(રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત સંકલિત ગ્રંથ ‘ભાવસમાહિત શ્રીરામકૃષ્ણ’ નામના બંગાળી લેખનો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

પરમહંસ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યજીવન, સાધના અને સિદ્ધિ વિશે ચિંતન કરવાથી યાદ આવે છે ‘તમસ: પરસ્તાત્’ જ્યોતિર્મય મહાપુરુષનાં ગુણાનુકીર્તનમાં ઉન્મુખ વ્યાસદેવનું મંગલાચરણ – ‘ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ્ સત્યમ્ પરમ્ ધીમહિ’ સમગ્ર શ્રુતિનો સિદ્ધાંત છે – સત્ય જ પરમેશ્વર, સત્ય જ ચિન્મય, સત્ય જ આનંદ, સત્ય જ પરમાર્થ અને સત્ય જ પરમધામ છે.

દેવમાનવ શ્રીરામકૃષ્ણ સત્યસ્વરૂપ છે. ધર્મ-અધર્મ, પાપ-પુણ્ય, સારું-નરસું, યશ-અપયશ ઇત્યાદિ દેહમનનું સર્વ કંઈ જગન્માતાને અર્પણ કરવાથી પણ તેઓ સત્ય આપી શક્યા ન હતા. સત્યનિષ્ઠાનો સૌથી મહાન આદર્શ કયો હોઈ શકે, એ વાત શ્રીરામકૃષ્ણ દેવે પોતાના મહાન જીવન અને વિવિધ વાર્તાલાપોમાં બતાવ્યો છે. એમની વાતોમાં, વાણીમાં, આચરણમાં તેઓ સત્યથી ક્યારેય ચ્યૂત થતા જોવા મળતા નથી. તેઓ હતા એકાંત સત્યનિષ્ઠ. શ્રીશ્રીઠાકુર કહેતા: ‘જેમને સત્યનિષ્ઠા છે, તે સત્યના પ્રભુને પામે છે; મા ક્યારેય એમના શબ્દને મિથ્યા થવા દેતી નથી.’ એમણે કહ્યું છે: ‘જે લોકો વિષય કર્મ કરે છે, ઓફિસનું કાર્ય કે વ્યવસાય કરે છે એમણે પણ સત્યમાં રહેવું જોઈએ. સત્ય વચન એ કલિયુગની તપસ્યા છે.’ વળી તેઓ કહે છે: ‘સત્યમાં દૃઢ રહેવાથી ઈશ્વરપ્રાપ્તિ થાય છે.’ વગેરે.

સત્યનિષ્ઠાનાં કોણ જાણે કેટલાંય દૃષ્ટાંતો એમના જીવનમાં જોવા મળે છે. જે દિવસે જ્યાં જવાનો છું એમ કહ્યું છે ત્યારે તેઓ એ જ દિવસે બરાબર સમયે ત્યાં ઉપસ્થિત થયા છે; જેમની પાસેથી જે વસ્તુ લઈશ એવું કહ્યું છે ત્યારે એમના સિવાય બીજા કોઈ પાસેથી એ વસ્તુ લીધી નથી. જે દિવસે કહ્યું કે આજથી હું અમુક વસ્તુ નહિ ખાઉં કે આ કામ નહિ કરું ત્યારે તે જ દિવસથી એ વસ્તુ ખાઈ ન શક્યા અને એ કાર્ય કરી પણ ન શક્યા. નામે ‘ધની’ પણ ગરીબ લુહારણ – એમને ભિક્ષામાતા બનાવીશ, એવું વચન આપ્યું હતું; એટલે ઉપનયન સંસ્કાર વખતે પ્રબળ વિરોધ હોવા છતાં પણ એમણે સત્યની – આપેલા વચનની રક્ષા કરી હતી. એ વખતે એમની ઉંમર હતી માત્ર ૯ વર્ષની. એ વખતે પણ સત્ય પ્રત્યેની આટલી દૃઢતા હતી! અને આટલી સમદર્શિતા અને ઉદારતા! ઊંચ-નીચ જાત, ધનવાન-નિર્ધન આ બધી ભેદબુદ્ધિ એમની આજુબાજુ ફરકતી જ નહિ. મહેતરનું પાયખાનું પોતાને હાથે જ સાફ કર્યું હતું. પોતાના વાળને જમીન પર પાથરીને એ પાયખાનાની ભોંયને સાફ કરી હતી.

