ચૈતન્ય તરીકે શ્રીરામકૃષ્ણ

હરિસભાના એક કાર્યક્રમમાં ઠાકુરે હાજરી આપી હતી અને ત્યાં જે બન્યું હતું તેનું વર્ણન સ્વામી શારદાનંદે કર્યું છે : હરિસભાના સભ્યો પોતાની જાતને શ્રીચૈતન્યના અઠંગ અનુયાયીઓ માનતા હતા. આની સદા યાદ અપાવવા માટે, એ લોકો વેદી પર એક ખાલી આસન રાખતા અને શ્રીચૈતન્ય ત્યાં આરૂઢ છે એમ માનતા. એને તેઓ શ્રીચૈતન્યનું આસન કહેતા અને, પોતાનાં પૂજા, વાચન અને અન્ય ધાર્મિક કાર્યો એની સમક્ષ તેઓ કરતા. સૌ એને આદરપૂર્વક પ્રણમતા અને કોઈનેય એની પર બેસવા દેતા નહીં. આ દિવસે પણ બીજા દહાડાઓની જેમ જ, પુષ્પો અને ફૂલહારોથી સુશોભિત એ આસન પાસે જ વાચન ચાલું થયું. પાઠક શ્રીચૈતન્યને જ હરિગુણ સંભળાવતો હોય એવા આદરપૂર્વક પાઠ કરી રહ્યો હતો અને, પ્રભુના શબ્દો શ્રીચૈતન્યની દિવ્ય હાજરીમાં જ પોતે સાંભળી રહ્યા છે એમ માની ભક્તો ઉત્સાહપૂર્વક રસપાન કહી રહ્યા હતા. ઠાકુરના આગમનથી પાઠકનાં અને શ્રોતાઓનાં આનંદ અને ભક્તિમાં સોગણી વૃદ્ધિ આવી હતી.

ભાગવતના અમૃતસમા બોલ સાંભળીને ઠાકુરમાં ભાવની ભરતી ચડી આવી અને, અચાનક, તેઓ ચૈતન્યના આસન તરફ ધસ્યા. તેઓ તે આસન પર જઈ ઊભા અને એવી તો ઊંડી સમાધિમાં સરી પડ્યા કે એમનામાં ચેતનાનો અંશ પણ દેખાતો ન હતો. ઠાકુરનું અદ્‌ભુત અને પ્રસન્ન હાસ્ય, જ્યોતિર્મય મુખમંડળ અને ચૈતન્યનાં સામાન્ય ચિત્રોમાં જોવા મળે છે તેમ, આંગળીઓ સાથે ઊંચો કરેલો હાથ જોઈને કેટલાક મુખ્ય ભક્તોને લાગ્યું કે ભાવમુખે ઠાકુર ચૈતન્ય સાથે એકરૂપ થઈ ગયા છે. સ્થળ, કાલ અને સંજોગોનો ભેદ હોવા છતાં, ઠાકુરે એ ભેદને લક્ષમાં ન લીધો અને તેઓ ભાવમુખની કક્ષાએ ચડી ગયા. પેલા પાઠકે વાચન થંભાવી દીધું અને અચરજથી ઠાકુર તરફ જોવા લાગ્યો. શ્રોતાવર્ગનો મોટો ભાગ ઠાકુરની ભાવદશાને સમજી શક્યો નહીં તે છતાં, અકથ્ય આદર અને આશ્ચર્યથી એ સૌ અભિભૂત થઈ ગયા અને શાંત રહ્યા. શ્રીઠાકુરના પક્ષમાં કે વિરુદ્ધ કોઈ કશું બોલી શક્યું નહીં. એ સૌ અવર્ણનીય આનંદ અનુભવવા લાગ્યા. ઠાકુરના પ્રબળ આધ્યાત્મિક પ્રવાહ હેઠળ કોઈ અજાણ આનંદ સાથે એ સૌ ખેંચાઈ ગયા હોય એમ લાગતું હતું. આ અલૌકિક ઘટનાથી એ સૌ પહેલાં તો આભા બની ગયા પણ પછી, મોટે અવાજે, એક સ્વરે બધા ‘હરિ બોલ’ પોકારી ઊઠ્યા અને કીર્તન કરવા લાગ્યા.

