ભારતના પ્રત્યેક માર્ગે, નદીનાં ઘાટ પર સાધુઓનો મેળો જોવા મળે. ગેરુઆ રંગ ત્યાગનો મહિમા પ્રકટ કરે. એ ભગવા રંગને આજે પણ બધા આદર કરે. રંગની સાથે ઈશ્વર માટેનો પ્રેમ અને સર્વસ્વના ત્યાગનો જ્વલંત પ્રકાશ જોડાયેલો છે. બધું છોડી દેવું એ તો કપરું સાહસ છે. વળી ભગવાનને પામવા એ તો અવિરત સંગ્રામ છે. કારણ, ઈશ્વરને જાણવાની ઇતિ સાધક કોઈ દિવસ કરી શકે નહિ. આ માર્ગ કયારેક નરમ, કયારેક શુષ્ક, કઠણ પથ્થર જેવો. ઠેસ લાગવાની કે પડી જવાની બીક તો પગલે પગલે. વળી આ માર્ગ તો નિ:સંગ અને નિરાળો. મનરૂપી સંગી સાથે સાધુને મનમાં જ ચઢાવ – ઉતારનો સંગ્રામ ચાલ્યા કરે. એ જ સાધના. કેટલા લાખો જન્મની વાસનાઓ રૂપી વનને કાપતા કાપતા મન કઠિયારો વનનાં માર્ગે આગળ ચાલ્યે જાય. જેટલો આગળ ચાલશે તેટલાં ચંદન – મણિ – માણિક્યની પ્રાપ્તિ થશે અને એકદમ ઐશ્વર્યથી ભરપૂર થઈ જશે. વળી કયારેક ક્ષુલ્લક વાસનાઓનો મોહ અચાનક મહામાયા જ્ઞાની સાધકના ચિત્તને વિમૂઢ કરે.

જ્ઞાનિનામપિ ચેતાંસિ દેવી ભગવતી હિ સા ।
બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ ॥

થોડી ઇચ્છાને કારણે શું ભોગનો અંત આવે! તેવી એક વાર્તા છે. ગાઢ જંગલમાં નાનકડી કુટિર બાંધીને એક સાધક નિવાસ કરે છે. સુંદર રમણીય અરણ્યનું પર્યાવરણ! કેવળ પંખીઓનો મધુર કલરવ – વન્ય જીવ – જંતુઓનો ઉત્પાત પણ નથી. પાસે એક પાણીથી છલકાતું સરોવર છે. લીલુંછમ ઘાસ, વિશાળ વનસ્પતિ, નામથી અપરિચિત. સુંદર ફૂલોની સુગંધ, ભગવાનની વિચિત્ર મહિમાનાં ચિંતનમાં મન આપોઆપ અંતર્મુખ થઈ જાય. વૃક્ષની નીચે એક શિલા ઉપર બેસીને એક સાધુ ધ્યાન કરે છે. બપોરે ભિક્ષા માટે ગામ તરફ જાય. ભિક્ષામાં આવેલ કાચા સીધામાંથી લાકડા જલાવીને રસોઈ કરે. પછી ભગવાનને ભોગ ધરાવીને પ્રસાદ ગ્રહણ કરે. આ રીતે દિવસ રાત વીતી રહ્યા છે. જપ ધ્યાન, શાસ્ત્રપાઠ – પ્રાર્થના અને નીરવે શાંત ચિત્તે બેસીને મનની ઉથલપાથલ જુએ. આ એક નિવૃત્ત જીવન. અહીં નૈસર્ગિક વિનિમય નથી કે કોઈ સ્વાર્થ સાધવાનો નથી. કેવળ અંતરની શોધમાં અવિરામ અભિયાન. આકાશના તારાના અજવાળામાં ભગવાનનાં મહિમાની લિપિ લખેલી છે. પ્રભાતના સૂર્યનાં – કિરણો તેનાં જ ચરણે પ્રકાશ પુષ્પો પાથરે છે. રાત્રિનો ચંદ્ર ચૂપચાપ ગાઢ-પ્રગાઢ પ્રેમની મૃદુતા લઈને આવે છે. પ્રકૃતિની તમામ ઘટના કેવળ વિભુ વિશ્વનાથ માટે. આ રીતે સાધક નિહાળે અને ચિંતન કરે. બાહ્ય જગતનું સૌંદર્ય છોડીને સાધક મનના ઊંડાણમાં તે સૌંદર્યના સ્વરૂપને – અંતર્યામીને શોધે! જેની માયા આટલી સુંદર હોય તે પોતે કેટલા સુંદર હશે. શું તેનો સોનેરી પ્રકાશ જોવા મળશે?

