हन्त त इदं प्रवक्ष्यामि गुह्यं ब्रह्म सनातनम् ।
यथा च मरणं प्राप्य आत्मा भवति गौतम ॥ ६ ॥

गौतम, હે ગૌતમ; हन्त, હવે; , તને; इदम्‌ गुह्यं ब्रह्म सनातनम्, સનાતન બ્રહ્મના રહસ્ય વિષેનો આ વિષય; मरणं प्राप्य, મૃત્યુ પછી; आत्मा यथा च भवति, આત્માનું શું થાય છે, તે પણ; प्रवक्ष्यामि, કહીશ, સમજાવીશ.

હે ગૌતમ, સનાતન બ્રહ્મના રહસ્ય વિષે તથા મૃત્યુ પછી આત્માનું શું થાય છે, તે વિષય પણ હું તને સમજાવીશ.

હવે યમ (મૃત્યુ) નચિકેતાને બે વસ્તુ સમજાવે છે: (૧) બ્રહ્મનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે અને (૨) વ્યક્તિના મૃત્યુ પછી આત્માનું શું થાય છે.

બ્રહ્મની આસપાસ રહસ્ય ગૂંથાયેલું છે અને ઘણા લોકોને તેના વિષે ખ્યાલ હોતો નથી. માત્ર થોડાક જ પ્રબુદ્ધ લોકો તેને સમજી શકે છે. આથી જ તેનું વર્ણન ‘રહસ્ય’ તરીકે કરવામાં આવ્યું છે. પણ લોકો તેના વિષે જાણે કે નહીં, બ્રહ્મ સનાતન છે.

योनिमन्ये प्रपद्यन्ते शरीरत्वाय देहिनः ।
स्थाणुमन्येऽनुसंयन्ति यथाकर्म यथाश्रुतम् ॥ ७ ॥

अन्ये देहिनः, કેટલાક જીવો; यथाकर्मद्यथाश्रुतम्‌, તેમનાં કર્મ અને જ્ઞાનને આધારે; शरीरत्वाय, ફરીથી શરીર મેળવવા માટે; योनिम्‌ प्रपद्यन्ते, જન્મની પ્રક્રિયામાંથી પસાર થાય છે; अन्ये, બીજા જીવો; स्थाणुम्‌ अनुसंयन्ति, (વૃક્ષ જેવા) અચલ બની રહે છે.

પોતાનાં કર્મ અને જ્ઞાન ઉપર આધાર રાખીને કેટલાક જીવો પુનર્જન્મના ફેરામાંથી પસાર થઈને ફરીથી શરીર મેળવે છે. પણ કેટલાક કિસ્સામાં શરીર (વૃક્ષ જેવું) અચલ બની રહે છે.

 य एष सुप्तेषु जागर्ति कामं कामं पुरुषो निर्मिमाणः।
तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते।
तस्मिंल्लोकाः श्रिताः सर्वे तदु नात्येति कश्चन । एतद्‌ वै तत् ॥ ८ ॥

(જ્યારે બધા જીવો); सुप्तेषु, ઊંઘમાં હોય છે; य: एष: पुरुष:, ત્યારે આ જીવ; कामं कामं निर्मिमाणः, ઇચ્છાઓની શૃંખલાને (તેમના પદાર્થો સાથે) ઉત્પન્ન કરતા રહે છે; जागर्ति, (અને)(સતત) જાગતો રહે છે; तत्‌ एव शुक्रम्‌, તે વિશુદ્ધ છે (અર્થાત્‌ કોઈપણ પ્રકારની ઉપાધિ વગરનો); तत्‌ ब्रह्म, તે બ્રહ્મ છે; तत्‌ एव अमृतं उच्यते, તેનું વર્ણન અમૃત તરીકે કરવામાં આવે છે; सर्वे लोका: तस्मिन्‌ श्रिता:, બધા લોક તેના આધારે રહેલા છે; कश्चन तत्‌ उ न अत्येति, તેનાથી કોઈ ચડિયાતું હોઈ શકે નહીં; एतद्‌ वै तत्, ખરેખર આ તે (આત્મા) છે (જેના વિષે નચિકેતા પૂછી રહ્યો હતો.)

