સ્વામી વિવેકાનંદ:

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિના બે-ત્રણ દિવસ પહેલાં જ તેઓ – (મા જગદંબા) જેને ઠાકુર ‘કાલી’ કહ્યા કરતા હતા તેઓ આ મારા દેહમાં પ્રવેશી ગયાં હતાં. તેઓ જ મને અહીં-તહીં લઈ ગયાં અને મારા દ્વારા અનેક કાર્ય કરાવ્યાં છે. તે (શક્તિ) જ શાંતિથી બેસવા દેતી નથી કે મારી સુખસુવિધા તરફ ધ્યાન પણ દેવા દેતી નથી. પોતાના દેહત્યાગ પહેલાં એક દિવસ શ્રીઠાકુરે મને પાસે બોલાવીને સન્મુખ બેસવા કહ્યું. તેઓ મને જોતાં જોતાં જ સમાધિભાવમાં આવી ગયા. ત્યારે મેં અનુભવ્યું કે એક વિદ્યુતના ઝટકાની જેમ સૂક્ષ્મ શક્તિ મારા દેહમાં પ્રવેશી રહી છે. થોડી જ વારમાં મેં પણ બધી બાહ્ય ચેતના ગુમાવી અને હું સ્થિર બેસી રહ્યો. મને યાદ નથી કે હું આ અવસ્થામાં કેટલીવાર રહ્યો. દેહભાનમાં આવ્યા પછી મેં જોયું કે શ્રીરામકૃષ્ણદેવ રડી રહ્યા છે. મેં એમને પૂછ્યું એટલે કહ્યું: ‘આજે હું તને મારું સર્વસ્વ અર્પણ કરીને એક ફકીર બની ગયો છું. પાછા ફરતાં પહેલાં (મૃત્યુ પહેલાં) આ શક્તિથી સંસારનું ઘણું કલ્યાણ કરીશ.’ મને એવો અનુભવ થયો કે એ જ શક્તિ મને નિરંતર અનેક કામ કરવાનો નિર્દેશ આપતી રહે છે. આ દેહ નિષ્ક્રિય બેસી રહેવા માટે નથી બનાવ્યો.

શ્રીરામકૃષ્ણદેવ કાશીપુરમાં રહેતા હતા. એમનો દેહ સદાને માટે ચાલ્યો જશે એવો ભય નિકટ આવતો જતો હતો. એમની પથારીની પાસે બેસીને હું મનમાં ને મનમાં વિચારતો હતો: ‘વારુ, જો આ અવસ્થામાં આપ એમ કહી દો કે તમે ઈશ્વર છો તો જ હું વસ્તુત: આપના સાક્ષાત્ ઈશ્વર હોવાની વાત પર વિશ્વાસ કરી શકીશ.’ એ સમયે એમની મહાસમાધિમાં કેવળ બે દિવસ જ બાકી હતા. તત્કાળ એમણે મારી તરફ નજર કરીને કહ્યું: ‘જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ આ સમયે શ્રીરામકૃષ્ણના રૂપે છે. પરંતુ વેદાંતની દૃષ્ટિએ નહિ.’ આ સાંભળીને હું અવાક્ થઈ ગયો.

સ્વામી બ્રહ્માનંદ:

સામાન્યતયા શ્રીરામકૃષ્ણદેવ એક કલાકથી વધારે વખત સૂઈ ન શકતા. આખી રાત તેઓ ક્યારેક સમાધિભાવમાં રહેતા તો ક્યારેક ભજન ગાતા અને ક્યારેક ક્યારેક ઈશ્વરનાં નામગુણ કીર્તનમાં વીતાવી દેતા. હું લગભગ એમને એક કલાક કે થોડાક વધારે સમય સુધી સમાધિમગ્ન અવસ્થામાં જોતો. એ અવસ્થામાં વારંવાર પ્રયાસ કરવા છતાં પણ તેઓ વાતચીત કે વાર્તાલાપ કરી ન શકતા. બાહ્ય ભાનમાં આવ્યા પછી તેઓ કહેતા: ‘જુઓ ભાઈ, સમાધિ અવસ્થામાં હું મારા પોતાના અનુભવો તમને કહેવા ઇચ્છું છું, પરંતુ મારી બોલવાની શક્તિ ત્યારે ચાલી જાય છે.’ સમાધિ પછી તેઓ થોડું ગણગણતા. મને એવું લાગતું કે તેઓ કોઈકની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. મેં એ પણ સાંભળ્યું છે કે અગાઉના દિવસોમાં ઠાકુર અધિકાંશ સમય સમાધિસ્થ રહેતા.

