નવા નવા યુગ પ્રમાણે નવી જ્ઞાનની વિકસતી અને વિસ્તૃત માહિતી તેમજ તેને વિદ્યાર્થીજગત સુધી પહોંચાડવાનાં ભિન્ન ભિન્ન ઉપકરણોનો વિકાસ આજના શિક્ષણજગત માટે થઈ રહ્યો છે. એટલે જ શિક્ષકે દેશકાળ અને સમાજ પ્રમાણે, ભૌગોલિક પરિસ્થિતિઓને ખ્યાલમાં રાખીને હંમેશાં ભિન્ન ભિન્ન પ્રકારની શિક્ષણ પ્રણાલીઓ અપનાવવી પડે છે. એટલે કે શિક્ષકે હંમેશાં મનની બારી ઉઘાડી રાખીને પરિવર્તનશીલ બનવું પડે અને પ્રયોગખોર પણ બનવું પડે. આપણા આજના નવા યુગમાં શિક્ષણની કેટલીક વિશિષ્ટતાઓ છે :

સાર્વત્રિક શિક્ષણના ક્ષેત્રે યુરોપ અને અમેરિકાના જેવા વિકસિત દેશોએ આટલું તો આપણી સમક્ષ મૂક્યું છે કે પ્રાથમિક શિક્ષણ બધાં ઘર સુધી પહોંચાડવું શક્ય છે અને સૌ કોઈને સાક્ષર બનાવવા એટલે કે લખતાં-વાંચતાં-ગણતાં કરવા એ અશક્ય તો છે જ નહિ.

આજે સ્પેશ્યેલાઈઝેશન એટલે કે વિશેષ ક્ષેત્રીય જ્ઞાનનો જમાનો છે; એટલે જ શિક્ષણ આજે શિક્ષકો માટે એક મોટા પડકાર રૂપ બની ગયું છે.

આજનો જમાનો પડકારોને પડકારવાનો છે એટલે કે નિત્ય નવા અને સતત બદલતા પ્રવાહો સાથે આપણા મનને પણ તૈયાર રાખવું પડે એવું છે. એનું કારણ એ છે કે આજે જે કંઈ મેળવીએ છીએ તે કાલે કદાચ ભૂતકાળનું, નિરર્થક જ્ઞાન બની જવાની પણ શક્યતા છે. એમાંય ખાસ કરીને ભૌતિક વિજ્ઞાનના વિષયોમાં આ વધારે પરિવર્તનશીલ બની રહ્યું છે. એટલે જ શિક્ષકે જ્ઞાનમાહિતી વિદ્યાર્થીમાં સંપ્રસારિત જ કરવાની નથી પણ એમનેે અન્વેષક દૃષ્ટિવાળા બનાવવાના છે. એટલે વિદ્યાર્થીઓ પણ આ સતત પરિવર્તન પામતાં જ્ઞાનમાહિતી સાથે કદમતાલ મીલાવી શકે. ટૂંકમાં કહીએ તો શિક્ષકોએ માત્ર તત્કાલીન જ્ઞાનના જ્ઞાતા ઊભા કરવાના નથી પરંતુ એને બદલે જીવનભર શીખતા રહેતા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે.

સારા શિક્ષક કેમ બનવું?

સૌ પ્રથમ તો સારા શિક્ષક બનવા માટે તમે જે જે શિક્ષકોના સંપર્ક-સંબંધમાં આવ્યા હો અને એના દ્વારા જ્ઞાન અને જ્ઞાનોપાર્જનની પ્રેરણા તમારામાં કેવી રીતે જાગૃત થઈ એ શિક્ષકોએ આ પ્રેરણા જાગ્રત કરવાના કયા કયા ઉપાયો યોજ્યા એ વિશે તમારે વિચારી લેવું જોઈએ.

બીજું, શિક્ષકમાં પોતાની જ્ઞાનવૃદ્ધિ કરવા અને આત્મવિકાસ કરવા માટેની ઉત્કટતા હોવી જોઈએ. કબીરની ભાષામાં વાત કરીએ તો નિંદકો પાસેથી પણ સારી વાત પકડવાની રહે છે. સામાન્ય રીતે કોઈ પણ શિક્ષક શીખવવામાં પ્રભાવક છે કે નહિ એ જાણવા એને માટે ઘણા લાંબા સમયની રાહ જોવી પડે છે.

