કાર્ય ભલે કરો, મગજનું તંત્ર ભલે કાર્યશીલ બને, સતત કાર્ય ભલે થાય, પણ એકે તરંગને તમારા મનને જીતવા ન દો. આ જગતમાં તમે અજાણ્યા હો, પ્રવાસી હો, એવી રીતે કાર્ય કરો; સતત રીતે કાર્ય કરો, પણ તમે બંધાઓ નહીં; બંધન ભયંકર છે. આ જગત એ આપણું નિવાસસ્થાન નથી. જે અનેક ભૂમિકાઓમાંથી પસાર થવાનું છે તેમાંની એ તો એક ભૂમિકા છે. સાંખ્યનો પેલો મહાન ઉપદેશ યાદ રાખો : ‘સમગ્ર પ્રકૃતિ આત્મા માટે છે, આત્મા પ્રકૃતિ માટે નથી.’ આત્માના શિક્ષણ માટે જ માત્ર પ્રકૃતિનું અસ્તિત્વ છે. એના અસ્તિત્વનો બીજો કોઈ અર્થ નથી. આત્માને જ્ઞાન હોવું આવશ્યક છે, અને જ્ઞાન વડે જ મુક્તિ મેળવી શકાય છે. માટે પ્રકૃતિનું અસ્તિત્વ છે આટલું આપણે જો હંમેશાં યાદ રાખીએ તો પ્રકૃતિ સાથે કદી આસક્ત ન થઈએ. આપણે જાણીએ કે પ્રકૃતિ તો એક પુસ્તક છે જેમાંથી આપણે વાંચવાનું છે, અને જ્યારે એમાંથી જરૂરી જ્ઞાન આપણને મળી જાય, ત્યારે એ પુસ્તક નકામું બને છે…

આ સર્વ શિક્ષાનું સારતત્ત્વ એ છે કે તમે સ્વામીની જેમ કાર્ય કરો, ગુલામની જેમ નહીં. દરેક જણ કાંઈક કરે જ છે તે તમે ક્યાં નથી જોતા? કોઈ પણ સાવ આરામમાં રહી ન શકે; માનવ જાતના નવાણું ટકા ગુલામની પેઠે કામ કરે છે; અને આ કામનું પરિણામ દુ:ખ છે. આ સર્વ સ્વાર્થવૃત્તિથી કરાયેલું કામ છે. સ્વતંત્રતાથી કાર્ય કરો! પ્રેમ દ્વારા કાર્ય કરો! ‘પ્રેમ’ શબ્દ સમજવો બહુ મુશ્કેલ છે; જ્યાં સુધી સ્વતંત્રતા ન આવે ત્યાં સુધી પ્રેમ ન જ આવે. ગુલામમાં શુદ્ધ પ્રેમ ન જ સંભવે. ગુલામને ખરીદો, તેને સાંકળે બાંધો, અને તમારે માટે એની પાસે કામ કરાવો; એ વેઠિયાની પેઠે કામ કરશે, પણ એનામાં તમારે માટે પ્રેમ નહીં હોય. એ રીતે ગુલામની જેમ જો જગતની વસ્તુઓ માટે આપણે કામ કરીએ તો આપણામાં પ્રેમ ન જ સંભવે. આ દૃષ્ટિએ આપણું કામ સાચું નથી. સગાંઓ અને મિત્રો માટે કરેલાં કામો પણ સાચાં નથી, અને આપણા પોતા માટે કરેલાં કામો પણ સાચાં નથી. સ્વાર્થવૃત્તિથી કરેલું કાર્ય ગુલામના કાર્ય જેવું છે; અને એની કસોટી નીચે પ્રમાણે છે. પ્રેમથી કરેલાં દરેક કાર્યને પરિણામે સુખ થાય છે; પ્રેમથી કરેલું એવું એકે કાર્ય નથી, જેનું પરિણામ સુખ અને શાંતિમાં ન આવે. સાચું અસ્તિત્વ, સાચું જ્ઞાન અને સાચો પ્રેમ, આ ત્રણેય એકબીજા સાથે સનાતન રીતે સંકાળાયેલા છે, જ્યાં આમાંનું એક હોય ત્યાં બીજાં પણ હોવાં જોઈએ. આના ત્રણ પ્રકાર છે : સત્‌, ચિત્‌ અને આનંદ. જ્યારે આ સત્‌ સાપેક્ષ બને છે ત્યારે આપણે તેને જગત તરીકે ઓળખીએ છીએ; ચિત્‌ એ રીતે જરા બદલાઈને જગતમાંની વસ્તુઓ વિશેનું જ્ઞાન બને છે; અને આનંદ માનવહૃદયને જ્ઞાત એવા શુદ્ધ પ્રેમનો પાયો બને છે. તેથી શુદ્ધ પ્રેમનો પ્રત્યાઘાત પ્રેમી કે પ્રેમિકાને પીડા કરવામાં ન પરિણમે. દાખલા તરીકે એક પુરુષ છે, તે એક સ્ત્રીને ચાહે છે; એ પેલી સ્ત્રીને પોતાથી જરાય અળગી કરવા માગતો નથી. એ એની દરેક હિલચાલને અતિશય અદેખાઈથી જુએ છે; એ એની પાસે બેસે એમ ઇચ્છે છે, એની પાસે ઊભી રહે એમ ઇચ્છે છે, અને તેની આજ્ઞા પ્રમાણે ખાય, પીએ અને હરેફરે એમ ઇચ્છે છે. આ પુરુષ પેલી સ્ત્રીનો ગુલામ છે; અને પેલી સ્ત્રીને પોતાની ગુલામ બનાવવા માગે છે. એ પ્રેમ નથી, એ ગુલામનો માંદલો અનુરાગ છે જેને એ પ્રેમ તરીકે ઓળખવા ચાહે છે. પણ એ પ્રેમ નથી. કેમકે એ દુ:ખદાયક છે. જો પેલી સ્ત્રી પુરુષ કહે તેમ ન કરે તો પુરુષને દુ:ખ થાય છે. પ્રેમ હોય ત્યાં દુ:ખ ન હોય, પ્રેમનું પરિણામ સુખમાં જ આવે. જો પ્રેમથી દુ:ખ નીપજતું હોય તો એ પ્રેમ નથી; પણ કોઈ ભળતી વાતને જ પ્રેમ તરીકે માનવાની આપણે ભૂલ કરીએ છીએ. જ્યારે તમે તમારા પતિને, તમારી પત્નીને, તમારાં બાળકોને, સમગ્ર જગતને, વિશ્વને, દુ:ખદાયક અસરો ન થાય એવી રીતે, ઇર્ષ્યા ન ઉદ્‌ભવે એવી રીતે, સ્વાર્થી વિચાર ન આવે એવી રીતે, પ્રેમ કરવામાં સફળ નીવડો ત્યારે તમે ‘અનાસક્ત’ હોવાની યોગ્ય ભૂમિકામાં આવો છો.

(કર્મયોગ, પૃ.૨૯-૩૦)

Total Views: 24

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.