વૈજ્ઞાનિક અભિગમ લાવવા માટે ગુજરાત રાજ્યે છેલ્લાં ૧૦ વર્ષમાં ઘણું કાર્ય કર્યું છે. સૌથી મોટો ભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તે દ્વારા લગભગ ગુજરાતના દરેક જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. તે ઉપરાંત ઘણી બિનસરકારી સંસ્થાઓ, વિવિધ ક્લબો દ્વારા વિજ્ઞાન પ્રચાર અને પ્રસારનું કાર્ય થાય છે તેમજ વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિઓ થાય છે. જે એક મોટી બાબત છે. સરકારશ્રી દ્વારા નવી નવી ટેકનોલોજી અંગેના વિભાગો વિકાસ માટે શરૂ કરવામાં આવ્યા છે. તેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બાયો ટેકનોલોજી, નેનો ટેકનોલોજી, ઉપગ્રહ દ્વારા શિક્ષણની સુવિધા પેટ્રોલિયમ ક્ષેત્રે અને કૃષિક્ષેત્ર વિકાસ કરીને ગુજરાતે દેશમાં એક આગવું સ્થાન મેળવ્યું છે.

રાજકોટ જિલ્લામાં વિજ્ઞાન વિષયક પ્રવૃત્તિ માટે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન-મુંબઈ દ્વારા શિક્ષણ તથા વિજ્ઞાનના પ્રસાર અને પ્રચાર માટે લોક જાગૃતિને પૂરતું મહત્ત્વ મળે તે હેતુથી ૧૯૭૮માં એક નાના ખંડમાં વિજ્ઞાનનું જૂથ બનાવી પ્રવૃત્તિઓ કરવાની શરૂઆત કરેલી. ઓક્ટોબર ૧૯૮૨માં પરમાણુ ઊર્જાના અધ્યક્ષ ડો. હોમી શેઠના દ્વારા ‘પ્રયોગ’ની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ આ ‘પ્રયોગ’નો ફલક વધતા મે ૧૯૯૭માં સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી શ્રી ઓધવજી વેલજી શેઠ વિજ્ઞાન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી અને તેનું સંચાલન સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશનને સોંપવામાં આવેલ. માર્ચ ૧૯૯૮માં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર તરીકેની માન્યતા મળી આ રીતે રાજકોટ જિલ્લાને શ્રી ઓ.વી.શેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર મળ્યું.

આ કેન્દ્ર અગાઉથી જ કેટલાક મુખ્ય ઉદ્દેશો માટે સમાજમાં કાર્ય કરતું હતું. જેના ઉદ્દેશ્યો છે : પ્રયોગ દ્વારા વિજ્ઞાનશિક્ષણ રસિક, સરળ, સચોટ અને ઉપયોગી છે તેની રજૂઆત કરવી. જનસમાજમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને વિજ્ઞાનક્ષેત્રે થતી શોધેથી માહિતગાર કરવા, કુદરતમાં અને રોજિંદા જીવાતા જીવનમાં બનતી ઘટનાઓનું વૈજ્ઞાનિક સત્ય જાણી વિજ્ઞાન શિક્ષણ દ્વારા અંધશ્રદ્ધા અને વહેમોથી આમ લોકોને મુક્ત કરવા, વિજ્ઞાનનું સાહિત્ય તૈયાર કરી માહિતીઓ પૂરી પાડવી તેમજ વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર સમાજમાં કરવો અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પૂરક અભ્યાસક્રમો તેમજ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ કરાવવી. ટૂંકમાં આ કેન્દ્ર દ્વારા વૈજ્ઞાનિક અભિગમ પર આધારિત માનવ ઘડતર થાય છે.

આવા ઉદ્દેશ્યથી આટલાં વર્ષોથી કાર્ય કરતા શ્રી ઓધવજી વેલજી શેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર જે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત છે તેમને રાષ્ટ્રિય વિજ્ઞાન દિન ૨૮મી ફેબ્રુઆરી, ૨૦૦૮ના રોજ નવી દિલ્હીના ટેકનોલોજી ભવનના રામન હોલમાં ૨૦૦૮ના વિજ્ઞાન વિષય પ્રવૃત્તિ અને વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટેનો શ્રેષ્ઠતમ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ છે. આ રીતે સમગ્ર ગુજરાત અને દેશમાં આ કેન્દ્રે ગૌરવ વધાર્યું છે.

