સત્યનિષ્ઠ રાજા

સત્યવાન અને નિષ્ઠાવાન વ્યક્તિનું ભલા કોણ કંઈ બગાડી શકે? કેટલાક સમય પૂરતી વિટંબણાઓ આવી શકે પણ આખરે તો સત્યનો જ વિજય થાય છે. વિવેકાનંદ કહે છેઃ ‘અટલ શ્રદ્ધા અને હેતુશુદ્ધતા જ્યાં હોય ત્યાં અવશ્ય સુફળ મળવાનું જ. પછી ભલે કોઈ નાનો સમૂહ આવા ગુણોથી સજ્જ હોય તો પણ મોટા પાયા પરનાં અનિષ્ટોને ચોક્કસપણે હટાવી શકે.’

અહીં એક એવા મહાપુરુષની વાત છે જેઓ અનેક પ્રકારની યાતનાઓ સહેવા છતાં, બધા પ્રકારની કસોટીનો સામનો કર્યા છતાં અને અનેક મુશ્કેલ પરીક્ષાઓમાં મૂકાયા છતાં છેક સુધી સત્યને જ વળગી રહ્યા. અંતે તેમનો વિજય થયો.

હરિશ્ચંદ્ર એક એવા ગૃહસ્થનું નામ છે જે યુગોથી લેવાતું આવ્યું છે- ઉત્કૃષ્ટ સત્યનિષ્ઠા અને સદાચારી જીવનના એ પર્યાય જેવા છે. હરિશ્ચંદ્રની કથા હૃદયદ્રાવક છે. તેમને પત્ની અને પુત્ર સાથે વિના અપરાધે નરકની યાતના ભોગવવી પડી. અપાર અને અસહ્ય પીડાઓ વેઠવા છતાં ક્યારેય સમાધાન કરી લેવાનો વિચાર સરખો પણ તેઓને આવ્યો નહિ કે ન તો ગુસ્સાની કે તિરસ્કારની સૂક્ષ્મ લકીર પણ તેમના જીવનમાં પ્રવેશી. જ્યારે અગ્નિપરીક્ષા પૂર્ણ થઈ ત્યારે તેઓ ઉપર ઈશ્વરકૃપા અનરાધાર વરસી. શ્રીરામકૃષ્ણ દૃઢ વિશ્વાસ અપાવે છે કે કળિયુગમાં સત્યનિષ્ઠા એ જ માત્ર આધ્યાત્મિક જીવનની આચારસંહિતા છે.

આજે જેમનો સત્યનિષ્ઠ હરિશ્ચંદ્ર એ રીતે ઉલ્લેખ થાય છે તે તેમના જીવન દરમિયાન સત્યવાદી વ્યક્તિ તરીકે સુવિખ્યાત હતા. આ જગતમાં જ નહિ પરંતુ દેવલોકમાં પણ તેમની કીર્તિ પ્રસરી હતી. આવી જ દેવલોકની દુનિયામાં એકવાર તેમની ચર્ચા શરૂ થઈ. ચર્ચાએ પછી ઉગ્ર વાદવિવાદનું સ્વરૂપ લીધું, અને વાદવિવાદ વ્યક્તિગત સ્વમાનનો વિષય બન્યો. ‘જો હું હરિશ્ચંદ્રને જૂઠું બોલાવું તો?’ એક જણાએ પડકાર ફેંક્યો. બીજાએ કહ્યું તો તે પોતાનું સ્થાન છોડી દેશે, તે આમ કરશે વગેરે. સ્વર્ગલોકમાં દેવો વચ્ચે શરત લાગી, હરીફાઈ થઈ, પરંતુ પૃથ્વીલોકમાં હરિશ્ચંદ્રનો કપરો કાળ શરૂ થવાનો હતો. હરિશ્ચંદ્રની કથાની શરૂઆત આ રીતે થાય છે. તે એક સમૃદ્ધિવાન રાજા હતો. તેના રાજ્યમાં બધું જ સરસ રીતે ચાલતું હતું અને પ્રજા પણ શાંતિ અને સુખમાં રહેતી હતી. તે કુશળતાપૂર્વક અને પ્રામાણિકતાથી શાસન ચલાવતો હતો. તેની પત્ની પવિત્ર ચરિત્ર ધરાવતી હતી અને પુત્ર પણ ઉમદા બાળક હતો.