આ બાબત મોઢામોઢ વૈષ્ણવ જ્ઞાતિઓમાં ફેલાઈ અને એ કોમના ધર્મગુરુ ભગવાનદાસ બાબાજીના કાન પર એ પડી. તેઓ એટલા તો ગુસ્સે થઈ ગયા કે આકરા શબ્દોમાં ઠાકુરને ઉતારી પાડ્યા અને એમને દંભી કહેવા લાગ્યા.થોડા દિવસો પછી, બાબાજી રહેતા હતા તે કાલના ગામે સામે ચાલીને ઠાકુર હૃદય અને મથુર સાથે ગયા.

હૃદયને સાથે લઈને ઠાકુર ભગવાનદાસ બાબાજીને મળવા ગયા. પોતે બહાર ઊભા રહ્યા અને ‘હું તમને મળવા આવ્યો છું’ એ સંદેશો તેમણે હૃદય સાથે બાબાજીને મોકલાવ્યો. એ દરમિયાનમાં કોઈ વૈષ્ણવ સાધુ સામે બાબાજી કંઈ શિક્ષાનું પગલું લેતા હતા ત્યારે, ઠાકુર ત્યાં આવ્યા. બાબાજીએ કહ્યું કે : ‘એની જપમાળા આંચકી લો અને એને વૈષ્ણવ સમાજની બહાર મૂકો.’ પછી જે બન્યું તેનું વર્ણન સ્વામી શારદાનંદે કર્યું છે :

વિવેકી અને નમ્ર્ર અતિથિની જેમ ઠાકુર શાંત બેસી શક્યા નહીં. ઊભા થઈ તેઓ બોલી ઊઠ્યા : ‘હજી પણ તમારી જાતને એવી જ માનો છો? તમે લોકોને બોધ આપો છો એમ તમે માનો છો? આ માણસને તમે તમારા સમાજ બહાર કરશો એમ તમે માનો છો? માળા કરવી કે નહીં એનો નિર્ણય તમે કરી શકો છો એમ તમે માનો છો? તમને કોણે આચાર્ય બનાવ્યા છે? તમારું સર્જન કરનાર ઈશ્વર તમને સત્તા ન આપે તે છતાં તમે જગતને બોધ દઈ શકો એમ તમે માનો છો?’ ઠાકુરને ખભેથી તથા એમની કેડ પરથી વસ્ત્ર નીચે પડી ગયું હતું. એમનો ચહેરો અદ્‌ભુત દીપ્તિમય હતો. એવા તો ઊંડા ભાવમાં તેઓ હતા કે, પોતે શું અને કોને કહી રહ્યા છે તેનું એમને ભાન ન હતું. આ બોલ બોલ્યા પછી તેઓ ભાવમાં આવી ગયા અને સમાધિમાં સરી પડ્યા.

ઠાકુરને પ્રણામ કરીને બાબાજી બોલ્યા કે : ‘આપની કૃપાથી હું જોઈ શકું છું કે આપ ચૈતન્ય મહાપ્રભુ છો. એટલે, ચૈતન્યને આસને આપ બેઠા હતા તેમાં કશી નવાઈ નથી. આપના આગમન સાથે મને દિવ્ય સુગંધનો અનુભવ થયો અને મેં મારા ભક્તોને કહ્યું હતું કે, કોઈ દિવ્ય વ્યક્તિ આજે અહીં પધારી છે.’

નવદ્વીપની યાત્રા વેળા ઠાકુરને શ્રીચૈતન્યનું દર્શન થયું હતું. સ્વામી શારદાનંદે લખ્યું છે :

શ્રીચૈતન્યના અવતાર હોવા વિશે અમારામાંના ઘણાને શંકા હતી; કેટલાક તો વળી માનતા હતા કે વૈષ્ણવ શબ્દ પણ ‘નીચલા વર્ગનો’ સૂચક છે. આ શંકાના નિરસન માટે અમે ઠાકુરને પૂછ્યું. તેઓ બોલ્યા: ‘પહેલાં હું પણ એમ જ માનતો હતો. ભાગવતમાં કે બીજાં પુરાણોમાં ચૈતન્યનો ઉલ્લેખ નથી તો, તેઓ અવતાર શી રીતે હોઈ શકે? મુંડિયા વૈષ્ણવોએ એમને અવતારપદે બેસાડી દીધા છે એમ વિચારતો. ગમે તેમ પણ તેઓ અવતાર છે, હું એ માનતો ન હતો. પછી મથુર સાથે હું નવદ્વીપ ગયો. ચૈતન્ય અવતાર હશે તો એમના પ્રાગટ્યની કશી નિશાની હશે અને હું એને જાણી શકીશ એમ મેં વિચાર્યું. એમના દિવ્ય પ્રાગટ્યને જોવા હું બધે ફર્યો, મોટા ગોસાઈને અને નાના ગોસાઈને ઘેર ગયો પણ, કશું સાંપડ્યું નહીં.

