यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि श्रिताः।
अथ मर्त्योऽमृतो भवत्यत्र ब्रह्म समश्नुते॥१४॥

ये कामा:, જે (બધી) ઇચ્છાઓ; अस्य हृदि श्रिताः, (અત્યારે) મનુષ્યના હૃદયમાં રહેલી છે; सर्वे यदा प्रमुच्यन्ते, તે બધી જ્યારે નાશ પામે છે; अथ, ત્યારે; मर्त्य: अमृत: भदति, મરણશીલ મનુષ્ય અમર બની જાય છે; अत्र, અહીં, આ જ જન્મમાં; ब्रह्म समश्नुते, બ્રહ્મને પ્રાપ્ત કરે છે (એટલે કે બ્રહ્મ સાથે એકાકાર થઈ જાય છે).

જ્યારે મનુષ્યના મનની બધી જ ઇચ્છાઓનો નાશ થાય છે, ત્યારે તે અમરત્વ પામે છે, અને આ જ જીવનમાં બ્રહ્મ સાથે એકરૂપતા અનુભવે છે. (૧૪)

કઠોપનિષદ વારંવાર કહ્યા જ કરે છે કે જીવનનું લક્ષ્ય અમરત્વની પ્રાપ્તિ કરવાનું છે. પણ મનુષ્ય એ પ્રાપ્ત કેવી રીતે કરી શકે? માર્ગમાં કેટલાંક વિઘ્નો છે. અને એ વિઘ્નો એટલે આપણી કામનાઓ. આ કામનાઓ મનુષ્યને હડસેલો મારીને ચારે બાજુ ઘુમાવે છે. એટલે મનુષ્યે એનાથી છૂટકારો મેળવવો જોઈએ. જ્યારે આ કામનાઓ ચાલી જાય છે, ત્યારે આ વિશ્વાત્મા આપમેળે જ પ્રકાશી ઊઠે છે. કોઈ અરીસામાંથી ધૂળ ખંખેરી નાખવા જેવી આ વાત છે. જ્યારે ધૂળ ખંખેરાઈ જાય, ત્યારે એ અરીસો તમારા પ્રતિબિંબને બતાવી દે છે. એવી જ રીતે જ્યારે તમારી કામનાઓનો નાશ થશે ત્યારે તમને તમારી સાચી ઓળખ થઈ જશે. તમને જ્ઞાન થઈ જશે કે તમે ‘આત્મા’ છો. આ જ્ઞાનથી તમે જાણી લો છો કે તમે ‘અમર’ છો, અને તમે બ્રહ્મથી અલગ નથી. અને આ અનુભવ તમને આ જીવનમાં જ મળી શકે છે. એમાં વિવેકશક્તિ અને ત્યાગ જ મુખ્ય બાબત છે. વિવેકશક્તિથી તમે તમારે માટે સારું શું છે, અને તમારે માટે ખરાબ શું છે, તે નક્કી કરી શકો છો, અને જે ખરાબ હોય એને તમે છોડી શકો છો. પછી ચિત્તની શુદ્ધિ થાય છે અને જ્યારે આ બધું થાય છે ત્યારે આત્મા પોતાની મેળે જ પ્રકાશી ઊઠે છે.

यदा सर्वे प्रभिद्यन्ते हृदयस्येह ग्रन्थयः।
अथ मर्त्योऽमृतो भवत्येतावद्ध्यनुशासनम्॥१५॥

इह, આ જ જગતમાં; यदा, જ્યારે; हृदयस्‍य सर्वे ग्रन्थय:, હૃદયની બધી જ ગાંઠો-ગૂંચવણો; (અજ્ઞાનમાંથી જન્મેલી બધી મૂંઝવણો); प्रभिद्यन्ते, ઊકલી જાય છે; अथ, ત્યારે; मर्त्य: अमृत: भदति, મરણશીલ માનવ અમર બની જાય છે; एतावत्‌ हि अनुशासनम्‌, વેદાન્તશાસ્ત્રનો આ જ સંદેશ છે; (આના કરતાં ઉચ્ચતર બીજો કોઈ સંદેશ નથી).