આમ જ્યારે બધું સુચારુ રીતે ચાલતું હતું તેવામાં એક સાધુ ત્યાં આવ્યો અને તેણે રાજા પાસે ભેટની માગણી કરી. તેણે રાજા પાસેથી ઢગલાબંધ સોનાની માગણી કરી. રાજા હરિશ્ચંદ્ર તરત જ તેણે જે માગ્યું તે આપવા તૈયાર થયા. જો કે સાધુએ કહ્યું કે તેને તાત્કાલિક આ ભેટ નથી જોઈતી પણ પછીથી તે સ્વીકારશે.

આ સાધુ એ શરત લગાવનારાઓમાંનો જ એક હતો- દેવોમાંનો એક જેઓએ હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠા ઉપર શરત લગાવી હતી. આ દેવો ઉચ્ચ કોટિના એવા મનુષ્યો જ હોય છે જેઓએ પોતાનાં સત્કાર્યોના બળે કેટલીક શક્તિઓ પ્રાપ્ત કરી હોય છે. કુદરતી ઘટનાઓ જેવી કે વરસાદ, દુકાળ વગેરે ઉપર તેઓનું નિયંત્રણ હોય છે અને આવી શક્તિઓનો ઉપયોગ હવે હરિશ્ચંદ્ર ઉપર થવાનો હતો.

કસોટીકાળ શરૂ થયો. અચાનક પૃથ્વી ઉપર દુકાળ પડ્યો. લોકો દુઃખી થવા લાગ્યા પરંતુ હરિશ્ચંદ્રે ગજબ કુશળતાથી તેની પ્રજાની સંભાળ લીધી. તેણે અનાજ અને પાણીનો એવો બંદોબસ્ત કર્યાે કે કોઈ અછતમાં ન રહે. પરંતુ તેના કોઠારો ખાલી થવા મંડ્યા. જ્યારે હરિશ્ચંદ્રે લગભગ બધું જ આપી દીધું ત્યારે પેલા સાધુનો સંદેશવાહક આવ્યો જેણે અઢળક સોનાની ભેટનું વચન માગ્યું હતું. તે સંતાપ આપનારો હતો અને વચન મુજબની ભેટ ઉઘરાવવા આવ્યો હતો. સાધુએ સોનાના ઢગલાની માગણી કરી હતી. તે માપી શકાય તેવા પ્રમાણમાં ન હતું, તેનો તો ઢગલો હતો. તેથી પોતાનું રાજ્ય વેચી દેતાં પણ જે નાણું મળે તે પર્યાપ્ત થાય તેમ ન હતું. હરિશ્ચંદ્રે તેણે જે સુવર્ણની માંગ કરી હતી તે આપી દેવાનું વચન આપ્યું અને ભૂખથી દુઃખી લોકોને છોડીને પત્ની અને પુત્ર સાથે ચાલી નીકળ્યો. તેમની પાછળ પાછળ પીડક પણ ગયો જે વારંવાર કહેતો હતો, ‘તમે અમને વચન પ્રમાણેની બક્ષિસ આપો, બક્ષિસ આપો,’ એક જૂઠ અને હરિશ્ચંદ્ર બધામાંથી મુક્ત થઈ જાય, બધું પાછું મેળવી લે, પરંતુ તેથી તો અલ્પકાલીન સુખ મળે અને જૂઠાણું લાવે દીર્ઘકાલીન દુઃખ. પરંતુ તેણે સત્યનો રાહ પસંદ કર્યાે. માર્ગમાં દૈવી શક્તિએ તેની અનેક રીતે પરીક્ષા કરી. તેઓ મહાસત્તા દ્વારા યુક્તિપૂર્વક ઊભી કરેલી આગમાં ફસાઈ ગયાં. આ આગમાંથી કઈ રીતે બહાર આવવું! હરિશ્ચંદ્ર જૂઠું બોલવા કરતાં મૃત્યુ પસંદ કરે. તેની ઉમદા પત્નીએ કંઈક બીજું કર્યું. તેણે અગ્નિદેવને પ્રાર્થના કરી, ‘હે અગ્નિદેવતા, જો હું ખરેખર પતિપરાયણ સ્ત્રી હોઉં તો આગ તરત જ બુઝાઈ જાય, અને તે જ ક્ષણે આગ અદ્રશ્ય થઈ ગઈ. દુષ્ટ પીડક જો કે તેની પાછળ પડી ગયો હતો અને બક્ષિસ માટે સતત હેરાન કરતો હતો. હરિશ્ચંદ્રને બધું જ વેચવંુ પડ્યું, પોતાની જાત, તેની પત્ની અને પુત્ર પણ. આવા વેપારથી જે સુવર્ણ મળ્યું તેનાથી તે શયતાનને સંતોષ થયો. સાધુએ માગ્યા મુજબનું તે ઢગલાબંધ સોનું હતું અને તે જતો રહ્યો.

