આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો. આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્યવિદ્યા અને એવી છાની છાની બાબતો આપણામાં ઘૂસતી આવે છે. તેમાં કદાચ મામૂલી સત્યો હશે, પણ એ બધી વિદ્યાઓએ આપણને લગભગ નિર્માલ્ય બનાવી દીધા છે. તમારાં જ્ઞાનતંતુઓ મજબૂત બનાવો. આજે આપણે જરૂર છે લોખંડી સ્નાયુઓની અને પોલાદી જ્ઞાનતંતુઓની. ઘણા કાળ સુધી આપણે રોતલ રહ્યા છીએ; હવે રોવાનું છોડી દઈને તમારા પોતાના પગ પર ખડા થાઓ અને મર્દ બનો. મર્દ બનાવનારા ધર્મની આપણને જરૂર છે; મર્દ બનાવનારા સિદ્ધાંતોની આપણને જરૂર છે. ચોમેર મર્દ બનાવનાર શિક્ષણની આપણને જરૂર છે. 

આપણે જરૂર છે આ શ્રદ્ધાની. દુર્ભાગ્યે ભારતમાંથી એ લગભગ અદૃશ્ય થઈ ગઈ છે, આ કારણે આપણે આપણી હાલની દશામાં આવી પડ્યા છીએ. મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ પાડનાર આ તેની શ્રદ્ધાનો તફાવત છે, બીજું કાંઈ નહીં. આ શ્રદ્ધા એક માણસને મહાન અને બીજાને નબળો તથા નીચો બનાવે છે. મારા ગુરુદેવ કહેતા કે જે પોતાને નબળો માને તે નબળો જ થવાનો અને એ સાચું છે. આ શ્રદ્ધા તમારામાં આવવી જ જોઈએ.

પશ્ચિમની પ્રજાઓએ વિકસાવેલી જે ભૌતિક શક્તિ તમે જુઓ છો તે બધી આ શ્રદ્ધાનું ફળ છે. કારણ  કે તેમને પોતાના બાહુબળમાં શ્રદ્ધા છે. અર્થાત્ જો તમે તમારા આત્મામાં શ્રદ્ધા રાખો તો એ કેટલું વધારે કાર્ય કરે!

તમારાં પુસ્તકો અને ઋષિઓ એકી અવાજે જેનો ઉપદેશ કરે છે તે અનંત આત્માની અનંત શક્તિમાં શ્રદ્ધા રાખો. જેનો કશાથી નાશ થઈ શકે નહીં એ આત્માની અંદર અનંત શક્તિ રહેલી છે; તેને બહાર લાવવાની જ વાર છે. ભારતીય ફિલસૂફી અને બીજી ફિલસૂફીઓ વચ્ચે અહીં જ મોટો તફાવત છે. દ્વૈતવાદી હોય, વિશિષ્ટાદ્વૈતવાદી હોય કે અદ્વૈતવાદી હોય, દરેક મક્કમપણે માને છે કે સર્વ કંઈ આત્માની અંદર જ રહેલું છે; માત્ર એ બહાર લાવવાનું અને પ્રગટ કરવાનું જ રહે છે. 

એટલા માટે જે જોઈએ છે અને અહીં આવેલા આપણે સૌને જે જોઈએ છે તે આ આત્મશ્રદ્ધા છે. તમારી સમક્ષ આ આત્મશ્રદ્ધા પ્રાપ્ત કરવાનું મહાન કાર્ય પડેલું છે. દરેક વસ્તુની મજાક ઉડાડવાનો, જીવન પ્રત્યે ગંભીરતાથી જોવાના અભાવનો જે આ ભયંકર રોગ આપણા રાષ્ટ્રના લોહીમાં ધીરે ધીરે પ્રવેશી રહ્યો છે તેનો ત્યાગ કરો, એને હાંકી કાઢો, અને શ્રદ્ધાવાન બનો; બીજું સર્વ આપોઆપ પાછળથી આવવાનું જ છે.

સમજવાનો મુખ્ય મુદ્દો આ છે; અને મારા દોસ્તો, મારા ભાઈઓ! મારે તમને કહેવાનું છે કે ભવિષ્યમાં જેના પર આપણે જોર દેવાનું છે તે આ એક જ મુદ્દો છે. કારણ કે મારી પૂરેપૂરી ખાતરી થઈ છે અને આ હકીકત બરાબર સમજી રાખવાની હું આપને વિનંતી કરું છું કે જે માણસ રાતદિવસ વિચાર કર્યા કરે કે ‘હું કંઈ નથી’ એવા માણસથી કાંઈ જ ભલીવાર થવાની નથી. વળી જો માણસ દિનરાત એવો વિચાર કર્યા કરે કે હું દુ:ખી છું, દીન છું, હું કંઈ નથી, તો તે તેવો જ થઈ જાય છે. જો તમે કહો કે ‘હું છું, હું છું,’ તો તમે બળવાન બનશો, અને જો તમે બોલો કે ‘હું નથી,’ જો તમે વિચાર કરો કે હું કંઈ નથી, અને દિવસ અને રાત ધ્યાન ધર્યા કરો કે હું કંઈ નથી, કંઈ નથી, તો તમે શૂન્ય થઈ જવાના. આ એક બહુ મુદ્દાની હકીકત છે કે જે તમારે યાદ રાખવી.

(રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હી દ્વારા પ્રકાશિત ‘અવેકનિંગ ઇન્ડિયા – સ્વામી વિવેકાનંદ’ પુસ્તિકામાંથી સાભાર)

Total Views: 14

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.