આ વિજ્ઞાન કેન્દ્રમાં અનેક પ્રવૃત્તિઓ થાય છે તેમાં મુખ્ય પ્રવૃત્તિ ‘વિજ્ઞાન સફર’ છે. જેમાં વિદ્યાર્થીઓ સવારથી સાંજ સુધીમાં કેન્દ્ર ખાતે આવી વિજ્ઞાનના વિવિધ વિષયોના પ્રયોગો અને પ્રવૃત્તિઓ કરી જ્ઞાન મેળવે છે. વિજ્ઞાન-ગણિત બંનેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. હજારો વિદ્યાર્થીઓ વિવિધ શાળાના આ વિજ્ઞાન સફરનો લાભ લે છે. છેલ્લાં છ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકાની ૯૫ શાળાનાં બાળકો પણ લાભ મેળવે છે.

આવો બીજો કાર્યક્રમ છે ‘વિજ્ઞાન-દર્શન’. આ કાર્યક્રમમાં કેન્દ્રના તાલીમ પામેલા સ્વયંસેવકો તાલુકાકક્ષાએ ગામડાઓની શાળાઓમાં જાય છે. ત્યાં શિક્ષકોને તેમજ શાળાનાં બાળકોને વિજ્ઞાન-ગણિત વિષયોની તાલીમ અપાય છે. ઉપરાંત ગામડાઓમાં રાત્રી દરમિયાન અંધશ્રદ્ધા દૂર કરવાના કાર્યક્રમો ઉપરાંત આકાશદર્શનના કાર્યક્રમો કરવામાં આવે છે.

વિવિધ શાળાઓમાંથી અઠવાડિયે એક દિવસ આ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રમાં ધો. ૫ થી ૯ના વિદ્યાર્થીઓ આવી શકે અને તેમની સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન મળી રહે તે માટે સન્ડે સાયન્સ સ્કૂલ ચલાવવામાં આવે છે જેમાં ૪૦૦ જેટલાં બાળકો લાભ લે છે. નવા નવા પ્રોજેક્ટ વગેરે બનાવે છે. તેમાંથી પસંદ પામેલા વિદ્યાર્થીઓને મે માસમાં ૩૦ દિવસ વિશેષ તાલીમ આપવામાં આવે છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ, બાલશ્રી એવોર્ડ, વિજ્ઞાન મેળામાં રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્રિય કક્ષાએ પસંદગી પામ્યા છે. ઉનાળુ વેકેશન દરમિયાન વિજ્ઞાન-ગણિત વિવિધ ટેકનોલોજી, ઓરીગામી-કીરીગામી, સ્વચ્છતા અને સ્વાસ્થ્યને લગતા વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. લગભગ ૨૦૦ થી વધુ બાળકો તેમાં ભાગ લે છે.

માત્ર રાજકોટ રાજકોટ જિલ્લામાં જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શાળાનાં બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે, ગમ્મત સાથે વિજ્ઞાન-ગણિત સરળતાથી જાણે તે માટે સંસ્થા છેલ્લાં ૧૦ વર્ષથી ‘વિજ્ઞાન-જાગૃતિ’ ભીંતપત્ર ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરે છે. તાજેતરમાં તેની અગત્ય જાણી ગુજરાત સરકારશ્રીના સર્વ શિક્ષણ અભિયાન દ્વારા આ વિજ્ઞાન-જાગૃતિની ૨૪૦૦૦ જેટલી નકલો ગુજરાતની શાળાઓમાં મોકલવામાં આવે છે.

બહેનો માટેના કાર્યક્રમોમાં ખાદ્ય પદાર્થોની ભેળસેળ, પીવા લાયક પાણી તેમજ અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ખાદ્ય-સામગ્રીમાં થતી ભેળસેળની પરખ કરવા માટે રસોડા-પ્રયોગપોથી નામની પુસ્તિકા પ્રસિદ્ધ પણ કરી છે. આ ઉપરાંત સંસ્થા વિજ્ઞાનદિન, પૃથ્વીદિન, વસતિદિન તથા અન્ય દિવસો ઉપરાંત વૈજ્ઞાનિકના જન્મદિવસની ઉજવણી કરે છે.

સમાજમાં ઓછું ભણેલા હોય અથવા કૌટુંબિક પરિસ્થિતિને કારણે શાળાકોલેજોમાં ન જઈ શક્યા હોય તેવા યુવક-યુવતીઓને પગભર થઈ શકે તે માટે નિ:શુલ્ક મોબાઈલ રીપેરિંગ, ટુ વ્હિલર રિપેરિંગ, ઈલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સ, ઈલેક્ટ્રિક એપ્લાયન્સના ઉપયોગો અને તેના રીપેરિંગ અંગેની તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધી ૪૦૦ થી વધુ યુવક-યુવતીઓ આ તાલીમ મેળવી ચૂક્યા છે.