હરિશ્ચંદ્રની પત્નીને શ્રીમંત પરિવારમાં વેચી દેવામાં આવી જ્યાં તે દાસી તરીકે રહી. આ પણ દેવોની યોજનાનો જ એક ભાગ હતો. તે સખત કામ કરતી છતાં પોતાનું કે પોતાના નાના બાળકનું પેટ ભરાય એટલું ખાવા પીવાનું માંડ તેને મળતું. હરિશ્ચંદ્રે પોતાની જાતને વેચી અને તે સ્મશાનભૂમિના રક્ષક તરીકે રહ્યો. હરિશ્ચંદ્રનું કામ ત્યાં સ્મશાનભૂમિની દેખરેખ રાખવાનું અને પોતાનાં સ્વજનોના મૃત શરીરનો અંતિમ સંસ્કાર કરવા આવતા લોકો પાસેથી કર ઉઘરાવવાનું હતું. તેના માલિકે તેને હેરાન કરવાનો પ્રયત્ન કર્યાે, જે પણ દેવોની યોજનાનો જ એક ભાગ હતો, પરંતુ હરિશ્ચંદ્ર સત્યને વળગી રહ્યો. તેમણે પોતાની દશા સુધરે તે માટે પ્રાર્થના કરી જેથી કરીને તે પોતાની પત્ની અને બાળકનું રક્ષણ કરી શકે. તે શાંત રહ્યો. તેમની કસોટીના કેટલાક મહિનાઓ પસાર થઈ ચૂક્યા હતા.

એક રાતે હરિશ્ચંદ્રે સ્મશાનમાં એક સ્ત્રીને કોઈનો અગ્નિદાહ દેવાનો પ્રયત્ન કરતી જોઈ. હરિશ્ચંદ્ર તેની પાસે ગયો પણ દૈવવશ પોતાની જ પત્નીને ઓળખી શક્યો નહિ. હરિશ્ચંદ્રે તેને કહ્યું કે જો તે અંતિમ સંસ્કાર કરવાના પૈસા નહિ ભરે તો તે તેને અગ્નિદાહ કરવા દેશે નહિ. તેણે મૃતદેહને હજુ હમણાં જ દાહ દીધો હતો ત્યાં જ હરિશ્ચંદ્રે ઊઠાવી ચિતામાંથી દૂર ફેંકી દીધો. તે વિલાપ કરવા લાગી અને કહ્યું કે તેનો બાળક સર્પદંશથી મરણ પામ્યો છે અને તેનો અગ્નિસંસ્કાર પૂરો કરવાની અનુમતિ આપે. હરિશ્ચંદ્રની આંખો પણ અનુકંપાથી છલકાઈ પણ લાચારીથી તે કંઈ કરી શકે તેમ ન હતો. તે પોતાના માલિક પાસે ખોટું બોલીને છાની રીતથી કોઈ સ્ત્રીને તેના બાળકનો અગ્નિસંસ્કાર કરવા દઈ શકે તેમ ન હતો. તેણે કહ્યુંઃ ‘તારી પાસે પૈસા નથી પણ તારી ડોકમાં હાર છે તે હું જોઉં છું તેનો ભાગ આપી દે.’

વાત હવે બની. પેલી સ્ત્રી આઘાતથી મૂઢ બની ગઈ. તેના સચ્ચરિત્રની પવિત્રતાને લઈને એવું વિધાતાનું નિર્માણ હતું કે બીજું કોઈ નહિ માત્ર તેનો પતિ જ લગ્નની નિશાનીરૂપ મંગળસૂત્રને જોઈ શકે. કેવળ હરિશ્ચંદ્ર જ તેને નજરે જોઈ શકે. જ્યારે તે મંગળસૂત્ર વિશે બોલ્યો ત્યારે તે તરત જ પોતાના પતિને ઓળખી ગઈ અને રાજા જેવા માણસને સ્મશાનની દેખરેખ રાખવાનું નિમ્ન કક્ષાનું કામ કરતા જોઈને દુઃખી દુઃખી થઈ ગઈ. તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. હરિશ્ચંદ્ર હવે સમજ્યા કે તે કોણ હતી અને તેના પુત્ર માટે તે આંસુ સારવા લાગ્યા. કસોટીનો આ આખરી ભાગ હતો. શું તે પોતાના દીકરાની અંતિમક્રિયાની પરવાનગી આપીને તેના માલિકને છેતરી શકે? તેણે કહ્યું કે તે સ્ત્રી કે પેલો મૃત બાળક કોઈ પણ હોય તે પોતાની ફરજથી બંધાયેલો હતો અને પોતાના શેઠ પાસે જૂઠું બોલી શકે નહિ. તેણે રકમ ભરવી જ પડે કેમ કે તેણે નિયમભંગ કરી મર્યાદા ઓળંગી હતી. અને ત્યાં જ એ સ્મશાનભૂમિનો માલિક આવી પહોંચ્યો જે હરિશ્ચંદ્ર સાથે ક્રૂર રમત કરનારાઓમાંનો જ એક હતો.

