સ્વામી વિવેકાનંદે પોતાના ‘કર્મયોગ’ નામના વ્યાખ્યાનમાં ‘ચારિત્ર્ય પર કર્મની અસર’ એ વિશે બોલતાં કહ્યું છે: ‘માણસ કોઈ પણ સ્વાર્થી હેતુ વિનાનો હોય તો શું એને કશો લાભ થતો નથી? એને અવશ્ય લાભ થાય છે, એ ઉચ્ચતમ લાભને પામે છે. નિ:સ્વાર્થ વૃત્તિ હંમેશાં વિશેષ લાભ આપે છે; માત્ર માણસમાં કેવળ એવી વૃત્તિનો અમલ કરવાની ધીરજ હોતી નથી. આરોગ્યની દૃષ્ટિએ પણ નિ:સ્વાર્થવૃત્તિ વધુ લાભદાયક છે. પ્રેમ, સત્ય અને નિ:સ્વાર્થવૃત્તિ એ નીતિ વિશેના માત્ર શાબ્દિક અલંકારો નથી, પણ એ આપણા ઊંચામાં ઊંચા આદર્શના ઘડવૈયા છે, એવાઓમાં જ શક્તિ પ્રગટ થાય છે. દાખલા તરીકે જે માણસ પાંચ દિવસ, અરે પાંચ મિનિટ પણ, નિ:સ્વાર્થપણે કશું કામ કરે, અને એ વખતે ભાવિનો, સ્વર્ગ પ્રાપ્તિનો, સજાનો કે એવા કોઈ પ્રકારનો વિચાર ન કરે,  તો માણસમાં શક્તિશાળી, નીતિમાન મહાપુરુષ થવાની તાકાત રહેલી છે. અલબત્ત, આ રીતે કામ કરવું મુશ્કેલ છે, પણ આપણા હૃદયના ઊંડાણમાં એમ કરવાનું મહત્ત્વ અને એથી આવતું શુભ ફળ પણ આપણે જાણીએ છીએ.’ (૧.૨૬-૨૭)

ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તમને કર્મ કરવાનો અધિકાર છે પણ એના ફળની અપેક્ષા રાખવાની નહિ. તમારા કાર્યના ફળનો હેતુ ન હોવો જોઈએ. અકર્મમાં પણ આસક્તિ ન રાખવી. એટલે આપણે ફળની અપેક્ષા રાખ્યા વિના નિષ્કામભાવે કર્મ કરતાં રહેવું જોઈએ.

જીવનના કોઈ પણ કાર્યક્ષેત્ર કે વ્યવસાયમાં અકર્મણ્યતા નિભાવી ન શકાય. નિષ્કામ ભાવે કાર્ય કરીએ તો વ્યાવસાયિક ક્ષેત્રોમાં ફળ વિના કાર્ય કરવાનો ઉપદેશ ઉપકારક બને ખરો? વર્તમાન સમયના બધા વ્યવસાયો અને ઉદ્યોગો એ પરિણામલક્ષી વ્યવસ્થાપનના આધારે ચાલે છે અને પશ્ચિમનું બધું આધુનિક મેનેજમેન્ટ ફળલક્ષી આધારભૂમિકા પર રચાયેલું છે.

આવી પરિસ્થિતિમાં ફળની અપેક્ષા રાખ્યા વગર કાર્ય કરવાનો દૃષ્ટિકોણ આપણે કેમ અપનાવી શકીએ? અલબત્ત, એ માટે આપણે આ રીતે ચાલવું જોઈએ. સામાન્ય રીતે વિશ્વના મોટા ભાગના લોકોના મહત્તમ કલ્યાણ એટલે કે સૌને ઉપયોગી નીવડવાનો હેતુ હોવો જોઈએ. કાર્યનું ફળ સર્વલક્ષી બનવું જોઈએ, સ્વલક્ષી કે સ્વાર્થલક્ષી નહિ. આવી પદ્ધતિ અપનાવવાને લીધે આપણે જે કંઈ કાર્ય કરીશું એમાં અંગત સ્વાર્થ ધન-કીર્તિ કમાઈ લેવાનો નહિ હોય. જો કાર્ય પાછળનો આપણો હેતુ સમગ્ર જગતના સામાન્ય યોગક્ષેમનો હોય તો કાર્ય કરવા પાછળ સ્વાર્થવૃત્તિનો અંશ દેખાવાનો નથી. બીજાના કલ્યાણ માટે ફળની અપેક્ષા રાખીને કરેલું કાર્ય પણ ગીતાના ઉપદેશની લગોલગ બેસે તેવું છે. આવું કાર્ય વ્યક્તિગત લાભોથી ચડીયાતું છે અને એ લાભોને એ ઓળંગી પણ જાય છે.

