થોડા દિવસો પહેલાં જ વાંચવામાં આવ્યું કે ગુજરાતમાં આજે પૂરાં ૪૫ મહાવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) છે. તામિલનાડુઓની કોઈ એક જ યુનિવર્સિટી સાથે એક સો ને પાંત્રીસ એન્જિનિયરીંગ કોલેજો સંલગ્ન છે. આપણે સ્વતંત્ર થયા તે પછી અને ખાસ તો છેલ્લા દાયકામાં શિક્ષણનો વ્યાપ કેટલો બધો વધી ગયો છે તે આ સંખ્યાઓ પરથી જણાય છે. કોલેજોના વડાઓ આચાર્યો હોય છે અને યુનિવર્સિટીઓના વડા ભલે ચેન્સેલરો હોય, એમના કાર્ય કરતા વડા વાઈસ ચેન્સેલરો હોય છે. યુનિવર્સિટીનો સમગ્ર વહીવટ સંભાળવાનું, યુનિવર્સિટીની બધી શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવાનું તથા તેમાં વૃદ્ધિ કરવાનું અને, સંલગ્ન કોલેજોના શૈક્ષણિક તથા વહીવટી કાર્ય નજર અંદાજ કરવાનું કાર્ય પણ વાઈસ ચેન્સેલરનું હોય છે. ચેન્સેલર હોય તે ગવર્નરનો કાર્યકાળ એ વ્યક્તિના ગવર્નરપદની મુદત પૂરી થતાં પૂરો થાય છે અને પછી, નવે નાકે દીવાળી હોય છે. વાઈસ ચેન્સેલરનો કાર્યકાળ પણ, સામાન્ય રીતે, પાંચ વર્ષનો હોય છે. કોઈ ભાગ્યશાળી વ્યક્તિની મુદત બેવડાય છે તો કોઈને વચ્ચેથી પણ જવું પડતું હોય છે.

આ ચેન્સેલરો (કુલપતિઓ) અને વાઈસ ચેન્સેલરો (ઉપકુલપતિઓ) નું મહત્ત્વ કેટલું છે? ‘પાંચ સાલ કા સુલતાન’ના મહત્ત્વ વિશે એક કિસ્સો સાંભળ્યો છે.

ગઈ સદીના ત્રીજા – ચોથા દાયકામાં અફઘાનિસ્તાનની પરિસ્થિતિ આજના જેવી ન હતી. ત્યાંના રાજાનું રાજ્ય શાંતિથી અને સુપેરે ચાલતું હતું. એ રાજાએ અફઘાનિસ્તાનમાં યુનિવર્સિટી સ્થાપવાનો વિચાર આવ્યો. એ માટે રાજાએ તે કાળની ભારત (બ્રિટિશ) સરકારની સલાહ લીધી. તે સલાહ અનુસાર, તે સમયના અફઘાનના શિક્ષણમંત્રી ભારતમાં આવ્યા અને, દિલ્હીમાં સરકારી કેળવણી ખાતાના અમલદારો સાથે પ્રારંભિક વિચાર વિનિમય કર્યા પછી, તેમણે અલીગઢની મુસ્લિમ યુનિવર્સિટીની, તે સમયના અખંડ પંજાબમાંની લાહોર યુનિવર્સિટીની અને નિઝામના હૈદરાબાદની ઓસમાણિયા યુનિવર્સિટીની મુલાકાત લીધી. તે દરેક સ્થળે ત્યાંના વાઈસ ચેન્સેલરો સાથે વિચાર વિનિમય કર્યો અને, એમની સહાયથી, ફારસી અરબી જાણતા વિવિધ વિષયોના અધ્યાપકોની વરણી કરી. એટલેથી જ નહીં અટકતાં એ અફઘાનના શિક્ષણમંત્રીએ રવીન્દ્રનાથ ટાગોરની વિશ્વભારતીની મુલાકાત પણ લીધી અને ત્યાંના કોઈ અધ્યાપકની પણ તેમણે કાબુલ યુનિવર્સિટી માટે વરણી કરી.

ધીમે ધીમે નહીં પણ પ્રમાણમાં ઝડપથી બધું માળખું ગોઠવાયું અને કાબુલમાં યુનિવર્સિટી કાર્યરત થઈ. આજથી પોણોસો એંશી વર્ષ પૂર્વેના એ જમાનામાં દેશમાં પ્રોફેસરોનો પગાર રૂપિયા એક સોની આસપાસથી આરંભાતો. અહીં મળતે પગારે કાબુલ કોણ જાય? દરેક પ્રોફેસરને બસોથી અઢીસો સુધી પગાર અપાયા તેમજ બીજી સગવડો પણ અપાઈ.

