શિવભક્ત ચેનથાનાર

૧. ચિદંબરમ્‌ની નજીક ચેનથાનાર નામનો કઠિયારો રહેતો હતો. તે નિમ્ન કુટુંબનો હતો પણ શિવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવતો હતો.

– લાકડા વેંચીને જે પૈસા મળતા તે પૈસા શિવભક્તોને જમાડવામાં વાપરતો.

૨. એક દિવસ ભારે વરસાદ પડ્યો.

– હે નટરાજ! આજે તો મને ભીનાં લાકડાં જ મળશે. એટલે ચોખા ખરીદવા મારી પાસે પૈસા નહિ હોય. એટલે આજે તો મેં સાંબાની ખીર બનાવી છે.

૩. એણે તો શિવભક્તની શોધ કરી, પણ એકેય ન મળ્યો. હવે મારે કરવું શું?

૪. ભગવાન શિવ તો દુનિયાને ચેનથાનારની ભક્તિ બતાવવા માગતા હતા. એટલે ભક્તના વેશે તેઓ તેને ઘરે ગયા.

૫. ભાઈ, તમે મારે ઘેર પધાર્યા છો. એટલે મારી રાંધેલી ખીર પ્રેમથી સ્વીકારો.

– વારુ, પીરસો મને.

૬. ભોજન પછી ભક્તના રૂપે આવેલ શિવે કહ્યું:

– ભાઈ, મેં તેં રાંધેલી ખીર પ્રેમથી ખાધી. આવા વરસાદમાં મને સાંજનું ભોજન કોણ આપશે? એમ કર વધેલી ખીર મને આપી દે. હવે પછીના ભોજનમાં એનો ઉપયોગ કરીશ.

– એણે તો વધેલી ખીર મહેમાનને આપી દીધી.

૭. તાંઝવરના ચૌલ રાજાનો પુત્ર કંદારાદિથર પણ શિવભક્ત હતો. તેણે ભગવાન ચિદંબરમ્ના મંદિરના ઘુમ્મટને સોનેથી મઢવાની જવાબદારી લીધી. દરરોજ તે શિવપૂજા કરતો. એની પૂજા શિવજીએ સ્વીકારી છે. એ દર્શાવવા નટરાજ પોતાના પગનાં ઘુંઘરું પૂજા પછી વગાડતા. આમ દરરોજ બનતું.

૮. એક દિવસ એણે ઘુંઘરુંનો મધુર અવાજ સાંભળ્યો નહિ.

– હે પ્રભુ! આજે આવું કેમ બન્યું? શું તમે મારી પૂજા ન સ્વીકારી? શું પૂજામાં મારી કંઈ ભૂલ થઈ?

૯. એ દિવસે ભગવાન નટરાજ શિવે સ્વપ્નમાં આવીને કહ્યું:

– વત્સ! ચિંતા ન કર. તારી પૂજા તો બરાબર હતી. પણ હું ચેનથાનારે રાંધેલી ખીર લેવા ગયો હતો. એટલે તેં મારા ઘુંઘરુંનો અવાજ સાંભળ્યો નહિ.

૧૦. ચિદંબરમ્ના શિવમંદિરનાં મુખ્ય દ્વાર દરરોજની જેમ પૂજારીએ ખોલ્યાં.

– અરે, આ શું! શિવની મૂર્તિ આસપાસ સાંબાની ખીર વેરાયેલી છે.

– અરે! પ્રભુના પોશાક પર પણ ખીરના ડાઘા!

– અહીં ખીર આવી ક્યાંથી?

– કોઈક અહીં આવ્યું હશે અને આવું કર્યું હશે.

– ચાલો, આપણે રાજાને આની જાણ કરીએ.

૧૧. પૂજારીઓ તો ઉપડ્યા રાજા પાસે અને બધી વાત કરી. રાજાને શિવજીએ સ્વપ્નમાં કરેલી વાત સમજાણી. ચેનથાનારને શોધવા એમણે આદેશ કર્યો.

૧૨. પ્રધાનજી! તમે ચેનથાનારને ગોત્યો?

– અમે તો ઘણું મથ્યા પણ કંઈ સગડ મળ્યા નથી.

૧૩. નટરાજનો રથોત્સવ હતો. ચેનથાનાર પણ એ જોવા આવ્યો. ભગવાનને રથમાં બેસાડીને રાજાએ પણ બીજા લોકો સાથે રથનું દોરડું ખેંચવા માંડ્યું. વરસાદને કારણે કાદવમાં પૈડું ખૂંચી ગયું, હલ્યુંયે નહિ.

૧૪. આ જોઈને રાજા તો દુ:ખી દુ:ખી. એમણે આકાશવાણી સાંભળી..

– ચેનથાનાર તું મારાં ગુણગાન કર.

– અરે! મને ગાવાનું કહો છો, હું તો કંઈ જાણતો નથી. હું તમારાં ગુણગાન કેવી રીતે કરું? મારા પર કૃપા કરો, મહારાજ!

– આ ચેનથાનાર કોણ છે? આ તો મૂંઝવી દે તેવું છે.

૧૫. શિવજીની કૃપાથી ચેનથાનારે પ્રભુમહિમાના સ્તોત્રો ગાયાં.

– શિવનો જય હો! જય હો ભક્તોનો! આ ધરતી પરથી બધાં અનિષ્ટો દૂર થાઓ.

– શિવજીની કૃપાથી એણે ૧૩ સ્તોત્ર ગાયાં. એકાએક રથ ચાલવા માંડ્યો!

૧૬. રાજા, પૂજારીઓ અને બધા ભક્તો ચેનથાનારનાં ચરણે પડ્યા અને એની પ્રશંસા કરી.

૧૭. પોતાના સ્વપ્નની વાત રાજાએ એને કહી. જ્યારે એણે જાણ્યું કે ભક્તના રૂપે શિવજીએ પોતે જ એની ખીર આરોગી ત્યારે તેના હૃદયમાં આનંદની હેલી ઊઠી.

૧૮. એમણે ગાયેલ શિવનાં સ્તોત્રો સ્તુતિ ગ્રંથમાં ઉમેરાઈ ગયાં.

Total Views: 13

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.