ગાંધીજી યંત્રના અને ટેકનોલોજીના વિરોધી હતા એવો ખોટો ખ્યાલ પ્રવર્તે છે. ટેક્‌નોલોજીના માધ્યમ દ્વારા, યંત્ર દ્વારા થતા માનવ શોષણ સામે ગાંધીજીનો વિરોધ હતો. તેઓ જે રેંટિયા પર નિયમિત કાંતતા તે રેંટિયો પણ યંત્ર જ છે. દરિદ્રનારાયણની દરિદ્રતા દૂર કરવામાં સહાયરૂપ બને તે સર્વ યંત્રો મહાત્મા ગાંધીને આવકાર્ય હતાં.

આ ‘દરિદ્રનારાયણ’ બોલ ગાંધીજીને સ્વામી વિવેકાનંદ પાસેથી સાંપડયો હતો. ઠાકુર શ્રીરામકૃષ્ણની અને એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદની પાસેથી મહાત્મા ગાંધીજીએ અનેક બાબતો અંગીકાર કરી હતી. સર્વધર્મસમભાવ, સર્વધર્મ સ્વીકાર, દરિદ્રનારાયણની સેવા ઈત્યાદિ બાબતોમાં ગાંધીજી ઠાકુરના વારસદાર હતા. દરિદ્રનારાયણની સેવામાં, કોઈના પણ શોષણ વિના જે યંત્ર, જે ટેકનોલોજી ઉપયોગી થાય તે સર્વ ગાંધીજીને સ્વીકાર્ય હતી.

આપણે સૌને દુર્ભાગ્યે સ્વામી વિવેકાનંદ પૂરા ચાર દાયકા વ્યતીત કર્યા પહેલાં મહાસમાધિમાં સરી પડયા હતા. સ્વામીજીના સમગ્ર લખાણમાં ‘ટેકનોલોજી’ શબ્દ ક્યાંય જોવા મળતો નથી. એ શબ્દ એમના જીવનકાળ સુધી, ઓગણીસમી સદીના અંત સુધી, આજના જેટલો પ્રચારિત બન્યો ન હતો. પરંતુ, યંત્ર વિદ્યાની, ટેકનોલોજીની, હરણ ફાળના સ્વામીજી સાક્ષી હતા અને તે જમાનાના મોટા ભાગના ભારતીયોની સરખામણીએ, સ્વામીજીનું ટેકનોલોજી દર્શન વધારે નિકટનું હતું. મુંબઈથી સ્ટીમરમાં બેસીને તેઓ અમેરિકા ગયા હતા. માર્ગમાં જાપાનમાં થોડું રોકાઈ, જાપાનની પ્રગતિથી સ્વામીજી પ્રભાવિત થયા હતા. એ પ્રગતિનું મુખ્ય કારણ જાપાને અપનાવેલી ટેકનોલોજી હતી. અને, અમેરિકા લાંગર્યા પછી, શિકાગો પહોંચી, ત્યાંના પ્રદર્શનમાંનું ટેકનોલોજીનું પ્રદાન અંજાવી દે તેવું હતું. અને સ્વામીજી એથી પ્રભાવિત પણ થયા હતા.

કોઈ જ યંત્ર – કે યંત્રવિદ્યા, ટેકનોલોજી – માનવીનું દુશ્મન નથી. એનો ઉપયોગ જે રીતે કરવામાં આવે છે તે એને મનુષ્યનું મિત્ર કે શત્રુ બનાવે છે. સાદામાં સાદી સોય સીવણના કામમાં આવે છે પણ કોઈ હાથમાં કે પગમાં એ ઘોંચવામાં આવેતો એ લોહી કાઢે છે. છરી શાક સમારવાનું ઉપયોગી સાધન છે. એના વડે પેન્સિલ પણ છોલી શકાય છે. અને એ જ છરીને કોઈને ગળે ફેરવી કે કોઈના પેટમાં ઘોંચી જીવલેણ હથિયારમાં પરિવર્તિત કરી શકાય છે. ટ્રેકટર હળના કરતાં કેટલી ઝડપથી અને કેટલું ઊંડેરું ખેતર ખેડી શકે છે તેની વાત કોઈ રવિશંકર મહારાજને કરતું હતું. મહારાજે સવાલ કર્યો : ‘ટ્રેકટર બળદની જેમ પોદળો કરી ખેતરને ખાતર પૂરું પાડી શકે છે?’ ટેકનોલોજીની આ મર્યાદા છે, ટેકનોલોજીની બીજી ને મોટી મર્યાદા છે ઉત્પાદનની અધિકતાની. બાબરા ભૂતની માફક યંત્રને નવરું બેસાડી શકાતું નથી. ઉત્પાદન અધિક અને અધિકતર બનતું જ રહે છે, પછી એ ઉત્પાદનને ઠેકાણે પાડવા માટે બજારો શોધવાં પડે છે.

