૧૮૯૫ના પાછોતરા ભાગમાં યાત્રાએથી પાછા આવ્યા પછી પોતાની બીમારીમાંથી સાજા થવા માટે, સ્વામી ત્રિગુણાતીત ડો. શશીભૂષણ ઘોષને ત્યાં રહ્યા. પછી એ પોતાના તિબ્બત પ્રવાસના અહેવાલો લખવા લાગ્યા; ૧૮૯૫ની બાવીસમી ડિસેમ્બરથી એ લેખો ઈંડિયન મિરરમાં પ્રસિદ્ધ થવા લાગ્યા. 

વેદાંત સાહિત્યનો અભ્યાસ એમણે આદર્યો અને કોલકાતામાં વિવિધ સ્થળોએ ગીતા અને ઉપનિષદોના વર્ગો લેવા લાગ્યા. યુવાનોને નીતિ અને અધ્યાત્મનો બોધ આપવા માટે એમણે ત્રણ કેન્દ્રો ખૂલ્લાં મૂક્યાં. વૈદિક સંસ્કૃતિના અને શ્રીરામકૃષ્ણના સંદેશના પ્રચાર માટે બંગાળી સામયિક પ્રગટ કરવાનો વિચાર પણ એમણે કર્યો. 

૧૮૯૬ના જાન્યુઆરીમાં વિવેકાનંદે એમને અમેરિકાથી લખ્યું કે; ‘સામયિક ચાલુ કરવાનો તારો વિચાર ખૂબ સરસ છે. પૂરા હૃદયથી ને આત્માથી એને વળગી રહે.’ પરંતુ, ૧૮૯૯ સુધી ઉદ્બોધન શરૂ થઈ શક્યું ન હતું.

સ્વામી ત્રિગુણાતીતના કોલકાતા નિવાસ દરમિયાન એમને ભગંદર થયું હતું અને એ માટે શસ્ત્રક્રિયાની જરૂર હતી. બારાનગરના ડો. મતિલાલ મુખર્જીએ સ્વામીને કહ્યું કે, ‘શસ્ત્રક્રિયાને થોડો સમય લાગશે અને એ હશે પણ પીડાદાયક એટલે, આપને નિદ્રાધીન કરવા માટે કલોરોફોર્મ વાપરવું પડશે.’ ડોકટરને કલોરોફોર્મ વગર શસ્ત્રક્રિયા કરવા સ્વામી ત્રિગુણાતીતે કહ્યું અને વિશેષમાં કહ્યું કે, ‘હું પીડા સહન કરી લઈશ.’ સર્જનને ખૂબ નવાઈ લાગી પણ, સ્વામીની વિનંતી અનુસાર વાઢકાપ કરવા એ તૈયાર થયા. છ ઈંચ જેટલી કાપકૂપ કરીને ઓપરેશન કરતાં ડોકટરને અર્ધો કલાક લાગ્યો. સ્વામી ત્રિગુણાતીતના ચહેરામાં સર્જનને અને પરિચારિકાઓને કશો ફેરફાર દેખાયો નહીં – ઊંડા ધ્યાનમાં મગ્ન હોય એટલા એ શાંત હતા.

૧૮૯૭ના જાન્યુઆરીમાં વિવેકાનંદ પશ્ચિમમાંથી પાછા આવ્યા અને મે મહિનામાં કોલકાતામાં રામકૃષ્ણ મિશનની એમણે સ્થાપના કરી. ૧૮૯૮માં બેલુડમાં એક ઘર સાથેનો જમીનનો ટુકડો ખરીદવામાં આવ્યો અને ૧૮૯૯માં મઠને ત્યાં ખસેડાયો. પ્રભાતે ૪.૦૦ વાગ્યે જે સંન્યાસી મંદિરમાં ધ્યાનમાં ન જાય તેણે તે દિવસે મઠની બહારથી ભિક્ષાન્તર માગવું એવો નિયમ સ્વામીજીએ કર્યો હતો. 

