જતને હૃદયે રેખો
(કાલિંગડા – ટીમેતેતાલા)
જતને હૃદયે રેખો, આદરિણી શ્યામા મા કે,
મન તુંઈ દેખ આર આમિ દેખિ,
આર જેનો કેઉ નાહિ દેખે।
કામાદિરે દિયે ફાકી, આય મન વિરલે દેખિ,
રસનારે સંગે રાખી, શે જેનો મા બોલે ડાકે,
કુરુચિ કુમંત્રી જતો, નિકટ હોતે દિઓ નાકો,
જ્ઞાન-નયને પ્રહરી રેખો, શે જેનો સાવધાને થાકે.
(ખૂબ જેનો સાવધાને થાકે)
કમલાકાંતેર મન ભાઈ આમાર એક નિવેદન,
દરિદ્રે પાઈલે ધન, સે કિ અજતને રાખે?

જતન કરી હૈયે રાખો
(કાલિંગડા – ટીમેતેતાલા)
‘જતન કરી હૈયે રાખો, આદરિણી શ્યામા માને,
મન તું જ દેખ, અને હું દેખું,
બીજું કોઈ નવ ભાળે એને…
કામાદિને છેતરી રે મન, છાનુંમાનું જો શ્રીમાને,
જિહ્વાને સંગે રાખો સદા, જેથી મા,
મા કહી એ બોલાવે.
કુરુચિ કુસંગો જે, તેને પાસ ન આવવા દો,
જ્ઞાનચક્ષુને પ્રહરી બનાવો, જેથી સર્વદા જાગ્રત હો!
કહે કમલાકાંત હે મન ભાઈ આ છે મારું નિવેદન
નિર્ધનને જો રતન મળે શું જતન કરી ના રાખે કરે?’

(૧) કથામૃત, ભાગ-૧, પૃ.૧૮૮-૧૯૧

તારીખ: શનિવાર, ૭મી એપ્રિલ, ૧૮૮૩, ૨૫ ચૈત્ર. 

સ્થાન: બલરામનું ઘર, બાગબજાર

પ્રસંગ: ઠાકુર સવારે બલરામને ઘેર પધાર્યા છે અને બપોરે ત્યાં જ ભોજન કર્યું છે… ચારેક વાગ્યાનો સમય. દીવાનખાનામાં નરેન્દ્ર, રાખાલ, માસ્ટર, ભવનાથ વગેરે ભક્તો સાથે ઠાકુર બેઠેલા છે. કેટલાક બ્રાહ્મભક્તો આવ્યા છે તેમની સાથે વાતો ચાલી રહી છે.

બ્રાહ્મભક્ત – મહારાજશ્રીએ પંચદશી વાંચી છે?

શ્રીરામકૃષ્ણ – એ બધાં પ્રથમ પ્રથમ એકવાર સાંભળી લેવાં જોઈએ; શરૂ શરૂમાં વિચાર કરી લેવો જોઈએ. ત્યાર પછી તો – ‘જતન કરી હૈયે રાખો… (ઠાકુર આ ગીત ગાય છે)

‘સાધક અવસ્થામાં એ બધાં સાંભળવાં જોઈએ. તેની (ઈશ્વર) પ્રાપ્તિ થયા પછી જ્ઞાનનો તોટો રહે નહિ. મા ઢગલો ધકેલી દે.

(૨) કથામૃત, ભાગ-૧, પૃ.૩૪૭-૩૫૨

તારીખ: કાર્તિક માસના કૃષ્ણ-પક્ષની એકાદશી; ૨૬મી નવેમ્બર, ઈ.સ. ૧૮૮૩. 

સ્થાન: શ્રીયુત્ મણિ મલ્લિકનું ઘર, સિંદુરિયાપટી

પ્રસંગ: શ્રીયુત્ મણિ મલ્લિકને ઘેર સિંદુરિયાપટી બ્રાહ્મ-સમાજનું અધિવેશન ભરાય. મકાન ચિતપુર રોડની ઉપર. શ્રીરામકૃષ્ણ પરમહંસદેવનું શુભાગમન થવાનું છે. બ્રાહ્મ-સમાજના નેતાઓ કેશવ, વિજય, શિવનાથ વગેરે ભક્તો ઉપર પરમહંસદેવ ખૂબ સ્નેહ રાખે, એટલે તેઓશ્રી પણ બ્રાહ્મ-ભક્તોને એટલા બધા પ્રિય. તેઓશ્રી હરિપ્રેમમાં મસ્ત.