આ ‘બજારની શોધ’ ટેકનોલોજીની જીવનદોરી ગણાય છે પણ એ ટેકનોલોજીની મોટી નિર્બળતા છે. ઓગણીસમી સદીમાં પોતાની ટેકનોલોજીને આગળ વધારવા માટે બ્રિટિશ રાજ્યે ભારતની હસ્તોદ્યોગની પરંપરાનો નાશ કર્યો હતો. તેને હિંદના દાદા, દાદાભાઈ નવરોજીએ, ‘ભારતની ગરીબાઈ અને ભારતમાંના અનબ્રિટિશ રુલ’ નામના પ્રખ્યાત પુસ્તકમાં સરસ રીતે ચીંધી બતાવેલ છે, સને ૧૯૧૪-૧૯૧૮નું પહેલું વિશ્વયુદ્ધ આરંભાયું તે પછી બ્રિટનથી આવતી કાપડની આયાત એકદમ ઘટી જતાં, ભારતમાં કાપડની અછત ઊભી થઈ ત્યારે, પૂજ્ય શ્રીસારદામાએ રેંટિયાને યાદ કર્યો હતો.

ટેકનોલોજીની સહાયથી થતું અમર્યાદ ઉત્પાદન બજાર પર આધિપત્ય જાળવી રાખવા માટે સામદામભેદદંડ – બધાં સાધનોનો ઉપયોગ કરે છે. સ્વામી વિવેકાનંદને ટેકનોલોજી માન્ય હતી પણ એના નિભાવ અને એના વિસ્તાર માટે આવાં, શોષણખોર સાધનો અને માર્ગો માન્ય ન હતાં. ઉત્પાદનની અતિશયતા વિષચક્ર દડતું મૂકે છે : કારખાનામાં મોટે પાયે પેદાશ કરવા માટે કાચા માલની, ને તે પણ સસ્તા કાચા માલની આવશ્યકતા રહે છે. આ મેળવવા માટે યુરોપીય દેશોએ એશિયાના અને આફ્રિકાના દેશોનું અને ઉત્તર અમેરિકાએ દક્ષિણ અમેરિકાના દેશોનું શોષણ કર્યું છે. તેલનું વધારેમાં વધારે ઉત્પાદન ભલે મુસ્લિમ દેશોમાં થતું હોય, તેના ઉપરનું આધિપત્ય મુખ્યત્વે ઈંગ્લેન્ડનું અને અમેરિકાનું છે. ટેકનોલોજીનો એ પ્રકારનો, એકાધિકાર (મોનોપોલી)નો ઉપયોગ સ્વામીજીને કદી જ સ્વીકાર્ય બનત નહીં. ‘બહુજન હિતાય’ અને ‘બહુજન સુખાય’ કરતાં પણ સ્વામીજીનું દર્શન ક્યાંય વિશાળતર અને ક્યાંય ઉદારતર હતું. ‘સર્વજન હિતાય’ અને ‘સર્વજન સુખાય’ હોય તેવી જ ટેકનોલોજી સ્વામીજીને સ્વીકાર્ય બને. કોઈને જરા સરખું પણ નુકસાન પહોંચાડે તેવી ટેકનોલોજી સ્વામીજીને સ્વીકાર્ય ન જ હોય.

‘સર્વજનહિત’નો આ વારસો સ્વામીજીને પોતાના ગુરુ પાસેથી સાંપડયો હતો. ઠાકુર શ્રીરામકૃષ્ણને બધા ધર્મો સ્વીકાર્ય હતા તેમ એમને સમગ્ર માનવજાતનું હિત સ્વીકાર્ય હતું. પ્રજાના કોઈપણ વર્ગના લોકોનું અહિત કરે તેવી ટેકનોલોજી એમના પટ્ટશિષ્ય, સ્વામી વિવેકાનંદને કેવી રીતે સ્વીકાર્ય બને?

