શ્રી ઠાકુરની ૧૬૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં એક સચિત્ર અને સર્વાંગ પૂર્ણ બૃહત્ રામકૃષ્ણ કથામૃત પ્રકાશિત થઈ રહ્યું છે. તેની મનનીય ભૂમિકા વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.

વિષાદગ્રસ્ત અર્જુનને જેમ શ્રીકૃષ્ણ મળ્યા અને ગીતામૃત જન્મ્યું, તેવી જ રીતે વિષાદગ્રસ્ત મહેન્દ્રનાથ ગુપ્તને શ્રીઠાકુર મળ્યા અને કથામૃતનો જન્મ થયો! માનવના વિષાદ વખતે વિભૂતિનો યોગ થવો એ પૂર્વનાં પુણ્યકર્મો હોય તો જ આવા વિષાદયોગો થાય! આ બંને વિભૂતિઓનો ઉછેર તો ગ્રામીણ પર્યાવરણમાં થયેલો. એમાંય શ્રીરામકૃષ્ણ તો લગભગ નિરક્ષર! ખેર, એમના કેટલાક અંતરંગ શિષ્યો અને ભક્તોએ તેમના  વાર્તાલાપોની કેટલીક છૂટીછવાઈ નોંધો કરેલી એમાંથી એમના સિદ્ધાંતો અને વિચારો જાણી શકાય તેમ છે. તેમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદનાં લખાણોમાંથી પણ એવું કેટલુંક જાણી શકાય છે, એ તો ખરું છે પણ આ માટેની સામગ્રીનો સૌથી મોટો અને મહત્ત્વનો દસ્તાવેજી પુરાવો તો શ્રી મહેન્દ્રનાથ ગુપ્તે – શ્રી ‘મ’ એ-  લખેલો ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ નામનો ગ્રંથ જ છે. આ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં શ્રી ‘મ’એ ઈ.સ. ૧૮૮૨ થી ઈ.સ. ૧૮૮૬ સુધીનું શ્રીઠાકુર સાથેની મુલાકાતોનું સંક્ષિપ્ત વિવરણ આપ્યું છે.

આ દૈનંદિન નોંધો વાસરિકા – ડાયરી – ના સ્વરૂપની છે. આ ‘ડાયરી’ નામનો સાહિત્ય પ્રકાર એક અભિનવ પ્રકાર છે. આ ગ્રંથનું ગુજરાતી ભાષાન્તર ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ નિહાળીએ તો એ રીતે ખૂબ અગત્યનું મહત્ત્વ ધરાવે છે. ઠાકુર સાથેનાં પાંચેક વરસની શ્રી ‘મ’એ રોજનીશી લખી છે. તેમાં તેમણે ઠાકુર સાથેની લોકોની મુલાકાતોની ઝીણવટભરી નોંધો લખી છે. પહેલાં સાંભળી પછી ઘરે જઈ યાદ કરીને આ નોંધો લખાઈ છે. રોજનીશીના કેન્દ્રમાં તો શ્રીઠાકુર જ રહ્યા છે અને શ્રી ‘મ’ પડદા પાછળ જ રહ્યા છે. ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ આ કથામૃતની રોજનીશીનું મહત્ત્વ જેટલું આંકીએ એટલું ઓછું છે કારણ કે ગુજરાતી ભાષામાં આ સાહિત્ય-પ્રકારનું ખેડાણ જૂજ માત્રામાં જ થયું છે. ગોવર્ધનરામની સ્કેચબુક, નરસિંહરાવની રોજનીશી, અને મહાદેવભાઈની ડાયરી સિવાય આ જાતનું સાહિત્ય વધુ યાદ આવતું નથી. આલ્ડોસ હક્સ્લી જેવાઓ આ ગ્રંથને વિનમ્ર્રતા, સહિષ્ણુતા અને નિર્ણયની સંયતતા’ના ગ્રંથરૂપે બિરદાવે છે.

