(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૩, અંક ૩માંથી સ્વામી સત્યરૂપાનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.)

માનવજીવન એક લાંબી યાત્રા છે અને આપણે બધા એના યાત્રી છીએ. આપણે જાણીએ કે ન જાણીએ, ઇચ્છીએ કે ન ઇચ્છીએ પણ આપણે યાત્રી છીએ એટલે ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આપણે યાત્રા તો કરવી પડશે. યાત્રી હોવું એ આપણી લાચારી પણ છે.

આ જીવનયાત્રામાં સારા-માઠા, ખાટા-મીઠા એવા અનેક પ્રકારના અનુભવ થાય છે, મનુષ્ય જો ઇચ્છે તો પોતાના અનુભવના આધારે પોતાની યાત્રાના શેષ ભાગને સુધારી શકે, એને સુખદ અને સહજ પણ બનાવી શકે. એટલું જ નહિ પણ જો તે દૃઢ સંકલ્પ કરીને, કમર કસીને કાર્ય કરવામાં લાગી પડે તો તે આ જ જીવનમાં પોતાની યાત્રાના અંતિમ પડાવ સુધી, ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે છે. એટલે આપણે થોડીવાર ઊભા રહીએ અને આપણી યાત્રા પર એક દૃષ્ટિ નાખી લઈએ એ આવશ્યક બની જાય છે. થોડો હિસાબકિતાબ જોઈ લેવો જોઈએ. જીવનયાત્રાના કયા સ્થળે આપણે ઊભા છીએ? આપણા અનુભવ કયા છે? આપણે શું મેળવ્યું અને શું ગુમાવ્યું? ક્યાં સુધી પહોંચ્યા છીએ અને ક્યાં સુધી જવાનું છે? – એ પણ જોઈ લેવું જોઈએ.

ઉપર્યુક્ત બાબતો પર વિચાર કરીને આપણે જીવનયાત્રાને સુવ્યવસ્થિત, ગતિશીલ અને સુખદ બનાવી શકીએ. જરૂર જણાય ત્યારે યાત્રાની દિશા પણ બદલી શકીએ. જીવનને ચકાસીને, તપાસીને સાફ, સ્વચ્છ બનાવી શકીએ. એને સમૃદ્ધ પણ કરી શકીએ. માનવજીવનમાં સુધારણાની અસીમ સંભાવનાઓ છે. ઉન્નતિના અગણિત અવસર સાંપડે છે.

આ કાર્ય આજે અને અત્યારે જ, આપણે જ્યાં જેવી રીતે છીએ ત્યાંથી જ પ્રારંભ કરી શકાય. આપણે બધા આ કાર્ય કરી શકીએ છીએ, આજે કે કાલે આપણે એ કરવું જ પડશે. તો પછી આજે જ શા માટે એ કાર્યનો આરંભ ન કરવો?

યાત્રા

જીવન યાત્રા પર વિચાર કરતાં પહેલાં આ ‘યાત્રા’ પોતાની રીતે શું છે, એ જાણી લેવું જરૂરી છે. આ યાત્રાનાં લક્ષણ કયાં છે અને એની શરતો પણ કઈ છે, એ જોઈ લેવું જોઈએ. કોઈ પણ યાત્રા માટે ત્રણ વાત જરૂરી છે. એ વિના યાત્રાની કલ્પના જ ન કરી શકાય. (૧) યાત્રાનું પ્રારંભિક બિંદુ (૨) ગંતવ્ય (૩) માર્ગ અને વહન.