હવે લગભગ ચિતા બળી ગઈ હતી ત્યારે સ્મશાનભૂમિનો વગર પૈસે ઉપયોગ કરવાની સજા કરવાનું તેને કહેવામાં આવ્યું. સજારૂપે તેને તેણીનું માથું કાપી નાખવાનું કહેવામાં આવ્યું. હરિશ્ચંદ્ર માટે એક ગુલામ હોવાના કારણે વિવાદ કરવાનો કોઈ પ્રશ્ન ન હતો. તેના નીતિમાન સ્વભાવની આ ચરમસીમા હતી. તેથી જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું તે રીતે તેણીને મારવા તલવાર ઉગામી.

આશ્ચર્ય! તલવાર સુંદર ફૂલની માળા બની ગઈ. હરિશ્ચંદ્રનો દીકરો જાણે હમણાં જ ઊંઘમાંથી જાગ્યો હોય તેમ બેઠો થયો. તેની પત્ની સૂર્યની આભા જેવી પ્રકાશમાન દેખાવા લાગી અને બધાં આનંદમાં આવી ગયાં. જે રીતે આ કુટુંબ નિકૃષ્ટ પ્રકારનાં અપમાન થયા છતાં, નિષ્ઠુર પ્રકારની પજવણી છતાં, અને અસહ્ય યાતનાઓ સહન કરવા છતાં નીતિ અને સદાચારને વળગી રહ્યું હતું તે જોઈને મહાસત્તાઓ કે જેણે તેને આકરી પરીક્ષામાં ઊતાર્યાે હતો એ બધી ત્યાં આનંદનાં આંસુ વહાવતી હાજર હતી. જગતને હરિશ્ચંદ્ર, તેની પત્ની અને તેના પુત્ર દ્વારા સદાચારી જીવન જીવવાનો અને સત્યનિષ્ઠાનો શ્રેષ્ઠ આદર્શ સાંપડ્યો. થોડી ક્ષણોમાં જ બધી પીડાઓ વીસરાઈ ગઈ અને તેઓને તેમના પાસે પહેલાં જે હતું તેના કરતાં સો સો ગણા આશીર્વાદથી બધું પુનઃપ્રાપ્ત થયું,- વૈભવ, યશ, શાંતિ, સંપત્તિ. તેનો પ્રદેશ સૌથી શ્રીમંત અને સમૃદ્ધ બન્યો. કોઈ પણ સ્થિતિમાં હરિશ્ચંદ્રે કોઈ સમાધાન કર્યું નહિ કે નબળાઈને વશ થયા નહિ. તે, તેની પત્ની અને તેનો પુત્ર સ્વાસ્થ્ય, શાંતિ અને ઉત્તમ સુખ પામ્યાં. હરિશ્ચંદ્રનું નામ પૃથ્વી ઉપર સદાકાળ ‘સત્યવાન હરિશ્ચંદ્ર’ તરીકે પ્રતિષ્ઠિત રહેશે. પવિત્રતા અને સત્યનિષ્ઠાએ તેઓને આંતરિક બળ આપ્યું અને બાહ્ય તકલીફો વાસ્તવમાં પોતાની અસર જમાવી શકી નહિ, હરિશ્ચંદ્ર અચળ રહ્યા. નીતિના માર્ગેથી કોઈ તેને ચલિત કરી શક્યું નહિ અને અંતે તેમની જીત થઈ.

જો તે નબળાઈને તાબે થયા હોત અને ખોટા રસ્તા અપનાવ્યા હોત તો કેટલોક સમય તેમને સુખ મળ્યું હોત પણ ભવિષ્યમાં વ્યથા, પીડા અને યાતનાયુક્ત જીવન જીવવું પડત. સિદ્ધાંતનિષ્ઠ માણસ થોડો સમય જરૂર હેરાનપરેશાન થાય છે પરંતુ અંતે તેઓ યુદ્ધ જીતી જાય છે.

Total Views: 879

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.