આધ્યાત્મિક સાધના માટે અને સર્વોચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રીરામકૃષ્ણદેવ અંતરની પ્રાર્થનાને ઘણું મહત્ત્વ આપતા. સામાન્ય રીતે પ્રાર્થનાઓમાં ઈશ્વર અને એમના ઐશ્વર્ય વિશે મહિમાગાન જોવા મળે છે. સંસ્કૃત સાહિત્યમાંથી તેમજ લોકભાષાઓમાં વહેતાં થયેલ પ્રાર્થનાગીતો હંમેશાં લગભગ બધાં ઘરોમાં નિયમિત રીતે ગવાતાં હોય છે. 

શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે ઈશ્વરના ઐશ્વર્ય નિહાળવા કરતાં ભક્ત કે સાધક એમનાં નિકટના સ્નેહીસંબંધી હોય અને સહજસરળભાવે એમની પાસે કોઈ ઉન્નતભાવની યાચના કરતા હોય, એમની સાથે વાર્તાલાપ કરતા હોય અને હૃદયના ઊંડાણમાંથી પોતાના અંતરના ભાવોને વ્યક્ત કરતી પ્રાર્થના વધારે અસરકારક છે.

૧૯ ઓકટોબર, ૧૮૮૪. (બંગાબ્દ, ૪ કારતક, રવિવાર) આ વખતે શરદ્ મહોત્સવ. શ્રીયુત્ વેણીમાધવ પાલના મનોહર ઉદ્યાનગૃહમાં ફરીથી બ્રાહ્મ-સમાજનું અધિવેશન ભરાયું. એ વખતે બ્રાહ્મભક્તોને ઉદ્દેશીને શ્રીઠાકુરે કહ્યું હતું:

ડૂબકી મારો, ઈશ્વરને ચાહતાં શીખો, તેના પ્રેમમાં મગ્ન થાઓ. જુઓ, મેં તમારી ઉપાસના સાંભળી છે; પરંતુ તમારા બ્રાહ્મ-સમાજમાં ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો શા માટે? – હે ઈશ્વર, તમે આકાશ બનાવ્યું છે, તમે મોટા મોટા દરિયા બનાવ્યા છે, ચંદ્ર-લોક, સૂર્ય-લોક, નક્ષત્ર-લોક એ બધું બનાવ્યું છે! એ બધી બાબતોની આપણને શી જરૂર? 

બધા માણસો શેઠનો બગીચો જોઈને જ ફિદા! કેવાં મજાનાં ઝાડ, કેવાં ફૂલ, કેવું તળાવ, કેવું દીવાનખાનું, કેવી તેની અંદરની છબીઓ, એ બધું જોઈને જ નવાઈ પામે! પરંતુ બગીચાના માલિકને શોધે કેટલા? શેઠને શોધે એક બે જણ! ઈશ્વરને વ્યાકુળ થઈને શોધવાથી તેમનાં દર્શન થાય, તેમની સાથે ઓળખાણ થાય, વાતચીત થાય, જેમ હું તમારી સાથે વાતચીત કરું છું તેમ, સાચું કહું છું દર્શન થાય.’

‘આ વાત કોને કહું છું ને કોણ એ માનશે?’ 

પ્રાર્થનાના સંદર્ભમાં ઠાકુરના વિચારોની ચર્ચા કરીએ તે પહેલાં આપણે કેવી પ્રાર્થના કરવી ન જોઈએ અને પ્રાર્થના કરતી વખતે કઈ કઈ બાબતોમાં સચેત રહેવું જોઈએ એ વિશે આપણે થોડું જાણી લઈએ.