કોઈ શિક્ષક સૈદ્ધાંતિક રીતે વધારે આકર્ષક હોઈ શકે પણ એ અસરકારક બને છે કે કેમ એ વધારે મહત્ત્વનું છે. શિક્ષકે અભ્યાસક્રમ શરૂ થાય તે પહેલાં એના મનમાં આટલી વાત તો સ્પષ્ટ કરવી જોઈએ કે મારા વિદ્યાર્થીઓ પાઠ્યક્રમ પૂરો થયા પછી કેટલાં જ્ઞાનમાહિતી મેળવશે. તદુપરાંત એણે એ પણ ખ્યાલમાં રાખવું જોઈએ કે આવતાં ૫-૧૦ વર્ષ પછી આ જ્ઞાન એને કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગી નીવડશે.

દરેક શિક્ષકે એક સારા વાચક અને શીખનાર બનવું જોઈએ. એટલે જ એમણે અસરકારક રીતે શીખવાની ટેવો કેળવવી પડે. સ્વામી વિવેકાનંદ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાની જાતને સ્વયં કેળવવાની છે. શિક્ષક તો કેળવણીના માર્ગની અડચણોને દૂર કરી શકે અને આમ તે પરોક્ષ રીતે માર્ગદર્શક બની શકે છે. એટલે જ બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ તેમની પોતાની શીખવા માટેની ઉત્કટતા એમના શિક્ષણ માટે  નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

માતપિતા પ્રથમ શિક્ષક

માબાપ પાસેથી કોઈ પણ બાળક શિક્ષણના પ્રથમ પાઠ શીખે છે. એટલે જ તેઓ જેટલું વધું સારું કરે તેટલું બાળકનું શિક્ષણભાવિ ઊજળું બને. ઘરમાં માતપિતા અને બીજા સભ્યો પાસેથી કોઈ પણ જાતના પ્રત્યક્ષ પ્રયાસો વિના ભાષા બોલતાં શીખે છે એ જ રીતે એ બીજી ઘણી બાબતો ઘરના પર્યાવરણમાંથી શીખતો રહે છે. એટલે જ ઘર અને માતપિતાએ વધારે જાગ્રત રહેવાની જરૂર છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં બાળ શિક્ષણ પર થયેલ સંશોધનો બતાવે છે કે ૩ વર્ષની ઉંમર સુધીમાં જે બાળકને બૌદ્ધિક પ્રેરણા વધારે મળી હોય તેને શાળા કે બહાર જ્ઞાન મેળવવામાં બીજાઓ કરતાં વધારે ત્વરિતતા અને રસ હોય છે.

શાળા જ્યારે ઔપચારિક શિક્ષણની જવાબદારી સ્વીકારે છે ત્યારે પણ માબાપનો પ્રભાવ તો યથાવત્ ચાલુ જ રહેવાનો અને એના વ્યક્તિત્વ પર એની છાપ પડવાની જ. શાળાના ઔપચારિક શિક્ષણ વખતે પોતાના સહાધ્યાયીઓ સાથે સામૂહિક રીતે શીખવાની પદ્ધતિ અપનાવે છે. જો શિક્ષક શાણો અને જાગ્રત હોય તો વધુ જ્ઞાનવાળા અને તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા એનાથી ઓછી જ્ઞાન અને શીખવાની વૃત્તિ ધરાવનારાને શીખવવા પ્રોત્સાહિત કરી શકે. આનાથી શીખવનાર વિદ્યાર્થીને ફાયદો થવાનો જ છે, શીખનારને સહાધ્યાયીઓ પાસેથી જ્ઞાનપ્રાપ્તિ કરવી સરળ અને સહજ બની રહેશે. શિક્ષકનો કાર્યબોજ પણ હળવો થાય.