કાશીપુર ઉદ્યાનભવનમાં પોતાની મહાસમાધિ પહેલાં શ્રીઠાકુર પોતાનાં દર્શન વિશે અમને કહેતા રહેતા. એક દિવસ ગિરીશ, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામકૃષ્ણાનંદ, સ્વામી નિરંજનાનંદ અને હું શ્રીઠાકુરના ઓરડામાં હતા. અમે બધા ત્યારે યુવક હતા. ગિરીશ વયોશ્રેષ્ઠ અને વધારે પ્રતિભાશાળી હતા. અનંત વિશે શ્રીઠાકુરની કેટલીક વાતો સાંભળીને ગિરીશે આશ્ચર્ય સાથે કહ્યું: ‘મહારાજ, હવે વધારે વાતો ન કરો. મારું માથું ઘૂમે છે.’ અરે! કેવો આશ્ચર્યજનક વાર્તાલાપ! શ્રીઠાકુર કહેતા: ‘શુકદેવ વધુમાં વધુ ખાંડનો એક નાનો દાણો લઈ જતા પેલા મકોડા સમાન છે. રામ, કૃષ્ણ અને અન્ય અવતાર સચ્ચિદાનંદ રૂપી વૃક્ષ પર લટકતાં દ્રાક્ષનાં ઝૂમખાં જેવાં છે.’

અરે! શ્રીઠાકુર પાસે શું અતિમાનવીય શક્તિ હતી! એ સમયે અમે વિચારતા કે એમની પાસે આવી કોઈ વિશેષ શક્તિ હતી પરંતુ એ શક્તિના સ્વરૂપને સમજી શક્યા નથી. હવે અમે અનુભવીએ છીએ કે એ કેટલી આશ્ચર્યજનક શક્તિ હતી. એક દિવસ મેં એમને કહ્યું: ‘મહારાજ, હું કામમાંથી મુક્ત થઈ શકતો નથી. હું શું કરું?’ એમણે કંઈ ન સમજાય એ રીતે બોલતાં બોલતાં મારા હૃદય પર સ્પર્શ કર્યો અને સદાને માટે મારી ભીતરથી કામવાસના દૂર થઈ ગઈ, ત્યારથી મેં ક્યારેય કામવાસનાના અસ્તિત્વનો અનુભવ કર્યો નથી. શું તમે એમાં રહેલું આશ્ચર્ય જોઈ શકો છો!

સ્વામી અદ્ભુતાનંદ:

દુર્ગાપૂજાના બે માસ પહેલાં અમે લોકો શ્રીઠાકુરની સાથે કોલકાતાના પથુરિયા ઘાટમાં આવેલ યદુમલ્લિકના ઘરે ગયા. જો કે મેં યદુમલ્લિકને દક્ષિણેશ્વર મંદિરની નજીક તેમના ઉદ્યાનભવનમાં પહેલાં જોયા હતા. પરંતુ હું ક્યારેક એમના ઘરે ગયો ન હતો. યદુમલ્લિકના કોલકાતાના ઘરે અધિષ્ઠાત્રી દેવી સિંહવાહિનીની નવી મૂર્તિને શ્રીઠાકુર જોવા આવ્યા હતા. મંદિર દર્શન પછી શ્રીઠાકુરે યદુબાબુના ખબર-અંતર પૂછ્યા. યદુબાબુ આરસના સોફા પર સૂતા હતા. એમણે ઠાકુરને સૂતા સૂતા જ અભિવાદન કરતાં અને સ્વાગત કરતાં કહ્યું: ‘પધારો, પધારો, યુવક પૂજારી! હવે આપ આ રસ્તેથી બહુ ઓછા નીકળો છો, પરંતુ મા સિંહવાહિનીના અહીં રહેવાને કારણે આપે અમને યાદ કર્યા છે.’ શ્રીઠાકુરે કહ્યું: ‘તમે તો કેવા માણસ છો? મા અહીં આવ્યા છે અને તમે મને કંઈ કહ્યુંયે નહિ?’

એ સાંભળીને યદુ મલ્લિકે કહ્યું: ‘મહાશય, તમારાથી વધારે માને કોણ ચાહે છે? મા તો કાલે જ અહીં આવ્યા છે અને આજે તો આપ પોતે જ આવી ગયા. આપને બોલાવવાના સમાચાર મોકલવાનો સમય જ ક્યાં મળ્યો?’ શ્રીઠાકુરે હસતાં હસતાં કહ્યું: ‘બરાબર, હવે માનો થોડો પ્રસાદ મગાવો. કંઈ ખાધા પીધા વગર અહીંથી પાછું જવું શુભ ન ગણાય. (સાધુ ઘરે આવે અને એમને કંઈ ન આપવું એ ગૃહસ્થ માટે અશુભ ગણાય છે). બાકડા પર સૂતા સૂતા જ યદુમલ્લિકે કોઈને પ્રસાદ માટે આજ્ઞા કરી અને પ્રસાદ તરત જ આવી ગયો. જ્યારે ઠાકુર નીકળવા તૈયાર થયા ત્યારે યદુબાબુએ કહ્યું: ‘શું આપ મારી માને નહિ મળો?’

