત તેમણે નોંધ કરી છે કે જેમાં જન્મ્યા તે હિંદુ ધર્મને તેઓ માને છે, પણ તે જે હિંદુ ધર્મમાં માનતા હતા, તે બીજા કોઈપણ ધર્મ કરતાં મહાન તત્ત્વોવાળો ધર્મ છે. એ દૃષ્ટિએ એનો અર્થ એ થાય છે કે તે પોતાના ધર્મને કોઈ ચોક્કસ લેબલ આપવા માગતા ન હતા. એનું કારણ એ છે કે આ હિંદુધર્મમાં બીજા બધા ધર્મોનાં તત્ત્વો રહેલાં છે અને કદાચ તેનાથી પણ વધારે. વાસ્તવિક રીતે ધર્મનું સંસ્થાનીકરણ કરવાની તેમણે પરવા કરી ન હતી. કોઈપણ મધ્યસ્થી વિના પ્રભુ સાથેનો સીધો અને પ્રત્યક્ષ અભિગમ તેમને વધારે પસંદ હતો. તેમણે કહ્યું છે, ‘મારો ધર્મ મને સર્જનાર અને મારી વચ્ચેની એકમાત્ર બાબત છે.’ તેઓ ધર્મની એકતામાં ઘણી શ્રદ્ધા ધરાવતા હતા. એક વખત તેમણે કહ્યું હતું, ‘દરેક ધર્મનો આત્મા એક જ છે. પણ તે વિવિધરૂપે રહેલો છે.’ તેમણે એમ પણ કહ્યું છે કે ધર્મો એક જ સ્થળે લઈ જતા વિવિધ માર્ગ સમા છે. ગાંધીજીની દૃષ્ટિએ બધા ધર્મનો સરવાળો અને સારભૂત તત્ત્વ સત્ય અને અહિંસા છે.

તેઓ એટલા વ્યવહારુ હતા કે તેમણે દાર્શનિક શિષ્ટતા વિશે ચિંતા દાખવી ન હતી. તેને બદલે તેઓ ધર્મને જે રીતે સમજ્યા હતા તે રીતે તેને જીવનમાં જીવી બતાવવાનું વધારે પસંદ કર્યું. તેમણે એવો તર્ક કર્યો છે કે જેમ કોઈપણ માનવ ઈશ્વરને બહાર કાઢી શકતો નથી તેવી જ રીતે ધર્મના વિજ્ઞાનને પણ કોઈ બહાર ધકેલી શકતું નથી. એમની દૃષ્ટિએ બે બાબતો સૌથી મહત્ત્વની હતી : નૈતિકતા અને આત્મસંયમ. ધર્મ નૈતિકતા વિહોણો ન હોઈ શકે, તેવી જ રીતે કોઈપણ વ્યક્તિ આત્મસંયમ વિના ધર્મભાવનાવાળો ન બની શકે.

ગાંધીજીએ ધર્મનો ઉપદેશ નથી આપ્યો, પણ એને એમણે જીવી બતાવ્યો છે. એનું કારણ એ છે કે તેમને મન ધર્મ પોતાના જીવન કરતાં પણ વધારે અગત્યનો હતો. તેમણે રાજકીય નેતા રૂપે પોતાનો રોલ અખત્યાર કર્યોે. તેઓ રાજકારણમાં જોડાયા પણ તે ધર્મ વિના નહીં, પરંતુ ધર્મને કારણે જ.

તેઓ પોતાની આત્મકથામાં કહે છે, ‘રાજકારણના ક્ષેત્રમાં કામ કરવામાં મને જે શક્તિ મળે છે તે શક્તિ મેં આધ્યાત્મિક જગતમાં કરેલા પ્રયોગોમાંથી મેળવી છે.’ ધર્મે એમને માનવને ચાહતાં શીખવ્યું છેે, અને આ માનવ એટલે ઈશ્વરનું સર્વોત્કૃષ્ટ સર્જન. એટલે જ કરોડો ભારતવાસીઓને રાજકીય બંધનથી પીડાતા જોઈને તેઓ પોતાની જાતને શાંત ન રાખી શક્યા. જેમ પોતાના દેશવાસીઓ કોઈ બીજા લોકોને ગુલામીમાં જકડી રાખતા હોત અને તેમની સામે તેઓ લડ્યા હોત એવી જ રીતે તેઓ બ્રિટિશરો વિરુદ્ધ લડ્યા. આના સંદર્ભમાં પાકિસ્તાનને પોતાના હક્કની રકમ પર ઠંડું વલણ અપનાવવા માટે તેના વિરુદ્ધમાં ઉપવાસ કર્યા, તે વાતને યાદ કરવી રહી. એમના આ કાર્યે એમના નિકટના મિત્રોને અને સંલગ્ન બધાને મૂંઝવણમાં મૂકી દીધા તેમજ પોતાના ઘણા દેશવાસીઓને ક્રોધિત કરી મૂક્યા. પરંતુ એમણે આ બાબતમાં જરાય મચક ન આપી, કારણ કે તેમને એમ લાગ્યું હતું કે એ નાણાં રોકી રાખવાનો ભારતને કોઈ અધિકાર ન હતો.

આમ પોતાના સમગ્ર જીવન દરમિયાન માનવપ્રજાના કોઈપણ સમુદાયમાં જ્યારે ખોટું થતું જોયું ત્યારે તેમણે તેની વિરુદ્ધમાં લડત ચલાવી હતી. આ જ એમની સત્ય-શોધનાનો માર્ગ હતો. એમને મન સત્ય એટલે ઈશ્વર જ હતા. તેમણે પોતાની જીવનકથાને ‘સત્યના પ્રયોગો’ એવું નામ આપ્યું હતું. કારણ કે તેઓ સત્યની શોધના કરતા હતા. એમણે પોતાના સમગ્ર જીવનમાં પોતાની રીતે સમસ્યાઓનો સામનો કર્યો. તેઓ જે રીતે સત્યને સમજ્યા તે રીતે તેમણે સત્યને જાણવા અને તેને સેવવા બધું કર્યું છે. ખરેખર તેઓ મહાન પ્રયોગવીર હતા.

Total Views: 330

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.