વિજ્ઞાન કેન્દ્રમાં વિજ્ઞાનગણિતના વિવિધ વિષયોને આવરી લેતું કારકિર્દી માર્ગદર્શન તેમજ જાહેર પરીક્ષાનું સાહિત્ય ધરાવતું સમૃદ્ધ ગ્રંથાલય છે. જેનો લાભ ૨૨૦૦ સભ્યો લઈ રહ્યા છે. અત્યારે આ ગ્રંથાલય નાનું પડે છે. સંસ્થાએ વિદ્યાર્થીઓ તેમજ આમ લોકોને ઉપયોગી થાય તેવાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે.

રાજકોટ જિલ્લામાં તેમજ રાજકોટ શહેરની ઘણી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ છે. તેમાંની ઘણી શાળાઓમાં સાયન્સ ક્લબ ચાલે છે, તેની પ્રવૃત્તિને સહાયરૂપ આ કેન્દ્ર બની રહ્યું છે. તેમજ રાજકોટમાં શ્રીવલ્લભ કન્યા કેળવણી મંડળ દ્વારા સ્વ. શ્રી ઢેબર લોકવિજ્ઞાન કેન્દ્ર તે સારી પ્રવૃત્તિઓ કરે છે. તેને આ કેન્દ્ર મદદરૂપ થાય છે. તે ઉપરાંત જસદણમાં ચાલતા હોમીભાભા લોકવિજ્ઞાન કેન્દ્ર, ગોંડલમાં હિતેષભાઈ ભટ્ટ દ્વારા ચાલતા ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ, માળિયા મિયાણામાં ચાલતી ‘આનંદી’ સંસ્થા, રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રાજપીપળા ગામ ખાતે જાગૃતિબહેન પંડ્યા અને મનોજ મિત્રા દ્વારા ચાલતા ઊર્જા ફાઉન્ડેશન આ કેન્દ્ર તેની પ્રવૃત્તિઓને સહયોગ આપે છે.

રાજકોટના આ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રને વિક્રમ સારાભાઈ લોકવિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ – ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા આ કેન્દ્રમાં સ્પેસ એજ્યુકેશન સેન્ટર ચાલે છે તેનું ઉદ્‌ઘાટન ઈસરોના ચેરમેન પ્રો. જી. માધવન નાયરે કરેલું. કેન્દ્ર ઈસરો દ્વારા અંતરિક્ષ પ્રદર્શન, બે કૃત્રિમ ઉપગ્રહ, બે રોકેટનાં મોડલો આપવામાં આવ્યાં છે. આ રીતે તેમનો બહુમૂલ્ય સહયોગ મળે છે. તે ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શાસનાધિકારીશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, જિલ્લા શિક્ષણ તાલીમના વડાશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી તથા અન્ય વિભાગોનો સહયોગ અવિરત મળતો રહે છે. સંસ્થામાં સરસ મ્યુઝિયમ પણ છે જેમાં ૧૦૦ જેટલાં વિવિધ મોડલ્સ છે. અંતરિક્ષ પ્રદર્શન છે જેનો લાભ હજારોની સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ લે છે.

આ સંસ્થાની અવારનવાર વૈજ્ઞાનિકો મુલાકાતે આવે છે. ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, ડો. જયંત નારલીકર, ડો. જે.જે.રાવલ, પ્રો. જી. માધવન નાયર, પ્રો. નવગુંડ, ડો. એ.આર. રાવ, સ્વ. શ્રી પી.સી. વૈદ્ય, ડો. પંકજ જોશી તેમજ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. સંસ્થા રામાનુજન ઓલમ્પિયાડ, વિજ્ઞાન વિષયક કાર્ય કરતી રાષ્ટ્રિય સંસ્થા દ્વારા લેવાતી પરીક્ષાનું કેન્દ્ર છે.