એ સાંભળીને શ્રીઠાકુરે મોટેથી કહ્યું: ‘અરે! યદુની મા, એક ગ્લાસ પાણી નહિ આપો?’ યદુની મા એક ગ્લાસ પાણી સાથે દાદરેથી નીચે ઊતર્યા. શ્રીઠાકુરે એક ઘૂંટડો પીધો. જ્યારે શ્રીઠાકુર ગાડીની પાસે આવ્યા એટલે ભક્તોએ કહ્યું: ‘મહારાજ, હવે પછી આવા ધનવાનને ઘરે ન આવતા. આપે એવા લોકોને ઘરે શા માટે જવું? એણે તો આપને બેસવાનું પણ ન કહ્યું. આપે આવું અપમાન શા માટે સહન કરવું જોઈએ?’

એ સાંભળીને શ્રીઠાકુરે કહ્યું: ‘આ સંસારી માનવ છે અને હંમેશાં સંસારી ચીજવસ્તુઓની આકાંક્ષા રાખે છે. છતાં પણ સંસારી કામનાઓ અને વિચારોની વચ્ચે તેઓ માની પૂજા-અર્ચના કરે છે. તમે લોકો તો આટલુંયે નથી કરતા. એમણે મને બેસવા માટે પૂછ્યું નહિ, એને લીધે તમારું માથું શા માટે ચડ્યું? તમે માનાં દર્શન માટે આવ્યા હતા અને તમને દર્શનની સાથે પ્રસાદ પણ મળ્યો. શું આ બધું તમારે માટે પૂરતું નથી? આ વિષમકાળમાં તમને પ્રસાદેય કોણ આપે? શું તમે કેવળ યદુને મળવા અને એમના દ્વારા તમને બેસવા માટે ન કહે એના પર નારાજ થવા આવ્યા હતા?’

યદુ મલ્લિકની વિરુદ્ધ બોલનારા ભક્ત મૌન થઈ ગયા. આ રીતે શ્રીઠાકુર અમારી પરીક્ષા કરતા. તેઓ કહેતા: ‘જો તમે સાધુ બનવા ઇચ્છો તો પોતાના પ્રત્યેનાં મહત્ત્વ અને માનબુદ્ધિને છોડી દો. પોતાના સન્માન કે અસન્માન પ્રત્યે જરાય ધ્યાન જ ન દેવું.’

સ્વામી પ્રેમાનંદ:

પ્રત્યેક અવતારે એક વિશિષ્ટ આદર્શનું પ્રતિનિધિત્વ કર્યું છે.  એનો અર્થ એ નથી કે બીજા આદર્શ એમનામાં ન હતા. તે બધા અવતારો આદર્શોની પ્રતિમૂર્તિ હતા. આમ છતાં પણ સમકાલીન લોકોની આવશ્યકતા પ્રમાણે એ અવતારોએ એક વિશેષ ભાવની સાર્વજનિક અભિવ્યક્તિ કરી. ચૈતન્યદેવ, ઈશ્વરીય પ્રેમના અવતાર હતા. તેઓ ઘનીભૂત પ્રેમ હતા. એવી જ રીતે શંકરાચાર્ય જ્ઞાન અને બુદ્ધદેવ ત્યાગની પ્રતિમૂર્તિ હતા. શ્રીકૃષ્ણ નિષ્કામ કર્મની પ્રતિમૂર્તિ હતા અને એમણે બધા ધર્મ અને દર્શનશાસ્ત્રનો સમન્વય કર્યો. એમણે બતાવ્યું કે કર્મ, જ્ઞાન, ભક્તિ અને યોગ મહાન સાધનાના અંશ છે. એને પ્રમાણિત કરવા એમણે નિષ્કામ કર્મના આધાર પર પોતાનું જીવન ગઠિત કર્યું. નિષ્કામ કર્મ હૃદય પવિત્ર કરે છે અને પવિત્ર હૃદયમાં ત્યાગ આવે છે. બુદ્ધ આ ત્યાગને સાથે લઈને આવ્યા હતા. એમણે પોતાના માટે, પોતાની મુક્તિ માટે પણ કંઈ ન કર્યું. એમણે જે કંઈ કર્યું તે દુ:ખી પીડિત માનવતા માટે તથા લોકકલ્યાણ માટે કર્યું. ત્યાગ પછી જ્ઞાન મળે છે. શંકરાચાર્ય આ જ્ઞાન સાથે આવ્યા અને જ્ઞાન પછી પ્રેમ આવે છે એટલે ચૈતન્યદેવ બધાને આ પ્રેમનું વિતરણ કરવા આવ્યા. લોકો ધારે છે કે બધા પથ વિરોધાભાસી છે, આ યુગમાં શ્રીરામકૃષ્ણદેવે એ બધા વિરોધાભાસોને દૂર કરીને બધા ધર્મો અને યોગને બધા પથો સાથે સમન્વય સ્થાપિત કર્યો. 

