શુભ અને અશુભ એ કેવળ માત્રાનો પ્રશ્ન છે, અભિવ્યક્તિ વધારે છે કે ઓછી છે. આપણાં પોતાનાં જ જીવનનો દાખલો લો. આપણા બચપણમાં એવી કેટલીયે ચીજો જોઈએ છીએ કે જેને આપણે સારી માનીએ છીએ પણ તે ખરેખર ખરાબ હોય છે; અને કેટલીયે એવી ચીજો જોઈએ છીએ કે જે ખરાબ જણાય છે પણ ખરીરીતે સારી હોય છે. વિચારોનું કેવું પરિવર્તન થાય છે! વિચાર કેવો ઊંચે ને ઊંચે જાય છે! જેને આપણે એક વખત ઘણું સારું લેખતા હતા તેને હવે આપણે તેટલું સારું લેખતા નથી. આમ સારું અને ખરાબ બંને માત્ર વહેમો છે, તેમનું અસ્તિત્વ નથી. તફાવત કેવળ માત્રાનો છે. આ સઘળી આત્માની જ અભિવ્યક્તિ છે; તે જ બધાંમાં પ્રગટ થાય છે. માત્ર જ્યારે તેનું આવરણ વધારે ઘેરું થાય છે ત્યારે તેને આપણે અશુભ કહીએ છીએ. જ્યારે તે વધારે પાતળું હોય છે ત્યારે તેને શુભ કહીએ છીએ. (૫.૧૩૫)

નિરપવાદપણે બધાં જ નીતિશાસ્ત્રોમાં એક મોટી ખામી એ છે કે મનુષ્ય જેના વડે પાપ કરતાં અટકે તેવા ઉપાયો વિશે શીખવવામાં આવતું નથી. બધાં નીતિશાસ્ત્રો એમ શીખવે છે કે, ‘ચોરી કરશો નહીં!’ ઘણી સારી વાત છે. પરંતુ માણસ ચોરી કરે છે શા માટે? કારણ કે ચોરી, લૂંટફાટ અને બીજાં બધાં ખોટાં કર્મો સામાન્યપણે સાહજિક થઈ ગયાં છે. રીઢા લૂંટારા, ચોર, મિથ્યાવાદી, અન્યાયી સ્ત્રી કે પુરુષ, પોતાની ઇચ્છા ન હોવા છતાં તેવાં હોય છે. ખરેખર માનસશાસ્ત્રનો આ એક બહુ મોટો કોયડો છે. મનુષ્ય તરફ આપણે ખૂબ જ ઉદાર દૃષ્ટિથી જોવું જોઈએ. સારા થવું એટલું બધું સહેલું નથી. જ્યાં સુધી તમે મુક્ત ન બનો ત્યાં સુધી તમે કેવળ એક યંત્ર કરતાં વિશેષ શું છો? તમો સારા માણસ છો માટે શું તમારે એ માટે અભિમાન લેવું જોઈએ? જરાય નહીં. તમે સારા માણસ છો તેનું કારણ એ છે કે તેવા થવા સિવાય તમારે છૂટકો નથી. બીજા માણસ ખરાબ છે કારણ કે તે તેમ કરતો અટકી શકે તેમ નથી. તમે જો તેની સ્થિતિમાં હોત તો તમે કેવા થયા હોત તે કોણ જાણે! તમે સારા માણસ બની શકો તે માટે ઈશુ ખ્ર્રિસ્તની જેમ મિથ્યાચારવાળી સ્ત્રી, અથવા કેદખાનાનો ચોર પોતાનું બલિદાન આપે છે. સમતુલાનો આવો નિયમ છે. બધા ચોરો અને ખૂનીઓ, બધા અન્યાયી, નબળા, દુષ્ટો અને શેતાનો મારે મન ઈશુ છે! દેવ ઈશુ તથા દાનવ ઈશુ બંને મારી પૂજાના પાત્ર છે. તે મારો સિદ્ધાંત છે; તેમ કર્યા વિના હું રહી શક્તો નથી. સાધુસંતોને ચરણે મારા નમસ્કાર છે, તેમ પાપી અને દાનવ પુરુષોને ચરણે પણ મારાં વંદન છે. તે બધા મારા ગુરુઓ, આધ્યાત્મિક પિતાઓ અને તારણહાર છે. હું એકને ભલે ભાંડું અને છતાં તેની ભૂલોમાંથી ફાયદો ઉઠાવું; હું ભલે બીજાના વખાણ કરું છતાં તેનાં સત્કાર્યોમાંથી ફાયદો ઉઠાવું. હું અહીં ઊભેલો છું તે વાત જેટલી સાચી છે તેટલી જ આ વાત પણ સાચી છે. હું બજારું સ્ત્રી પ્રત્યે ઘૃણા બતાવું છું કારણ કે સમાજને તે પસંદ છે. તે બજારું સ્ત્રી બીજી સ્ત્રીઓની પવિત્રતાનું કારણ હોઈ શકે છે ને મારી તારણહાર છે! તેનો ખ્યાલ કરો. સજ્જનો અને સન્નારીઓ, તમારા મનમાં આ પ્રશ્ન વિશે વિચાર કરો. તે સત્ય છે, ઉઘાડું અને ખુલ્લું સત્ય છે! જેમ જેમ હું જગતને વધારે જોઉં છું, જગતનાં સ્ત્રીપુરુષોને વધારે ને વધારે સંખ્યામાં જોઉં છું તેમ તેમ મારી આ માન્યતા દૃઢ થતી જાય છે. હું કોનો દોષ કાઢું? કોને વખાણું? ઢાલની બંને બાજુઓ આપણે જોવી જોઈએ. (૭.૭૬-૭૭)

Total Views: 26

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.