કથામૃતનો સાહિત્ય-પ્રકાર વાસરિકા – ડાયરીનો – છે. એટલે શ્રીઠાકુર પાસે મુલાકાતે આવતા લોકોને એક જ પ્રકારનો ઉપદેશ આપવાનો અવસર તો અનેકવાર આવવાનો જ. એટલે કથામૃતમાં અવારનવાર પુનરુક્તિઓનાં સહજ દર્શન થાય છે. પણ શ્રી ‘મ’ની નિષ્ઠા તો શ્રીઠાકુરને મુખેથી નીકળતા પ્રત્યેક શબ્દને ઝીલી લઈ લિપિમાં મઢી દેવાની હતી. એમણે કોઈ સાહિત્યિક માનદંડથી આ કૃતિને માપવાનો ઈરાદો રાખ્યો ન હતો! વળી બીજી વાત એ પણ છે કે આવા શાસ્ત્રીય ગ્રંથ માટે પુનરુક્તિઓ દૂષણ નથી પણ ભૂષણ જ છે. કારણ કે પૂર્વમીમાંસકોએ કોઈપણ શાસ્ત્રીય ગ્રંથનું તાત્પર્ય જાણવા માટે જે ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલ, અર્થવાદ અને ઉપપતિ – આ સાત અંગો રાખ્યાં છે તેમાં અભ્યાસ – એક જ વાતનું વારંવાર કથન – એક આવશ્યક અંગ છે. ગીતા (૪.૩)માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ‘स अवायं माया तेऽद्य योग: प्रोक्त: पुरातन:’ ‘હે અર્જુન! તે પુરાણો યોગ જ મેં આજ તને ફરી વખત કહ્યો છે.’ અર્થાત્ જે વાત પ્રાચીનકાળમાં અનેકવાર કહેવાઈ ચૂકી છે, તે જ વાતનું પુનરાવર્તન કરતાં ભગવાન શ્રીકૃષ્ણે આ પ્રમાણે કહ્યું છે. ભગવાન યુગે યુગે અવતાર લઈને ધર્મનાં મૂળતત્ત્વોની પુનરાવૃત્તિ કર્યા જ કરે છે. કહ્યું છે કે, ‘शास्‍त्रेषु न मंत्राणां जामिता अस्ति’ ‘શાસ્ત્રોની એકની એક વાત વારંવાર કરવામાં કોઈ જ આળસ નથી.’ કારણ કે માનવમન એવું છે કે એકની એક વાત વારેવારે સાંભળ્યા છતાં એમાંથી તે કેટલુંક સમજે છે અને કેટલુંક સમજતું નથી! એટલે જ તો શાસ્ત્રો પ્રમાદ છોડીને વારંવાર એક જ વાત કહ્યે રાખે છે. જેવી રીતે કોઈ માતા પોતાનાં સંતાનોના યોગક્ષેમ માટે એકનો એક ઉપદેશ થાકયા વગર આપ્યા જ કરે છે કારણ કે એને એની પ્રતીતિ છે કે એનાથી એના સંતાનનું કલ્યાણ થશે. તો શાસ્ત્રોનું પણ આવું જ છે. શાસ્ત્રો પોતાના તાત્પર્યને – સારને – સત્ત્વને અનેકવાર અને અનેક રીતે કહ્યા જ કરે છે. આ માટે શ્રીઠાકુર કહેતા : ‘વારંવાર કેમ ન કહું ભાઈ?’ આની પાછળનો આશય એ છે કે એ વાત વારંવાર ન કહીએ તો આપણા જેવાનાં વિક્ષિપ્ત મન પર એની છાપ જ કેવી રીતે પડે? એને વારંવાર બેવડાવવી પડે છે અને આપણે એ સાંભળવી પણ પડે છે : એટલે પુનરુક્તિ દોષ નથી. ભાગવત પ્રમાણે ભગવત્કથા તો ‘स्‍वादु स्वादु पदे पदे’ જેવી છે. જેમ સાંભળો તેમ વધુ સ્વાદ મળે! ચંદન જેમ ઘસો તેમ વધુ સૌરભ પામે! એટલે કથા તો જેટલી વાર સાંભળીએ તેટલી ઓછી જ છે!