સ્વામી વિવેકાનંદ આ જ વાતને આગળ લઈ ગયા અને નિ:સ્વાર્થવૃત્તિને નૈતિકતા સાથે સરખાવી છે; એટલે કે એને એક નૈતિક મૂલ્ય તરીકે સ્વીકારી છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘સર્વ માનવપ્રકૃતિનું લક્ષ્ય જે મુક્તિને, સ્વાધીનતાને નિ:સ્વાર્થ કાર્ય વડે પ્રાપ્ત કરવાનો કર્મયોગનો ઉદ્દેશ છે. તેથી દરેક સ્વાર્થી કાર્ય એ લક્ષ્યે પહોંચતાં આપણને અટકાવે છે, અને દરેક નિ:સ્વાર્થ કાર્ય આપણને એ લક્ષ્યે લઈ જાય છે. અથવા નીતિની વ્યાખ્યા આટલી જ આપી શકાય: જે કાંઈ સ્વાર્થમય છે તે અનૈતિક છે, અને જે કાંઈ નિ:સ્વાર્થ છે તે નૈતિક છે.’ (૧.૮૮)

સ્વામીજીએ નિ:સ્વાર્થવૃત્તિને મહાન આદર્શ નેતાની એક મુખ્ય ગુણવત્તા ગણી છે. સ્વામીજીએ પોતાના ગુરુબંધુ સ્વામી રામકૃષ્ણાનંદજીને શિકાગોથી ૧૮૯૪માં લખેલા પત્રમાં કહ્યું છે: 

‘ભાઈ! નેતા શું બનાવી શકાય કે? નેતા તો જન્મે છે, સમજ્યો? નેતાનો પાઠ ભજવવો એ બહુ કઠિન છે. માણસે દાસસ્ય દાસ: – સેવકના પણ સેવક થવું પડે, અને હજારોનાં મન મનાવવાં પડે. અદેખાઈ કે સ્વાર્થનો અંશ પણ ન હોય ત્યારે તમે નેતા બની શકો. પહેલાં જન્મથી હોય, અને પછી નિ:સ્વાર્થી બને તે નેતા થાય.. પ્રેમ શ્રેષ્ઠ સાધન છે. લાંબે ગાળે પ્રેમ જીતે છે. અધીરા થવાથી કાંઈ નહિ વળે. રાહ જુઓ, રાહ જુઓ; ધીરજથી સફળતા મળશે..’ (૮.૬૭)

જો ચારિત્ર્ય એ જ નેતૃત્વનું મુખ્ય અને મહત્ત્વનું લક્ષણ હોય અને નિ:સ્વાર્થતા ચારિત્ર્યનું એક મહત્ત્વનું અંગ હોય તો સ્વામીજીની વાત સાચી છે. એટલે કે નિ:સ્વાર્થવૃત્તિ એ નેતા માટે સૌથી મહત્ત્વનો ગુણ છે. આનાં ઊંડાં મૂળિયાં આપણને દાસભાવે નેતૃત્વની (સર્વન્ટ લીડરશીપ) સંકલ્પનામાં જોવા મળે છે અને આ એક ઉત્તમ ગુણવત્તા છે, એ કોઈ ઉપરછલ્લી શૈલી નથી. દાસભાવે સેવા કરનાર નેતાઓમાં પ્રેમ, વિનમ્રતા, નિ:સ્વાર્થભાવના, આગવી સૂઝ, વિશ્વાસ, શક્તિ અને સેવાના ગુણો હોવા જોઈએ. સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ આદર્શ નેતામાં એટલે કે દાસભાવે સેવા કરનાર નેતામાં આ સાતેય ગુણો હોવા જોઈએ. પણ આ બધામાં નિ:સ્વાર્થવૃત્તિ સૌથી વધારે મહત્ત્વનો ગુણ છે.