આમ છતાં રાજકોટ જિલ્લામાં વિજ્ઞાનના લેખકો બહુ ઓછા છે પરંતુ ખાસ લેખકોએ વિજ્ઞાનક્ષેત્રે ઘણું પ્રદાન કર્યું છે. તેમાં સ્વ. જયમલ્લ પરમાર, કલા અને સાહિત્ય ક્ષેત્રે તેમાં મોટું પ્રદાન છે. પરંતુ વિજ્ઞાન ક્ષેત્રે ખગોળ વિજ્ઞાનમાં અને પંખીદર્શનમાં આકાશપોથી અને ગગનની ગોખે, અલબેલા પંખીઓ, પ્રેમીપંખીડાં, રૂપ રૂપનાં અંબાર, વગડાના વાસી જેવા ખૂબ જ સુંદર પુસ્તકો આપ્યાં છે જે અણમોલ ગણાય છે. આ ઉપરાંત ડો. વિહારી છાયા જેઓ રાજકોટમાં હતા ત્યારે આ વિજ્ઞાન કેન્દ્રમાં સેવા આપી તે ઉપરાંત લોકોને વિજ્ઞાનના સરળ ભાષાના લેખો આપી અખબારો દ્વારા પણ વર્ષો સુધી સેવા કરી છે. આજે તેઓ અમદાવાદ છે પરંતુ તેમનું અખબારોમાં લેખન કાર્ય આજ સુધી ચાલુ છે. આ ઉપરાંત આ લેખના લેખકે વિજ્ઞાન ક્ષેત્રે ઘણું પ્રદાન કર્યું છે.

રાજકોટ શિક્ષણનું હબ બની ગયું છે. મેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી તેમજ ઘણી બધી વિજ્ઞાનની કોલેજો છે. જેમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ વિજ્ઞાનના ઘણા વિષયો શીખવવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોવાથી તેનો લાભ મળે છે. આ ઉપરાંત ઘણી બધી શાળાઓ સ્પર્ધાત્મક રીતે કાર્ય કરે છે. તેને કારણે વિજ્ઞાનવિષયક પ્રવૃત્તિઓ સારા પ્રમાણમાં થઈ રહી છે. જિલ્લાનાં જુદાં જુદાં ગામડાંમાં અને શહેરોમાં વ્યાપ વધ્યો છે.

શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા તાલુકા કક્ષાએ પ્રાથમિકનું અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મારફત તાલુકા કક્ષાએ માધ્યમિક શાળાના વિજ્ઞાન મેળાનાં આયોજનો થાય છે. શાળા સંકુલો દ્વારા થતાં આવાં આયોજન બાદ જિલ્લા કક્ષાનું આયોજન થાય છે. જેમાં ઘણી કૃતિઓ સર્જનાત્મક અને નવીનીકરણ ધરાવતી હોય છે જેની પસંદગી થાય છે અને રાજ્ય કક્ષાએ પસંદગી પામે છે. ઘણી સમૃદ્ધ શાળાઓ પોતાની શાળામાં વિજ્ઞાનમેળા યોજી વિજ્ઞાન-ગણિતની પ્રવૃત્તિઓને વેગ આપે છે. તાજેતરમાં છેલ્લાં ત્રણ વર્ષથી રાજકોટની એક શાળાએ વિશ્વકક્ષાએ સર્જનાત્મક વિજ્ઞાનની કૃતિઓ રજૂ કરીને ઈનામો મેળવીને રાજકોટ જિલ્લાને, ગુજરાતને અને દેશને ગૌરવ અપાવ્યું છે. રાજકોટમાં બાલભવન પણ વિજ્ઞાનની પ્રવૃત્તિ કરે છે. છેલ્લાં પાંચ વર્ષમાં રાષ્ટ્રિય કક્ષાએ વિજ્ઞાન ક્ષેત્રમાં બાલશ્રી એવોર્ડ મેળવ્યા છે.

આ રીતે સમગ્રપણે વિચારવામાં આવે તો રાજકોટ જિલ્લામાં વિજ્ઞાન વિષયક પ્રવૃત્તિઓ સારા એવા પ્રમાણમાં થાય છે. પરંતુ આમ છતાં હજુ ઘણું થઈ શકે તેમ છે. તે માટે સમગ્ર રાજકોટ જિલ્લાના નાગરિકોના હજુ વિજ્ઞાન વિષયક પ્રવૃત્તિઓ માટે સહયોગ આવશ્યક છે. દાતાઓએ પણ આવી પ્રવૃત્તિના વિકાસ માટે સહયોગ આપવો રહ્યો. સૌ વિજ્ઞાનપ્રેમીઓને સલામ, જય વિજ્ઞાન.

(ડો. રમેશભાઈ ભાયાણીના લેખને આધારે)

Total Views: 20

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.