આપણે સૌ જાણીએ છીએ કે ૨૦૧૩ અને ૧૪માં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી સમગ્ર રાષ્ટ્રમાં અને વિશ્વમાં ઉજવાશે. ૧૮૬૩માં જન્મેલા સ્વામી વિવેકાનંદે ૩૦ વર્ષની ઉંમરે શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લઈને અને પોતાનું પ્રભાવક વક્તવ્ય આપીને સમગ્ર વિશ્વમાં પોતાનું નામ હંમેશાંને માટે ગુંજતું કરી દીધું. જીવનના દરેકેદરેક ક્ષેત્રમાં માનવનું ઘડતર કરનાર અને ચારિત્ર્યનું ઘડતર કરનાર એમની અમર અને ઓજસ્પૂર્ણ વાણીએ વિશ્વભરના લોકો માટે એક અદ્ભુત પ્રેરણાનું સ્રોત પૂરું પાડ્યું છે. તેઓ જન્મજાત નેતૃત્વના ગુણો ધરાવતા હતા. તેઓ સમગ્ર માનવજાત પ્રત્યે ગહન સહાનુભૂતિ અને એમનાં ક્ષેમકલ્યાણ માટેની હૃદયને સ્પર્શી જતી ઉદ્વિગ્નતા ધરાવતા હતા. એટલે જ તેઓ વૈશ્વિક આધ્યાત્મિક પયગંબરના રૂપે જાણીતા બન્યા. એમની વાણી સર્વ-ધર્મ-સમન્વયને પોષતી અને સાંપ્રદાયિકતા કે જાતીયતાના ભેદભાવથી પર હતી. એટલે જ તેઓ પોતાના જીવનકાળ દરમિયાન એક અગ્રણી માનવ રૂપે ઊભર્યા હતા. એમની મહાસમાધિ પછી આજે પણ તેઓ એટલા જ સૌને માટે સ્વીકાર્ય છે. 

સ્વામીજીની આ બધી ગુણવત્તાઓ અને સિદ્ધિઓમાં સૌથી વિશેષ છે એમનામાં રહેલ યુવાનો માટેના એક આદર્શનેતા. એમનામાં યુવાનેતાનો એક આદર્શ સ્વમેળે ઊભરી આવે છે, એટલે જ ભારત સરકારે સમગ્ર રાષ્ટ્રમાં ૧૨ જાન્યુઆરીને રાષ્ટ્રિય યુવાદિન રૂપે ઉજવવાનું આજથી ૨૭ વર્ષ પૂર્વે જાહેર કર્યું હતું.

સ્વામીજીને યુવાનો માટેના એક આદર્શનેતા તરીકેની ચર્ચા કરીએ તે પહેલાં સૌ પ્રથમ તો આજના યુવાનોની સમગ્ર રાષ્ટ્ર કે વિશ્વ, રાજ્ય કે સમાજમાં કેવી પરિસ્થિતિ છે, અને કેવી કેવી સમસ્યાઓનો એ સામનો કરી રહ્યો છે; એ જોવું જોઈએ. સાથે ને સાથે આપણે આ બધી પરિસ્થિતિઓનો અને સમસ્યાઓનો ઉકેલ શોધવા આજના યુવાનોનું શું પ્રદાન હોઈ શકે, એ જાણી લેવું અત્યંત જરૂરી છે.

ભારતીય પરિસ્થિતિઓ અને સમસ્યાઓને નજર સમક્ષ રાખીને આપણે જોઈએ તો અહીં આપેલ મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખવા આવશ્યક છે.

* આજનો ભારતીય સમાજ અને એની સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિમાંથી નીપજતા વિભિન્ન પ્રશ્નો અને એના નિરાકરણ માટે આપણો આ વિશાળ યુવસમુહ શું કરી શકે? એ સૌ પ્રથમ જોવું જોઈએ.

લોર્ડ મેકોલેએ શરૂ કરેલી ગુલામ બનાવતી શિક્ષણ પ્રણાલીના સકંજામાંથી આપણો આજનો યુવક કેવી રીતે બહાર નીકળી શકે, એ પણ જોવું જોઈએ. વાસ્તવિક રીતે આઝાદી પછી તરતના એકાદ-બે દસકામાં આ કાર્ય પૂર્ણ થઈ જવું જોઈતું હતું. આપણા રાષ્ટ્રને સાર્વત્રિક રીતે ઉપયોગી થાય તેવી નવી કેળવણી પદ્ધતિ ઊભી કરવાની એક સોનેરી તક પણ આપણે ગુમાવી દીધી હોય એવું લાગે છે. આમ જોઈએ તો આઝાદીના સાડા છ દસકા પછી પણ મેકોલેના ગોંધી રાખતા પિંજરામાંથી બહાર નીકળવાના પ્રયાસોમાં આપણા સૌ કેળવણીકારો મહદંશે નિષ્ફળ નીવડ્યા હોય, એવું સ્પષ્ટપણે લાગે છે. એનું મુખ્ય કારણ એ છે કે આ પિંજરામાંથી બહાર નીકળવા માટે આવશ્યક રાષ્ટ્રીય સંકલ્પનો અભાવ છે. આ સમસ્યા અત્યંત મહત્ત્વની લાગે છે કારણ કે ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યુવાધન ધરાવે છે અને એ યુવાધન વર્ષોથી આ શિક્ષણ પ્રણાલીનો ભોગ બની રહ્યું છે.