આ નિ:સ્વાર્થવૃત્તિ એટલે બીજાના ભોગે વ્યક્તિગત ઉન્નતિ, લાભ કે સુખસુવિધા નહિ. એટલે કોઈ પણ વ્યાવસાયિક ક્ષેત્રમાં વ્યક્તિગત આકાંક્ષાઓને આવશ્યકતાઓને ગૌણ ગણીને ચાલવું જોઈએ. સૌથી વધારે મોટો ઉદાત્ત હેતુ રાખવો જોઈએ અને વ્યક્તિગત સફળતાની મુરાદો બહુ સેવવી ન જોઈએ. સ્વામી વિવેકાનંદે પોતાની સંસ્થાને આવી મહાનતામાં પરિવર્તિત કરી દીધી હતી. આવો આદર્શ નેતા પોતાના અનુયાયીઓ પ્રત્યે માનસન્માન અને વિશ્વાસ કેળવી લે છે. આ નિ:સ્વાર્થવૃત્તિ અનુસરણ કરનારાઓ માટે પણ એટલી જ આવશ્યક છે. એને લીધે તેઓ પોતાના નેતાની ઇચ્છાઓને ફળીભૂત કરવાનો પ્રયાસ કરી શકે છે. ક્યારેક એવુંયે બને કે આવી ઇચ્છાઓ પોતાના મનને ગમતી પણ ન હોય; તો પણ એમણે આ ગુણ કેળવવો જોઈએ.

આવી લાક્ષણિકતા લશ્કરમાં વધારે ગંભીરતાથી પળાતી જોવા મળે છે. એનું કારણ એ છે કે યુદ્ધના મેદાનમાં તે સફળતા કે નિષ્ફળતા પર પ્રભાવ પાડી શકે છે, જીવન કે મૃત્યુ તરફ દોરી જાય છે. લશ્કરી દળોમાં નેતૃત્વની તાલીમ વખતે હંમેશાં નિ:સ્વાર્થવૃત્તિને કોઈ પણ સૈનિકની આવશ્યક લાક્ષણિકતાના રૂપે કેળવવામાં આવે છે. નેતા તરીકે સ્વામી વિવેકાનંદ એક સર્વોત્કૃષ્ટ નિ:સ્વાર્થવૃત્તિનું દૃષ્ટાંત હતા. તેઓ પોતાના અનુયાયીઓને આ શબ્દો કહીને પ્રેરતા:

‘જ્યાં સત્ય છે, જ્યાં પવિત્રતા છે, જ્યાં નિ:સ્વાર્થ વૃત્તિ છે, ત્યાં તેના ધારણ કરનારને જગત પરની કોઈ પણ સત્તા દબાવી શકનાર નથી. એનાથી સજ્જ થયેલો માનવી, એકલો આખા વિશ્વના વિરોધનો સામનો કરી શકે છે.’ (૫.૨૨૮)

શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં પોતે આપેલ સંભાષણોનો ઉલ્લેખ કરીને સ્વામી વિવેકાનંદે એક વખત હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક જ્હોન હેનરી રાઈટને આ શબ્દો લખ્યા હતા: ‘જો મેં સારું કર્યું છે તો એમણે (શ્રીરામકૃષ્ણે) જ મને એના માટે શક્તિ આપી છે. અને જો હું ભયંકર રીતે કોઈ પણ બાબતમાં નિષ્ફળ ગયો હોઉં તો હું જાણું છું તેમ એ વિશે હું સાવ અજ્ઞાન જ હતો.’