આવી ઉદારતા સાથે શ્રીઠાકુર કહેતા: ‘જે લોકો રૂઢિચુસ્ત છે એ લોકો જ દળ-મંડળ રચે છે. ઉદાર બુદ્ધિવાળાને દળ-મંડળ હોતા નથી. જેવી રીતે વહેતાં પાણીમાં વેલીઓના ઝૂંડ જામતા નથી. બંધિયાર પાણીમાં આ બધાં ઝૂંડ જામે છે.’ ભગિની નિવેદિતા સાથેની વાતચીત વખતે શ્રીઠાકુર વિશે સ્વામીજીએ કહ્યું હતું: ‘Never a word of condemnation for any!’ ‘ક્યારેય તેઓ કોઈનીય નિંદા ન કરતા.’ નિંદા કરે કેમ? અધ્યાત્મ જગતના ઉત્કૃષ્ટ ભાવાદર્શને એકી સાથે એક દોરે પરોવીને સમન્વયની શ્રેષ્ઠ માળાને એમણે પોતાના ગળામાં ધારણ કરી છે. ડોક્ટર મહેન્દ્રલાલ સરકારે કહ્યું છે: ‘આ (પરમહંસદેવ) જે કંઈ બોલે છે તે બધું હૃદયને કેમ સ્પર્શી જાય છે! એમણે બધું જ જોયું છે – હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, શાક્ત, વૈષ્ણવ – એ બધું એમણે આચરણમાં ઊતારીને અનુભવ્યું છે. મધમાખી જાતજાતનાં ફૂલોમાં બેસીને મધુસંચય કરે છે અને તેથી જ મધપૂડો વધુ સારો બને છે.’ આ બધા ધર્મો ‘પોતે જ આચર્યા’, એક જ સત્યે પહોંચીને એમણે કહ્યું છે – (બધા) ધર્મ એક છે, નામ ભિન્ન હોવા છતાં પણ ગમે તે રસ્તે જાઓ, પણ એક જ લક્ષ્યસ્થાને પહોંચશો; ગૃહસ્થ- સંન્યાસી, સ્ત્રી-પુરુષ, જાતિ-ધર્મ હોવા છતાં પણ બધાં જ એ લક્ષ્યે પહોંચવાના અધિકારી છે. શ્રીરામકૃષ્ણના આ સમન્વયભાવને રવીન્દ્રનાથ ટાગોરે પોતાના કાવ્યમાં આમ કહ્યું છે: 

‘વિવિધ સાધકોની સાધના ધારા,
મળી ગઈ છે એ બધી ધ્યાને તમારા.’

ધર્મ સાધનાના દુષ્કર, વિભિન્ન અને વિચિત્ર પથોના અંતિમ સત્યની પ્રાપ્તિમાં પ્રતિષ્ઠિત થઈને એ પ્રાપ્તિની વાતો અને અધ્યાત્મ જીવનની એ ગંભીરતમ પ્રાપ્તિના અનુભવની વાતો તેઓ આપણને ‘જેટલા મત તેટલા પથ’ એ યુગવાણી દ્વારા કહી ગયા છે. મહામિલનમાં સૂરબદ્ધ હોવાને કારણે એમનું જીવન અને વાણી બધા દેશોના, જાતિ, ધર્મના લોકોના મનને આકર્ષે છે. તદુપરાંત એમણે કંઈ બીજાને મોઢે સાંભળીને ઉપદેશ આપ્યો ન હતો કે એવોય ઉપદેશ નહોતો આપ્યો કે જેનું અક્ષરશ: પાલન ન કર્યું હોય. તેઓ તો જે કંઈ કહેતા તેનું સોળેસોળ આના આચરણ પણ કરતા. આવું આચરણ જો કોઈ એક આનો પણ કરી શકે તોય પૂરતું ગણાય.