ક્યારેક ક્યારેક આપણને જોવા મળે છે કે જપ ધ્યાનના નામે લોકો પોતાનો સમય વેડફી નાખે છે. આ તમોગુણનું લક્ષણ છે. શ્રીઠાકુર ઘણું કામ કરતા. અમે એમને બગીચામાં કામ કરતા તથા પોતાના ઓરડાને વાળતા પણ જોયા છે. વળી તેઓ ખામીપૂર્ણ કાર્યને પસંદ ન કરતા. તેઓ પોતે બધાં કાર્ય સુયોગ્ય રીતે સુરુચિપૂર્વક કરતા અને અમને પણ એવું જ કામ કરવાનું શિક્ષણ આપતા. બધું પતી ગયા પછી જો અમે ચીજવસ્તુઓ યોગ્ય સ્થાને ન મૂકતા તો અમને ઠપકોયે આપતા. એકવાર એમણે મને પાનનું બીડું કેમ બનાવવું એ શીખવ્યું. આ બધાં કાર્યો કરવા છતાં પણ તેઓ કેટલા અંતર્મુખી હતા! જો દુકાનમાંથી ચીજવસ્તુઓ ખરીદતી વખતે અમારામાંથી કોઈ છેતરાય તો તેઓ અમારી ઠેકડી ઉડાડતા કહેતા: ‘મેં તમને ભક્ત બનવાનું કહ્યું છે. મૂરખ બનવાનું નથી કહ્યું.’ અમને તેઓ વારંવાર કહેતા: ‘કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવી એ જ યોગ છે.’

સ્વામી શિવાનંદ:

એક દિવસ શ્રીઠાકુરના મનોરંજન માટે એક મોટા અને પ્રતિષ્ઠિત સંગીતજ્ઞ દક્ષિણેશ્વર આવ્યા. એમણે સુંદર ભજન ગાયું. એમણે શિવ વિષયક ભજન ગાવાનું શરૂ કર્યું. પણ એકાદ બે ભજન સાંભળતાં જ શ્રીઠાકુર નિર્વિકલ્પ સમાધિમાં લીન થઈ ગયા. એમનો ચહેરો લાલ થઈ ગયો અને ઈશ્વરીય ભાવમાં તેઓ કંપવા લાગ્યા. આ ઉપરાંત એમનો દેહ સામાન્ય કરતાં થોડો વધારે મોટો દેખાવા લાગ્યો અને એમના રોમેરોમ રોમાંચિત થઈ ઊઠ્યાં. હું એ દૃશ્યનું વર્ણન કેવી રીતે કરું? ઠીક ઠીક સમય વીત્યો પણ શ્રીઠાકુર સામાન્ય ભાવભૂમિ પર ન આવ્યા. જો કે કીર્તનગાન તો ચાલતું હતું એટલે બધા લોકો અવાક્ શાંત બની ગયા હતા. અમે ક્યારેય શ્રીઠાકુરની આવી ગહન સમાધિ જોઈ ન હતી અને ઠાકુરના દેહને એટલો મોટો થતોયે જોયો ન હતો. 

થોડીવાર પછી અચાનક જ શ્રીઠાકુરે આશ્ચર્ય સાથે કહ્યું: ‘અરે, અરે!’ જાણે કે તેઓ ભીતરની અસહ્ય પીડાથી પીડાતા ન હોય! છતાંય ઘણી મુશ્કેલીથી તેઓ બોલ્યા: ‘મા, વિશે ગાઓ.’ તેઓ શું ઇચ્છતા હતા? એને અમે સમજી ગયા અને ગાયકને મા વિશે ભજન ગાવાનું કહ્યું. ગીત શરૂ થયું અને ઠાકુરનું મન ધીમે ધીમે સામાન્ય ભાવભૂમિ પર ઊતરી આવ્યું. પછી અમને કહ્યું હતું કે એ દિવસે એમનું મન એટલી ગહન સમાધિમાં ડૂબી ગયું હતું કે એમને એ અવસ્થાથી મનને નીચે લાવવામાં ઘણો કઠિન પ્રયત્ન કરવો પડ્યો હતો. 