૨૮મી નવેમ્બર; ઈ.સ. ૧૮૮૩. કમલ-કુટિર (Lily Cottage)માં બ્રાહ્મોસમાજના સંસ્થાપક શ્રી કેશવચંદ્ર સેનને ઉદ્દેશીને કહ્યું હતું:

બ્રાહ્મસમાજીઓ આટલું બધું ઈશ્વરના મહિમાનું વર્ણન કરે છે શા માટે? એમ કે ‘હે ઈશ્વર, તમે ચંદ્ર બનાવ્યો છે, તમે સૂર્ય બનાવ્યો છે, તમે નક્ષત્રો બનાવ્યાં છે!’ એ બધી વાતોની આટલી બધી શી જરૂર? ઘણાખરા માણસો શેઠનો બગીચો જોઈને જ ફિદા! શેઠને મળવા માગે કેટલા માણસો? બગીચો મોટો કે શેઠ? 

‘નરેન્દ્રને જ્યારે મળું, ત્યારે ક્યારેય પૂછું નહિ કે તારા બાપનું નામ શું, કે તારા બાપનાં કેટલાં મકાન! 

વાત એમ છે કે માણસને પોતાને ઐશ્વર્ય ગમે એટલે તે માને કે ઈશ્વરનેય તે ગમે. તે મનમાં એમ માને કે ઈશ્વરના ઐશ્વર્યની પ્રશંસા કર્યે ઈશ્વર રાજી થવાનો. શંભુ મલ્લિક કહેતો હતો કે ‘હવે એવો આશીર્વાદ આપો કે જેથી આ સંપત્તિ પ્રભુનાં ચરણકમળમાં સમર્પીને મરું! મેં કહ્યું કે ‘આ બધું તમારે મન ઐશ્વર્ય; પ્રભુને તમે શું આપવાના હતા? એમને મન તો આ બધું ધૂળરાખ!’

આ અંગે બીજી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં શ્રીરામકૃષ્ણદેવ કહે છે:

‘જ્યારે દક્ષિણેશ્વરમાં રાધાકાંતનાં ઘરેણાં મંદિરમાંથી ચોરાઈ ગયાં, ત્યારે મથુરબાબુ અને હું તે જોવા ગયા. દેવ-પ્રતિમાને જોઈને મથુરબાબુ બોલ્યા, ‘હટ્ ઠાકોરજી! તમારામાં કશી જ ત્રેવડ નથી, તમારા શરીર પરથી ઘરેણાં બધાં કોઈક કાઢી ગયું અને તમે કશું કરી શક્યા નહિ?’ 

મેં મથુરબાબુને કહ્યું કે ‘આ તે તમારી કેવી વાત! તમે જેને ઘરેણાં ઘરેણાં કહો છો એ બધાં ભગવાનને મન તો માટીનાં ઢેફાં! સ્વયં લક્ષ્મી જેની શક્તિ, એ ભગવાન તમારા થોડાક રૂપિયાનાં ઘરેણાં રહ્યાં કે ચોરાઈ ગયાં, તેના સારું મોઢું વકાસીને બેઠા છે, કેમ? એવી વાત બોલવી નહિ.’

‘ઈશ્વર શું ઐશ્વર્યને વશ? એ ભક્તિને વશ. તેમને શું જોઈએ? રૂપિયા નહિ. ભાવ, પ્રેમ-ભક્તિ, વિવેક, વૈરાગ્ય એ બધું જોઈએ.’

ઠાકુર સુરેન્દ્રના બગીચે રવિવારે  0૧૫મી જુન, ૧૮૮૪ના રોજ ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. એક ભક્તે ઠાકુરને પૂછ્યું: ‘વિલાયતમાં લોકો ‘કર્મ કરો, કર્મ કરો.’ એમ જ કર્યા કરે છે. ત્યારે કર્મ શું? જીવનનો ઉદ્દેશ્ય નથી? – એ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઠાકુર આ વાત કરે છે: ‘જીવનનો ઉદ્દેશ ઈશ્વર-પ્રાપ્તિ. કર્મ તો માત્ર આદિકાંડ છે. એ જીવનનો ઉદ્દેશ થઈ શકે નહિ. પણ નિષ્કામ કર્મ એક ઉપાય, ઉદ્દેશ નહિ.’ 

