નવયુવકો પર, અત્યારની પેઢી પર મને શ્રદ્ધા છે; તેમનામાંથી જ મારા કાર્યકરો આવશે. સિંહની શક્તિથી તેઓ આખા પ્રશ્નને હલ કરશે. મેં એ યોજના આખી ગોઠવી રાખી છે અને મારું આખું જીવન મેં એ યોજનાને અર્પણ કર્યું છે. હું જો સફળ નહિ થાઉં તો મારા પછી કોઈ વધુ સારી વ્યક્તિ આવીને એ સફળ કરશે; હું પ્રયત્ન કરવામાં જ સંતોષ માનીશ…. (૮.૩૫)

માણસો ક્યાં છે? આ સવાલ ઊભો જ છે. હે નવયુવકો! મારી આશા તમારા ઉપર છે. તમે પ્રજાઓના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના એકે એકનું ભાવિ ઊજળું છે, જેમ મને બચપણમાં શ્રદ્ધા હતી અને જેનો ઉપયોગ હું અત્યારે કરી રહ્યો છું, તેવી બળવાન શ્રદ્ધા તમારી જાતમાં રાખો. તમારામાંનો દરેકે દરેક જો એવી આત્મશ્રદ્ધા રાખે કે પ્રત્યેક આત્મામાં અનંતશક્તિ ભરી પડી છે, તો અવશ્ય તમે સમસ્ત ભારતનું પુનર્જીવન સાધી શક્શો. અરે, ત્યાર પછી આપણે પૃથ્વીના પટ પર એકે એક દેશમાં પહોંચી જઈશું  અને અલ્પ સમયમાં જ દુનિયાની દરેક પ્રજાનું ઘડતર કરનારાં જે અનેક પરિબળો છે તેમાંનું એક મુખ્ય અને પ્રબળ પરિબળ આપણા આ વિચારો બની જશે. આપણે ભારતમાં અને ભારતની બહાર દરેક પ્રજાના જીવનમાં પ્રવેશ કરવો જ જોઈએ. આ હેતુની સિદ્ધિ અર્થે આપણે કાર્ય કરવું પડશે. એ માટે મારે યુવાનોની જરૂર છે. વેદો કહે છે કે: ‘મજૂબત દેહવાળો, તંદુરસ્ત અને બુદ્ધિશાળી યુવક જ પરમાત્માને પામી શકે.’ (૪.૧૭૪-૧૭૫)

મારી ભવિષ્યની આશા બુદ્ધિમાન, બીજાઓની સેવા માટે સર્વસ્વનો ત્યાગ કરનારા, આજ્ઞાપાલક, ચારિત્ર્યવાન યુવકો ઉપર નિર્ભર છે. મારે એવા યુવકો જોઈએ છીએ જેઓ મારા વિચારોને મૂર્તિમંત બનાવવા માટે પોતાનું જીવન સમર્પણ કરે, અને તેમ કરીને તેઓ પોતાનું તથા દેશનું ભલું કરે! નહિ તો, સાધારણ યુવાનો તો ટુકડીબંધ આવે છે, અને આવશે. તેમના ચહેરા ઉપર નિસ્તેજતા આલેખાયેલી જ દેખાય છે; તેમનાં હૃદય શક્તિહીન છે, તેમનાં શરીર માયકાંગલાં અને કાર્ય કરવા માટે અયોગ્ય છે તથા તેમનાં મન હિંમત વિનાનાં છે. આવા લોકોથી શું કામ થવાનું હતું? નચિકેતાની શ્રદ્ધાવાળા જો દશબાર યુવકો મને મળી જાય તો આ દેશનાં વિચારો અને પ્રવૃત્તિઓને હું નવું જ વલણ આપી શકું….

તેમાંથી જેઓ મને સારી મગજશક્તિવાળા લાગે છે, તે પૈકીના કેટલાક પરિણીત જીવનથી બંધાઈ ગયેલા છે, કેટલાકે આ દુન્યવી નામના – કીર્તિ અને સંપત્તિ – માટે પોતાની જાતને વેચી દીધી છે, જ્યારે કેટલાકનાં શરીર નિર્બળ છે; બાકી જે મોટો ભાગ રહ્યો તેઓ કોઈ ઉચ્ચ વિચાર ગ્રહણ કરવાને અશક્ત છે. થોડા ઉચ્ચ વિચારો ગ્રહણ કરવાને માટે જરૂર લાયક છે, પણ વ્યાવહારિક ક્ષેત્રમાં તેનો અમલ કરવાને શક્તિમાન નથી. આ કારણે મારા મનમાં કોઈ કોઈવાર પરિતાપ પેદા થાય છે, અને મનમાં થાય છે કે આવું માનવશરીર મેળવીને પણ ભાગ્યની અવકૃપાથી હું ઝાઝું કામ કરી ન શક્યો! અલબત્ત મેં સમૂળગી આશા છોડી નથી. કારણ કે ઈશ્વરેચ્છાથી આ યુવાનોમાંથી વખત જતાં કાર્યશક્તિ અને આધ્યાત્મિક તાકાતવાળા મહાન વીરો પાકશે કે જેઓ ભવિષ્યમાં મારા વિચારોને મૂર્ત સ્વરૂપ આપશે. (૧૧.૭૨-૭૩)

(રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હી દ્વારા પ્રકાશિત ‘અવેકનિંગ ઇન્ડિયા – સ્વામી વિવેકાનંદ’ પુસ્તિકામાંથી સાભાર)

Total Views: 13

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.