શિક્ષકે આ માટે જાગૃત રહેવું જોઈએ કે મોટી ઉંમરના લોકોની શીખવાની પદ્ધતિ અને બાળકની શીખવાની પદ્ધતિ ભિન્ન હોય છે. બંનેનો જગતને જોવાનો દૃષ્ટિકોણ પણ અલગ હોય છે. શિક્ષકે પોતાની જાતને બાળકની કક્ષાએ મૂકીને કેવી રીતે શીખવવું જોઈએ એની જાણ મેળવીને શિક્ષણ આપવું જોઈએ.

સ્વામી વિવેકાનંદ કહેતા કે એમના ગુરુ શ્રીરામકૃષ્ણદેવ પાસે એક એવી શીખવવાની અદ્ભુત કળા હતી કે એ જાણે શીખનારના મનની કક્ષાએ જઈને એની યોગ્યતા પ્રમાણે, એના સ્તર પ્રમાણે ઉપદેશ કે શિક્ષણ આપી શકતા.

પાઠ્યક્રમનો પ્રારંભ કેવી રીતે કરવો?

પહેલો પાઠ ભણાવવામાં તમે જે પ્રભાવ પાડ્યો તે એમ ને એમ જળવાઈ રહેવાનો. વિદ્યાર્થી જે તે પાઠ્યક્રમ શા માટે ભણે છે અને એ એને ભવિષ્યમાં કેટલું ઉપયોગી નીવડશે એની પૂરેપૂરી માહિતી આપવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમમાં રસ જળવાઈ રહે છે. 

ઘણા લોકો તેઓ શું કરે છે તે સરળતાથી સમજાવી શકે છે, કેટલાક એવા પણ હોય છે કે જે તે કેવી રીતે કરે છે એ સામાને ગળે ઉતારી શકે છે, પણ ગણ્યાગાઠ્યા માણસો તેઓ શા માટે તે કરી રહ્યા છે એના પૂરેપૂરા જાણકાર હોય છે. જે વ્યક્તિ કે શિક્ષક આ ‘શા માટે શીખીએ છીએ કે શીખવીએ છીએ’ એનો સંતોષકારક જવાબ આપી શકે તે પ્રભાવક વિદ્યાર્થી કે શિક્ષક બની શકે અને જીવનમાં પોતાની બૌદ્ધિક શક્તિથી સફળતા પણ મેળવે છે.

શિક્ષકે શિક્ષણના જે તે વિષયમાં રસરુચિ તો જગાડવાનાં છે જ; પણ સાથે ને સાથે એને અભ્યાસમાં સમસ્યાઓનો ઉકેલ શોધવાના પડકારો આપીને એને વધુ ને વધુ રસરુચિ કેળવતો કરવાનો છે. આને લીધે વર્ગશિક્ષણ પછી પણ વિદ્યાર્થી વધુ ને વધુ શીખવા ઈંતેજારી કેળવે છે. 

અભ્યાસક્રમના આયોજનનું મહત્ત્વ

કોઈ પણ પ્રકારનું શિક્ષણકાર્ય શરૂ થાય તે પહેલાં શિક્ષકે વર્ષ કે સમયના અંતે વિદ્યાર્થી શું અને કેટલું શીખશે એનું સ્પષ્ટ ચિત્ર આયોજન દ્વારા કરવું જોઈએ. વિદ્યાર્થીઓને શું શીખવવા ઇચ્છો છો, કેવી રીતે શીખવવા ઇચ્છો છો, એ શીખવવાની પ્રક્રિયામાં ક્યારે કેવી કેવી સમસ્યાઓ આવશે અને એ સમસ્યાઓનો સરળ અને સહજ ઉકેલ કેવી રીતે શોધવો એની પદ્ધતિની જાણ અને તેનું આયોજન શિક્ષક પાસે પહેલેથી જ હોવું જોઈએ. આમાં ક્યાંય સંદિગ્ધતાને અવકાશ રહેતો નથી.

 નક્કી કરેલા સમયગાળામાં અભ્યાસક્રમને કેટલા વિભાગમાં વહેંચવો જોઈએ જેથી વિદ્યાર્થી એ સમયગાળામાં શિસ્તબદ્ધ રીતે શીખી શકે અને સમજી શકે – આની એક ઝલક કે રૂપરેખા પહેલેથી જ આપવાથી વિદ્યાર્થી આખા અભ્યાસક્રમ માટે માનસિક રીતે તૈયાર થઈ જાય છે. નવા પડકારો માટે વિદ્યાર્થીને શિક્ષકે તૈયાર કરવાના તો છે પણ એના પર અણચિંતવ્યા પાઠ્યક્રમનો ભાર ન આવી જાય તે પણ જોવું જોઈએ.