આ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ઉદાત્ત, તલસ્પર્શી, અને ઊર્ધ્વગતિ તરફ દોરી જનાર એક માર્ગદર્શક છે. શ્રીરામકૃષ્ણની વિવિધ આધ્યાત્મિક અનુભૂતિઓ, એમની સર્વસંગ્રાહક અને સર્વસમાવેશક દૃષ્ટિ, એમની વિનોદવૃત્તિ, એમની મેધા, વગેરે બધું જ આ ગ્રંથમાંથી જાણવા મળે છે. શ્રીરામકૃષ્ણના ઉપદેશો આ ગ્રંથમાં સર્વજનભોગ્ય બની શકયા છે. કારણ કે આ ગ્રંથમાં બતાવેલી તેમની ઉપદેશશૈલીમાં ઘરગથ્થુ ભાષા, બોધકથાઓ, પુરાણકથાઓ, વાર્તાઓ, કહેવતો, વ્યવહારુ માર્ગદર્શન અને એવું એવું તો ઘણું ઘણું ભર્યું છે. ખરેખર જ, આ કથા-ઉપદેશ તો મૃત્યુસાગરને પાર કરાવતું અમૃત જ છે, એના આચમનમાત્રથી યે જીવન સાર્થક બની જાય તેમ છે. આ ઉપદેશો માટે ‘અમૃત’ સિવાય કયો શબ્દ ઉપમાન બની શકે? આવો મહાન ગ્રંથ તો જે મહાન હોય તે જ લખી શકે. ભગવાનનો પરમ અનુગ્રહ શ્રી ‘મ’ ઉપર ઊતર્યો અને એ મહાપુરુષે ‘કથામૃત’નો મહાન ગ્રંથ લખ્યો.

કથામૃતના કેન્દ્રબિંદુ તરીકે મૂકી શકાય તેવો વિચાર એ છે કે બુદ્ધિ કે તર્ક કરતાં અનુભવ કે સાક્ષાત્કાર – અપરોક્ષાનુભૂતિ – નું મહત્ત્વ પાયાનું છે. આ વાત શ્રીરામકૃષ્ણે રૂપકો દ્વારા રજૂ કરી છે. કોઈ નાવિકની નાવમાં બેઠેલો પંડિત નાવિકને શાસ્ત્રોના પ્રશ્નો પૂછે અને નાવિક એ પ્રશ્નોનો નકારમાં જ જવાબ આપે. એટલામાં એકાએક વાવાઝોડું આવે ત્યારે પેલો નાવિક પંડિતને એક જ સવાલ પૂછે કે ‘તમને તરતાં આવડે છે?’ બસ થઈ રહ્યું! પંડિત ડૂબ્યો અને નાવિક તર્યો! કેટલો સચોટ દાખલો! કથામૃતમાં આવાં તો અનેક દૃષ્ટાંતો બાઈબલની કથાઓની એવી કથાઓની યાદ અપાવી જાય છે. વળી, એક અન્ય રૂપકમાં એમણે શુષ્ક સિદ્ધાંતવાદીને બગીચામાં કેવળ ઝાડનાં પાંદડાં જ ગણ્યે રાખતા માણસ સાથે સરખાવ્યો છે અને એને પાંદડાં ગણ્યે રાખવાને બદલે બગીચાની કેરીનો આસ્વાદ લેવાની શીખ આપી છે! આમ એમણે શબ્દજ્ઞાતા કરતાં મર્મજ્ઞાતાનો મહિમા ગાયો છે. તો વળી ત્રીજા એક રૂપકમાં ખૂબ ઊંચે ઊડતી અને છતાં ધરતી પરના મડદાના શિકાર પર જ નજર ટેકાવતી સમડીનું રૂપક આપીને સમજાવે છે કે કેવળ બુદ્ધિની પાંખે ખૂબ ઊંચે ઊડતા પંડિતોની નજર તો તુચ્છ વસ્તુઓ ઉપર જ હોય છે. એમ કેવળ શબ્દજ્ઞોની સ્થિતિ બતાવી છે. દૂધની મિઠાશ-માધુર્ય-સફેદીનું કેવળ શાબ્દિક જ્ઞાન નકામું છે. દૂધને પીવું – પચાવવું અને શરીરનું એક અવિભાજ્ય અંગ જ બનાવી દેવું જોઈએ, એ જ સાર્થક્તા છે.