(૧) યાત્રાનું પ્રારંભિક બિંદુ: બીજા શબ્દોમાં આપણે કહીએ તો યાત્રી ક્યાં ઊભો છે? એણે પોતાની યાત્રાનો કયા બિંદુથી પ્રારંભ કરવાનો છે? પોતે ક્યાં ઊભો છે, જો યાત્રીને એનો ખ્યાલ ન હોય તો એની યાત્રાનો પ્રારંભ થઈ ન શકે. કદાચ પ્રારંભ થઈ પણ જાય પણ એ એક ભૂલાવો બની જશે, યાત્રા નહિ. એનું કારણ એ છે કે એ ક્યાં ઊભો છે, એની એને ખબર નથી; તો પછી એ જશે ક્યાં? એટલે જ યાત્રીને પહેલાં પોતાની સ્થિતિ એટલે કે તે ક્યાં ઊભો છે એ વિશે સારું એવું જ્ઞાન હોવું જોઈએ. સાંભળવામાં આ બહુ સરળ લાગે પણ જીવનયાત્રાના પથમાં આપણે ક્યાં ઊભા છીએ, એ જાણવું એટલું સરળ-સહજ નથી. એટલે જ આપણે પોતાની જાતનું પરીક્ષણ, નિરીક્ષણ કરવું પડે છે. આપણે આપણી ભીતર અને બહાર એક નજર કરી લેવી પડે છે અને આપણે ક્યાં છીએ એ જાણી લેવું પડે છે. ઘણીવાર આપણે જીવનયાત્રામાં ચાલ્યા વિના પણ ભટકતાં રહીએ છીએ. એટલે જ આ ભ્રમણાને પણ ઓળખવી પડે. ભૂલો પડનાર યાત્રી કદાચ ક્યારેક પોતાના લક્ષ્ય પર પહોંચી પણ જાય. એ ત્યારે બને કે જ્યારે તે એટલું સમજી લે કે તે રસ્તો ભૂલી ગયો છે. ત્યાં જ ઊભો રહીને એટલું વિચારે છે કે ભાઈ, હું ભૂલો પડીને ક્યાં આવી ગયો છું, ક્યાં જવું હતું અને ક્યાં પહોંચી ગયો.

મિત્રો, સૌથી પહેલાં તો આપણે જોઈ લેવું પડે કે આપણે ક્યાં ઊભા છીએ? ક્યાંય ભૂલા તો નથી પડ્યા ને? જો ભૂલા પડ્યા હોઈએ તો તરત રોકાઈ જવું અને એ પણ જોઈ લેવું કે અંતે આપણે ક્યાં આવીને ઊભા છીએ? એકવાર જ્યારે આપણે એટલું જાણી લઈએ કે આપણે ક્યાં ઊભા છીએ તો આપણે યાત્રાની એક શરત તો પૂરી થઈ. હવે આપણે સાચી જીવનયાત્રાના અધિકારી બની ગયા છીએ.

(૨) ગંતવ્ય: યાત્રા માટે બીજી આવશ્યક વાત છે, ‘ગંતવ્ય’. આપણે ક્યાં જવું છે? જ્યાં સુધી એણે ક્યાં જવું છે એ જાણી લે ત્યાં સુધી યાત્રી પોતે ક્યાં ઊભો છે, ત્યારે પણ એમની યાત્રા પ્રારંભ ન થઈ શકે. એનું ગંતવ્ય સ્થાન કયું છે? ગંતવ્ય જાણ્યા વિના યાત્રાનો પ્રારંભ ન થઈ શકે અને યાત્રાનો પ્રારંભ થાય તો પણ ચકરાવે ચડવાના. નકામા પગ ઘસવા પડે. 

(૩) માર્ગ અને વાહન: આ ત્રીજી આવશ્યકતા છે. તે ક્યાં ઊભો છે અને એનું ગંતવ્ય સ્થાન કયું છે એ યાત્રીએ એટલું જાણી લીધું એટલે યાત્રાનો પ્રારંભ ન થઈ શકે. એણે ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાનો રસ્તો કયો અને કેવો છે એ પણ જાણી લેવું જોઈએ.

