અહીં તહીં મોં નાખવાની ટેવ હંમેશને માટે છોડી દેવી. એક જ વિચારને પકડો. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, – તેને વિશે જ વિચાર કરો, તેનાં જ સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરનો એક એક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો, અને એ સિવાયના બીજા દરેકે દરેક વિચારને બાજુએ મૂકો. સફળ થવાનો આ જ માર્ગ છે, અને આ જ માર્ગે મહાન આધ્યાત્મિક વિભૂતિઓ પાકે છે. બીજાઓ તો માત્ર વાતો કરનારા સનચા છે. જો આપણે ખરેખર ધન્ય થવું હોય, અને બીજાઓને ધન્ય બનાવવા હોય, તો આપણે ઊંડા ઊતરવું જ જોઈએ. ..

તમારું ભાવિ ઘડવાનો આ જ કાળ છે. જ્યારે તમે ઘસાઈને મુડદાલ જેવા થઈ ગયા હશો ત્યારે નહીં. પણ જ્યારે તમારામાં જુવાનીનું જોમ છે, યુવાવસ્થાની તાઝગી અને તાકાત છે. ત્યારે ખરો સમય છે. યુવકો! કામ કરવા લાગી જાઓ; ખરો સમય આ છે. તાજામાં તાજાં, વણસ્પર્શ્યા અને વણસુંઘ્યાં પુષ્પો જ ફક્ત પ્રભુને ચરણે અર્પણ કરી શકાય; અને પ્રભુ એવાં જ સ્વીકારે! માટે આળસ ખંખેરીને ઊભા થાઓ, જીવન ટૂંકું છે!.. તમે માનો તો છો જ કે જીવન અનંત છે. કોઈ કોઈ વાર જુવાનિયાઓ આવીને મારી પાસે નાસ્તિકવાદની વાતો કરે છે; હું માનતો નથી કે કોઈ હિંદુ નાસ્તિક થઈ શકે. ભલે એ પશ્ચિમનાં પુસ્તકો વાંચે અને પોતે જડવાદી છે એમ મનને મનાવે; પરંતુ એ તેટલા પૂરતું જ છે. એ તમારા લોહીમાં નથી. તમારા બંધારણમાં જે ન હોય તે તમે માની જ ન શકો, એ તમારે માટે નિરર્થક બનવાનું છે. એવી બાબતનો પ્રયત્ન કરતા જ નહીં. હું જ્યારે જુવાન હતો ત્યારે એક વાર મેં પણ એવો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એમ બન્યું નહીં. જિંદગી ટૂંકી છે. પણ આત્મા અમર અને અનંત છે; અને જો મૃત્યુ ચોક્કસ જ છે તો આપણે એક મહાન આદર્શને સ્વીકારી લઈએ અને આપણું આખું જીવતર એને અર્પણ કરી દઈએ. આ આપણો દૃઢ નિશ્ચય બનો…

હું તમને ફરીથી યાદ આપું કે कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। ‘કેવળ કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં નહિ.’ ખડકની જેમ અડગ ઊભા રહો. સત્યનો હંમેશાં જય થાય છે… અત્યારે ભારતવર્ષને જરૂર છે રાષ્ટ્રની નસોમાં એક નવશક્તિનો સંચાર કરે એવી, વીજળી જેવી નવીન ચેતનાની. આ કાર્ય હંમેશાં મંદ ગતિએ ચાલ્યું હતું અને હંમેશાં એમ જ ચાલવાનું. કાર્ય કરીને સંતુષ્ટ રહો; અને સૌથી અગત્યનું એ કે આદર્શ પ્રત્યે નિષ્ઠા રાખો. રગેરગમાં પવિત્ર, મક્કમ અને અંતરથી સાચા બનો, તો બધું બરાબર થઈ રહેશે.

મહારાજા ભર્તૃહરિ કહે છે: ‘વ્યવહારકુશળ માણસો તમારી નિંદા કરે કે પ્રશંસા કરે, લક્ષ્મીદેવી તમારી પાસે આવે કે તેની મરજી પડે ત્યાં ચાલી જાય. મૃત્યુ આજ આવે કે સો વર્ષે આવે, પણ ધૈર્યવાન પુરુષ સત્યના, ન્યાયના માર્ગેથી એક ડગલું પણ ચસકતો નથી.’ તમારામાં એવી મક્કમતા છે? જો તમારામાં આ ત્રણ બાબતો હશે તો તમે ચમત્કારો બતાવી શકવાના. તમારે છાપાંઓમાં છપાવવા જવાની જરૂર નહીં રહે; તમારે ભાષણખોરીનીયે જરૂર નહીં પડે. તમારો ચહેરો જ  દીપી ઊઠશે. તમે ગુફામાં રહેતા હશો તો પણ એ પથ્થરની દીવાલો સોંસરા તમારા વિચારો નીકળશે. અને સેંકડો વર્ષો સુધી ગુંજતા ગુંજતા જગતભરમાં ઘૂમ્યા કરશે, અને અંતે તે કોઈ એકના મગજમાં ચોંટી જઈને કદાચ ત્યાં કાર્યમાં પરિણમશે. વિચારની, સચ્ચાઈની અને શુદ્ધ હેતુની આવી શક્તિ છે…

(રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હી દ્વારા પ્રકાશિત ‘અવેકનિંગ ઇન્ડિયા – સ્વામી વિવેકાનંદ’ પુસ્તિકામાંથી સાભાર)

Total Views: 14

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.