આ મધ્યબિંદુમાંથી એક ફણગો ફૂટે છે અને તે એ છે કે આવી પ્રત્યક્ષાનુભૂતિના (અપરોક્ષાનુભવના) આ સત્યને અનેક પાસાં હોઈ શકે છે. અને એ પાસાંને ગ્રહણ કરવા માટે મનુષ્યનું મન સ્થિતિસ્થાપક હોવું જોઈએ. શ્રીરામકૃષ્ણનું તો સમગ્ર જીવન જ આવી વૈવિધ્યપૂર્ણ આધ્યાત્મિક અનુભૂતિઓથી ભર્યુંભાદર્યું હતું. આધ્યાત્મિકતાના અફાટ સાગર ઉપરના તેઓ તો એક અદ્ભુત શોધયાત્રી હતા! સત્ય પ્રત્યેનો તેમનો તલસાટ અને અજાણ્યા પંથ પર નિર્ભીક કદમ માંડવાં એ તો ખરેખર અદ્ભુત મથામણ હતી. એમણે ઈસ્લામ અને ખ્ર્રિસ્તીધર્મો આચર્યા અને તે દ્વારા પણ એ જ પરમાત્મતત્ત્વની અનુભૂતિ કરી! આ બંને ધર્મોના આચરણથી તેમને થયેલી અનુભૂતિ એવી તો એકદમ સ્પષ્ટ, એક સમાન, સીધી, જીવતી જાગતી અને પ્રતીતિકર થઈ કે ‘સત્ય તો એક જ છે પણ એનાં પાસાં અનેક છે.’ જૈનો કહે છે ને કે ‘अनन्तधर्मात्मके सत्‌’ ‘એક સત્ય અનેક ધર્મોવાળુ છે.’ તેઓ કહે છે : ‘ઈશ્વર સાક્ષાત્કારી એ અવશ્ય જાણે છે કે ઈશ્વર સાકાર પણ છે, નિરાકાર પણ છે અને બીજું ઘણું ઘણું છે. એ બધું અનિર્વાચ્ય છે’… ‘તમે સત્ય શું છે, તે જાણવા માગો છો? ઈશ્વરે જ જુદા જુદા દેશ અને કાળમાં, વિવિધ પ્રકારના સાધકોને બંધ બેસે તેવા વિવિધ ધર્મોનું નિર્માણ કર્યું છે. જુદા જુદા સિદ્ધાંતો તો માત્ર જુદા જુદા માર્ગો જ છે, અને એ માર્ગો કંઈ ઈશ્વર પોતે નથી. પણ એ બધા માર્ગોમાંથી કોઈ એક પર ચાલીને ઈશ્વર પાસે અવશ્ય પહોંચી શકાય છે. ફક્ત એમાં હૃદયપૂર્વકની ભક્તિ જોઈએ.’