તેમનો પ્રેમ, તેમની જ્વલંત શ્રદ્ધા, તેમની બાળકની પેઠે ઈશ્વરની સાથે વાતચીત, ભગવાનને માટે વ્યાકુળ થઈને તેમનું રુદન, તેમની માતૃભાવે સ્ત્રીજાતિની પૂજા, તેમનો વિષયની વાતોનો ત્યાગ, તૈલધારાવત્ નિરવિચ્છન્ન ઈશ્વરકથા પ્રસંગ, તેમનો સર્વ-ધર્મ-સમન્વય અને બીજા ધર્મો પ્રત્યે દ્વેષભાવના લેશમાત્રનો અભાવ; તેમનું ઈશ્વરભક્તોને માટે રુદન, – આ બધી વસ્તુઓએ બ્રાહ્મ-ભક્તોનાં ચિત્ત આકર્ષિત કર્યાં છે. એટલે આજે ઘણા લોકો બહુ દૂરથી તેમનાં દર્શન કરવા આવ્યા છે…

શ્રીરામકૃષ્ણ (વિજયને) – ઈશ્વર ઉપર પ્રેમ આવે એટલે કર્મત્યાગ એની મેળે થઈ જાય. જેમની પાસે ઈશ્વર કર્મ કરાવે છે એ લોકો ભલે કરે, તમારો હવે સમય થયો છે. બધું છોડીને તમે કહો, ‘મન તું દેખ ને હું દેખું, બીજું કોઈ એ નવ દેખે.’.. એમ કહીને ભગવાન શ્રીરામકૃષ્ણ પોતાના અતુલનીય કંઠે માધુર્ય વરસાવતાં વરસાવતાં ગીત ગાવા લાગ્યા: ‘જતન કરી હૈયે રાખો…

શ્રીરામકૃષ્ણ (વિજયને) – ભગવાનના શરણાગત થઈને હવે લજ્જા, ભય, એ બધાનો ત્યાગ કરો. હું હરિનામ લેતો લેતો નાચું તો માણસો શું કહેશે, એ બધા ખ્યાલ છોડી દો… લજ્જા, ઘૃણા, ભય, એ ત્રણ રહેતાં, (ઈશ્વર દર્શન) ન થાય. લજ્જા, ઘૃણા, ભય, જાતિ-અભિમાન, છુપાવવાની ઇચ્છા એ બધાય પાશ (બંધન) છે. એ બધા જાય તો જીવની મુક્તિ થાય. પાશ-બદ્ધ જીવ, પાશ-મુક્ત શિવ! ભગવાન પર પ્રેમ દુર્લભ વસ્તુ છે.

(૩) કથામૃત, ભાગ-૧, પૃ.૪૩૦-૪૩૨

તારીખ: રવિવાર, ૩૦મી ડિસેમ્બર, બપોરના ત્રણ વાગ્યા છે

સ્થાન: દક્ષિણેશ્વર

પ્રસંગ: કોલકાતાથી રામ, કેદાર વગેરે ભક્તો આવ્યા છે. તેમની સાથે એક વેદાંતવાદી સાધુ આવેલ છે. ઠાકુર જે દિવસે રામનો બગીચો જોવા ગયેલા, તે દિવસે આ સાધુની સાથે મુલાકાત થઈ હતી. સાધુ બાજુના બગીચામાં એક વૃક્ષ નીચે એકલો એક ખાટલા પર બેઠો હતો. ઠાકુરના કહેવાથી રામ આજે એ સાધુને સાથે લઈ આવેલ છે. સાધુએ પણ ઠાકુરનાં દર્શન કરવાની ઇચ્છા દર્શાવેલી… થોડી વાર વાતચીત કરી ઠાકુર પંચવટીમાં આંટા મારી રહ્યા છે. સાથે રામ, કેદાર, માસ્ટર વગેરે.