જ્યારે બધાં પ્રાણીઓ સૂતાં હોય છે, ત્યારે એક પ્રાણી જાગતું રહે છે અને તે એક પછી બીજી ઇચ્છાને (તેમના પદાર્થો સાથે) ઉત્પન્ન કર્યે જાય છે. આ પ્રાણી (આત્મા) શુદ્ધ છે, તે બ્રહ્મ છે. તેનો ઉલ્લેખ અમર તરીકે કરવામાં આવે છે. તે બધા લોકોનો આધાર છે. તેનાથી કોઈ ચડિયાતું બની શકતું નથી. (નચિકેતા જેના વિષે પૂછી રહ્યો હતો) તે આ ખરેખરો આત્મા છે.

બ્રહ્મ શું છે, તે સમજાવવાની શરૂઆત યમ હવે કરે છે. તેમણે નચિકેતાને વચન આપ્યું હતું કે તેઓ પોતે મરણ પછી જીવનું શું થાય છે, તે પણ કહેશે. બન્ને પ્રશ્નો અઘરા છે, પરંતુ પહેલો વધારે અઘરો છે. આ જ કારણે યમ બીજા પ્રશ્ન વિષે લાંબા સમયથી ચર્ચા કરી રહ્યા છે. હવે તેઓ પ્રથમ પ્રશ્ન તરફ વળે છે.

સામાન્ય અનુભવ છે કે આપણે જ્યારે સૂતા હોઈએ છીએ ત્યારે આપણને બધા પ્રકારનાં અર્થહીન સ્વપ્નો આવતાં હોય છે. દા.ત. આપણને સ્વપ્ન આવે છે કે વાઘ આપણી પાછળ પડ્યો છે અને આપણે બની શકે તેટલી ઝડપથી દોડી રહ્યા છીએ. શું આ અનુભવ મિથ્યા નથી? આપણે પથારીમાં પડ્યા હોઈએ ત્યારે આપણે કઈ રીતે દોડતા હોઈ શકીએ? અને આપણા રૂમમાં વાઘ ક્યાંથી હોઈ શકે? આ બધો મનનો પ્રપંચ છે. આ હકીકત બતાવી આપે છે કે મન શરીરથી સ્વતંત્ર રીતે કામ કરી શકે છે. પણ કેટલીક વાર આપણી ઊંઘ સ્વપ્ન વિનાની પણ હોય છે. મનને શું થાય છે, તેની આપણને ખબર પડતી નથી, પણ દેખીતું છે કે તે વખતે મન વિશ્રામ લઈ રહ્યું હોય છે. અને આ વાત બતાવે છે કે શરીર-મનના સંધાત ટકાવી રાખે તેવી તેના પર એવી કોઈક વસ્તુ છે. આ કોઈક વસ્તુ એ આત્મા છે. તે હંમેશાં જાગ્રત હોય છે અને અવિદ્યા સાથે જોડાઈને શરીર તથા મનને સાથે ધારણ કરી રાખે છે અને પોતાની ઇચ્છા પ્રમાણે તેમની પાસે કામ કરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો શરીર અને મન આ આત્માનાં ઉપકરણો (કે સાધનો) છે.

આ આત્મા એ પોતાની પ્રાકૃતિક સ્થિતિમાં વૈશ્વિક આત્મા બ્રહ્મ છે.

अग्निर्यथैको भुवनं प्रविष्टो रूपं रूपं प्रतिरूपो बभूव ।
एकस्तथा सर्वभूतान्तरात्मा रूपं रूपं प्रतिरूपो बहिश्च ॥ ९ ॥

यथा, જે રીતે; एक: अग्नि:, એકનો એક અગ્નિ; भुवनं प्रविष्ट જગતમાં દાખલ થઈને, ઉપસ્થિત રહીને; रूपम्‌ रूपम्‌ प्रतिरूप: बभूव, જુદાં જુદાં તેનાં સ્વરૂપોને ધારણ કરે છે (જ્વલશીલ જે પદાર્થોમાં તે પ્રવેશે છે, તેના પર આધાર રાખીને); अन्त: आत्मा, બધાં પ્રાણીઓમાં અંતરાત્મારૂપે; रूपम्‌ रूपम्‌ प्रतिरूप:, જુદાં જુદાં સ્વરૂપોમાં જોવામાં આવે છે (જેમાં જેમાં તેને જોવામાં આવે છે, તેના તેના સ્વરૂપ ઉપર તેનો આધાર રહે છે); वहि: च, અને બહાર પણ (તે ઉપસ્થિત હોય છે.)