…‘કોઈએ ‘મારો ધર્મ જ સાચો અને બીજાના ધર્મો ખોટા’ – એવો વિચાર કરવો નહિ. ઈશ્વર તો બધા માર્ગે મળી શકે. ફક્ત તીવ્ર તાલાવેલી જોઈએ! ઈશ્વરપ્રાપ્તિના તો અનંત માર્ગો અને અનંત વિકલ્પો છે.’ … ‘ઈશ્વરનાં અનેક નામ છે, અનેક રૂપો છે. ગમે તે દ્વારા એને પામી શકાય. એને તમે ગમે તે નામે – ગમે તે રૂપે ભજો! તમે એને પામશો જ!’

આ વાત ગળે ઉતરવા માટે મનની સ્થિતિસ્થાપકતા અનિવાર્ય છે. શ્રીરામકૃષ્ણ તો આપણને આધ્યાત્મિક આચરણની પૂરી હારમાળા બતાવી દે છે અને એને વ્યક્તિગત આવશ્યકતા, રસ – રુચિ – વલણ – શક્તિ અનુસાર કાર્ય કરતી બનાવી આપે છે. બુદ્ધિજીવી માનવના મનને આ ખૂબ જ અનુકૂળ આવે એવી વાત છે – અહીં આશ્ચર્યકારક ધ્યાનાર્હ વાત તો એ છે કે તેમણે બતાવેલી આ દરેક સાધના દરેક સાધકની વ્યક્તિગત ખાસ આવશ્યકતા પૂરી પાડવા માટે સ્થિતિસ્થાપક જ છે! તેઓ કહે છે કે ઈશ્વરને માતા, પિતા, બાળક, પ્રિયતમ, પ્રિયતમા, ગુરુ કે એવા ગમે તે સ્વરૂપમાં પામી શકીએ છીએ અને તેને નિર્ગુણ – નિરાકાર નામરૂપહીન રૂપે પણ પામી શકાય. ઈશ્વરની વિભાવનામાં અને તેને પામવામાં કોઈ પણ રૂઢ માન્યતાને સ્થાન નથી.

ઘણા ધર્મોપદેશકો પોતાના અનુયાયીઓ પાસે પોતાના ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની માગણી કરે છે. શ્રીરામકૃષ્ણ એક રીતે દુનિયાદારીથી આગળ કશું જ ન જાણનારા વ્યક્તિને પણ સ્વીકારીને એને ભગવાનની આ પ્રકારની પ્રાર્થના કરવાનું શીખવે છે કે, ‘હે 

ભગવાન! તમે ખરેખર જ હસ્તી ધરાવતા હો, તો મને તારાં દર્શન કરાવ.’ ઈશ્વર વિશે કશું જ ન જાણતા માણસને આવા સૂચનથી મદદ મળે છે. શ્રીરામકૃષ્ણને દરેકે દરેક મનુષ્ય પ્રત્યે કરુણા હતી. તેઓ  સંપૂર્ણપણે સઘળા સંપ્રદાયોથી ઉપર ઊઠેલા હતા. તેઓ કોઈપણ પ્રકારના પૂર્વગ્રહથી પર હતા એટલે જ આવી દુર્લભ સ્થિતિસ્થાપકતા તેમનામાં હતી. ધર્મશ્રદ્ધાવિહોણા લોકોને પણ તેઓ આવકારતા હતા. અને એમને પણ કોઈક અનોખા માર્ગેથી ધર્મ તરફ વાળતા! આ અનોખા માર્ગને સ્પષ્ટ કરતાં તેઓ માતાનું ઉદાહરણ આપે છે કે સ્નેહથી માતા પોતાનાં દરેક સંતાનના સંતોષ માટે ભાતભાતની દરેકને અનુકૂળ – સુપાચ્ય રસોઈ બનાવે છે, તેવું જ આ છે.