પોતાના એક અનુયાયીને વધારે વિશુદ્ધ બનાવવા માટે પોતાના કાર્યકર્તા પોતાના તરફ વધારે લક્ષ્ય સેવવાની વાત કરતાં સ્વામીજીએ એક પત્રમાં લખ્યું હતું:

‘હવે છેવટને માટે જાણી લો કે હું કોઈ નામના કે કીર્તિ કે એવી કોઈ મિથ્યા વસ્તુની પરવા કરતો નથી. હું તો જગતના હિત માટે મારા વિચારોનો પ્રચાર કરવા ઇચ્છું છું. તમે મહાન કાર્ય કર્યું છે, પરંતુ એનું પરિણામ તો એટલું જ આવ્યું છે કે એથી તો કેવળ ‘મને’ નામના અને કીર્તિ જ મળ્યાં છે. લોકેષણાની પ્રાપ્તિમાં વેડફી  નાખવા જેટલી સસ્તી જિંદગી નથી. એવી મૂર્ખાઈ માટે મારી પાસે જરાય સમય નથી. આપણા વિચારોનો ભારતમાં ફેલાવો કરવાની તેમજ સંગઠિત થવાની દિશામાં તમે શું કાર્ય કર્યું છે? ‘શૂન્ય, શૂન્ય, શૂન્ય!.. મારા નામને આગળ લાવવાની જરૂર નથી; મને તો મારા વિચારોને મૂર્તિમંત થતા જોવાની ઇચ્છા છે. બધા મહાપુરુષોના શિષ્યોે હંમેશાં તે મહાપુરુષના વિચારોને, એ મહાપુરુષનાં ‘વ્યક્તિત્વ’ સાથે જટિલ રીતે સેળભેળ કરી દીધા છે, અને આખરે એ મહાપુરુષના ‘વ્યક્તિત્વ’નું બહુમાન કરવાના પ્રયત્નમાં તેના વિચારોનો જ તેમણે વધ કરી નાખ્યો છે, આવું ન બને તે સામે શ્રીરામકૃષ્ણદેવના શિષ્યોએ ચેતવાનું છે. વિચારો માટે કાર્ય કરો, વ્યક્તિ માટે નહિ.’ (૧૧.૨૫૧-૫૨)

સ્વામી વિવેકાનંદની પ્રબળવાણીમાં પોતાની જાતને સાવ ભૂલી જવાની વાત, વિનમ્રતા, નિ:સ્વાર્થ વૃત્તિ અને આત્મશ્રદ્ધાનું મિશ્રણ રણકતું જોવા મળે છે. એમણે હંમેશાં પોતાના શિષ્યોને આદર્શ કે વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપી હતી, એ આદર્શ કે વિચાર આપનાર માનવને ભૂલીને પણ.

આદર્શ કે વિચારને બદલે માનવને મહત્ત્વ આપવાથી એક સંકુચિત વાડાબંધીવાળું અનુયાયીપણું ઊભું થવાનો ભય એમને લાગતો. અને તેઓ આ ભાવને યત્નપૂર્વક દૂર કરવા પ્રયત્ન કરતા. ‘નામ કે કીર્તિની પરવા કર્યા વિના કાર્ય ખાતર કાર્ય કરવું’ એ નિ:સ્વાર્થ વૃત્તિની વાત એમના કર્મયોગના ઉપદેશમાં હાર્દરૂપ હતું. જો લોકોમાં એને આચરણમાં મૂકવાની ધીરજ હોય તો પછી ભલે એ હંમેશાં બેંક બેલેન્સના રૂપે ન પણ હોય. લાંબે ગાળે આ વધુ લાભપ્રદ બની જાય છે. સ્વામી વિવેકાનંદ લોકોને સાવ સીધેસીધી રીતે નિ:સ્વાર્થ વૃત્તિથી કામ કરે એવી આશા કરતા નહિ, પરંતુ તેઓ એવી અપેક્ષા સેવતા કે કાર્યને જે રૂપે આવે તે રૂપે એને સ્વીકારીને ક્રમશ: પોતાની જાતને વધુ ને વધુ નિ:સ્વાર્થ બનાવવાનો પ્રયત્ન કરશે. આ મુદ્દાને સ્પષ્ટ કરતાં એમણે કહ્યું છે: 