અચાનક એક દિવસ સાંજે કેટલાંક બાળકોનો શોરબકોર! સાધુએ બહાર આવીને જોયું. દૂરના ગામડાનાં નાનાં નાનાં બાળકોએ અચાનક તેમની કુટિર શોધી કાઢી છે. બસ, ત્યાર પછી તે છોકરાઓ સાધુ માટે કંઈ ને કંઈ લઈને આવવા લાગ્યા. જે કંઈ લાવે તેનાથી તેનું કામ ચાલે. હવે પેટ ભરવા માટે બહાર જવું પડતું નથી. માત્ર થોડા ભાતદાળ પકાવવાની જરૂર રહેતી. સાધુ તો ધ્યાનભજનમાં એથીય વિશેષ ડૂબવા લાગ્યા. આ રીતે સારા એવા વરસો વિતી ગયા. સાધુ ભિક્ષા માટે જતા નથી. ગામ તરફનો રસ્તો પણ ભૂલી ગયા છે.

અચાનક એક દિવસ દેકારો સંભળાયો. શું છે? ગામડાના છોકરાઓ મહા ઉલ્લાસથી તેની કુટિર પાસે એકબીજાના હાથમાંથી ખેંચીને કંઈક ખાય છે. સાધુ બહાર આવ્યા. આંખમાં એક પ્રશ્ન – આટલો ઘોંઘાટ શા માટે? શું ખાવ છો? એક શિશુ બોલ્યો : ‘આજે અમે એક ઘરેથી ગરમાગરમ જલેબી લાવ્યા છીએ. તેથી અમે બધા ખાઈએ છીએ. નાકમાં ચોખા ઘીમાં કરેલી જલેબીની સુગંધ આવી. સાધુના મનમાં થયું, કેટલા દિવસોથી ગોળ ગોળ લાલ-લાલ જલેબી ખાધી નથી. એક દિવસ ખાવી જોઈએ. તે દિવસે બસ, એક વાસના જાગી અને આખી રાત તેને ઝપવા ન દીધો. તે વાસનાથી મુક્ત થવા સાધુને થયું કે એકવાર જલેબી મેળવીને ખાઈ લઉં તો પછી ફરી ઇચ્છા થશે નહિ. જેવો વિચાર તેવું કામ.

બીજે દિવસે સાધુ ગામડામાં ભિક્ષા કરવા ગયા. ખભ્ભે ઝોળી, માથાના વાળ જટાની માફક લટકે છે. મુખ પર દાઢીનું જાણે જંગલ. પોતાનો ચહેરો કેવો થયો છે તે પોતે જ જાણતા નથી.

સાધુ ચાલ્યા જાય છે. માત્ર ચાલ્યા જાય છે પરંતુ આટલું બધું ગાઢ જંગલ! શું માર્ગ ભૂલ્યા કે? ભૂખ અને તરસથી ગળું સુકાઈ જાય છે. થાકીને સાધુ એક વૃક્ષ નીચે ઊંઘી ગયા. ભગવત્‌ – શરણમાંય એક વાસના ફરી ફરી ડોકયા કાઢે છે. કેવી વિવશતા અનુભવે છે! મનનાં ખેંચાણથી કયાં જાય છે? નિદ્રા સર્વ ચિંતાને હરનારી છે. તેથી આંખો મીંચાઈ ગઈ.