જ્યારે આ જ જગતમાં મન પોતાની અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી બધી જ વિચિત્ર ભ્રમણાઓમાંથી છૂટકારો મેળવે છે, ત્યારે મરણશીલ માણસ પોતે અમર છે એવો અનુભવ કરવા લાગે છે. વેદાન્તશાસ્ત્રોનો આ જ સંદેશ છે. (આના કરતાં વધારે ઊંચો કોઈ સંદેશ હોઈ શકે નહિ). (૧૫)

મનુષ્યને મુશ્કેલી એની ઇચ્છાઓને લીધે ઊભી થાય છે. આ કામનાઓ એને સુખે જંપવા દેતી નથી. એ જો એક ઇચ્છા સંતોષે, તો બીજી આગળ આવીને ઊભી જ રહે છે! અને એમ ને એમ એ વધારો થયા જ કરે છે. આ ઇચ્છાઓ ભેગી થઈને આપણે માટે એક બંધન ઊભું કરે છે. આપણે તો પેલી ઈયળ જેવા છીએ કે જે પોતાના જ બનેલા કોશેટામાં સપડાઈ ગયેલી હોય છે. આ કામનાઓ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. આપણે માની લઈએ છીએ કે આપણે શરીર જ છીએ અને આપણી બધી જ ક્રિયાઓ બસ, શરીરને કેન્દ્રમાં રાખીને જ થાય છે, પણ શરીર તો એક આરોપણ માત્ર છે! એક યા બીજી રીતે એમાંથી આપણને આપણે મુક્ત (નિર્લેપ) કરવા જ પડશે. આપણે આખો વખત એ યાદ રાખવું પડશે કે આપણો આત્મા સદાયે મુક્ત – નિર્લેપ જ છે. અને એ કશાયમાં સંડોવાયેલો – વિષયોમાં આસક્ત નથી. એ સર્વોચ્ચ છે અને એને કશી વસ્તુની અપેક્ષા નથી, એ બધાનો આત્મા છે, બધામાં એ જ વસે છે. એમાં કશી અપૂર્ણતાનું ચિહ્ન નથી, આ બધું તે જ છે, આપણી ઇચ્છાઓ વગેરે તો બધું અજ્ઞાનને લીધે જ છે.

એને વિશે કોઈ સારામાં સારો કરવો જોઈએ એવો પ્રયત્ન એ છે કે એને ધરમૂળથી દૂર જ કરી દેવી! જો આપણે આપણી કામનાઓથી છૂટકારો મેળવી લઈએ, તો આપણે આ જીવનમાં જ સ્વતંત્ર બની જઈએ! આપણી આ કામનાઓને કારણે જ આપણે વારંવાર જન્મ લીધા કરીએ છીએ. એટલા માટે જો ઇચ્છાઓ જ ન હોય, તો પછી વધારે જન્મમરણ આવશે નહિ. એનું નામ જ ‘અમરત્વ’ છે.

शतं चैका च हृदयस्य नाड्यस्तासां मूर्धानमभिनिःसृतैका।
तयोर्ध्वमायन्नमृतत्वमेति विष्वङ्ङन्या उत्क्रमणे भवन्ति॥१६॥

हृदयस्य शतम्‌ च एका नाड्य:, (મનુષ્યના) હૃદયમાં એકસો ને એક જેટલી નાડીઓ છે; (હૃદય સાથે એ જોડાયેલી છે); तासाम्‌ एक:, તેઓ પૈકીની એક; मूर्धानम्‌ अभिनिः सृता, માથાના ઉપલા સ્થાનને ભેદીને નીકળેલી છે; तया ऊर्ध्वम्‌ आयन्‌, (કોઈ મર્ત્ય માનવ) એ નાડીને ઉપર જતો; अमृतत्वम्‌ इति, અમરત્વને પામે છે; विष्वक्‌ अन्य: उत्क्रमणे भवन्ति, (પણ) જો તે બીજી નાડીઓમાંથી પસાર થાય તો જુદા જુદા સ્વરૂપે ફરી વખત જન્મ લે છે. (મનુષ્યરૂપે જ જન્મ લે એવો કોઈ નિયમ નથી. પ્રાણી, જીવજન્તુ કે વૃક્ષરૂપે પણ એ જન્મ લે છે).