બધું ત્યજીને તેઓ યુગાચાર્ય બન્યા છે. સ્વામીજીએ શ્રીઠાકુરને ‘ત્યાગીશ્વર’ કહ્યા છે. થોડાં પૈસા અને માટી હાથમાં લઈને તેઓ ‘માટી-ટાકા, ટાકા-માટી’ કહીને એ બંનેને ગંગામાં પધરાવી દેતા, એ વાત સર્વવિદિત છે. બધા લોકો આ જાણે છે છતાંય એ વાત યાદ નથી રાખતા કે ઈશ્વર પ્રાપ્તિના પથમાં પ્રતિકૂળ એવી બધી બાબતોનો એમણે સંપૂર્ણ ત્યાગ કર્યો હતો. એટલે જ તેઓ ‘સમલોષ્ટ્રાશ્મકાંચન’ થઈ શક્યા હતા, એટલે કે પથ્થર કે સોનું એમને મન સરખાં હતાં. વ્યક્તિગત સેવા માટે લક્ષ્મી નારાયણ મારવાડીની ભેટ રૂપે એ સમયના દસ હજાર રૂપિયા જેવડી માતબર રકમનો કેવી અનાયાસ દૃઢતા સાથે અસ્વીકાર કર્યો હતો. એટલું જ નહિ એમને માટે અલ્પ પરિગ્રહ પણ અસંભવ હતો. શ્રીઠાકુરના સહધર્મચારિણી શ્રીશ્રીમાના શબ્દોમાં આ વાત સૌથી વધુ પ્રોજ્જ્વલ બનીને આપણી સામે આવે છે. શ્રીમાએ કહ્યું છે: ‘એમનું ઐશ્વર્ય જ ત્યાગ હતો. એક દિવસ જમીને તેઓ નોબત ખાનામાં ગયા. થોડો મુખવાસ ખાવા માટે આપ્યો અને થોડો કાગળમાં બાંધીને હાથમાં મૂકીને કહ્યું, આ લઈ જાઓ. તેઓ નોબતખાનામાંથી પોતાના ઓરડામાં આવતા હતા. પરંતુ ત્યાં જવાને બદલે તેઓ સીધા દક્ષિણ દિશામાં નોબતખાનાની પાસે ગંગા કિનારે પહોંચી ગયા. રસ્તો સૂઝતો ન હતો. સાન-ભાન પણ ન હતી. કહેતા હતા: ‘મા, શું હું ડૂબી જાઉં કે? મા, શું હું ડૂબી જાઉં કે?’ હૃદય એમને પકડીને લઈ આવ્યો. જો થોડીવાર લાગત તો તેઓ ગંગામાં પડી જાત. હાથમાં થોડો મુખવાસ આપ્યો હતો ને, એટલે રસ્તોય ન દેખાયો! એમનો તો સોળેસોળ આના ત્યાગ હતો.’ છે ક્યાંય આવું પરમ ત્યાગનું નિદર્શન!

