આનંદ

જુઓ ભાઈ, દિવ્યાનંદની આ દુનિયામાં મળતાં બીજા કોઈ આનંદ સાથે તુલના ન કરી શકાય. એ તો વર્ણનાતીત છે. દુન્યવી સુખ કે આનંદ એ તો માયામાંથી ઉદ્ભવે છે. ચાલવું, સ્વપ્ન સેવવું અને સ્વપ્નહીન ગાઢ નિદ્રા – આ ત્રણ અવસ્થામાં માયા કાર્ય કરે છે. 

આ ત્રણ અવસ્થા ઉપરાંત પણ એક બીજી અવસ્થા છે અને એ છે તુરીય. અહીં પહોંચવું અત્યંત કઠિન છે. આ તુરીય અવસ્થાનો આનંદ માયામુક્ત હોય છે, માયામાંનો આનંદ કેવો મીઠો, મજાનો હોય છે તે તમે જાણો છો. 

સામાન્ય લોકો એનાથી રાજી રાજી થઈ જાય છે. તેઓ એક પળ માટે પણ આટલું નથી વિચારી શકતા કે જેમની માયા આટલી મજાની મીઠી છે, તેવા ઈશ્વર એનાથી કેટલા વધુ મધુર અને આનંદમય હશે!

દિવ્યાનંદ સિવાય આ દુનિયામાં બીજું કંઈ મૂલ્યવાન નથી. લોકો શા માટે ધન, સંપત્તિ, પત્ની, સંતાનો ઇચ્છે છે, એ તમે જાણો છો? એનું કારણ એ છે કે એ બધાંમાંથી એમને શારીરિક અને માનસિક સુખ કે આનંદ મળશે, એમ તેઓ ધારે છે. એટલે જ એ બધાં માટે તેઓ દિવસરાત કામ કરવા તૈયાર રહે છે. જો આવા લોકો પોતાની આ શક્તિને ઈશ્વર તરફ વાળે તો તેમને આ ક્ષણિક દુન્યવી સુખોને બદલે શાશ્વત આનંદ એટલે કે સચ્ચિદાનંદનો આનંદ પ્રાપ્ત થાય છે.

માયા પોતે ચાલક રૂપે કાર્ય કરે છે.. તે માનવના મનમાં ઇચ્છાનાં મોજાં ઊભાં કરે છે અને તેને એ શાંત કરવાનું ગમતું નથી. જે માયાના બંધનમાં બંધાતો નથી, એવા આત્માની સંભાળ તો ઈશ્વર લે છે. જ્યારે ઈશ્વર માનવને માર્ગદર્શન આપે છે ત્યારે માનવના મનમાં સુખ, શાંતિ અને આનંદનો અવિરત અને અવરુદ્ધ પ્રવાહ વહે છે. એ વખતે ત્યાં વિચારનું એકેય મોજું ઉદ્ભવતું નથી, ત્યારે કોઈ પણ માનવ એ અગાધ, તરંગવિહિન સચ્ચિદાનંદ સાગરમાં ભળીને એક બની જાય છે.

‘મારા’નો વિચાર કે ભાવ દુ:ખ ઊભું કરે છે. જ્યારે ‘સાચા હું’ એટલે કે ઉચ્ચતર આત્માનો વિચાર દિવ્યાનંદ લાવે છે.

બ્રહ્મ

બિહારીલાલ સરકાર: ‘મહારાજ, શાસ્ત્રોમાં કહ્યું છે કે બ્રહ્મ તો માનવના હૃદયમાં રહેલો છે. એનો અર્થ શું?’

સ્વામી અદ્ભુતાનંદ: ‘આ તો અલંકારયુક્ત ભાષા છે, જો કે શાસ્ત્રોએ એ રીતે બ્રહ્મને વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે છતાં પણ બ્રહ્મના સત્યને શબ્દોમાં આવરી શકાય નહિ. બ્રહ્મ તો સર્વત્ર છે. એમાં ક્યાંય અંદર કે બહાર, ઉચ્ચ કે નીચ, પૂર્વ કે પશ્ચિમ નથી. તે એક જ છે અને દરેકેદરેક પદાર્થમાં રહેલ છે. બ્રહ્મ સર્વવ્યાપી, અસીમ અને શાશ્વત છે. બ્રહ્મને વર્ણવવા માટે વિવિધ પ્રયાસો થયા છે. પણ જે વિચાર કે બુદ્ધિથી પર છે, તેને ભાષામાં ખરેખર વર્ણવી ન શકાય. તે સર્વમાં છે અને વળી સર્વથી પાર પણ છે.’

સત્ય તો એક જ છે અને તે છે બ્રહ્મ. બ્રહ્મ એક માત્ર જ સત્ છે અને બાકી બીજું અસત્ છે. તમારા મન પર આ વિચારોને અવારનવાર લાવતા રહો અને ક્રમશ: સાચો વિવેક એની મેળે જાગી જશે.

Total Views: 15

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.