* આજે આપણા દેશમાં સાર્વત્રિક દેખાતી આવકની અસમાનતામાં આપણો યુવક ફસાઈ ગયો છે અને મુંઝાઈ ગયો છે. આજે આપણા રાષ્ટ્રમાં એક બાજુએ ઓચિંતાનો કે સુદીર્ઘ પ્રયત્નો પછી કરોડાધિપતિ બનીને સમગ્ર સુખસાહ્યબીમાં રાચે છે અને બીજી બાજુએ એવો યુવકવર્ગ પણ છે કે જેમને બે ટંકનું ભોજન મેળવવા માટે અહીંતહીં ટળવળવું પડે છે અને તોયે માંડ માંડ બે છેડા પૂરા થાય છે. આટલુંયે મેળવવામાં અસફળ રહેનાર યુવવર્ગ આડે-અવળે રસ્તે વળીને સમાજને દૂષણરૂપ અને કાંટારૂપ બની જાય છે. આ આર્થિક અસમાનતાને દૂર કરવા માટે આજનો યુવક શું કરી શકે? સ્વામીજીની દૃષ્ટિએ આગળ વધીને આ અસમાનતાને દૂર કરવાના કોઈ ઉપાય તેઓ શોધી શકે ખરા? જો યુવાનો આવા ઉકેલ શોધશે તો સમગ્ર રાષ્ટ્ર એક રામરાજ્ય કે સુરાજ્યમાં પરિવર્તિત થઈ શકે. સ્વામીજીને સાથે રાખીને આજના યુવાનોએ આ સૌથી વધારે કલ્યાણકારી કાર્યની જવાબદારી પોતાને ખભે ઉપાડી લેવી જોઈએ.

આજે સમગ્ર વિશ્વમાં એક વૈશ્વિક બજાર ઊભું થઈ ગયું છે, અને એને માટે ઉપભોક્તાવાદની જબરી ભૂખ, રાક્ષસી ભૂખ લોકોમાં જાગી ગઈ છે. ભારતના યુવકોને પણ આ અગનજાળ સ્પર્શી ગઈ છે, થોડીક સમૃદ્ધિ મળે, સંપત્તિ મળે એટલે આની પાછળ આંધળી દોટ મૂકીને ક્યારેક બધું ગુમાવી બેસે છે અને એમને માટે લમણે હાથ દઈને બેસી રહેવાનો વારો આવે છે. આ માટે પણ સ્વામીજી વાણી અને વિચારોને ધ્યાનમાં રાખીને તેમજ સમગ્ર ભારતની પ્રાચીન સંસ્કૃતિની પરંપરાઓનું પુન: ચિંતન કરીને યુવકોએ પોતાનું સંયમશીલ જીવન જીવીને સૌનું યોગક્ષેમ કરવાનું છે. આ કાર્ય સરળ નથી.

આજે મધ્યમવર્ગીય યુવકોની સંખ્યા ક્રમશ: વધતી જાય છે. આ સંખ્યા વધે એ એક આર્થિક રીતે સારો સંકેત છે અને યુવાનોમાં રહેલી શક્તિઓ માટે શુભ સંકેત છે. આમ છતાં પણ દુ:ખની વાત તો એ છે કે આ બધા મધ્યમવર્ગના યુવકો સ્વમેળે આગળ તો વધે છે, પણ પોતાની પાછળ રહી ગયેલ ગરીબ યુવાનોને ભૂલી જાય છે. ગળાકાપ હરિફાઈએ એમની સંવેદનશીલતાને હણી નાખી છે. પોતાનું સારું થાય તો બીજાની ચિંતા કરવાની એને જરૂર લાગતી નથી. ખરેખર આનાથી ઊલટી પરિસ્થિતિ હોવી જોઈએ. પોતાની પાછળ રહી ગયેલા યુવાનોને પણ એણે ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ની જેમ આગળ ખેંચી લાવવા જોઈએ. એ વખતે જે વિકાસ કે ઉન્નતિ થાય તે સાચી ઉન્નતિ કે સાચો વિકાસ હશે. કારણ કે એમાં સૌને માટે જીવવાની વાત આવે છે. સહકારથી જીવવાની વાત આવે છે, સાથે રહીને ભોગવવાની વાત આવે છે. એકલા એકલા પોતાનું ખેતર લણી લેવાની વાત નથી આવતી. એટલે જ સ્વામીજીએ કહ્યું છે: ‘જે બીજાને માટે જીવે છે, એ જ ખરેખર જીવે છે; બાકીનાં બીજાં બધાં તો જીવતાં કરતાં મરેલાં વિશેષ છે.’