એક દિવસ શિવાનંદને અને સ્વામી ત્રિગુણાતીતને મંદિરે પહોંચતાં મોડું થયું એટલે, બંનેને તે દિવસે ભિક્ષાન્ન પર નભવા સ્વામીજીએ કહ્યું. બેલુડ ગામમાંથી ભિક્ષા માગી એ લોકો પાછા આવ્યા ત્યારે, સ્વામીજીએ આનંદપૂર્વક એમાં ભાગ પડાવ્યો હતો. રામકૃષ્ણની આજ્ઞા ઉઠાવતા તે રીતે સંન્યાસી બંધુઓ સ્વામીજીની આજ્ઞાને પણ માન આપતા.

બીજી એક સવારે બેલુડ મઠમાં સ્વામીજી મંદિરમાં ધ્યાન માટે જતા હતા ત્યારે સ્વામી ત્રિગુણાતીતને એમણે ખૂબ તાવમાં પડેલા જોયા. સ્વામીજીએ એમને કહ્યું: ‘ઊભો થઈ જા ને ધ્યાન માટે ચાલ. ધ્યાન કરીશ તો તારો તાવ જતો રહેશે.’ સ્વામી અખંડાનંદ પાસે જ હતા અને એને લાગ્યું કે, સ્વામીજી મજાક કરે છે. પણ સ્વામીજી મજાક કરતા ન હતા! એમણે સ્વામી ત્રિગુણાતીતનો હાથ ઝાલ્યો અને એમને ઠાકુર મંદિરે ઘસડી ગયા. ત્યાં એમણે બે કલાક ધ્યાન કર્યું. ધ્યાનને અંતે સ્વામી ત્રિગુણાતીતનો જ્વર દૂર થઈ ગયો હતો એમ કહેવાય છે.

શ્રીરામકૃષ્ણના સંદેશનો પ્રચાર બંગાળીમાં કરવા માટે સ્વામી ત્રિગુણાતીત ૧૮૯૬માં વિચારતા હતા તે સામયિક શરૂ કરવા સ્વામીજીએ સ્વામી ત્રિગુણાતીતને કહ્યું. જોસેફાઈન મેકલેઓડે આપેલા એક હજાર રૂપિયા તેમણે આપ્યા અને હરમોહન મિત્રે બીજા એક હજારનું દાન કર્યું. આ ફાળાની સહાયથી સ્વામી ત્રિગુણાતીતે છાપખાનું ખરીદ્યું અને ઉદ્બોધનના પ્રકાશનનો આરંભ કર્યો. 

કોલકાતાના કંબુલીટોલિયા લેનમાં બેક ઓરડાઓ સ્વામી ત્રિગુણાતીતે ભાડે રાખ્યા, અને કશા જ અનુભવ વગર એમણે એકલે હાથે સામયિક માટે ખૂબ શ્રમ કર્યો. નિષ્ઠા, ધીરજ, ખંત અને એથી વિશેષે તો, આદર્શ માટેનો પ્રેમ એમની મૂડી હતાં. આરંભમાં એમને કોઈ સાધુ મદદનીશ નહીં હોઈ, સ્વામી ત્રિગુણાતીત તંત્રી, પ્રૂફ તપાસનાર, મેનેજર અને પ્રેસ સુપરવાઈઝર હતા અને બીબાંનવીસ ગેરહાજર હોય ત્યારે, એ બીબાંઓ પણ ગોઠવતા.