પાઠ્યક્રમના આયોજનની રૂપરેખા

(૧) કોઈ પણ અભ્યાસક્રમ શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થીઓ શું શીખશે અને ક્યારે પૂરું થશે એ શિક્ષકે જાણી લેવું અને એ અંગે વિદ્યાર્થીઓને જાગ્રત કરવા.

(૨) અભ્યાસક્રમને આ રીતે એકમોમાં વહેંચવો: 

* શિક્ષકો તો અભ્યાસક્રમના જાણકાર અને એનાથી સુપરિચિત હોય છે પણ ક્યારેક તેઓ એ ભૂલી જાય છે કે વિદ્યાર્થીઓ માટે આ નવું અને થોડું અજાણ્યા જેવું છે.

* એટલે અભ્યાસક્રમના એકમોને શક્ય તેટલી તાર્કિક રીતે ગોઠવવા જોઈએ. આનો આધાર અભ્યાસક્રમના વિષયવસ્તુ પર રહેલો છે અને શિક્ષકે આવી રીતે શા માટે અભ્યાસક્રમ તૈયાર થયો છે એ પણ વિદ્યાર્થીઓને પૂરેપૂરું સમજાવવું જોઈએ.

* શીખેલ અભ્યાસના વિષયવસ્તુનું પુનરાવલોકન કરવાનો સમય પણ ફાળવવો જોઈએ. આવા પુનરાવર્તનથી શિક્ષકોએ ડરી જવાની જરૂર નથી. દરેક વર્ગ પૂરો થાય ત્યારે જે વિષયવસ્તુ શીખવી છે એને મીતાક્ષરી નોંધ કરીને પાછી સમજાવવી જોઈએ.

* સંશોધનો એમ બતાવે છે કે વિદ્યાર્થીઓ વર્ગના પ્રારંભકાળમાં વધુ શીખે છે. એટલે જ મહત્ત્વના અને થોડા કપરા લાગતા એકમો પહેલાં શીખવવા.

(૩) એક જ વર્ગમાં એકી સમયે વધારે ઠાંસી દેવાનો પ્રયત્ન ન જ કરવો. એનું કારણ એ છે કે જો વિદ્યાર્થીઓ એને ગ્રહણ કે ધારણ કરી શકતા ન હોય તો વધારે શીખવવાથી કંઈ ફાયદો થતો નથી. કપરા લાગતા વિષયો કે વિષયવસ્તુને શીખવવા માટે યોગ્ય અને નવાં નવાં આયોજન અને પદ્ધતિઓ અપનાવવી જોઈએ.

પહેલી વખત તમે શીખવતા હો ત્યારે વિદ્યાર્થીના મનનાં રસરુચિ અને વલણને જાણી લેવાં જરૂરી છે. સાચા શિક્ષકે તો વિદ્યાર્થીઓની દૃષ્ટિએ એમનું શિક્ષણકાર્ય કેવું છે અને એ કેવી સારી રીતે શીખવે છે એ જાણી લેવું જોઈએ. એનું કારણ એ છે કે શિક્ષક અને વિદ્યાર્થીઓનું કાર્ય શ્રેષ્ઠ સફળતા ત્યારે જ મેળવે છે કે જ્યારે બંને એકબીજાની સફળતામાં રાચતા રહે. વિદ્યાર્થી હવે પછીના વર્ગમાં શું શીખશે એ વિશે શિક્ષકે એની એક ઝલક આપી દેવી જોઈએ.