શંભુ મલ્લિકનું ઉદાહરણ આપીને તેમણે કહ્યું: ‘શંભુ મલ્લિક કહે કે હવે એવો આશીર્વાદ આપો કે જે રૂપિયા છે તેનો સદુપયોગ થાય; ઈસ્પિતાલ, ડિસ્પેન્સરી, રસ્તો, ઘાટ બંધાવવા, કૂવા ખોદાવવા એ બધાંમાં ખર્ચાય. મેં કહ્યું કે એ બધાં કર્મો અનાસક્ત થઈને કરી શકાય તો સારું. પણ એ બહુ કઠણ. અને બીજું ગમે તે થાય, પણ આટલું યાદ રાખવું કે તમારા માનવ જન્મનો ઉદ્દેશ છે ઈશ્વર-પ્રાપ્તિ, ઈસ્પિતાલ, ડિસ્પેન્સરી બંધાવવી એ નહિ! ધારો કે ઈશ્વર તમારી સામે આવે અને કહે કે વરદાન માગો, તો શું તમે એમ માગવાના કે મને થોડીક ઈસ્પિતાલ, ડિસ્પેન્સરી બંધાવી આપો? કે એવું માગવાના કે હે ભગવાન, એમ કરો કે તમારાં ચરણકમળમાં શુદ્ધ ભક્તિ આવે અને તમને હમેશાં જોઈ શકું? ઈસ્પિતાલ, ડિસ્પેન્સરી એ બધી તો અનિત્ય વસ્તુ. ઈશ્વર જ વસ્તુ, બીજું બધું અવસ્તુ. વળી ઈશ્વર-પ્રાપ્તિ થાય એટલે એવો અનુભવ થાય કે ઈશ્વર જ કર્તા, આપણે અકર્તા. તો પછી ઈશ્વરને મૂકીને શા માટે અનેક કામકાજ વધારીને મરીએ?

‘ભગવાનની પ્રાપ્તિ થાય તો એમની ઇચ્છાથી કેટલીય ઈસ્પિતાલ, ડિસ્પેન્સરી ઊભી થઈ શકે. એટલે કહું છું કે કર્મ એ આદિકાંડ (પહેલું પગથિયું). કર્મ જીવનનો ઉદ્દેશ નથી. હજુયે આગળ વધો. સાધન કરતાં કરતાં આગળ વધશો ત્યારે છેવટે જાણી શકશો કે ઈશ્વર જ વસ્તુ, બીજું બધું અવસ્તુ, ઈશ્વર-પ્રાપ્તિ જ જીવનનું-ધ્યેય.’

પ્રાર્થનાની આપણા જીવનમાં આવશ્યકતા વિષે શ્રીઠાકુરે ઘણે સ્થળે કેટલાય મૂલ્યવાન ઉપદેશો આપ્યા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્રીયુત્ વેણીપાલના સિંથિના બગીચામાં રવિવાર તા. ૨૨મી એપ્રિલ ૧૮૮૩ના રોજ પધાર્યા હતા. બ્રાહ્મભક્તો ઠાકુરને પ્રશ્નો કરતા. એક બ્રાહ્મભક્તે પૂછ્યું: ‘મહાશય, ઉપાય શું?’

શ્રીરામકૃષ્ણ – ઉપાય અનુરાગ, અર્થાત ઈશ્વરને ચાહવો અને પ્રાર્થના.

બ્રાહ્મભક્ત – અનુરાગ કે પ્રાર્થના?

શ્રીરામકૃષ્ણ – પહેલાં અનુરાગ, પછી પ્રાર્થના. 

શ્રીરામકૃષ્ણ સૂર સાથે આ ગીત ગાયું:

બોલાવને મન પૂરા પ્રયાસે,
કેમ મા શ્યામા આવે ના!