‘આપણે કામ કરવું જોઈએ અને તેમ કરવા આપણે શા માટે પ્રેરાઈએ છીએ તેનો હેતુ શોધી કાઢવો જોઈએ. આપણને લગભગ અપવાદ સિવાય માલૂમ પડશે કે શરૂઆતનાં વર્ષોમાં કાર્ય કરવામાં આપણા હેતુઓ હંમેશાં સ્વાર્થી હોય છે; પણ સતત રીતે પ્રયાસ કરવાથી આ સ્વાર્થીતત્ત્વ ઓછું થાય છે, અને છેવટે એક દિવસ એવો આવે છે, જ્યારે આપણે ખરેખર નિ:સ્વાર્થવૃત્તિથી કાર્ય કરતા થઈએ છીએ. જીવનના માર્ગો પર સંઘર્ષ સાથે પસાર થતાં થતાં આપણે એક દિવસે પૂર્ણ રીતે નિ:સ્વાર્થી થઈશું એવી આશા સેવી શકીએ છીએ. અને જે દિવસે આપણે આવી નિ:સ્વાર્થવૃત્તિ પામીશું, તે સમયે આપણી સર્વશક્તિઓ આત્મામાં કેન્દ્રિત થશે, અને જે જ્ઞાન આપણી અંદર રહેલું છે, તે આવિષ્કાર પામશે.’ (૧.૨૮)

કોઈપણ મહત્ત્વનાં કાર્ય અને એની જવાબદારી પોતાને અનુસરનારા અને નીચેની પાયરીએ રહેલા કાર્યકર્તા માટે આ સૂક્ષ્મ નિ:સ્વાર્થવૃત્તિની ભાવના સાથે જ્યાં સુધી જ્યાં અને જેમને યોગ્ય કદરદાની વ્યક્ત ન કરાય ત્યાં સુધી નેતૃત્વ કરનારા કે વ્યવસ્થાપકો માટે એક રહસ્ય બની રહે છે. ભલે ને એમના આ પ્રકલ્પ કે યોજનાની સફળતામાં એમના કરતાં વધુ લાયકાતવાળા, જ્ઞાનમાહિતી અને બુદ્ધિ ધરાવનારા વ્યક્તિ હોય તો પણ વ્યક્તિગત સ્વાર્થવાળા અને બીજાને અવગણનાર નેતાઓ હંમેશાં સૌથી વધારે આકર્ષક અને રોમાંચક એવી પોતાની જાતને આગળ ધરનારી વાતો કરશે અને એમાં સફળતાની અપેક્ષા રાખીને આનંદ પણ માણશે. આ કાર્યમાં આવા નેતાઓ ભાગ ભજવે તો પણ બીજાએ આપેલા પ્રદાનને સ્વીકારતા નથી અને એનો યશ પોતે ખાટી જવાનો પ્રયત્ન કરે છે. જો નિ:સ્વાર્થ ભાવનાવાળું અને સુયોગ્ય દૃષ્ટિવાળું તંત્ર હોય તો સંસ્થાના કાર્યની અસરકારકતામાં ઘણો વધારો કરી શકે છે. સાથે ને સાથે તેઓ પોતાની પાછળ ચાલનારના શ્રદ્ધાવિશ્વાસ, કટિબદ્ધતા અને આત્મવિશ્વાસને પણ વધારી શકે છે. આ બધું એમણે પોતપોતાના સારાં કાર્યો દ્વારા મેળવ્યું હોય છે. આવા અસરકારક મેનેજમેન્ટ પર સ્વામીજી અભૂતપૂર્વ પ્રભુત્વ ધરાવતા હતા.

Total Views: 14

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.