શિક્ષક અને વિદ્યાર્થીના પરસ્પરના સંબંધો

આમ જોઈએ તો શિક્ષણ તો અસમાનતા પર આધારિત છે, એટલે કે એકબાજુએ શીખનારા છે અને બીજી બાજુએ શીખવનાર છે. શીખનાર કરતાં શીખવનાર વધુ જ્ઞાનવાન હોવાનો જ. આ અસમાનતાને ધ્યાનમાં રાખીને શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે સંયમિત અંતરવાળો  સ્નેહસંબંધ રાખવો જોઈએ. જો આવું ન બને તો શિસ્ત પાલનમાં મુશ્કેલીઓ સર્જાવાની. ઘણી વખત વિદ્યાર્થી પ્રત્યેની આ અતિમૈત્રીને કારણે આળસુ અને ધીમે શીખતા વિદ્યાર્થીઓ ન ભણવા માટેનું બહાનુ કાઢીને એ સહાનુભૂતિનો દુરુપયોગ પણ કરી લે. પણ એનો અર્થ એ પણ નથી કે શિક્ષકે પોતાની ભયમુદ્રાથી વર્ગને અભિભૂત કરવાનો છે. એનાથી તો બધું કુંઠિત થઈ જવાનું. અહીં અતિ ઢીલાશ કે મોકળાશ અને અતિ આકરાપણું પણ ન ચાલે; મધ્યમમાર્ગે ચાલવાનું છે.

શિક્ષકે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે શાળામાં શિક્ષકો સાથે મૈત્રી સાધવાની તૈયારી કરવા નથી આવતા. વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનની તરસને છીપવવા વધુ જ્ઞાનવારિ ધરાવતા વ્યક્તિ પાસે આવે છે. એટલે શિક્ષકે પોતાની જાતને અવારનવાર આ પ્રશ્ન પૂછવો જોઈએ : ‘હું વિદ્યાર્થીઓને શીખવા પ્રેરું છું ખરો?’

શિક્ષકને વિદ્યાર્થી પોતાનો આદર્શ ગણી લે અને વીરનાયકની જેમ એને પૂજેભજે એમાં બહુ ખોટું નથી; કારણ કે એના દ્વારા વિદ્યાર્થીને પોતાના વ્યક્તિગત જીવનમાં વિનમ્રતા, આજ્ઞાકારિતા જેવા સદ્ગુણોને કેળવવા સહાયતા મળે છે.

શિક્ષકે આ બાબતોનું બહુ ધ્યાન રાખવું જરૂરી છે. પહેલાં તો એણે વિદ્યાર્થીઓ પ્રત્યેના કોઈ પણ પ્રકારના પક્ષપાતથી દૂર રહેવું જોઈએ. એને કારણે વિદ્યાર્થીઓમાં નિરર્થક ઈર્ષ્યા ઉદ્ભવે છે. બીજું કોઈ વિદ્યાર્થીને એની કોઈ પણ લાક્ષણિકતા માટે વિશેષ પ્રાધાન્ય બીજાની સમક્ષ જાહેર રીતે ન આપો. એને અલગ બોલાવીને એની વિશિષ્ટતા માટે પીઠ થાબડી શકો છો. વ્યક્તિગત રીતે કોઈ વિદ્યાર્થી સાથેના સંબંધો કેળવવા ન જોઈએ. વર્ગમાં શિક્ષક બધાને એક સમાન રીતે જ્ઞાન પીરસવામાં પ્રવૃત્ત રહેવો જોઈએ.

શિક્ષકે પોતાના બધા વિદ્યાર્થીઓમાં રસ દાખવવો જોઈએ. એમનાં નામ જાણવા, એમની ગમા-અણગણાની બાબતમાં, એની સબળતા-નિર્બળતા વિશે યોગ્ય સહાય પણ કરવી જોઈએ.

શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે એવો એક આદર્શ સ્થાપવો જોઈએ કે જે શાળા કે મહાશાળા પછી પણ એ પોતે જ્યારે વ્યાવહારિક જીવનમાં ઊતરે ત્યારે એમની એ છાપ વિદ્યાર્થીઓના માનસપટ પર અમીટ અને અંકિત રહેવી જોઈએ. સમગ્ર જીવન દરમિયાન એમને માટે એ માર્ગદર્શક સ્તંભ જેવો બની રહેવો જોઈએ.