કાબુલમાંની એ યુનિવર્સિટીનું મંગળાચરણ થયું ત્યારે, બધા પ્રોફેસર એકબીજાને ઓળખતા ન હોય તે સ્વાભાવિક છે. બહુ તો અલીગઢ યુનિવર્સિટીના પ્રોફેસરો એકબીજાને થોડા ઘણા પિછાનતા હોય; લાહોર યુનિવર્સિટીના અને હૈદરાબાદની ઓસમાણિયા યુનિવર્સિટીના પ્રોફેસરનું પણ તેવું જ હોય. એમાંથી કોઈ કોઈનો પરિચય સાવ ઉપરછલો પણ હોઈ શકે અને, એક જ યુનિવર્સિટીમાંથી કાબુલ ગયેલા એ પ્રોફેસરો એકબીજાના પરિચયમાં ત્યાં જ આવ્યા હોય.

ધીમે ધીમે બધું થાળે પડવા લાગ્યું, શિક્ષણ કાર્ય આરંભાયું અને અધ્યાપકોના અરસપરસ પરિચયો વધવા લાગ્યા. ‘તમે ક્યાં અભ્યાસ કર્યો છે?’ ‘કેટલાં વર્ષોથી અધ્યાપન કરાવો છો?’ ઈત્યાદિ પ્રશ્નો અરસપરસ થાય એ સ્વાભાવિક હતું. એકબીજાને અપાતી ‘તનખા’ – પગાર – વિશે પણ ઈંતેજારી હોય તે સ્વાભાવિક હતું.

આપણા દેશની લાહોર, અલીગઢ અને ઓસમાણિયા યુનિવર્સિટીઓમાંથી પસંદ પામેલ સેવા અધ્યાપકોના પગારો માસિક રૂપિયા બસોથી અઢીસો આસપાસના હતા ત્યારે, વિશ્વભારતીમાં પસંદ કરાયેલા અધ્યાપકનો માસિક પગાર રૂપિયા ચારસોનો હતો તે તફાવત સૌને ખૂંચે તે સ્વાભાવિક હતું. આ બાબત ચણભણ થવા લાગી અને એ સૌએ આ ‘અન્યાયી’ તફાવત તરફ યુનિવર્સિટીના વાઈસ ચેન્સેલરનું ધ્યાન દોર્યું. આ સૌ પ્રોફેસરોની નિમણૂક એમણે કરી ન હતી. એ કરી હતી અફઘાનિસ્તાનના તે કાળના શિક્ષણમંત્રીએ.

સૌ અધ્યાપકોએ શિક્ષણમંત્રી સમક્ષ જઈ, આ ભયંકર લાગતી અસમાનતા બાબત રજુઆત કરવી અને ન્યાય મેળવવો એમ વિચાર્યું. જાણે કે અવિધિસરનું અધ્યાપકોનું યુનિયન રચાઈ ગયું. પછી, વાઈસ ચેન્સેલર મારફત એ અફઘાન મંત્રીને સંદેશો મોકલવામાં આવ્યો કે, ‘પગારની આ અસમાનતા બાબત અમારે આપને મળવું છે.’

‘એવી અસમાનતા હોઈ જ ના શકે’, મંત્રીશ્રીનો ઉત્તર આવ્યો. ‘ને તે છતાં સૌ પ્રોફેસરને તેમ લાગતું હોય તો, તેની ચોકસાઈ કરવી જ રહી. બધા જ પ્રોફેસર સાહેબો આવતા જુમ્માને પછીને દિવસે, યુનિવર્સિટી એ ચાર વાગ્યે મળે. ત્યાં આવે ત્યારે દરેક પ્રોફેસર પોતાનાં ડિગ્રીનાં કે ડિગ્રીઓનાં પ્રમાણપત્રો પોતાની સાથે લેતા આવે. બરાબર તપાસ કરવી જ રહી અને અન્યાય હોય તો તે દૂર કરવો જ રહ્યો.’

એ મુજબ કહેલ દિવસે બધા જ પ્રોફેસર સાહેબો પોતપોતાની ડિગ્રીઓનાં પ્રમાણપત્રો લઈને ગયા. વિશ્વભારતીમાંથી ગયેલા સજ્જન પણ પોતાનાં પ્રમાણપત્રો લઈને ગયા.