મનની આવી સ્થિતિસ્થાપકતા ધર્મ સમન્વયના પ્રયત્નમાં પરિણમવી જોઈએ. આમ શ્રીરામકૃષ્ણની સર્વધર્મસમન્વયની – સંવાદી ભાવના એક અદ્ભુત ઐતિહાસિક ઘટના છે. બધા જ ધર્મોને પોતપોતાના સ્થાને કાયમ રાખીને તેમણે જે બહુરંગી મેઘધનુષ્ય રચી બતાવ્યું, દરેક સ્વરની વૈયક્તિકતા કાયમ રાખીને જે સંવાદી સંગીત ગાઈ બતાવ્યું, તેનો આજ સુધી ઇતિહાસમાં જોટો નથી. એનાથી દરેક ધર્મનો મનુષ્ય પોતપોતાનો ધર્મ પાળીને પણ વિશાળ સમૂહ – વૈવિધ્યપૂર્ણ ધર્મજગત સાથે સુવ્યવસ્થિત રીતે ગોઠવાઈ જઈને રહી શકે છે આ એક અપૂર્વ ઐતિહાસિક ઘટના છે! તેમના આ સંવાદિતાના અભિગમ વિશે સ્વામી વિવેકાનંદ કહે છે કે,

‘એક એવા શરીરને જન્મવાનો સમય પાકી ગયો છે કે જેમાં શંકરાચાર્ય જેવી તેજસ્વી મેધા અને ચૈતન્ય જેવું ઉદાત્ત હૃદય – બન્ને ધરાવતું હોય; જે પ્રત્યેક ધર્મસંપ્રદાયમાં એક જ ઈશ્વરનાં દર્શન કરી શકતું હોય; જેનું હૃદય ભારતમાં તથા ભારતની બહાર વસતાં દીનહીનો, દલિતો અને દુ:ખિયારાં પ્રત્યે રડી ઊઠતું હોય; જેના મનમાં ઊઠતા વ્યાપક, તેજસ્વિતાભર્યા સંવાદી વિચારોથી પરસ્પર ઝઘડતા સંપ્રદાયોનું સહજ આકલન થાય અને એમ વિશ્વધર્મ બનતો હોય… અને એવો દેહ ધારણ કરનાર આવી પહોંચ્યો છે (Selected writings, Swami Vivekananda-Page 201).

એક અગત્યની વાત એ છે કે આ ‘કથામૃત’નું પાન કરવા માટે કોઈ વિશેષ યોગ્યતાની જરૂર પડતી નથી. અદ્વૈત વેદાંતના જ્ઞાન માટે સાધન ચતુષ્ટયથી સંપન્ન થવું પડે છે, એવી કશી વિશેષ યોગ્યતાની ‘કથામૃત’ વાંચવા માટે કશી જરૂર નથી. દરેક ઘેર ગમે તે માણસ આ વાંચી-સમજી શકે છે અને જે સાંભળે તે અમર થાય એવી આ ઠાકુરવાણી છે. શાસ્ત્રગ્રંથોના અધ્યયન માટે તો અમુક ગુણો કે ખાસ યોગ્યતાની જરૂર પડે. અહીં તો કશો એવો વેરોવંચો છે જ નહિ- ઊલટું કંઈ જ ન જાણનારને તો આ વધુ ઉપયોગી નીવડે છે અને સહજભોગ્ય પણ બની રહે છે. કારણ કે અહીં જીવનકવિતાનું વારંવાર આવતું ધ્રુવપદ છે – ‘ઈશ્વરને જાણો!’ આ જ માનવજીવનનું પરમલક્ષ્ય છે.