સ્વામી રામકૃષ્ણાનંદ:

શ્રીઠાકુર જ્યારે સીતા વિશે બોલતા ત્યારે તેઓ જાણે કે સીતા જ બની જતા અને એમનામાં અને સીતામાં કોઈ ભેદ ન જણાતો. વૈષ્ણવ ભક્તો આવે ત્યારે તેઓ ગૌરાંગ પ્રભુ જ બની જતા. તેઓ ગૌરાંગ પ્રભુની જેમ જ કાર્ય કરતા, વાતો કરતા અને ભક્તગણ એમની સમક્ષ સાષ્ટાંગ પ્રણામ કરીને કહેતા: ‘અમે લોકો આપની ભીતર ગૌરાંગ પ્રભુને નીરખીએ છીએ.’ 

એકવાર એક ક્વેકર ખ્રિસ્તી એમની પાસે આવ્યા. અને જેવી શ્રીરામકૃષ્ણદેવે ઈશુ વિશે વાતચીત કરી કે તે વ્યક્તિનાં ભાવપૂર્ણ નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યાં. એમણે શ્રીઠાકુરનાં ચરણોમાં પડીને કહ્યું: ‘મેં આપની ભીતર ભગવાન ઈશુને જોયા છે.’ એવી જ રીતે મુસલમાનો આવતા ત્યારે શ્રીઠાકુર મહમ્મદ સાથે એવું તાદાત્મ્ય સ્થાપિત કરી દેતા કે મુસલમાનો એમની ભીતર પયગંબર મહમ્મદનું દર્શન કરતા. આમ છતાં પણ આ વિભિન્ન પ્રકારની અભિવ્યક્તિઓની પૃષ્ઠભૂમિમાં હંમેશાં શ્રીરામકૃષ્ણદેવ એક જ હતા.

સ્વામી સારદાનંદ:

શું ગૃહસ્થ જીવનમાં રહીને પરમ સત્ય – ઈશ્વરની અનુભૂતિ સંભવ છે? અનેક લોકો એવું વિચારે છે કે વિવાહિત થઈને પારિવારિક જીવનમાં આત્મસંયમની સાધના લગભગ અસંભવ જ છે. આ સાવ ખોટી વાત છે. ગૃહસ્થને ઈંદ્રિય નિગ્રહ આડે કંઈ આવતું નથી. શ્રીરામકૃષ્ણદેવ કહેતા: ‘મનમુખ એક કરો તો બધું મળી જશે. આધ્યાત્મિક સાધનાને ઈંદ્રિયનિગ્રહ સુધી જ સીમિત ન રાખો. તમારા જીવનમાં વધુ અનેક સદ્‌ગુણ અભિવ્યક્ત થશે.’

શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે એમની બધી આધ્યાત્મિક ઉપલબ્ધિઓ બીજાના હિત માટે હતી. જો લોકો એના દ્વારા કરેલી સોળ આનાની સાધનામાંથી એક આના જેટલી સાધના કરશે તો તેઓ ધન્ય બની જશે. એટલે તો એમણે વિવાહિત જીવનની જવાબદારીઓ સ્વીકારીને ગૃહસ્થના ઉદાત્ત આદર્શનું ઉદાહરણ આપણી સમક્ષ રજૂ કર્યું છે. જો શ્રીરામકૃષ્ણદેવે લગ્ન ન કર્યાં હોત તો કેટલાક આલોચક એવી ટિપ્પણી કરત કે સંભવત: અવિવાહિત હોવાને લીધે જ એમણે કામ-કાંચન ત્યાગના આદર્શનો આટલો પ્રબળ અને વિદગ્ધતાપૂર્ણ ઉપદેશ આપ્યો હતો.

શ્રીરામકૃષ્ણના વિવાહનું વિશેષ તાત્પર્ય હતું. એમણે લોકોને એ સમજાવવા દાંપત્ય જીવનનો અંગીકાર કર્યો કે એમના ઉદાહરણથી લોકો એ સમજી શકે કે વિવાહ એક એવો સંસ્કાર છે કે જેનો ઉદ્દેશ ઈંદ્રિય સુખોપભોગ નથી પણ એક અતિ ઉચ્ચ આદર્શ છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ, શંકરાચાર્ય અને બીજા અવતારોના જીવનમાં પણ આ આદર્શ પ્રમાણિત થયો ન હતો. એક મહાન આવશ્યકતાને પૂરી કરવા આ આદર્શ શ્રીરામકૃષ્ણના જીવનમાં નિરૂપિત થયો. વિશ્વના ઇતિહાસમાં આજીવન કઠોર આધ્યાત્મિક સાધનાઓના માધ્યમથી આ પ્રકારનું પરમ પવિત્ર દાંપત્યજીવન પહેલીવાર અભિવ્યક્ત થયું. શ્રીરામકૃષ્ણ કહેતા: ‘લોકોને આ બીબામાં પોતાના જીવનને ઢાળીને પવિત્રતા અને સંપૂર્ણ સૌંદર્યની મૂર્તિ બનાવવા દો.’