શ્રીરામકૃષ્ણ (હસીને) – સાધુ કેમ લાગ્યો?

કેદાર – શુષ્ક જ્ઞાન! હજી તો હાંડલી ચડાવી છે, ભાત ઓર્યા નથી!

શ્રીરામકૃષ્ણ – એ ખરું, પરંતુ ત્યાગી. સંસારનો જેણે ત્યાગ કર્યો છે તે ઘણોય આગળ નીકળી ગયો છે. 

સાધુ પ્રવર્તકના વર્ગનો (આરંભના વર્ગનો). પરમાત્માની  પ્રાપ્તિ કર્યા વિના કાંઈ વળે નહિ. જ્યારે પ્રભુના પ્રેમમાં મસ્ત થવાય, બીજું કંઈ સારું લાગે નહિ ત્યારે – ‘જતન કરી હૈયે રાખો…

(૪) કથામૃત, ભાગ-૧, પૃ.૬૧૧-૬૧૮

તારીખ: રવિવાર, ૨૩ ભાદ્ર, ૧૨૯૧ બંગાબ્દ,૭મી સપ્ટેમ્બર, ૧૮૮૪.

સ્થાન: દક્ષિણેશ્વર

પ્રસંગ: કોન્નગરના નવાઈચૈતન્યને ઠાકુરે કીર્તન કરવાનું કહ્યું. નવાઈચૈતન્ય ઉચ્ચ સ્વરે સંકીર્તન કરે છે. ઠાકુર આસન છોડી દઈને નૃત્ય કરવા લાગ્યા…

કીર્તન પૂરું થયું એટલે ઠાકુર પોતાની જગાએ બેઠા. હરિ-નામની પછી હવે આનંદમયી જગદંબાનું નામ લેવાય છે. ઠાકુર ભાવોન્મત્ત બનીને મા-નામ રટણ કરે છે, નામ લેતી વખતે ઠાકુરની ઊર્ધ્વ દૃષ્ટિ.

ગીત- જતન કરી હૈયે રાખો…

ઠાકુર આ ગીત ગાતાં ગાતાં ઊભા થઈ ગયા. માતાજીના પ્રેમાનંદમાં ઉન્મત્ત જેવા! ‘માનનીય શ્યામા માને હૃદયે રાખો’ એ વાત જાણે કે ભક્તોને ઉપરાઉપરી કહી રહ્યા છે. હવે તો ઠાકુર જાણે કે ખૂબ પીધેલની જેમ ઉન્મત્ત થયા છે.

(૫) કથામૃત, ભાગ-૨, પૃ.૫૪

તારીખ: ફાગણ વદ દશમ; પૂર્વાષાઢા નક્ષત્ર, બુધવાર, ૧૧મી માર્ચ, ઈ.સ. ૧૮૮૫. 

સ્થાન: બલરામનું ઘર, બાગબજાર

પ્રસંગ: આશરે દશ વાગ્યાને સુમારે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરથી ભક્ત બલરામ બસુને ઘેર આવ્યા છે અને શ્રીજગન્નાથ દેવનો પ્રસાદ લીધો છે… તેઓ નરેન્દ્ર, ગિરીશ, બલરામ, ચુની, લાટુ, માસ્ટર, નારાયણ વગેરે ભક્તો સાથે વાર્તાલાપ અને આનંદ કરી રહ્યા છે.

પરમહંસદેવે ગીત સાંભળવાની ઇચ્છા દર્શાવી. બલરામનું દિવાનખાનું આખું ભરાઈને માણસો બેઠા છે. સૌ પરમહંસદેવની સામે જોઈ રહ્યા છે. શું બોલે છે અને શું કરે છે એ સાંભળવા-જોવા આતુર છે. શ્રીયુત્ તારાપદ ગાય છે.

નારાયણ – મહાશય, આપ ગીત ગાવાના નથી?

શ્રીરામકૃષ્ણ પોતાના એ જ મધુર કંઠે માનાં નામ-ગુણ ગાય છે: ‘જતન કરી હૈયે રાખો…

Total Views: 10

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.