મનુષ્યના હૃદયની સાથે એકસો ને એક નાડીઓ સંકળાયેલી છે. એ માંહેની એક મસ્તકના ટોચના ભાગમાંથી પસાર થાય છે. જ્યારે જીવાત્મા આ નાડીને ભેદીને પસાર થાય છે, ત્યારે એવો મનુષ્ય અમરત્વ પામે છે. પરંતુ, એ જો કોઈક રીતે બીજી નાડીઓમાંથી પસાર થાય છે, તો એ ફરી વખત જન્મ લે છે. અને એનો પુનર્જન્મ મનુષ્યયોનિમાં અથવા મનુષ્યથી ઊતરતી અન્ય યોનિઓમાં પણ થાય છે. (૧૬)

જે મનુષ્યે બ્રહ્મ સાથે ઐક્યની અનુભૂતિ કરી લીધી છે, એ પછી ક્યારેય જન્મમરણને અધીન બનતો નથી. પછી તો એ પૂર્ણ સ્વતંત્ર બની જાય છે. પણ મનુષ્યનું મરણ ક્યારે અને શા માટે થાય છે? બધી નાડીઓમાંથી એક ખાસ નાડી હૃદયને વળગીને રહી હોય છે. આ નાડી મસ્તકની ટોચમાંથી પસાર થાય છે. હવે જો જીવ મરણને વખતે આ નાડી દ્વારા બહાર નીકળે, તો એ જન્મમરણનો વિષય બનતો નથી. આ નાડીને ‘સુષુમ્ણા’ કહેવામાં આવે છે. આધ્યાત્મિક રીતે ખૂબ જ આગળ વધેલા મનુષ્યો જ આ રીતે મરી શકે છે. તે એવા મનુષ્યો હોય છે કે જેમને આ પૃથ્વી પરના કે સ્વર્ગના કોઈપણ પદાર્થ પ્રત્યે આસક્તિ નથી. તેમણે પોતાની વાસનાઓને ધરમૂળથી ઉખેડી નાખી હોય છે.

તો વળી બીજા કેટલાક લોકો ફરી વખત જન્મવા માટે જ મરે છે. કારણ કે એમના મનમાં ઘણી અપૂર્ણ કામનાઓ ભરેલી હોય છે. તેઓ કાં તો મનુષ્ય યોનિમાં જન્મે છે, અથવા તો પ્રાણીઓ કે વનસ્પતિઓ તરીકે જન્મે છે. જ્યારે આવા લોકો મરે છે, ત્યારે તેઓ બીજી નાડીઓમાંથી પસાર થઈને શરીરો છોડે છે.

अङ्गुष्ठमात्रः पुरुषोऽन्तरात्मा सदा जनानां हृदये संनिविष्टः।
तं स्वाच्छरीरात्प्रवृहेन्मुञ्जादिवेषीकां धैर्येण।
तं विद्याच्छुक्रममृतं तं विद्याच्छुक्रममृतमिति॥१७॥

अङ्गुष्ठमात्रः अन्तरात्मा पुरुष:, અંગૂઠાના કદનો અંતરતમ આત્મા; सदा जनानां हृदये संनिविष्टः, હંમેશા મનુષ્યના હૃદયમાં આવેલો છે; मुञ्जात्‌ ईषिकाम्‌ इव, મુંજના ઘાસમાંથી વચ્ચેનો રેસો કાઢી લેતા હોઈએ તેવી રીતે; स्‍वात्‌ शरीरात्‌ धैर्येण तम्‌ प्रवृहेत्‌, પોતાના શરીરમાંથી ધીરજપૂર્વક તેને ખેંચી કાઢવો – અલગ કરી દેવો જોઈએ; तम्‌ शुक्रम्‌ अमृतम्‌ विद्यात्‌, એને શુદ્ધ અને અમર આત્મા માનવો જોઈએ.