સ્વામી તુરીયાનંદ:

શ્રીઠાકુરે અનેકવાર મને કહ્યું હતું: ‘શાસ્ત્રોમાં છે શું? એ તો દુકાનમાંથી ખરીદી શકાય તેવા માલ-સામાનની યાદી છે. આ યાદીનો ઉપયોગ કેવળ ખરીદેલા માલસામાનની તપાસ કરવા માટે છે. સામાનને યાદી સાથે મેળવી લીધા પછી યાદીને ફેંકી દેવાય છે. એટલે તમારે પોતાનાં જ્ઞાન અને ભક્તિની તરતપાસ શાસ્ત્રો પ્રમાણે કરી લેવી જોઈએ. એવું કહેવાય છે, બ્રહ્મ જ્ઞાન થયા પછી શાસ્ત્ર ઘાસ-કચરાં જેવાં લાગે છે.’ જગન્માતાએ શ્રીરામકૃષ્ણદેવને શાસ્ત્રો, પુરાણો અને તંત્રોની બધી વાતો બતાવી દીધી હતી. એટલે અશિક્ષિત હોવા છતાં પણ તેઓ પંડિતોના અહંકારના ચૂરેચૂરા કરી દેતા. તેઓ કહેતા: ‘જગન્માતાના જ્ઞાનના એક સૂક્ષ્મ કિરણ સામે બધું પાંડિત્ય ઝાંખુઝપટ પડી જાય છે.’

જ્યારે શ્રીરામકૃષ્ણદેવ મા જગદંબા સાથે વાર્તાલાપ કરતા ત્યારે તેઓ એક શરાબી જેવા લાગતા. તેઓ કહેતા: ‘મા, મારે બ્રહ્મજ્ઞાન નથી જોતું, મા, મને બ્રહ્મજ્ઞાન ન આપ; હું એના પર થૂંકું છું.’ હું એ સમયે કટ્ટર વેદાંતી હતો અને એવી વાતોથી મને ખૂબ દુ:ખ થતું હતું. હું મારા મનમાં વિચારતો: ‘અરે! બ્રહ્મજ્ઞાનથી વળી મોટું શું હોઈ શકે?’

સ્વામી અભેદાનંદ:

એક દિવસ ગોલાપ માએ શ્રીઠાકુરને કહ્યું: ‘કોલકાતાના ડોક્ટર દુર્ગાચરણ પ્રસિદ્ધ ચિકિત્સક છે. સંભવત: તેઓ આપને કોઈ ઉપચાર બતાવી દે.’ શ્રીઠાકુર તત્કાળ એમની પાસે જવા સહમત થઈ ગયા. એ રાત હું દક્ષિણેશ્વરમાં જ રોકાઈ ગયો. લાટુ અને ગોલાપ મા પણ ત્યાં જ હતા. પછીના દિવસે સવારે ઠાકુર, ગોલાપ મા, લાટુ અને હું હોડીથી કોલકાતા ગયા. ત્યાં હોડીમાંથી ઊતરીને એક ભાડેથી ઘોડાગાડીમાં બેસીને અમે લોકો બિડન સ્ક્વેરમાં ડોક્ટરના કાર્યાલયમાં ગયા. શ્રીઠાકુરે કરુણા કરીને મને એમની પાસે બેસાડ્યો. ગોલાપ મા અને લાટુ ગાડીમાં બીજી બાજુ બેઠા હતા.