જગતમાં દાખલ થઈને જે રીતે એકનો એક અગ્નિ (જે જે જ્વલનશીલ પદાર્થમાં તેને જોવામાં આવે છે, તેના તેના સ્વરૂપમાં દેખાય છે), તે જ રીતે એકનો એક અંતરાત્મા બધાં પ્રાણીઓમાં હોય છે અને તેમની બહાર પણ હોય છે.

બધાં પ્રાણીઓમાં એક જ આત્મા હોય છે, પરંતુ પ્રાણીઓ ઘણાં બધાં હોય છે અને તેમનાં સ્વરૂપો જુદાં જુદાં હોય છે. અજ્ઞાનને લીધે આપણે દરેક પ્રાણીને અલગ આત્મા તરીકે જોઈએ છીએ. આ ભૂલ છે. ઉપનિષદ્‌ કહે છે તે રીતે એકનો એક અગ્નિ હોય છે, પણ જે જે પદાર્થમાં તેને જોવામાં આવે છે, તે જ અગ્નિ તે તે પદાર્થના સ્વરૂપમાં જોવામાં આવે છે.

અગ્નિને પોતાનું કોઈ વિશેષ સ્વરૂપ હોતું નથી, તે જે પદાર્થને પ્રજ્વલિત કરે છે, તે પદાર્થના સ્વરૂપને તે ધારણ કરી લે છે. તે જ રીતે આત્માને પોતાનું કોઈ વિશેષ સ્વરૂપ હોતું નથી. તે છતાં જે જે જીવંત પ્રાણી કે પદાર્થમાં તે દાખલ થાય છે, તેના સ્વરૂપનો તે દેખાય છે. આ આત્મા અવકાશ જેવો છે – સર્વત્ર, સર્વમાં અને સદાય સ્વરૂપ વિનાનો. અને અવકાશની જેમ આત્મા દરેક વસ્તુની અંદર અને બહાર બન્ને ઠેકાણે છે. તે સર્વવ્યાપી છે.

वायुर्यथैको भुवनं प्रविष्टो रूपं रूपं प्रतिरूपो बभूव ।
एकस्तथा सर्वभूतान्तरात्मा रूपं रूपं प्रतिरूपो बहिश्च ॥ १० ॥

यथा, જે રીતે; एक: वायु:, એક જ વાયુએ; भुवनं प्रविष्ट જગતમાં પ્રવેશીને (જીવનપ્રદ વાયુ તરીકે) ઉપસ્થિત રહીને; रूपम्‌ रूपम्‌ प्रतिरूप: बभूव, ઘણાં રૂપો ધારણ કર્યાં છે; तथा, તે જ રીતે; एक: सर्व-भूत- अन्त:-आत्मा, બધાં પ્રાણીઓમાં એક અંતરાત્મા (તરીકે); रूपम्‌ रूपम्‌ प्रतिरूप: बभूव, તે જેમાં રહે છે, તેનું દરેક પ્રાણીનું સ્વરૂપ ધારણ કરે છે; वहि: च, તેમાંના દરેકમાં બહાર પણ તે હોય છે જ.

જગતમાં એક જ વાયુ દરેક પ્રાણીમાં જીવનપ્રદ પ્રાણ તરીકે ઉપસ્થિત હોય છે. તે જ રીતે, એક જ આત્મા બધાં પ્રાણીઓમાં જુદાં જુદાં તેનાં તેનાં સ્વરૂપો ધારણ કરીને રહે છે અને તેની બહાર પણ રહે છે.

આત્મા નિરાકાર છે. જો કે તે જુદાં જુદાં સ્વરૂપો ધારણ કરે છે, પરંતુ આ સ્વરૂપો તેના પર અસર કરતાં નથી, કેમકે તેઓ માત્ર ભ્રાંતિથી માની લીધેલાં હોય છે. નચિકેતા જેના વિષે પૂછી રહ્યો છે, તે આ આત્મા છે.

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.