એક હિંદુ રાણી હતી. એક વાર તેને એવી ઇચ્છા થઈ કે પોતાનાં બધાં જ સંતાનો આ જીવનમાં મુક્તિ મેળવે. આથી તે જાતે બધાંની સંભાળ લેવા લાગી. તેમને સુવડાવતી વખતે તે તેમની આગળ ‘‘તત્ત્વમસિ તત્ત્વમસિ । તે તું છો, તે તું છો’’નું હાલરડું ગાતી. તેમાંના ત્રણ સંન્યાસીઓ થયા, પણ ચોથાને ઉછેરવા માટે અન્ય સ્થળે લઈ જવામાં આવ્યો હતો, કારણ કે તેને રાજા બનાવવો હતો. જ્યારે તેને લઈ જતા  હતા ત્યારે માતાએ તેને એક કાગળનો ટુકડો લખીને આપ્યો; એ કાગળ તેણે મોટા થાય ત્યારે વાંચવાનો હતો. આ કાગળની ચબરખી ઉપર લખ્યું હતું : ‘‘ઈશ્વર એક જ સત્ય છે. બીજું બધું મિથ્યા છે. આત્મા કદીય હણાતો નથી કે હણતો નથી કાં એકલો રહેજે અગર સાધુના સત્સંગમાં રહેજે.’’ જ્યારે તે રાજકુમારે યુવાન થયા પછી તે વાંચ્યું ત્યારે તેણે પણ દુનિયાનો ત્યાગ કર્યો, અને સંન્યાસી થઈ ગયો.

ત્યાગ કરો, દુનિયાને છોડો.  આપણે અત્યારે રસોડામાં ઘૂસી ગયેલાં કૂતરાં જેવા છીએ. એક માંસનો ટુકડો ખાતાં ખાતાં ભયથી આમતેમ જોતા રહીએ છીએ, કે રખેને કોઈ આવીને હાંકી કાઢે? એમ કરવા કરતાં રાજા બનો, અને પૃથ્વીના અધિપતિ તમે જ છો એમ માનો. જ્યાં સુધી તમે દુનિયાને છોડી ન દો, અને તે તમને બંધન કરતી બંધ થાય નહીં ત્યાં સુધી આ ભાવ કદીય આવે નહીં. શરીરથી નહીં તો મનથી ત્યાગ કરો; તમારા અંત:કરણથી પૂરેપૂરો ત્યાગ કરો. અનાસક્તિ લાવો. આ જ ખરો યજ્ઞ છે, અને તેના સિવાય આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. કોઈ વાતની ઇચ્છા ન રાખો કારણ કે તમે જે ઇચ્છો તે તમને મળશે, અને તેની સાથે જ ભયંકર બંધન પણ આવશે.

આપણે બધા એક છીએ તે જાણવા માટે બીજાનાં શરીરમાં પણ આત્મભાવ અનુભવતાં શીખો. બધી નિરર્થક વાતોને ફેંકી દો. સારાં કે ખરાબ કર્મોને થૂંકી કાઢો અને તેના વિશે વિચાર પણ ન કરો. જે થયું તે થયું. વહેમને દૂર કરો. મૃત્યુ સામે આવે ત્યારે પણ નિર્બળતા ન રાખો. પશ્ચાત્તાપ ન કરો, કૃતકર્મ માટે અફસોસ ન કરો તેમ જ તમારાં સત્કર્મોને પણ યાદ કર્યા ન કરો. આઝાદ થાઓ. નિર્બળ, ડરપોક અને અજ્ઞાની માણસો આત્માને કદીય પામશે નહીં. તમે કર્યું ન કર્યું નહીં કરી શકો; કર્મનું પરિણામ જરૂર આવશે; તેનો સામનો કરો, અને ફરી વખતે તેમ નહીં કરવાની કાળજી રાખો. બધાં કર્મોનો ભાર ઈશ્વર ઉપર છોડી દો; સારું તથા ખરાબ, બધુંય આપી દો. સારું સારું રાખવું, અને ખરાબ ખરાબ ઈશ્વરાર્પણ કરવું એમ ન કરો. જેઓ પોતાને સહાય ‘નથી’ કરતા, તેમને ઈશ્વર સહાય કરે છે. ‘‘તૃષ્ણાનો પ્યાલો પીને જગત ઘેલુ બની જાય છે.’’ દિવસ અને રાત એક સાથે કદીય નથી આવતાં, તેમ જ તૃષ્ણા અને ઈશ્વર બંને એકી સાથી કદીય ન આવે. તૃષ્ણાનો ત્યાગ કરો.

આ પૃથ્વી ઉપર કે સ્વર્ગમાં ભોગ મેળવવાની સઘળી ઇચ્છાને છોડી દો. ઇન્દ્રિયોને કાબૂમાં રાખો અને મનોનિગ્રહ કરો. તમે દુ:ખી છો એવો ખ્યાલ રાખ્યા સિવાય બધાં દુ:ખો સહન કરો. મુક્તિ સિવાય બીજી કોઈ વાત ન કરો. ગુરુમાં, તેના ઉપદેશમાં અને તમે મુક્ત થઈ શકો તેવી ખાતરીમાં શ્રદ્ધા રાખો. ગમે તે થાય પણ ‘‘સોઽહમ્ સોઽહમ્’’, બોલ્યા જ  કરો; ખાતાંપીતાં, હરતાંફરતાં, દુ:ખમાં પણ તમારી જાતને કહ્યા કરો. મનને આ નિરંતર કહો : ‘‘જે આપણે જોઈએ છીએ તે અસ્તિત્વ ધરાવતું જ નથી. માત્ર ‘હું’ જ છું.’’ એક ચમકારો, અને સ્વપ્ન ઊડી જશે. રાત ને દિવસ એવો જ વિચાર કર્યા કરો કે આ વિશ્વ શૂન્ય છે, માત્ર ઈશ્વર જ છે. મુક્ત થવા માટે તીવ્ર ઇચ્છા ધરાવો.

Total Views: 28

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.