આગળ આ વાત વિશે ચર્ચા કરતાં તેમણે કહ્યું:

‘હંમેશાં ઈશ્વરનાં નામગુણગાન, કીર્તન, પ્રાર્થના કરવાં જોઈએ. જૂનો લોટો રોજ માંજવો જોઈએ, એક વાર માંજ્યે શું વળે? અને વિવેક, વૈરાગ્ય, સંસાર અનિત્ય એ જ્ઞાન થવું જોઈએ.’

૨૭ ઓકટોબર, ૧૮૮૨ના રોજ કેશવ આદિ સાથે કલિયુગમાં કર્મયોગ કરતાં ભક્તિયોગ અને એમાંય વિશેષ કરીને ગૃહસ્થ ભક્તો માટે પ્રાર્થનાના મહત્ત્વ વિશે વાત કરતાં શ્રીઠાકુરે કહ્યું હતું:

‘કર્મયોગ બહુ કઠણ. શાસ્ત્રમાં જે બધાં કર્મો કરવાનું વિધાન છે તે આ કલિકાળમાં કરવાં બહુ કઠણ. અત્યારે તો અન્ન ઉપર પ્રાણનો આધાર, એટલે ઝાઝાં કર્મો આ જમાનામાં ચાલી ન શકે. તાવ આવે ત્યારે વૈદ્યરાજની ચિકિત્સા કરવા બેસીએ તો આ બાજુ દરદીનું થઈ જાય; બહુ મોડું થાય તે ન ચાલે. અત્યારે તો ડિ. ગુપ્તનું ફિવર-મિક્ષ્ચર! 

કલિયુગમાં ભક્તિ, ભગવાનનાં નામ, ગુણગાન અને પ્રાર્થના; ભક્તિ-યોગ જ યુગધર્મ. (બ્રાહ્મભક્તોને) તમારો પણ ભક્તિયોગ, તમે લોકો હરિનામ લો છો, માનાં ગુણકીર્તન કરો છો, તમે ધન્ય! તમારો ભાવ મજાનો! વેદાંતીઓની માફક તમે જગતને સ્વપ્નવત્ કહેતા નથી, એવા બ્રહ્મજ્ઞાની તમે નથી. તમે બધા ભક્ત છો. તમે ઈશ્વરને ઁીર્જિહ કહો છો એ પણ બહુ મજાનું. તમે ભક્ત. વ્યાકુળ થઈને તેને બોલાવો તો જરૂર તેને પામશો.’

આપણે ઈશ્વર પાસે કઈ કઈ બાબતો વિશે અને કેવા કેવા પ્રકારની પ્રાર્થના કરી શકીએ એ વિશે શ્રીરામકૃષ્ણદેવે ભક્તોને અલગ અલગ સ્થળે અને વિવિધ પ્રસંગે અનેક વાતો કરી છે. સૌ પ્રથમ આપણે કરેલી ભૂલોને સ્વીકારીને એને માફ કરવા માટે ઈશ્વરને કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ એ વિશે શ્રી વિજયકૃષ્ણ ગોસ્વામીને વાત કરતાં કહ્યું હતું:

‘વારુ, તમે આટલું બધું ‘પાપ’ ‘પાપ’ બોલ્યા કરતા’તા શું કામ? એકસો વાર ‘હું પાપી, હું પાપી’ એમ બોલવાથી માણસ એવો જ થઈ જાય. એવી શ્રદ્ધા રાખવી જોઈએ કે મેં ભગવાનનું નામ લીધું ને પછી વળી મારામાં પાપ રહેશે શું? ભગવાન તો આપણાં માબાપ! તેમને કહો કે પ્રભુ, મેં પાપ કર્યાં છે, પણ હવે કદી નહિ કરું. અને ભગવાનનું નામ લો, તેનું નામ લઈને સૌ કોઈ દેહ, મન પવિત્ર કરો, જીભ પવિત્ર કરો.’

