તમામ ધર્મો તેમજ કાર્ય અને ઉપાસનાની સર્વ રીતો આપણને એક જ લક્ષ્ય તરફ દોરી જાય છે.

એ લક્ષ્ય હું સમજું છું તે પ્રમાણે સ્વાધીનતા છે. આપણી આસપાસ જે કાંઈ આપણે જોઈએ છીએ તે સર્વ અણુથી માંડીને માનવ સુધીનાં, જીવનહીન – ચેતના-હીન જડ પદાર્થથી માંડીને પૃથ્વી પરની ઊંચામાં ઊંચી સૃષ્ટિ માનવ આત્મા સુધીનાં, સર્વે મુક્તિ માટે મથે છે. હકીકતે જોઈએ તો આ સમગ્ર વિશ્વ આ સ્વાધીનતા માટેના સંઘર્ષનું પરિણામ છે. અખિલ બ્રહ્માંડમાં દરેક કણ પોતાને માર્ગે જવાનો પ્રયાસ કરે છે, અન્ય કણથી જુદો પડવાનો પ્રયાસ કરે છે; પણ અન્ય કણો એને નિયમનમાં રાખે છે. આપણી પૃથ્વી સૂર્યથી જુદી પડવાનો, અને ચંદ્ર પૃથ્વીથી જુદા પડવાનો પ્રયાસ કરે છે. દરેક વસ્તુ સ્વતંત્ર થવાની વૃત્તિ ધરાવે છે. આપણે જે કાંઈ આ વિશ્વમાં જોઈએ છીએ તેના પાયામાં સ્વાધીનતા તરફની સતત મથામણ દેખાય છે. આ વૃત્તિથી પ્રેરાઈને જ સંતપુરુષ પ્રાર્થના કરે છે અને લૂંટારા લૂંટ કરે છે. આપણે અંગીકાર કરેલી કાર્ય પદ્ધતિ યોગ્ય ન હોય તો તે અશુભ કહેવાય. જ્યારે તેની ક્રિયા યોગ્ય અને ઉચ્ચ હોય ત્યારે તે શુભ કહેવાય છે. પણ આ વૃત્તિ એક જ હોય છે – સ્વાધીનતા માટેનો સંઘર્ષ. સંતપુરુષ પોતાની બંધનભરી સ્થિતિના ભાનથી પીડાય છે અને તેથી એ તેનો ત્યાગ કરવા મથે છે, માટે એ ઈશ્વરની ઉપાસના કરે છે. ચોર પોતાની પાસે અમુક વસ્તુઓ નથી એવા વિચારથી પીડાય છે, એ ઊણપને પૂરી કરવા તે મથે છે, એ ઊણપમાંથી મુક્તિ મેળવવા મથે છે; માટે એ ચોરી કરે છે. સ્વાધીનતા એ જ જડ કે ચેતન સર્વ પ્રકૃતિનું એક લક્ષ્ય છે; અને જાણ્યે કે અજાણ્યે સર્વ આ લક્ષ્ય માટે વિગ્રહ વહોરે છે. સંતપુરુષ ઇચ્છે છે તેના કરતાં ચોરનો સ્વાધીનતાનો પ્રકાર સાવ જુદો છે; સંત જે સ્વાધીનતા માગે છે તે વડે તે અનંત, અનિર્વચનીય આનંદ તરફ જાય છે, જ્યારે લૂંટારાની લગની એના આત્માનાં બીજાં બંધનો ઘડે છે.

સ્વાધીનતા ભણીનો સંઘર્ષ તમામ ધર્મોમાં જોવા મળે છે. માણસ જડ દેહ જ છે, એ વિચારને છોડવો એ નીતિ અને નિ:સ્વાર્થવૃત્તિનો પાયો છે. એક જણને આપણે સારું કામ કરતો જોઈએ, બીજાને મદદ કરતો જોઈએ, ત્યારે એનો અર્થ એ થાય છે કે એ ‘હું અને મારાં’નાં મર્યાદિત વર્તુળોની અંદર રહી શકતો નથી. નિ:સ્વાર્થપણાની કોઈ મર્યાદા નથી; સંપૂર્ણ નિસ્વાર્થવૃત્તિ એ જ લક્ષ્ય છે, સર્વ નીતિશાસ્ત્રો એમ કહે છે. માનો કે આ સંપૂર્ણ નિ:સ્વાર્થપણું માણસ પ્રાપ્ત કરે, પછી એનું શું થાય? પછી એ ‘શ્રી.. ફલાણા – ફલાણા -’ રહેતા નથી; એ અનંત વિસ્તારને પામે છે. પહેલાં જે એનું અલ્પ વ્યક્તિત્વ હતું એ હંમેશને માટે ગયું; એ અનંત બન્યો. અને આ અનંત વિસ્તારને પામવું એ ખરેખર બધા ધર્મોનો, નીતિનો અને તત્ત્વજ્ઞાનનો ઉપદેશ છે.

(‘સ્વા.વિવે.ગ્રં.મા.’ ભાગ-૧, પૃ.૮૭-૮૮)

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.