જુદા જુદા લેખકો પાસે જઈ લેખો ઉઘરાવવા ઉપરાંત એ ઘેર ઘેર ફરીને લવાજમ પણ ઉઘરાવતા. મૂડી ખૂબ મર્યાદિત હોઈ એ ટ્રામમાં ન જતા; એ રોજ દસ માઈલ ચાલતા જતા, કોઈ ભક્તને ત્યાં એકવાર જમી લેતા અને સવારે ને સાંજે થોડા પૌઆથી ચલાવી લેતા. મધરાત પછીના ૩-૦૦ થી ૪-૦૦ સુધીની એક કલાકની ઊંઘ એ કરતા. નિદ્રા દૂર કરવા માટે આંખો પર એ પાણી છાંટતા અને ઊભે ઊભે જ પ્રૂફ તપાસતા. આ સર્વ ઉપરાંત, પ્રેસનો કોઈ કર્મચારી માંદો પડે તો, એની સારવાર એ કરતા. પોતે માંદા પડે તો, એ ઓઢીને થોડીવાર સૂઈ જતા ને પછી, સવારથી પોતાને કામે લાગતા.

આમ ૧૮૯૯માં એ દ્વૈમાસિક (પછીથી એ માસિક થયેલું તે) અસ્તિત્વમાં આવ્યું. સ્વામીજીએ એને ઉદ્બોધન નામ આપ્યું. સ્વામીજીના એક શિષ્ય શરતચંદ્ર ચક્રવર્તીએ, સ્વામી વિવેકાનંદ સાથેના વાર્તાલાપોમાં નીચે પ્રમાણે વિગતો નોંધી છે:

શિષ્ય: ‘મહાશય, સ્વામી ત્રિગુણાતીત સામયિક માટે કરે છે એટલું કામ કરવું બીજા કોઈ માટે અશક્ય છે.’

સ્વામીજી: ‘ઝાડ નીચે ધૂણી લગાવીને માત્ર ધ્યાનમાં બેસવા માટે જ શું શ્રીરામકૃષ્ણનાં સંન્યાસી બાળકો અવતર્યા છે એમ તને લાગે છે? એ લોકો કંઈ પણ કામ ઉપાડશે ત્યારે, એમની શક્તિ જોઈને લોકો અચરજ પામશે. કામ કેમ કરવું તે એમની પાસેથી શીખ. તું જો કે, મારી આજ્ઞાથી સ્વામી ત્રિગુણાતીતે પોતાની આધ્યાત્મિક સાધના, પોતાનું ધ્યાન અને બધું જ છોડી દીધું છે અને એ કામે લાગી ગયો છે. એ તે શું નાનો ત્યાગ છે? સફળતા વિના એ અટકશે નહીં.’

શિષ્ય: ‘પરંતુ, મહાશય, ભગવાં પહેરેલા સંન્યાસીઓ આમ સામયિક, અર્થ વિ. માટે ઘેર ઘેર જાય એ વિચિત્ર લાગે છે.’

સ્વામીજી: ‘શા માટે? સામયિકનો ફેલાવો સંસારીઓના હિત માટે તો છે. દેશમાં આ નવા વિચારોના પ્રચારથી લાભ લોકોને થવાનો છે, તને એમ લાગે છે કે આ નિ:સ્વાર્થ કાર્ય ભક્તિ-સાધના કરતાં નાનું છે? અમારો હેતુ છે જનકલ્યાણનો.’

શિષ્ય: ‘મહાશય, તે દિવસે છાપખાનામાં મેં જોયું કે સ્વામી ત્રિગુણાતીતે શ્રીરામકૃષ્ણના ફોટોગ્રાફની પૂજા કર્યા પછી કાર્યનો આરંભ કર્યો હતો અને પોતાના કાર્યની સફળતા માટે આપના આશીર્વાદ માગ્યા હતા.’

સ્વામીજી: ‘અરે, ઠાકુર તો અમારું કેન્દ્ર છે. અમારામાંનો દરેક જણ એ પ્રકાશ કેન્દ્રનું કિરણ છે. એટલે, ઠાકુરની પૂજાથી સ્વામી ત્રિગુણાતીતે કરેલો આરંભ પૂરેપૂરો યોગ્ય છે… તું ત્યાં જા ત્યારે એને કહેજે કે એના કાર્યથી મને ખૂબ રાજીપો થયો છે. એને મારા પ્રેમભર્યા આશિષ કહેજે.’

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.