એવે સમયે રાજાના સિપાઈઓ ચોરી કરીને ભાગી રહેલી ચોરની ટુકડીનો પિછો કરતા કરતા ત્યાં આવી ચડ્યા. ચોરેલો માલસામાન આ ઊંઘતા સાધુ પાસે રાખીને બધા ચોર નાસી છૂટ્યા. એટલામાં રાજાના સિપાઈઓ ત્યાં આવી પહોંચ્યા. તેમણે સાધુ પાસે ચોરીનો માલ જોયો અને તેને એક ધક્કો મારીને ઉઠાડ્યો. સાધુ તો અવાક્‌! આંખના પલકારામાં તો તેને બાંધીને સિપાઈઓ ખેંચતા ખેંચતા લઈ ગયા. તેઓના મોંમાંથી અસંખ્ય અપશબ્દોનો ઘોઘ વહે છે. સાધુ થઈને ચોરી કરે છે. આ રીતે જ દેશનું પતન થયું છે.’ વગેરે વગેરે.

ત્યારબાદ નગર આવ્યું. રસ્તા પર માણસોની ભીડ એકઠી થઈ છે. કમરમાં દોરી બાંધેલા સાધુને જોઈને ભીડ વધુ જામી ગઈ. બિચારો સાધુ, સ્વપ્નમાં પણ આવું વિચાર્યું ન હતું કે આવી ઘટના થઈ શકે. શરમથી માથું નીચું કરીને ત્યારે સાધુ પોતાના ઈષ્ટદેવનું, સ્મરણ કરવા લાગ્યા :  કયાં છો લજ્જાહરણ, મધુસુદન?’

એવે સમયે અચાનક એક ગંભીર ગળાની ધમકી ભર્યો અવાજ સંભળાયો : ‘થોભો!’ રસ્તા પરના માણસોએ રસ્તો છોડી દીધો. સાધુએ એ અવાજ સાંભળીને પણ મોઢું ઊંચું ન કર્યું. ‘આ કોને લઈને તમે જાઓ છો? આ તો સાધુ!’ ‘ના, મહારાજ, આની પાસેથી જ ચોરીનો માલ મળ્યો છે.’

‘એ તો ઊંઘતો હતો. ચોર શું નિશ્ચિંત મનથી માલ-સામાન છોડીને ઊંઘી શકે? જાઓ, તે જગ્યાએ પાછા જાવ અને ચોરને શોધો.’ ઘોડા પર તેઓ ગયા.

વાતમાં આવો જુસ્સો સાંભળીને બિચારા સાધુએ ઊંચું જોયું તો એક જટાજૂટધારી સૌમ્ય મહાપુરુષ – તેઓ ત્યારે આગળ આવી રહ્યા છે. પરમ સ્નેહપૂર્વક બોલ્યા : ‘કેમ બેટા, એક વાસના માટે કેટલી ઝંઝટમાં પડ્યો. આ વાસના જ મોટો શત્રુ છે. વત્સ, નિર્વાસા થાઓ તો જ ઈશ્વરને પામશો.’

સાધુની આંખમાં આંસુ આવ્યા, તેમનાં ચરણોમાં પ્રણામ કર્યાં. મહાપુરુષે લોકોને કહ્યું : ‘સાધુનું વિના કારણે અપમાન કર્યું છે. જાઓ, તમે તેમનું સમ્માન કરો – આદર સત્કાર કરો.’

ફરી મંદ સ્મિતપૂર્વક બોલ્યા: ‘સાધુને સારી રીતે પેટ ભરીને ગરમ ગરમ જલેબી ખવડાવો.’

Total Views: 23

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.