જે સાધકો કે ભક્તોએ ભગવન્નામમાં કે જપમાં અભિરુચિ કેળવી નથી એમના માટે શ્રીરામકૃષ્ણદેવ પ્રાર્થના જ એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે એમ માનતા. નામજપ તેમજ પ્રાર્થનાના મહિમા વિશે ૮ એપ્રિલ, ૧૮૮૩ના રોજ જૂના બ્રહ્મસમાજી ભક્તોને ઉદ્દેશીને કહ્યું હતું:

તેનું નામ લેવાથી પાપ બધાં ધોવાઈ જાય; કામ, ક્રોધ, શરીર-સુખની ઇચ્છા એ બધાં નાસી જાય.

એક ભક્તે જ્યારે પૂછ્યું: ‘ઈશ્વરનું નામ લેવાનું ગમે છે ક્યાં?’ ત્યારે શ્રીઠાકુરે એમને કહ્યું: 

‘વ્યાકુળ થઈને ઈશ્વરને પ્રાર્થના કરો કે જેથી તેનું નામ લેવામાં રુચિ આવે. તેઓ જ તમારી મનોવાંછના પૂરી કરશે.’

‘જીવોનાં દુ:ખથી અધીરા થઈને માની પાસે હૃદય-વેદના જણાવે છે. સામાન્ય જીવની અવસ્થાનું પોતામાં આરોપણ કરીને માની પાસે જીવનું દુ:ખ જણાવે છે.’

‘ઈશ્વરના નામમાં રુચિ થાય તો વિકાર મટી જાય. પ્રભુના નામમાં અરુચિ! વિકારના રોગમાં જો ખાવામાં અરુચિ થઈ તો પછી બચવાનો ઉપાય રહે નહિ. જો જરાક પણ રુચિ હોય તો બચવાની આશા ખરી. એટલે ભગવન્નામમાં રુચિ હોવી જોઈએ. ઈશ્વરનું નામ લેવું જોઈએ; દુર્ગા-નામ, કૃષ્ણ-નામ, શિવ-નામ, ગમે તે નામ લઈને ઈશ્વરને સ્મરો ને! નામ લેતાં લેતાં જો દિવસે દિવસે અનુરાગ વધે, જો આનંદ આવે, તો પછી કોઈ જાતનો ડર નહિ. વિકાર જરૂર જરૂર મટી જવાનો, ઈશ્વરની કૃપા જરૂર થશે.’

૨૭,  ઓકટોબર, ૧૮૮૨ના રોજ એક બ્રાહ્મભક્તે કર્મ ત્યાગ વિશે શ્રીરામકૃષ્ણદેવને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું: ‘કર્મત્યાગ શા માટે? ઈશ્વર-ચિંતન, તેનાં નામ, ગુણ-કીર્તન, નિત્ય-કર્મો વગેરે કરવાં જોઈએ.’

બ્રાહ્મભક્તે જ્યારે સંસાર-વ્યવહારનાં કામ વિશે પૂછ્યું ત્યારે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું: 

‘હા, એ પણ કરવાં, સંસાર-વ્યવહાર ચલાવવા માટે જેટલાં જરૂરનાં હોય તેટલાં. પરંતુ એકાંત સ્થાનમાં રડી રડીને ભગવાન પાસે પ્રાર્થના કરવી, કે જેથી એ કર્મો બધાં નિષ્કામભાવે કરી શકાય; અને કહેવું, ‘હે ઈશ્વર, મારો સંસાર-વ્યવહાર ઓછો કરી નાંખો. કારણ કે પ્રભુ, જોઉં છું કે વધુ કર્મો ભેગાં થાય ત્યારે તમને ભૂલી જાઉં છું.’ 

આપણે મનમાં માનતા હોઈએ કે નિષ્કામ-કર્મ કરીએ છીએ, પણ થઈ જાય સકામ. સદાવ્રત, દાન વગેરે વધારે કરવા જઈએ તો લોકોમાં નામ ફેલાવવાની ઇચ્છા થઈ આવે.’

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.