દરેકના હૃદયમાં અમર આત્મા વસેલ છે. એ અંગૂઠાના કદ જેવડો છે. જેવી રીતે મુંજ નામના કોમળ ઘાસમાંથી એનો રેસો ખૂબ કાળજીપૂર્વક કાઢી શકાય છે, એવી જ રીતે મુક્તિને ઝંખતા મનુષ્યે પોતાની વિવેકશક્તિના બળે, પોતાના શરીરમાંથી આત્માને અલગ તારવી નાખવાનું શીખવું જોઈએ. અને એ આત્માનો અલગ રૂપે, વિશુદ્ધ સ્વરૂપે, અને અમર વિશ્વાત્માના રૂપે સ્વીકાર કરવો જોઈએ. (૧૭)

આ મંત્ર કહે છે કે દરેક સ્થળે અને દરેક હસ્તીમાં સમાનરૂપે એક આત્મા રહેલો છે. આ આત્મા બધામાં સભર હોવાથી એને ‘પુરુષ’ બધું ભરી દેનાર તરીકે ઓળખવામાં આવે છે.

આ આત્મા દરેક પ્રાણીના હૃદયમાં છુપાઈને પડ્યો છે. શરીરથી, ઈંદ્રિયોથી અને તેનાં સામૂહિક કાર્યોથી તે ઢંકાયેલો છે. અહીં એને મુંજ નામના ઘાસના મુખ્ય રેસા સાથે સરખાવવામાં આવેલ છે. એ રેસો ઘાસના કવચથી ઢંકાયેલો હોય છે. એ ઘાસમાંથી એ રેસાને બહાર કાઢવા માટે તમારે એના કવચમાંથી એને કાળજીપૂર્વક અલગ કરવો પડે છે. એ જ પ્રમાણે તમારે આત્માને પણ શરીર અને ઈંદ્રિયોથી અલગ કાઢવો – તારવવો પડે છે. શરીર અને ઈંદ્રિયો તો આત્મા પરના પ્રક્ષેપો છે. તે આત્મા પર જ આધારિત છે, કારણ કે આત્મા વિના તો તે મરેલાં જ છે. આત્મા જ એને ચેતના આપે છે અને તેથી જ તેઓ કામ કરી શકે છે. સાચી રીતે તો આત્મા જ મુખ્ય સત્તા છે. અને એ સત્તાની ઓથે જ જગતનું આ બધું ચાલે છે અને કાર્ય કરે છે. આત્મા બધાના અંતરતમમાં રહેલો છે; એટલા જ માટે એ દેખાતો નથી. તમે પેલા રેસાને મેળવવા માટે જેમ મુંજના ઘાસના કવચને દૂર કરો છો, તેવી રીતે તમે ‘નેતિ’ ‘નેતિ’ કહીને, દેખાતા – કહેવાતા આત્માને નકારી દો છો. (આ નથી – આ નથી).

તમારે સાચા આત્માને પામવા માટે તમારી વિવેકશક્તિનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. પછી જ તમે આત્માને શોધી શકો. અને પછી જ આ આત્મા છે એમ અનુભવી શકો. એ આત્મા શુદ્ધ, અમર અને બધામાં જ એક સમાન રીતે રહેલો છે. તમારામાં પણ એ જ આત્મા છે. બીજા શબ્દોમાં કહીએ તમે બધા સાથે એકરૂપ છો. જ્યારે તમને આવી અનુભૂતિ થાય છે, ત્યારે તમે મુક્ત બની જાઓ છો.

