કોઈ અતીતની ઘટનાને લઈને ક્યારેક આપણે ઉદાસીનતામાં સરી પડીએ અથવા તો આપણી સાથે આવું કેમ બન્યું એવો પ્રશ્ન પણ ઉદ્ભવ્યા કરે. તેવા સમયે કોઈક એવો બનાવ બને કે આપણને આપણે કેટલા નસીબદાર છીએ એવો અહેસાસ કરાવી જાય!

એક કાર્યક્રમમાં મારે સતાધાર જવાનું થયું. હું નાની હતી ત્યારે માતાશ્રીની સાથે ત્યાં ઘણી વાર જવાનું થતું. વર્ષો પછી ત્યાં જતાં માતાશ્રીની સ્મૃતિ થઈ, ઈશ્વરે તેમને બહુ જલદી પોતાની પાસે બોલાવી લીધાં, એની ઉદાસીનતા પણ થોડી વાર માટે છવાઈ ગઈ. રસ્તામાં બધાંના સહવાસમાં વાતો કરતાં એ ભાવ પણ ખંખેરાઈ ગયો. નાનપણમાં હું ત્યાં જતી ત્યારે ત્યાં પૂ. શામજી બાપુ બિરાજતા. આજે લઘુમહંત પૂ. વિજયબાપુની તેજોમય મુખાકૃતિમાં શામજીબાપુ જેવી જ નિખાલસતા અને સરળતાનાં દર્શન થયાં.

પૂ. ગીગાબાપુની સમાધિ પર માથું ટેકવી એક અનેરા સંતોષનો ભાવ અનુભવ્યો. આખો દિવસ આ પાવનભૂમિ પર વીતાવી અમે આગળ નીકળ્યાં. ગરવા ગિરનારની છાયામાં ગીરની વનરાજીને નિહાળતાં અમે જતાં હતાં.

તલાળા પાસે ગફ્ફારભાઈ કુરેશીના હર્બલ ફાર્મ પર મારે જવાનું થયું. સુંદર રીતે ઉગાડેલ વિવિધ પ્રકારનાં અનેક વૃક્ષો જાણે કે આવકાર આપી રહ્યાં હોય. અહીં દરેક વૃક્ષ માનવ જેટલું જ જીવંત અને ભાવવાહી લાગ્યું. પ્રકૃતિ સાથે ઐક્ય સધાઈ જાય એવું આ રમણીય સ્થળ હતું. થોડીવારમાં આ સુંદર વિશાળ બગીચાના માલિક ગફ્ફારભાઈ આવ્યા, તેમની મુખમુદ્રા પર કોઈ માલિકી ભાવ ન હતો. ખૂબ જ સીધો, સાદો દેખાવ. કુરાને શરીફ અને પયગંબર સાહેબ વિશે તો તેમને માહિતી હોય પરંતુ તેમણે રામ-સીતા, કૃષ્ણ, શિવજી જેવાં દેવી-દેવતાઓ વિશે ચિંતનાત્મક વિવેચન રજૂ કર્યું ત્યારે મારા મનનો મોરલો બાગ બાગ થઈ ઊઠ્યો. આ ઓછું શિક્ષણ પામેલા માણસની કોઠાસૂઝ અને વૃક્ષો અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ નિહાળીને આપણે નતમસ્તક થઈ જઈએ. ગફ્ફારભાઈના આ બગીચામાં અલ્લા અને ઈશ્વર બંને હાથ પકડીને એક સાથે ઊભા હોય એવો અહેસાસ મને થયો. નાની ઉંમરમાં અનેક સંઘર્ષો કરીને આજે ધન અને કીર્તિ બંને તેમની પાસે હોવા છતાં તેનો કોઈ અહેસાસ તેમના વ્યક્તિત્વમાં નથી. ધન પાછળ આંધળી દોટ મૂકનાર આજના આ ભૌતિક યુગમાં માનવીય મૂલ્યોને અગ્રસ્થાન આપનાર આ મહામાનવને વંદન કરવાની ઇચ્છા થઈ જાય.

‘જન સેવા એ જ પ્રભુ સેવા’નો બીજમંત્ર તેમના જીવનમાં ચરિતાર્થ થતો જોવા મળે છે. આ ભગીરથ કાર્યમાં તેમનાં અર્ધાંગિની (પત્ની)નો પણ સાથ અને સહકાર છે. માણસને માણસ પ્રત્યે સહાનુભૂતિ નથી રહી એવા કપરા કાળમાં વૃક્ષોને પોતાનાં સ્વજનો બનાવીને જીવતા આ ‘મુઠ્ઠી ઊંચેરા માનવી’નો બગીચો એ એક તીર્થધામ છે. તીર્થધામ જેવી જ અલૌકિક અનુભૂતિ અહીં સુલભ બને છે. બીજો એક સુખદ પ્રસંગ જોગાનુજોગ બન્યો. મારા મોસાળ જેતપુર રાજવી પરિવારના વિશ્વાસુ કારભારી આલમભાઈ તેમના મામા. આ ઓળખાણ નીકળી એટલે અંદર જઈ કેરીના રસનું એક ટીન લાવી ગફ્ફારભાઈએ કહ્યું, ‘તમે તમારે મોસાળ આવ્યાં છો, ભાણેજને ખાલી હાથ ન મોકલાય!’ મારા મોસાળ પક્ષના સંબંધીઓ અલ્પ આયુમાં સ્વધામ સિધાવ્યાનું જે દુઃખ મારા હૃદયમાં હતું એ એકાએક અદૃશ્ય થઈ ગયું. એક સુખ્યાત ઓલિયા સંત ગીગાબાપુએ એક કાઠી સંત દાનબાપુને ગુરુસ્થાને સ્થાપી તેમનામાં ઈશ્વરદર્શન કર્યાં અને સમગ્ર પ્રાંતમાં અલખનો મહિમા અમર કર્યો. તેવી જ રીતે ગફ્ફારભાઈ જેવા સદ્ભાવી પુરુષે કાઠી કુળની ઉજળી પરંપરાને પ્રેરકબળ પૂરું પાડ્યું હતું. ગીગાબાપુનો જ પરચો કેમ હોય! એવો ભાવ મને થયો.

કેવો સમયસરનો સુંદર સુમેળ! સૌરાષ્ટ્રની આ સંત અને શૂરાની ભૂમિ પર આવા ઉજ્જવળ કુટુંબમાં જન્મ પામી ધન્યતાનો અનુભવ થયો. ઈશ્વરે આપણને કેટલું બધું આપ્યું છે, છતાં આપણે ફરિયાદો કર્યા જ કરીએ છીએ. અનાયાસે, ઓચિંતું કોઈ વ્યક્તિ મળીને આપણી પરંપરાનો અહેસાસ કરાવે અને એ વ્યક્તિ પણ ઉમદા ચરિત્રની હોય ત્યારે અત્યંત હર્ષ અને ગૌરવની લાગણી થાય છે. એવી જ લાગણી મને ગફ્ફારભાઈને મળીને થઈ. સજ્જનો સાથે સત્સંગ પણ ઈશ્વરની કૃપા હોય તો જ શક્ય બને છે. એમનો માનવતાવાદી અભિગમ અને દરેક ક્ષેત્રમાં તેમનાં શક્તિ અને સામર્થ્ય ટકી રહે એવી પરમકૃપાળુ પાસે અભ્યર્થના.

Total Views: 279

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.