વર્ગખંડની પ્રભાવક વ્યાખ્યાન કળા

કોઈ પણ માહિતી કે જ્ઞાનનું સંપ્રસારણ કરવા વ્યાખ્યાન આપવું એ એક વિશિષ્ટ અને પાયાની કળા છે. આપણે વ્યાખ્યાનકળામાં કઈ કઈ બાબતો અપનાવવી જોઈએ અને કઈ કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ એ વિશે આપણે થોડું જાણી લઈએ.

એક સારું વ્યાખ્યાન માહિતીજ્ઞાન તો આપે છે પણ સાથે ને સાથે એ રસપૂર્ણ રીતે શ્રોતાને જકડી રાખે છે. વિષયના એક કે બે મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને એણે પોતાના વિષયની છણાવટ ઉદ્ધરણો અને ઉદાહરણો દ્વારા કરવી જોઈએ. પોતે ધારેલા મુખ્ય મુદ્દાને શ્રોતાને ગળે ઊતારવાનો વક્તાએ સતત પ્રયત્ન કરવો જોઈએ.  આ કળા કેળવવા એક વક્તા પાસે કે શિક્ષક પાસે વિષય પરનું પૂર્ણ પ્રભુત્વ, વિષયની રજૂઆત માટેનાં આવેશ-જુસ્સો, કટિબદ્ધતા હોવાં જોઈએ.

બોલતી વખતે એની વાણીના પ્રવાહમાં ચડાવ-ઊતાર આવવા જોઈએ; એટલે કે વાણી આરોહ-અવરોહવાળી હોવી જોઈએ. એકધારી, કંટાળાભરેલ શૈલીથી એણે દૂર રહેવું જોઈએ. વળી, વક્તાએ પોતાના વિષયવસ્તુને એક કરતાં વધારે રીતે સમજાવવાની કળા કેળવવી પડે. 

ભલે શિક્ષક કે વ્યાખ્યાતા સતત પ્રવાહમાં પોતાના વિષયવસ્તુને સમજાવતો રહે, રજૂ કરતો રહે, સાથે ને સાથે વિદ્યાર્થીઓને વચ્ચે વચ્ચે વાસ્તવિક જિજ્ઞાસાના સાચા પ્રશ્નો પૂછવાનો અવસર આપવો જોઈએ. આનાથી એણે પોતાના વ્યાખ્યાનમાં ખલેલ પડી એવું ન અનુભવવું જોઈએ; પણ ઉત્તર આપ્યા પછી વિષયવસ્તુના તારને કે દોરને ફરીથી સંભાળી લેવાની કળા એનામાં હોવી જોઈએ.

જ્યારે જ્યારે આવી રીતે વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછાય ત્યારે એનો સીધો પ્રત્યુત્તર આપવાને બદલે શિક્ષક એની સામે પ્રતિપ્રશ્ન પૂછીને વિદ્યાર્થીને વિચારતો કરી મૂકવો જોઈએ અને એની પાસેથી જ બને ત્યાં સુધી ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરવો. એને લીધે બીજા નિરર્થક પ્રશ્નો પૂછાતા બંધ થાય અને પોતે જ પોતાની સમસ્યાઓનો ઉકેલ શોધતો બને છે. 

જો પ્રશ્ન પૂછનાર પોતે જવાબ આપે તો એના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થવાની. વિષય વસ્તુ વિશે વિદ્યાર્થીઓને અવારનવાર પ્રશ્નો પૂછીને એ કેટલું જાણે છે એની ચિંતા કર્યા વિના એ જાણવાનો કેટલો પ્રયાસ કરે છે એના પર વધુ ભાર દેવો જોઈએ અને એને પ્રોત્સાહિત કરવો જોઈએ. વિદ્યાર્થીની ભૂલ માટે જાહેરમાં ઠપકારવો ન જોઈએ. એનાથી એ હતોત્સાહ થઈ જવાનો. 

વિષયવસ્તુ પરના પ્રભુત્વ ઉપરાંત વર્ગખંડમાં તમારી પ્રસ્તુતિ, મનોભાવો, વ્યક્તિત્વ, ઉત્સાહ અને શીખવવાની ઉત્કટતાથી તમે તમારા જ્ઞાનને વધુ પ્રભાવક રીતે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી શકશો અને એને ગ્રહણ કરતા કરી શકશો.

Total Views: 9

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.