આવી જ રીતે ત્યાગીશ્રેષ્ઠ બનીને બન્યા હતા અધ્યાત્મ સમ્રાટ. ભગવાનનું ચિંતન કરતાં કરતાં સાધકનો સામાન્યતમ દેહબોધ પણ ચાલ્યો જાય આવી અવસ્થા થાય તેને સમાધિ અવસ્થા કહેવાય, એ એક આશ્ચર્ય અવસ્થા છે અને તે અધ્યાત્મજગતની અત્યંત ઇચ્છવા યોગ્ય પણ અત્યંત વિરલ અવસ્થા છે. શ્રીરામકૃષ્ણનું મન ઈશ્વરભાવમાં એટલું બધું ભરપૂર ભર્યું રહેતું કે એમને અવારનવાર સમાધિ થઈ જતી. ૪૦ વર્ષની કઠોરતમ તપશ્ચર્યાના ફળ સ્વરૂપે ગુરુ તોતાપુરી જે અવસ્થા પ્રાપ્ત કરવામાં સમર્થ બન્યા, એ જ અવસ્થા શિષ્ય શ્રીરામકૃષ્ણે જાણે કે થોડા દહાડામાં પ્રાપ્ત કરી લીધી. શ્રીશ્રી ભવતારિણીના સુસ્પષ્ટ ઈંગિતથી તેઓ ભાવમુખે રહેતા. એ એક અપૂર્વ અવસ્થા – જેમ કે નિત્ય અને લીલાની સંયોગ ભૂમિ, લૌકિક અને અલૌકિક ભૂમિનું સેતુરૂપ મિલન કેન્દ્ર, અતીન્દ્રિય અને ઈંદ્રિયગ્રાહ્ય જગતના યુગદૃષ્ટા, સાક્ષીભાવની સ્થિતિ, દેવમાનવ શ્રીરામકૃષ્ણ મૃત્યુ લોકમાં જાણે કે ખેંચી લાવ્યા હતા અમૃતત્વનો સ્પર્શ. એમના અનુપમ આધ્યાત્મિક જીવન ગતિની વચ્ચે વળી એમની માનવીય સંવેદના, સહાનુભૂતિ, અનુકંપા, અવિરત વહેતો પ્રેમ અને કલ્યાણની આકાંક્ષામાં માનવ હૃદયની સમગ્ર સુષમા અને માધુર્ય પ્રસ્ફૂટિત થયા હતાં. જગજ્જનની સાથે સદૈવ શરણાગત સ્વાભાવિક શિશુસહજ વ્યવહાર; વિસ્તૃત, ગૂઢ તંત્રોપાસના; સર્વભાવની ભક્તિસાધના; રામલાલા સાથે ક્રીડા; સમાધિના શિખરે અદ્વૈતમાં પ્રતિષ્ઠા; અને પોતાનાં સહધર્મિણીની ષોડશોપચારે પૂજા કરીને જે શ્રીરામકૃષ્ણે ૨૦મી શતાબ્દિના જિજ્ઞાસુઓના બધા સંશયો – ‘જે રામ, જે કૃષ્ણ એ જ આજે શ્રીરામકૃષ્ણ’ દ્વારા દૂર કર્યા હતા; જેમને વિવેકાનંદે ‘અવતાર વરિષ્ઠ’ એ શબ્દોમાં વર્ણવ્યા હતા, એ જ શ્રીરામકૃષ્ણને બીજાના સ્વજનના વિયોગના દુ:ખમાં દુ:ખી, ભૂખ્યાંદુખ્યાંના દુ:ખે પોતાની તીર્થયાત્રાને તુચ્છ ગણતા, શ્રીમાને માત્ર શિક્ષાદાન જ નહિ પણ એમને માટે ઘરેણાં બનાવતા, નિત્ય સમાધિ અવસ્થાને ઝંખતા નરેન્દ્રને ‘બહુજન હિતાય બહુજન સુખાય’ પોતાની જાતને અર્પણ કરવા ઉદ્દીપ્ત કરતા જોઈએ છીએ; તે ઉપરાંત કોલકાતાનાં દાસત્વ, જડતા અને યંત્રમૂલક તમોવિભ્રાંત નરનારીઓના અભ્યુદય માટે વ્યગ્ર થતા; સાધનાલબ્ધ, ગહન અને અમોઘ અધ્યાત્મ વિદ્યાને વિશ્વમાં વિતરિત કરવામાં વ્યસ્ત, માનવજાતનું સંવિત અને આધ્યાત્મિક ચેતનાને પુન: ઉદ્‌બુદ્ધ કરવા સદા તત્પર એવા શ્રીરામકૃષ્ણને પણ આપણે જોઈએ છીએ. ખરેખર અભૂતપૂર્વ, અશ્રૂતપૂર્વ, અદૃષ્ટપૂર્વ આધ્યાત્મિક સમ્રાટ શ્રીરામકૃષ્ણ! સંપૂર્ણ ઐશ્વર્યહીન અને સદા ઈશ્વરમય બનીને પણ નિત્યાનંદ મૂર્તિ આ દેવમાનવ મનુષ્યોનાં હાસ્યરુદન, યોગાયોગ, આશા-આકાંક્ષા, નિત્યનૈમિતિક બધામાં જાણે કે તેઓ આપણા સંસ્પર્શમાં આવી રહ્યા છે; આમ છતાં પણ ક્યાંય સૂર તૂટતો નથી, તાલ છૂટતો નથી; બધું જ મનોરમ, રસભરપૂર. યુગ યુગાન્તરનું આધ્યાત્મિક તત્ત્વ સત્ય, વાસ્તવ, એકમાત્ર કામ્ય વસ્તુ અને માનવજીવનની સાર્થકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે શ્રીરામકૃષ્ણનું જીવન. તાંબુ ન ઉમેરીએ તો સોનાનું ઘરેણું ન બને એમ આ ઉચ્ચ અવસ્થામાં શ્રીઠાકુર માટે પ્રચાર સંભવ ન હતો. આ મહાન ઉદ્દેશ્યને સફળ સાર્થક બનાવવા તેઓ લાવ્યા હતા સપ્તર્ષિ મંડળના ઋષિને.