‘હાથ ઊંચા કરીને ઊભેલા ચૈતન્યની કાષ્ઠ પ્રતિમાઓ બધે જોવા મળી. હું નાસીપાસ થઈ ગયો અને અહીં શા માટે આવ્યો છું તેમ વિચારવા લાગ્યો. પાછો આવવા માટે નાવમાં બેઠો ત્યારે અદ્‌ભુત-સુંદર બે છોકરાઓનું દર્શન મને થયું. આવું રૂપ મેં અગાઉ જોયું જ ન હતું. એમની કાંતિ ઉકળતા સુવર્ણ જેવી હતી અને એમનાં મુખમંડલ ફરતી આભાઓ હતી. હાથ ઊંચા રાખીને, હસતાં હસતાં તેઓ મારી તરફ ધસ્યા. હું તરત જ પોકારી ઊઠ્યો : ‘આ અહીં આવી રહ્યા છે! આ અહીં આવે છે.’ ‘હું આ બોલ બોલ્યો તેવા જ તેઓ પાસે આવી ગયા અને (પોતાનો દેહ ચીંધી) આમાં પ્રવેશી ગયા અને હું બેહોશ થઈને ઢળી પડ્યો. હું તો પાણીમાં પડ્યો હોત પણ, હૃદય પાસે જ હતો અને એણે મને ઝાલી રાખ્યો. આમ આવી અનેક બાબતો મને જોવામાં આવી અને મને ખાતરી થઈ કે, ચૈતન્ય ખરે જ અવતાર હતા, દિવ્ય શક્તિનું પ્રાકટ્ય હતા.’

ઠાકુરની ભત્રીજી લક્ષ્મીએ નીચેની વાત કરી છે : ‘કામારપુકુરમાં ચિનુ શાંખારી અમારો પડોશી હતો. એ ઠાકુરનો નિકટનો મિત્ર હતો. એ પાકો વૈષ્ણવ હતો. સાધના કરીને એણે કેટલીક શક્તિઓ મેળવી હતી. ચિનુ કોઈવાર ઠાકુરને ભેટીને કહેતો કે, ‘ગદાઈ, તને હું જ્યારે જ્યારે જોઉં છું ત્યારે ત્યારે, તું ગૌરાંગ હોય એમ મને લાગે છે.’

ભૈરવી બ્રાહ્મણીને ઠાકુરમાં મહાભાવનું દર્શન થયું હતું અને ઠાકુરે પોતાના દિવ્ય અનુભવોનું વર્ણન તેને કર્યું હતું. ભૈરવીને ખાતરી થઈ કે, આ કાળે, રામકૃષ્ણ રૂપે ચૈતન્ય પુન: પધાર્યા છે. સ્વામી શારદાનંદે લખ્યું છે:

પોતાની સાધનામાં પહેલાં ચાર વર્ષને અંતે, ઠાકુર કામારપુકુર હતા ત્યારે એમને અદ્‌ભુત દર્શન થયું હતું. કામારપુકુરથી પાલખીમાં બેસીને એક દિવસ ઠાકુર હૃદયને ગામ શિહડ જઈ રહ્યા હતા. આ પ્રવાસ દરમિયાન નીલ ગગન નીચેનાં વિશાળ લીલાં ખેતરો, રસ્તે છાંયો પાથરતાં ઘટાટોપ વટવૃક્ષો, સુંદર, સુગંધી પુષ્પોથી શોભતી વેલો જોઈને અને, પંખીઓનાં સુરીલાં ગાન સાંભળીને ઠાકુર આનંદ પામતા હતા. અચાનક એમના દેહમાંથી બે તરુણો પ્રગટ થયા. જંગલી પુષ્પોની શોધમાં તેઓ ખેતરોમાં દૂર સુધી ઘૂમવા લાગ્યા; તેઓ હસતા હતા; ગમન કરતા હતા અને આનંદથી વાતો કરતા હતા. આમ ક્યાંય સુધી તેઓ આનંદપૂર્વક ચાલતા રહ્યા અને પછી ઠાકુરના શરીરમાં પુન: પ્રવેશી ગયા.

(ક્રમશ:)

Total Views: 38

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.