‘કથામૃત’માં વર્ણવાયેલા શ્રીરામકૃષ્ણના તત્ત્વજ્ઞાન સંબંધી વિચારો જોઈએ તો તેઓ અદૃશ્ય જગતની સત્યતાને પણ આપણી દૃષ્ટિ પર જ આધારિત માને છે. આપણી દૃષ્ટિ ‘ગુણ’ અને ‘ગુણી’ વચ્ચે કશો ભેદ જોતી નથી. આપણને અગ્નિ એની દાહકશક્તિથી જુદો જણાતો નથી, દૂધ એના માધુર્ય અને એની સફેદીથી જુદું જણાતું નથી. આ બાબતમાં તેઓ ‘માયા’નો પારિભાષિક અર્થ લીધા વિના જ અદ્વૈતમાર્ગનું અનુસરણ કરે છે અને એ રીતે ઈશ્વરને ગુણગુણીના અભેદરૂપે જુએ છે. એટલે કે શક્તિ અને બ્રહ્મ – એ બન્નેને એક જ સત્ય – એક જ ઈશ્વરના અવસ્થાભેદ તરીકે જુએ છે અને સત્તાવિષયક અનેક દૃષ્ટિકોણોનો તેઓ સ્વીકાર કરે છે. તે ભલે પ્રાતિભાસિક, વ્યાવહારિક કે પારમાર્થિક હોય પણ એ સત્તા – હસ્તી તો છે જ એમ તેઓ માને છે. પરાત્પર સત્તા સર્વોવરિ છે.

આ ઈશ્વરસત્તા – ચૈતન્ય – દિવ્યતા – સર્વ વ્યાપક અને અનંત છે, તે સર્વત્ર એકસરખી રીતે વ્યાપ્ત છે. ચૈતન્યની સર્વવ્યાપકતાનો શાંકર અદ્વૈતવાદમાં પણ સ્વીકાર થયો છે. આપણે સૌ પણ એ દિવ્ય ચેતનાનાં જ સન્તાનો છીએ (अमृतस्य पुत्रा:) એટલે માનવમાં રહેલ એ ચેતના તો દિવ્ય છે અને સત્ય છે. સર્વ પ્રાણીઓમાં એકસરખી અનુસ્યૂત એ ચેતના (બ્રહ્મ) જ અખંડ સત્ તત્ત્વ છે. એથી મનુષ્યમાત્ર દિવ્ય છે, ખ્ર્રિસ્તી ધર્મના કહેવા પ્રમાણે એ પાપી નથી. શ્રીરામકૃષ્ણ આ ‘પાપી’ શબ્દને સહન કરી શકતા નથી. કથામૃતમાંનો એક પ્રસંગ આની સાક્ષી પૂરે છે :

‘એકવાર મને (રામકૃષ્ણને) કોઈકે ખ્ર્રિસ્તી ધર્મની એક ચોપડી આપી. મેં તેને એ વાંચવા કહ્યું. એમાં પાપ વિષય સિવાય બીજું કશું જ લખ્યું ન હતું. તમારા બ્રાહ્મસમાજમાં પણ માણસ એક પાપ વિશે જ સાંભળ્યા કરે છે. જે બદ્ધ માણસ ‘હું બંધાયેલો છું, હું બંધાયેલો છું’ એમ કહ્યા કરે છે તે બંધાયેલો જ રહે છે. અને જે રાતદિવસ એમ જ કહ્યા કરે છે કે ‘હું પાપી છું, હું પાપી છું’ તે એ રીતે પાપી જ બની રહે છે.’

‘મનુષ્યને ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા હોવી જોઈએ. અને મનુષ્યે કહેવું જોઈએ કે – ‘હેં? મેં તો ભગવાનનું નામ જપ્યું છે. હું વળી હવે પાપી કેમ હોઈ શકું? હવે મને બંધન કેમ હોઈ શકે?’ આ જ વાતનો પડઘો સ્વામી વિવેકાનંદે શિકાગોની મહાધર્મપરિષદમાં બળૂકા શબ્દો દ્વારા પાડયો હતો અને તેમાં ‘પાપ’ શબ્દને તુચ્છકારીને શ્રોતાઓને ‘अमृतस्य पुत्रा:’  જ શબ્દોથી સંબોધ્યા હતા – (Children of immortal bliss)

(ક્રમશ:)

Total Views: 9

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.