પથ સાથે બીજી કેટલીયે વાતો જોડાયેલી હોય છે. રસ્તા અનેક હોઈ શકે, રસ્તાની આવશ્યકતાઓ પણ જુદી જુદી હોઈ શકે, વગેરે. આ તથ્યોના પરિપ્રેક્ષ્યમાં જીવનયાત્રા પર આપણે થોડું વિચારીએ. અહીં એટલું યાદ રાખવું પડશે કે આપણે બધા જીવનયાત્રાના યાત્રી છીએ. આપણે જાણીએ કે ન જાણીએ, ઇચ્છીએ કે ન ઇચ્છીએ પણ આપણે બધા યાત્રી છીએ અને ગંતવ્ય સ્થાન સુધી પહોંચતા પહેલાં આપણે યાત્રી જ રહેવાના. યાત્રા કરવી અને યાત્રી બનવું એ આપણી એક લાચારી છે. આપણે ચાલવાનું તો છે જ. પછી ભલે સાચી દિશામાં ચાલીએ કે ઊલટી દિશામાં. યાત્રાની સમાપ્તિ સુધી, ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા સુધી આપણે ચાલવું જ પડશે. ‘ચરૈવેતિ, ચરૈવેતિ’ ચાલતાં રહો ચાલતાં રહો, એ જ જીવનયાત્રાનું વિધાન છે અને નિયમ છે.

હવે જ્યારે આટલું નિશ્ચિત બની જાય કે આપણે યાત્રી છીએ અને ચાલવું પડશે તો આપણે એ પણ જોઈ લેવું જોઈએ કે આપણે આપણી યાત્રાનો પ્રારંભ ક્યાંથી કર્યો છે. અહીં આપણે એટલું ધ્યાનમાં રાખીએ કે આપણો આ જન્મ એ આપણી યાત્રાનું પ્રારંભ બિંદુ નથી અને મૃત્યુ આપણી યાત્રાની પૂર્ણાહુતિ પણ નથી. જન્મ અને મૃત્યુ બંને આપણી મહાન યાત્રાના બે મુકામ છે. આપણે કોઈ સ્ટેશનના પ્લેટફોર્મ પર, કોઈ બસસ્ટેન્ડ પર કે હવાઈ મથકે છીએ જ્યાંથી આપણે આગળ કે પાછળ જવાનું છે. જવાનું અવશ્ય છે, જવું જ પડશે; એમાં કોઈ વિકલ્પ નથી. 

હજારો વર્ષ પહેલાં એક સફળ યાત્રી શીઘ્ર ગંતવ્યસ્થાન પર પહોંચનાર હતો. એનાથી એક મોટી ભૂલ થઈ ગઈ. એણે સમજી લીધું કે જીવનયાત્રાનો બધો હિસાબકિતાબ આ જીવનમાં જ છે. એની બધી વ્યાખ્યા આ જન્મમાં જ છે; પરંતુ એ નસીબદાર હતો. એને જીવનયાત્રાનું રહસ્ય એક એવા મહાન વ્યક્તિને પૂછ્યું કે જે આ યાત્રાનાં બધાં રહસ્યોને સાંગોપાંગ જાણતો હતો, એટલું જ નહિ; એમણે હજારો લોકોને જીવન-યાત્રાના ચરમસ્થાન સુધી પહોંચાડ્યા. જીવનયાત્રાના રથના આ મહાસારથિને આ મહાયાત્રી પૂછે છે: ‘હે ભગવાન, આપ કહો છો કે આપે આ યાત્રાની સફળતાનું રહસ્ય મારા પહેલાં પણ એવા લોકોને કહ્યું છે કે જે આપનાથી અને મારાથી પહેલાં જન્મ્યા હતા. આપ તો હમણાં જ જન્મ્યા છો, તો પછી હું કેવી રીતે માની લઉં કે આપે જ એ લોકોને આ જીવનયાત્રાનું રહસ્ય કહ્યું હતું?’ તમે બધા સત્સંગી છો, સ્વાધ્યાયી છો, એટલે આ મહાયાત્રી અને મહાસારથિથી પરિચિત હશો જ. ભગવાન શ્રીકૃષ્ણ મહાસારથિ છે અને મહાયાત્રી છે, અર્જુન.

(ક્રમશ:)

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.