ડોક્ટરે ઠાકુરના ગળાની તપાસ કરીને થોડી દવા દીધી. અમે આહિરી ટોલા ઘાટ ગયા અને દક્ષિણેશ્વર જવા ભાડેથી એક હોડી લીધી. એ વખતે બપોરના દોઢ વાગી ગયા હતા. અમે કોઈએ ભોજન કર્યું ન હતું. શ્રીઠાકુરને ભૂખ લાગી હતી. એમણે નાવિકને વરાહનગર ઘાટ પર હોડી ઊભી રાખવા કહ્યું અને નજીકના બજારમાંથી થોડી મીઠાઈ ખરીદી લાવવા મને કહ્યું. ગોલાપ માએ પોતાની પાસેના કુલ ચાર પૈસા મને દીધા. હું તરત બજારમાં ગયો અને પનીરની થોડી મીઠાઈ ખરીદી લાવ્યો. શ્રીઠાકુરે મારા હાથે મીઠાઈનું પેકેટ લીધું અને આનંદપૂર્વક આખેઆખું ખાઈ ગયા. ખાલી પેકેટને ગંગાજીમાં ફેંકીને પોતાને હાથે નદીનું થોડું પાણી પીધું. તેઓ સંતુષ્ટ થયા લાગતા હતા. શ્રીઠાકુર જાણતા હતા કે અમે ત્રણેય ભૂખ્યા હતા, પરંતુ મીઠાઈને વહેંચ્યા વિના જ પોતે બધી ખાઈ ગયા. જો કે આ ઘણું વિસ્મયજનક હતું પરંતુ એમને સંતોષ થતાં જ અમને અનુભવ થયો કે અમારું પેટ પણ ભરાઈ ગયું છે. અમે લોકો મૌન ભાવે એક બીજા તરફ જોતા હતા. એ વખતે શ્રીઠાકુર જરા હસ્યા અને દક્ષિણેશ્વર સુધી આખે રસ્તે એક બાળકની જેમ હાસ-પરિહાસ કરતા રહ્યા. બધા હોડીમાંથી ઊતર્યા પછી અમે ત્રણેયે (શ્રીઠાકુર સિવાય) અરસપરસ એ ઘટના વિશે વાતચીત કરી. એવું અનુભવ્યું કે બધાનું પેટ એકી સાથે ભરાઈ જવું એ એક આશ્ચર્યજનક ઘટના જ હતી.

સ્વામી અખંડાનંદ:

મન્મથ નામનો એક કુશળ પહેલવાન અને જાણીતો ગુંડો રામકૃષ્ણદેવના સાંનિધ્યમાં આવીને પૂરેપૂરો બદલાઈ ગયો હતો. ઘટના આવી છે:

‘શ્રીરામકૃષ્ણદેવની એક મહાન મહિલા ભક્ત યોગીન માને હીરાલાલ નામનો એક ભાઈ હતો. તેણે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવ પાસે પોતાની બહેનને આવવા જવા માટે વિરોધ કર્યો. જ્યારે યોગીન માએ પહેલીવાર શ્રીઠાકુરને પોતાને ઘરે નિમંત્રિત કર્યા ત્યારે હું પણ એમની સાથે ગયો હતો. એમના ભાઈ હીરાલાલે શ્રીઠાકુરને ડરાવી ધમકાવીને ભગાડી દેવાના ઉદ્દેશ્યથી મન્મથને બોલાવી લીધો હતો. 

પરંતુ ઠાકુરનું દર્શન કરીને અને એમની કેટલીક વાતો સાંભળીને તે શ્રીઠાકુરનાં ચરણોમાં પડીને રોતાં રોતાં કહેવા લાગ્યો: ‘હે મારા નાથ! હું અપરાધી છું. કૃપા કરીને મને માફ કરો.’ શ્રીઠાકુરે એને દક્ષિણેશ્વર આવવા કહ્યું. હું મન્મથને બરાબર જાણતો હતો અને એણે મને કહ્યું: ‘મહેરબાની કરીને મને એમની પાસે લઈ જાઓ. એમણે મારા પર કૃપા કરીને મને ત્યાં આવવા આમંત્રણ આપ્યું છે.’ એટલે એક દિવસ નક્કી કરીને અમે બંને ગાડીમાં બેસીને એક વાસણમાં રસગુલ્લા લઈને એમની પાસે ગયા. શ્રીઠાકુરે એની સાથે ઘણો કરુણાભર્યો વહેવાર કર્યો. મન્મથની સામે જ મેં શ્રીઠાકુરને કહ્યું: ‘આ માણસ જાણીતો ગુંડો છે. એનાથી બધા લોકો ડરે છે અને દંગા-ઝઘડામાં આગળ રહે છે.’

શ્રીઠાકુરે મન્મથના શરીરને સ્પર્શ કરીને કહ્યું: ‘અરે, આ કેટલો કઠોર છે!’ મન્મથે પોતાની જનોઈ ઉતારીને ફેંકી દીધી છે, એ સાંભળીને શ્રીઠાકુરે એને પૂછ્યું: ‘તમે એને કેમ પહેરતા નથી?’ મન્મથે કહ્યું: ‘મહારાજ, પરસેવો થવાથી જનોઈ શરીર પર ચોંટી જાય છે અને ખંજવાળ આવે છે. એટલે મેં એ જનોઈ પહેરવાનું છોડી દીધું છે.’