સભાસ્થળે આવી, પ્રાસ્તાવિક વાત કરી, કોઈ પણ અધ્યાપકને અન્યાય થયો હોય તો તે દૂર કરવાની ખાતરી આપી. પછી, સૌ અધ્યાપકોને તેમનાં પ્રમાણપત્રો પોતાને આપવા મંત્રીએ વિનંતી કરી. એ પ્રમાણપત્રોના ઢગલામાંથી શિક્ષણમંત્રીએ બે ત્રણ પ્રમાણપત્રોનું એક ફીંડલું ઉપાડ્યું અને તેમાંનાં પ્રમાણપત્રો પર નજર ફેરવી, જે અધ્યાપક સાહેબનાં તે પ્રમાણપત્રો હતાં તેમનું નામ લઈ, તેમને સવાલો પૂછવાનું શરૂ કર્યું.

‘પ્રોફેસર ઈકબાલ અલીહુસેન કુરેશી, તમે લાહોરની પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે, ખરું ને?’

‘જી હા’, એ કુરેશી સાહેબે જવાબ આપ્યો.

‘બી.એ.,ની અને એમ.એ.ની પરીક્ષામાં તમને કેટલા ટકા ગુણ મળ્યા હતા? મંત્રીએ પૂછયું અને તેના ઉત્તરમાં એ પ્રોફેસરે એ ટકાવારી પણ કહી.

પછી મંત્રીએ પ્રશ્ન પૂછયો : ‘આ પ્રમાણપત્રો પર સહી કરનાર કોણ હતું?

‘તે સમયના ગવર્નર.’

‘એમનું નામ શું હતું? અત્યારે પણ એ જ ગવર્નર છે?’ મંત્રીએ પૂછયું.

‘મને એ ગવર્નરનું નામ યાદ નથી. હાલ બીજી કોઈ વ્યક્તિ ગવર્નર છે.’ પ્રોફેસરે કહ્યું.

બધા જ અધ્યાપક સાહેબોની સ્થિતિ લગભગ આવી જ હતી. દરેક અધ્યાપકનાં પ્રમાણપત્રો પર ગવર્નરની સહી કે વાઈસ ચેન્સેલરની સહી અને, દરેક જગ્યાએ ગવર્નરો બદલાઈ ગયેલા, વાઈસ ચેન્સેલરો પણ બદલાઈ ગયેલા. કોઈક પ્રોફેસરના સ્નાતક કક્ષા અને સ્નાતકોત્તર કક્ષાઓનાં પ્રમાણપત્રો પર સહી ભલે ગવર્નરની પણ તે જુદી જુદી વ્યક્તિની.

પછી મંત્રીએ પેલા વિશ્વભારતીમાંથી પસંદ કરેલા પ્રોફેસરને એ જ પ્રશ્ન પૂછયો.

‘બંને પ્રમાણપત્રો પર ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરની જ સહી છે’, એ પ્રોફેસરે ઉત્તર આપ્યો.

પછી મંત્રીએ બીજા બધા પ્રોફેસરને પ્રશ્ન કર્યો : ‘તમે સૌએ આ નામ કદી સાંભળ્યું છે?’ બધાનો ઉત્તર ‘હા’માં જ હતો.

મંત્રી કહે : ‘તમારા સૌનાં પ્રમાણપત્રો અને આ પ્રોફેસરનાં પ્રમાણપત્રો વચ્ચે મોટો ભેદ હોય તો આ છે. તમારા ચેન્સેલરો અને વાઈસ ચેન્સેલરો પાંચ પાંચ વરસે બદલાય છે અને તમારી યુનિવર્સિટી પર પોતાની કશી છાપ એ મૂકી જતા નથી. ત્યારે આ વિશ્વભારતીના વાઈસ ચેન્સેલર વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ છે ને એમની યુનિવર્સિટીનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મૂલ્ય છે. રવીન્દ્રનાથ ટાગોર જેવી અમર વ્યક્તિની સહીવાળું પ્રમાણપત્ર કોઈ પણ યુનિવર્સિટીનાં પ્રમાણપત્ર કે પ્રમાણપત્રોના થોકડા કરતાં અનેકગણું વધારે મૂલ્યવાન છે. આવું પ્રમાણપત્ર ધરાવનારને વધારે પગાર અપાય એ સ્વાભાવિક છે. તમારે કોઈએ આ બાબતે દુ:ખી થવાની જરૂર નથી. ખુદા હાફીઝ!

નોંધ : વર્ષો સુધી વિશ્વભારતીમાં અધ્યાપક હતા તે પૂજ્ય ગુરુદયાળ મલ્લિકજીએ આ કિસ્સો કહ્યો હતો.

Total Views: 31

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.