* આજના આપણા દેશના મોટા ભાગના યુવાનોમાં અને બીજા નાગરિકોમાં પણ હક્ક મેળવવા માટેની હોડ મચી છે. સૌ કોઈને લાભ ખાટી લેવો છે અને એ પણ પોતાનો પરસેવો પાડ્યા વગર. હક્ક મેળવવા છે પણ ફરજ બજાવવી નથી, આ એમના જીવનનું એક નવું સૂત્ર બની ગયું છે, એનાં માઠાં પરિણામો આખું રાષ્ટ્ર ભોગવી રહ્યું છે. કોઈ પણ દેશને સમૃદ્ધ કે સુખી બનાવવા માટે યુવાનોએ હંમેશાં સ્વાર્પણની ભાવનાથી જીવતાં શીખવું જોઈએ. આ બલિદાનની અને ત્યાગની ભાવના જ કોઈ પણ વ્યક્તિને મહાન બનાવે છે અને એ બલિદાન અને ત્યાગ દ્વારા વ્યક્તિ પોતાનું તો કલ્યાણ કરે છે પણ સાથે ને સાથે સમગ્ર સમાજને તારવાનો ભગીરથ પ્રયત્ન કરે છે. આવા પ્રયત્નોથી જ કોઈ પણ દેશ શાંતિ અને સુખાકારીના માર્ગે આગળ વધી શકે.

* આવા વખતે હંમેશાં યુવાનોએ એટલું યાદ રાખવું જોઈએ કે સમાજ, રાજ્ય કે રાષ્ટ્ર પાસે મારી માગણીનો બુલંદ અવાજ રજૂ કરતાં પહેલાં મારે મારા રાષ્ટ્ર માટે શું કરવું જોઈએ અને મેં શું કર્યું છે, એનો વિચાર કરી લેવો જોઈએ. ટૂંકમાં કહીએ તો તમારું રાષ્ટ્ર તમારા માટે શું કરે છે? એમ પૂછવાને બદલે યુવકોએ ‘અમે અમારા રાષ્ટ્ર માટે શું કરી શકીએ અને એના માટે અમારામાં કેટકેટલી ક્ષમતાઓ છે’ એ વિશે વધારે ચિંતન-મનન કરવું જોઈએ; એ પ્રમાણે આચરણ પણ કરવું જોઈએ.

* આજે દેશના યુવાન ધનપતિઓમાં પોતાની આવક સંવૃદ્ધિ કરતી સંસ્થામાં પોતે માત્ર અને માત્ર આવક ઊભી કરવાના વિચારમાં મગ્ન રહે છે. પણ એમનામાં ટ્રસ્ટીશીપની ભાવના છે નહિ. એટલે કે મને મળેલી સંપત્તિનો હું તો એક માત્ર રખેવાળ છું, એવી ભાવના અદૃશ્ય થઈ ગઈ છે. પરિણામે બીજાના પરસેવે કરેલી કમાણી સ્વકલ્યાણ માટે જ, સુખસાહ્યબી માટે જ વપરાતી રહે છે. એને કારણે આર્થિક વિષમતાઓ ઊભી થાય છે અને સમાજમાં એક અસંતોષનું વાતાવરણ ઊભું થાય છે.

* આજના અત્યંત સ્પર્ધાત્મક યુગમાં યુવકોએ એક વિશેષ વલણ અપનાવ્યું હોય એવું લાગે છે. એ વલણ છે, પોતે મેળવેલી સિદ્ધિનાં ગુણગાન ગાવાં અને હારેલાને સાવ અવગણવો. આ વલણ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર માટે ઘાતક છે. એને લીધે યુવકમાં ખેલદીલીની ભાવના દૂર થાય છે. આ ગળાકાપ હરિફાઈ યુવાનને જાણે કે ઓછામાં ઓછો સમસંવેદનશીલ બનાવી દે છે, એટલે કે એ પથ્થરદિલનો બની જાય છે. બીજી બાજુએ હારેલાઓ પણ હતાશ-નિરાશ થઈને પોતે બધું ગુમાવી બેઠા હોય એવું મનોવલણ રાખીને એ નિષ્ક્રિય બને છે, ક્યારેક આત્મઘાતક માર્ગો પણ અપનાવે છે.