આધ્યાત્મિક જીવનના સર્વોચ્ચ શિખરે હતા છતાં શ્રીઠાકુર જીવનમાં વ્યવહારિક પાસાની ઉપેક્ષા ન કરતા. પરા વિદ્યાની સાથે અપરા વિદ્યાને પણ યથાયોગ્ય આદર આપતા, આ બધું આપણને સમજાય છે ‘જ્યાં સુધી જીવું ત્યાં સુધી શીખું’, ‘જે એક વિદ્યામાં નિપુણ છે એમને માટે ઈશ્વરપ્રાપ્તિ સહજ છે’, જેવાં એમનાં વચનોમાં અને વિદ્યાસાગર, બંકિમચંદ્ર, મધુસૂદન જેવા મુખ્ય સમકાલીન ગુણીજ્ઞાનીઓ સાથેની એમની મુલાકાતમાં. એમના દ્વારા સર્જાયેલ સ્વામીજી પણ ઇચ્છતા હતા કે આ યુગના મનુષ્યોમાં આધ્યાત્મિકતા સાથે કાર્યકુશળતાનું પણ મિલન થાય. ઠાકુર પોતે બાહ્ય દશામાં સંપૂર્ણ રૂપે માત્ર કર્મતત્પર નહિ પણ કર્મપટુ હતા. અસ્તવ્યસ્તતા અને અધકચરું એમને જરાય પસંદ ન હતું. એમના ઓરડામાં બધી વસ્તુ સુસજ્જ અને યોગ્ય સ્થાને રહેતી. નાનામાં નાની વસ્તુ પ્રત્યે પણ એમની નજર રહેતી. શ્રીરામકૃષ્ણ કથામૃતના રચયિતા શ્રી મ. એકવાર પશ્ચિમના વરંડામાં બેસીને થોડો નાસ્તો કરીને જલદી શ્રીઠાકુર પાસે એમના ઓરડામાં આવી ગયા. ત્યારે શ્રીઠાકુરે પૂછ્યું: ‘પાણીનો પ્યાલો ન લાવ્યા?’ માસ્ટર મહાશય અવાક્ થઈ ગયા. એક દિવસ પંચવટી તળે પાઠ થતો હતો. પાઠ પૂરો થયા પછી બધા પાછા આવી ગયા. ઠાકુરે બધાની પછીથી ઓરડામાં આવીને હસતાં હસતાં કહ્યું: ‘એ છત્રી લાવવાની વાત તમારામાંથી કોઈને યાદ ન રહી?’