मृत्युप्रोक्तां नचिकेतोऽथ लब्ध्वा विद्यामेतां योगविधिं च कृत्स्नम्।
ब्रह्म प्राप्तो विरजोऽभूद्विमृत्युरन्योऽप्येवं यो विदध्यात्ममेव॥१८॥

अथ, આ રીતે; नचिकेत मृत्यु-प्रोक्ताम्‌, નચિકેતાએ મૃત્યુએ (યમરાજે) કહેલી; एताम्‌ विद्याम्‌, આ વિદ્યાને (બ્રહ્મવિદ્યાને); कृत्स्नम्‌ योगविधिम्‌ च, આ બ્રહ્મનું જ્ઞાન અને આખી યોગની વિધિ; लब्ध्वा, મેળવીને; (આ જ્ઞાનને); ब्रह्मप्राप्त:, બ્રહ્મ સાથે એકરૂપ થયેલો; विरज: विमृत्यु: (च) अभूत, નિષ્કલંક અને અમર (પણ) થયો છે; अन्य: अपि य:, એ જ રીતે બીજો પણ કોઈ મનુષ્ય; अध्यात्मम्‌ एवम्‌ विद, આ પ્રમાણે અધ્યાત્મને જાણનારો (એવો જ બને છે).

આ પ્રમાણે નચિકેતાએ યમરાજ પાસેથી બ્રહ્મનું જ્ઞાન (એટલે કે પોતાનો આત્મા જ બ્રહ્મ છે અને એ આત્મા જ બધું છે, એવું જ્ઞાન) તેમજ યોગનું જ્ઞાન (વિધિઓ અને નિયમો સહિતનું) મેળવ્યું. આ જ્ઞાને તેને બ્રહ્મ સાથે એકરૂપ થવામાં અને વિશુદ્ધ અને અમર બનવામાં સહાય કરી. કોઈ બીજો મનુષ્ય પણ જો આવું જ્ઞાન મેળવે, તો તે પણ એવો જ – તદ્રૂપ – વિશુદ્ધ અને અમર – બની જાય છે. (૧૮)

અહીં ઉપનિષદ બ્રહ્મજ્ઞાનની પ્રશંસા કરે છે. (આ બ્રહ્મજ્ઞાન એ જ આત્મજ્ઞાન પણ છે.) અને સાથોસાથ આવા જ્ઞાનના લાભ પણ બતાવે છે કે ત્યારે તમે મુક્ત, નિષ્કલંક અને અમર બની જાઓ છો. તમને ત્યારે એવી અનુભૂતિ થાય છે કે તમારો આત્મા જ ‘વિશ્વાત્મા’ છે અને બ્રહ્મથી માંડીને ઠેઠ ઘાસના તણખલા સુધી બધાની સાથે તમે એકાકાર જ છો; બધા પદાર્થો સાથે તમે તદ્રૂપતા અનુભવો છો. તમારા સિવાય આ જગતમાં કશું જ ન હોવાથી તમને કશાથી કશો ભય હોતો નથી. ત્યારે તમે બધાં જ વળગણોથી છૂટકારો મેળવો છો; તમારામાં ત્યારે કોઈ જ કામના રહેતી નથી. તમે ખરેખર ત્યારે સર્વતંત્ર સ્વતંત્ર બની જાઓ છો; નિષ્કલંક બની જાઓ છો; અમર બની જાઓ છો.

નચિકેતાએ આવું પદ મેળવ્યું છે. બીજો કોઈ મનુષ્ય આ પગલે ચાલીને, એને અનુસરીને આ પદ પ્રાપ્ત કરી શકે છે.

इति कठोपनिषदि द्वितीयाध्याये तृतीया वल्ली॥

આમ, કઠ ઉપનિષદમાં બીજા અધ્યાયમાં ત્રીજી વલ્લી સમાપ્ત થઈ.

Total Views: 18

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.