શ્રીઠાકુરે ગંભીર સ્વરે કહ્યું: ‘બ્રાહ્મણના ચિહ્ન રૂપ આ જનોઈ તમારે ધારણ કરવી જોઈએ.’ ત્યારે તેઓ મન્મથને કાલીમંદિરમાં લઈ ગયા અને પ્રદક્ષિણા કરતાં એક નિર્જન ખૂણામાં એને આશીર્વાદ આપીને રવિવારે ફરીથી પોતાની પાસે આવવા કહ્યું. બીજી વાર હું મન્મથને શ્રીઠાકુરનાં દર્શને લઈ ગયો. એ બંનેની આવી ત્રણ-ત્રણ મુલાકાત થઈ હતી. થોડાં વર્ષો પછી એક મિત્ર સાથે મન્મથને મળવા એને ઘેર ગયો હતો. એમની ઈશ્વરોન્મત્તતા જોઈને હું અત્યંત અભિભૂત થઈ ગયો. મેં તે દિવસે અનુભૂતિ કરી કે વનો કે પર્વત કંદરાઓમાં કઠિન તપસ્યાથી પણ જે ભગવત્કૃપા પ્રાપ્ત નથી થતી તે શ્રીઠાકુરની કૃપાથી ઘરે બેઠા સહજ-સરળ રીતે પ્રાપ્ત થાય છે.

સ્વામી વિજ્ઞાનાનંદ:

શ્રીરામકૃષ્ણદેવની સંમોહનશક્તિનું વર્ણન કરવું કઠિન છે. એમને એકવાર જોઈને જ લોકો સદાને માટે એમના પ્રત્યે આકર્ષાતા. એક દિવસ સાયંકાળે હું દક્ષિણેશ્વર ગયો. ત્યાં રાતવાસો કરવા મેં ઠાકુરની અનુમતિ માગી. એમણે પ્રસન્ન થઈને સહમતી આપી. રાતે દક્ષિણેશ્વરમાં ભોજનની વ્યવસ્થા સારી ન હતી. દરેક રાતે મા કાલીનો થોડો પ્રસાદ શ્રીઠાકુરના ભોજન માટે એમની પાસે મોકલાતો. એમાંથી થોડું ખાઈને બાકીનો પ્રસાદ તેઓ ત્યાં રાતવાસો કરનારાને વહેંચી દેતા. શ્રીઠાકુરનું રાતનું ભોજન અત્યંત અલ્પ હતું, પક્ષીની ચણ જેવું. બે પૂરી, થોડી રવાની ખીર, થોડી મીઠાઈ ખાતા. રાત્રીનો પ્રસાદ ખાઈને હું ઠાકુરના ઓરડામાં જમીન પર સૂઈ ગયો.

એકાએક મધરાતે મારી ઊંઘ ઊડી અને મેં શ્રીઠાકુરને ઓરડામાં ટહેલતા જોયા. તેઓ ગણગણતા ક્યારેક ક્યારેક સામેની ઓસરીમાં જતા કે તાળી વગાડીને દેવી દેવતાઓનું નામસંકીર્તન કરતા હતા. દિવસે તો શ્રીઠાકુર ભક્તો સાથે હાસ-પરિહાસ કે વાર્તાલાપ કરતા પરંતુ રાત્રે તેઓ સાવ જુદા જ માનવ બની જતા. હું તો સાવ ડરી ગયો. શ્રીઠાકુરની પ્રમત્તતા જોઈને હું તો છાનોમાનો પથારીમાં જ પડ્યો રહ્યો. પણ મને ફરી ઊંઘ ન આવી. ક્યારેક શ્રીઠાકુરને નાચતા, ગાતા અને વળી ક્યારેક વાતચીત કરતા જોયા. અંતે સવાર થઈ ગયું અને મારા મનને શાંતિ થઈ. પ્રાત: કાળે શ્રીઠાકુર વળી પાછા સામાન્ય અવસ્થામાં આવી ગયા. મેં પણ એમની સાથે સામાન્ય દિવસની જેમ વાતચીત કરી. એમને જોઈને મને વિશ્વાસ થતો ન હતો કે આ  એ જ વ્યક્તિ છે કે જે રાતે આવી લીલા કરતા હતા!

શ્રીઠાકુરનું બધું રહસ્યમય હતું. બહારથી તો એક સાધારણ માનવ જેવા જ દેખાતા પણ તેઓ એક જીવંત દેવમાનવ હતા. અમારું એ સૌભાગ્ય હતું કે અમે એમના સાંનિધ્યમાં રહીને એમની કરુણાથી ધન્ય બન્યા અને એમના શરણાગત થયા.

(સ્વામી ચેતનાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણદેવ – જૈસા હમને ઉન્હેં દેખા’ના કેટલાક અંશો)

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.