‘અનંતભાવમય ઠાકુરને શું તમે બધા પોતાના વાડામાં બાંધી રાખવા માગો છો? હું એ સીમા તોડીને સમગ્ર પૃથ્વીમાં એમને ફેલાવી દઈશ.’ આ વાત કહી હતી સ્વામી વિવેકાનંદે પોતાના કેટલાક ગુરુભાઈઓને. ખરેખર એમણે શ્રીઠાકુરના ભાવને સમગ્ર વિશ્વમાં ફેલાવી દીધો છે. વાસ્તવિક રીતે શ્રીઠાકુર પોતાના નરેન્દ્રનું અવલંબન કરીને યુગધર્મનો પ્રચાર કર્યો હતો અને કરી રહ્યા છે. સ્વામીજીએ આવું આશ્વાસન આપ્યું હતું કે શ્રીરામકૃષ્ણના આવિર્ભાવથી વિશ્વવ્યાપી આધ્યાત્મિક નવોન્મેષ અને વિશ્વમૈત્રીના નવયુગનો અભ્યુદય થયો છે. અને જેમ જેમ દિવસો જશે તેમ તેમ શ્રીરામકૃષ્ણનો પ્રભાવ યુગના પરમ પ્રયોજનને સંતોષવા, પૂર્ણ કરવા સમગ્ર ધરતી પર ફેલાઈ જશે. પાકા મરજીવાની જેમ સ્વામીજી શ્રીરામકૃષ્ણ મહાસાગરમાંથી અમેય ઐશ્વર્ય લાવીને સમગ્ર માનવજાતિને એક ઉપહાર આપી ગયા છે, પ્રચંડ ચક્રવાતની જેમ જગતને પ્લાવિત કરી દીધું ગુરુની વાણીથી. શ્રીરામકૃષ્ણ એટલે કે વેદ, સ્વામીજી જાણે કે એમનું ભાષ્ય.

આ પરમપુરુષ શ્રીરામકૃષ્ણની સ્મૃતિમાં એક કવિએ ગાયું છે: ‘સીમા કે બીચ અસીમ દેશ કા કૌન અતિથિ આયા રે!’

શ્રીઠાકુરે પોતે જ પોતાને ‘અણજાણ્યું ઝાડ’ કહ્યું છે. મહાકવિ ગિરીશચંદ્રે ઘૂંટણિયે પડીને કહ્યું હતું: ‘વ્યાસ, વાલ્મીકિ જેના વિશે બોલીને એનો અંત લાવી શક્યા ન હતા એમના વિશે હું વળી વધારે શું કહું?’ બીજાની તો વાત જ શી કરવી! એટલે જ કહું છું, સત્યસ્વરૂપ, પ્રેમમૂર્તિ, ત્યાગીશ્રેષ્ઠ, અધ્યાત્મ સમ્રાટ, સર્વધર્મસમન્વયકારી, પરમ ભાગવત, આનંદઘન, અશેષ કલ્યાણમય શ્રીરામકૃષ્ણ કથા શ્રવણમંગલમય છે. શ્રીરામકૃષ્ણ પરમહંસદેવનાં શ્રીચરણકમળમાં હું પ્રણામ કરું છું અને પ્રાર્થના કરું છું કે પૃથ્વીના બધા મનુષ્યો એમની અસીમ કૃપાથી શાંતિ અને આનંદ પ્રાપ્તિ કરે.

રામકૃષ્ણમહં વંદે પૂર્ણં બ્રહ્મ સનાતનં ।
સચ્ચિદાનંદરૂપોઽપિ યોઽવતીર્ણો યુગે યુગે ॥

Total Views: 15

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.