(૧) ભગીરથે મહાતપ આદર્યું. તેઓ ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા.

(૨) રસ્તામાં ગંગાના પ્રવાહને હિમાલયે રોક્યો. આડશો તોડીને વહેવું ગંગા માટે મુશ્કેલ બન્યું.

(૩) હિમાલયની આડશોને લીધે ગંગા તો વહેતી બંધ થઈ ગઈ, એ ભગીરથે જોયું. હવે કરવું શું? મા ગંગાએ કરુણાભાવે એક સૂચન કર્યું..

– વત્સ! આ વિઘ્નને દૂર કરવા તું ઈંદ્રના ઐરાવત હાથીને મેળવ.

– મા, હું પ્રયત્ન કરું છું.

(૪) ભગીરથ તો ઉપડ્યા સ્વર્ગમાં. ઐરાવતને મળીને એની મુશ્કેલીની વાત કરી.

– હે હસ્તીરાજ! મારી પ્રાર્થના સાંભળો. હું આપને આજીજી કરું છું. હિમાલયના એ ભાગને તોડી નાખીને તમે મા ગંગાના પ્રવાહને વહેતો કરો.

– હાલતો થા હાલતો! મારી મહાનતાને જાણતો નથી ને આવું નકામું કામ કરાવવાની હિંમત કરે છે?

(૫) ઐરાવતને ખુશ કરવા ભગીરથે પોતાની બધી વિનમ્રતા દાખવી, પણ ઐરાવત ટસના મસ ન થયા. હતાશ હૃદયે ભગીરથ મા ગંગા પાસે આવ્યા અને બધી વાત કરી.

– એમ! ઐરાવતને આટલું આભિમાન! હવે હું તને રસ્તો બતાવું એ પ્રમાણે કર.

– મા, મને ઉપાય બતાવો.

(૬) હું મારા પ્રવાહમાં ત્રણ મોજાં ઊછાળીશ. ઐરાવત એની સામે ટકી રહે તો હું એનું કહ્યું માનીશ અને એમાં નિષ્ફળ થાય તો હું કહું તેમ કરવું પડશે.

– સારું હું જઈને ઐરાવતને કહું છું.

(૭) વળી પાછા ભગીરથ ઐરાવત પાસે ગયા.

– એલા, વળી પાછો આવ્યો! તું મારા વિશે ધારે છે શું?

– હે હસ્તીરાજ! ગુસ્સે ન થાઓ. હું તમારી મહાનતાને જાણું છું. પણ પેલી અભિમાની ગંગા તમે મહાન છો, એમ માનવા તૈયાર નથી.

(૮) એમ, એ મને તુચ્છ ગણે છે!

– હા, ગંગા ત્રણ મોજાં ઊછાળશે. એનો સામનો કરીને તમારે ટકી રહેવાનું છે. જો એમાં તમે હારી જાઓ તો ગંગા કહે તેમ તમારે કરવું પડશે.

(૯) એમ, ગંગા એમ કહે છે? કેવી અધીર! હું કોણ છું એની એને ખબર છે? હું તો ઈંદ્રરાજાનો શાહી હાથી. મને પડકાર ફેંકે છે? સારું, થવા દો. કોણ હારે છે એ જોઈએ.

– હા, આપણે કસોટી કરીને જોવું જોઈએ.

(૧૦) ઐરાવત અને ભગીરથ હિમાલયે રોકેલી ગંગા પાસે આવ્યા.

– ગંગા, તેં બહુ મોટો પડકાર ફેંક્યો, ખરું ને! તારી તાકાત અજમાવી લે. હું જોઉં છું!

– અરે! હું એની જ રાહ જોઉં છું. જો આ મારું પહેલું મોજું આવે છે.

(૧૧) અરે! પહેલા મોજાનો જ સામનો ઐરાવત ન કરી શક્યો!

– અરે! હું તો ખતમ થઈ ગયો. આને ખાળી શકતો નથી. હું હારી ગયો.

– હે હસ્તીરાજ! કેમ થયું!

(૧૨) ઐરાવતે ગંગાકિનારે બેઠા થવાનો પ્રયત્ન કર્યો. તમે ગંગાકિનારે જવા શા માટે પ્રયત્ન કરો છો? હવે હું મારું બીજું મોજું ઉછાળું?

– મા એમ ન કરતા. હવે મારી વધુ પરીક્ષા ન કરો. તમે શિવની જટામાંથી અવતર્યા છો, એ હું ભૂલી ગયો અને અહંકારથી બોલી ગયો. તમે તો શક્તિશાળી છો. હવે મારો અહંકાર ગળી ગયો. કૃપા કરીને મને માફ કરો.

(૧૩) સારું. હું તમને માફ કરું છું. હું લોકોને પાપમુક્ત કરવા ધરતી પર આવી છું. માનવોના કલ્યાણ માટે વહેતા મારા પ્રવાહને રોકતી આ મહાશીલાને તમારા દંતશૂળથી ભાંગીને ભુક્કો કરી નાખો. જો એમ કરશો તો જગત તમારા ગુણ ગાશે.

– તમારી અમીકૃપાથી હું આ મહાશીલા તોડી શકીશ.

(૧૪) નિરભિમાની મનેલ ઐરાવતે પોતાના દંતશૂળથી મહાશીલાને તોડી નાખી અને ગંગાને મુક્ત પ્રવાહે વહેતાં કર્યાં.

– હે હસ્તીરાજ! આ ધરતીની તમે જે સેવા કરી છે એ ક્યારેય તેઓ નહિ ભૂલે.

– આમાં મેં શું કર્યું! જગત તો તમારી અતૂટ પરિશ્રમની જ પ્રશંસા કરશે.

– વત્સ! ભગીરથ લોકકલ્યાણ માટે તમે અવિરત મથતા રહ્યા. આ જગત તમારા આ અથાક પ્રયત્નોને ‘ભગીરથકાર્ય’ રૂપે પ્રશંસશે.

Total Views: 24

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.