સ્વામીજીનો પ્રવૃત્તિકાળ ૧૮૯૩ના સપ્ટેમ્બરથી ૧૯૦૨ના જુલાઈના આરંભ સુધીનો, પૂરાં નવ વર્ષોનો પણ ન હતો. સને ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે, શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં એમણે આપેલા પોતાના પહેલા પ્રવચનથી એમના પ્રવૃત્તિશીલ જીવનનો આરંભ થયો. એમનું મુખ્ય જીવનકાર્ય ધર્મપ્રચારનું હતું. પણ એ ધર્મપ્રચારના ક્ષેત્રમાં દરિદ્રનારાયણની સેવા, અભણ નારાયણની સેવા… એવાં બીજાં કેટલાંય ક્ષેત્રો આવી જતાં હતાં. દુર્ભાગ્યે, પૂરા ચાર દાયકાનું જીવન પણ સ્વામીજીના ભાગ્યમાં ન હતું.

એથી ઊલટું, ગાંધીજી સ્વામીજી જીવ્યા હતા તેથી બમણી લંબાઈનું જીવન જીવ્યા હતા. સ્વામીજી સમક્ષ આધ્યાત્મિક ઉન્નતિનું ધ્યેય હતું. અને તેની સાથે જીવનનાં બીજાં બધાં ક્ષેત્રોમાં દેશની પ્રગતિ તેઓ ચાહતા હતા. ગાંધીજીનું ધ્યેય દેશની આઝાદીનું હતું પણ તે સત્યને, ન્યાયને, નીતિને, અહિંસાને જ માર્ગે. એ માર્ગને આધ્યાત્મિક જ કહી શકાય. સને ૧૯૦૨માં પંજાબમાં અને બીજાં કેટલાંક સ્થળોએ હિંસા થઈ અને ગાંધીજીએ તરત જ સત્યાગ્રહને મોકૂફ રાખ્યો અને એકવીસ દહાડાના ઉપવાસ કર્યા. પછી એમણે રેંટિયો અપનાવ્યો. સ્વામીજીના ભાગ્યમાં એટલું લાંબું આવરદા ન હતું, દક્ષિણ આફ્રિકાથી દેશમાંના ગાંધીજીના પુનરાગમન પછીથી જે કંઈ દેશમાં પરિવર્તનો આવ્યાં તે જોવાનું એમના ભાગ્યમાં ન હતું. બંગ ભંગ પછીના કાળમાં, આખા દેશમાં પણ વિશેષે કરીને બંગાળમાં, જે પરિસ્થિતિ નિર્માણ થઈ હતી તેનાં સાક્ષી એવાં પૂજ્ય શ્રી સારદા મા બોલી ઊઠયાં હતાં કે, ‘આજે મારો નરેન હોત તો એ પણ જેલમાં હોત.’ પૂજ્ય શ્રીમાના જેટલું નરેનને ઓળખનાર બીજું કોણ હતું? ટેકનોલોજીનું આક્રમણ પૂજ્ય શ્રી માએ આવકાર્યું ન જ હોત પણ, તેનાં સારાં પાસાંઓને તેમણે આવકાર્યાં જ હોત અને કહ્યું હોત કે, ‘આજે મારો નરેન હોત તો, આ ટેકનોલોજીને માનવીય બનાવીને તેનો સ્વીકાર કરત.’

જે ટેકનોલોજી મનુષ્યની પ્રગતિમાં આટલી સહાયરૂપ બને તેનો બહિષ્કાર કરવા જેવી વિચારણા સ્વામીજીની ન હતી. પોતાના ઘરનાં બધાં બારીબારણાં ખુલ્લાં રાખી, દરેક દિશાએથી આવતા મધુર પવનને સ્વામીજીએ આવકાર્યો જ હોત. સ્વામીજી સંકુચિત વિચારણાના માનવી ન હતા. ટેકનોલોજીને સ્વામીજી આવકાર જ આપત પણ તે એના શોષિકા ડાકિનીના રૂપમાં નહીં જ. મનુષ્ય હિતને પોષક તેની સાત્ત્વિક ટેકનોલોજીને સ્વામીજીએ વધાવી જ હોત.

Total Views: 25

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.