* આજના યુવાનોમાં થોડું રીઢાપણું, ઉદાસીનતા, ઉત્સાહનો અભાવ જોવા મળે છે. આ મનોવલણને કારણે તેઓ ઠંડાગાર લાગે છે અને હંમેશાં પ્રગતિ કરતી વખતે મનમનાવી લે છે અને ‘ગાડું રડે છે, એને રોડવતા રહો’ એવું મનોવલણ કેળવી લે છે. આ મનોવલણ વ્યક્તિની પોતાની પ્રગતિશીલતાને તો રુંધે છે પણ બીજાની પ્રગતિને પણ રોકે છે, રુંધે છે; પરિણામે સમાજ જ્યાં છે ત્યાંનો ત્યાં જ રહે છે, પ્રગતિની નિશાની રહેતી નથી. યુવાનો તો સર્જક છે, સર્જનને હણનાર નથી.

* વળી આજનો યુવાન એક (ન્યૂ એઈજ રિલિજિયન) નવા યુગના ધર્મ તરફ વળ્યો છે. એમાં રેકી, ટેરોટ રિડિંગ, ક્રિસ્ટલ રિડિંગ – આંકડાકીય માયાજાળને આધારે ભવિષ્યવાણી ભાખવી; વિવિધ પથ્થરની નંગવાળી અંગૂઠીઓ પહેરવી, આધુનિક વાસ્તુ વિદ્યા, વગેરેનો સમાવેશ થાય છે. પરિણામે આ યુવવર્ગ કોઈ કહેવાતાં ગેબીતત્ત્વોનો ગુલામ બન્યો છે. અને એને આધારે જ જીવન જીવતો થઈ જાય છે. પરંતુ સાચી મુશ્કેલી તો ત્યારે જ આવે છે કે આવો યુવાન વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સત્યોને સ્વીકારવાનો ઇન્કાર કરી દે છે. એટલે કે એનામાં વિચાર-વિવેક ચાલ્યો જાય છે. કોઈ પણ વિષય પર સતત મનન-ચિંતન કરવાની ભાવના એનામાં મરી પરવારે છે. એટલે કે એનો બૌદ્ધિક વિકાસ અટકી જાય છે. તાર્કિક સમજણ ચાલી જાય છે અને એના મનની બારી ઉઘાડી રહેતી નથી. પરિણામે વ્યક્તિનું અધ:પતન તો થાય છે, પણ સાથે ને સાથે આવા યુવાનોને લીધે સમગ્ર સમાજ અને રાષ્ટ્ર પણ અધ:પાતના પથે વળે છે.

* આપણે અગાઉ જોયું તેમ આજની દુનિયામાં યુવાનની પરિશોધના વૃત્તિ કીર્તિ મેળવવાની કે ભાવિને ઉજ્જ્વલ બનાવવી રહી છે. ઘણાં વર્ષો પહેલાં એક યુવાનેતાએ (સ્વામી વિવેકાનંદે) આવી મનોવૃત્તિવાળા યુવકોને સંબોધીને એક પ્રશ્ન પૂછ્યો કે સૌ પ્રથમ તો આટલું સમજવાનો પ્રયત્ન કરો, શું માનવ કાયદાને રચે છે કે કાયદાઓ માનવનું નિર્માણ કરે છે? પહેલાં શું માણસ ધનસંપત્તિ બનાવે છે કે ધનસંપત્તિ માણસનું નિર્માણ કરે છે? શું નામ અને કીર્તિ માણસને તૈયાર કરે છે કે નામ અને કીર્તિ માણસને સર્જે છે? જો આમાં માનવ જ અગત્યનો હોય તો આપણે શું માનવનું ઘડતર ન કરવું જોઈએ? એટલે કે માનવ ઘડનારી, ચારિત્ર્ય આપનારી કેળવણી અપનાવવી ન જોઈએ? સ્વામીજી જાણે આપણને ઉદ્દેશીને કહે છે કે સૌ પ્રથમ તો તમે માનવ બનો. અને પછી ધનસંપત્તિ, કીર્તિ, નામ, એ બધું એની મેળે તમારી પાછળ પાછળ આવશે. તમારે એની પાછળ આંધળી દોટ મૂકવી નહિ પડે. જીવનનું ઘડતર કર્યા વિના કે સારું ચારિત્ર્ય કેળવ્યા વિના આ બધું કરવા દોટ મૂકશો તો એ પ્રયત્નો વ્યર્થ જવાના અને અંતે તો હાથમાં હતાશા અને નિરાશા જ આવવાની.

Total Views: 21

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.