૧૮૮૪ની ૬ઠ્ઠી ડિસેમ્બરે અધરલાલ સેનના ઘરે બંકિમચંદ્ર સાથે વાતચીત કરતાં એમણે શ્રીઠાકુરને પ્રશ્ન પૂછ્યોઃ

બંકિમ – .. રૂપિયો જો માટી હોય, તો તો પછી દયા-પરોપકાર કરવાં નહિ?

શ્રીરામકૃષ્ણ (બંકિમને) – દયા! પરોપકાર! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો? માણસનો આટલો આટલો રુવાબ..

‘..આ સર્વભૂતોમાં રહેલા હરિની સેવા, માત્ર માણસની જ નહિ, પણ જીવજંતુઓની અંદર પણ હરિની સેવા; જો કોઈ કરે, અને જો તે માન-પાન ઇચ્છે નહિ, કીર્તિ ઇચ્છે નહિ; મુવા પછી સ્વર્ગ ઇચ્છે નહિ; જેમની સેવા કરે છે તેમની પાસેથી બદલામાં કશો ઉપકાર ઇચ્છે નહિ; એ પ્રકારના ભાવથી જો સેવા કરે તો તેનાથી ખરેખરું નિષ્કામ કર્મ, અનાસક્ત કર્મ થયું એમ કહેવાય. આ રીતે નિષ્કામ કર્મ કરવાથી પોતાનું કલ્યાણ થાય, આનું નામ કર્મયોગ. આ કર્મયોગ પણ ઈશ્વર-પ્રાપ્તિનો એક રસ્તો. પરંતુ બહુ કઠણ, કલિયુગને માટે નહિ.’

સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુદેવના આ ઉપદેશને પોતાના જીવનમાં વણી લીધો અને આપણા દેશના લોકોની ‘સેવા એ જ સાચી પૂજા’ને આપણી સમક્ષ એક આદર્શ રૂપે મૂક્યો. ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ના બેવડા આદર્શને ચરિતાર્થ કરવા રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ અને શ્રીરામકૃષ્ણદેવના અનુયાયીઓ છેલ્લાં ૧૦૦ કરતાં વધુ વર્ષથી કાર્ય કરી રહ્યા છે. માનવસેવાના આ પરમ આદર્શની વાત સ્વામીજીના શબ્દોમાં જોઈએઃ

‘આટલી તપશ્ચર્યા પછી હું ખરું સત્ય સમજ્યો છું કે ‘દરેક જીવમાં ઈશ્વર છે; જીવમાં રહેલા ઈશ્વર સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.’ જે જીવની સેવા કરે છે તે ઈશ્વરની સેવા કરે છે.’ થોડું અટક્યા પછી શિષ્યને સંબોધી સ્વામીજીએ ઉમેર્યુંઃ ‘મેં આજે જે કહ્યું છે તે તારા હૃદયમાં કોતરી રાખજે. જોજે, ભૂલી જતો નહિ.’ (૯.૮૬)

ભગવાન ઈશુએ ‘તું તારા પાડોશીને તારી માફક ચાહજે’ એમ કહીને માનવ-માનવ પ્રત્યે પ્રેમ અને સદ્ભાવ રાખવાની વાત કરી છે. જ્યારે માનવ સર્વમાં રહેલા આત્માની એકતા સમજે અને સૌમાં પ્રભુને નિહાળતો થાય તો આપણી દૃષ્ટિએ આવતા કેટલાય નિરર્થક ભેદભાવ અશ્ય થઈ જાય. સ્વામીજીની દૃષ્ટિએ સર્વ પ્રત્યેનો આ પ્રેમ એ જ જીવનનો સાચો ધર્મ છે. ‘વ્યવહારુ વેદાંત’ વિશેના પોતાના એક વ્યાખ્યાનમાં વેદાંતની ગૂઢ વાતને સાવ સહજસરળ રીતે એમણે આ શબ્દોમાં મૂકી છેઃ

‘બાઈબલના આ શબ્દો તમને યાદ નથી શું? તે કહે છેઃ ‘જેને તમે જોયો છે તે તમારા ભાઈને જો તમે ચાહી ન શકો, તો જેને તમે જોયો નથી તે ઈશ્વરને તમે કેવી રીતે ચાહી શકશો? જો તમને માનવ ચહેરામાં ઈશ્વર ન દેખાય તો તમે તેને વાદળમાં કે અચેતન જડદ્રવ્યની મૂર્તિઓમાં કે તમારા મગજની કાલ્પનિક કથાઓમાં શી રીતે જોઈ શકવાના? જે દિવસે તમે નર-નારીઓમાં ઈશ્વરને જોવા લાગશો, તે દિવસથી હું તમને ધાર્મિક કહીશ ; ત્યારે તમને સમજાશે કે ‘જે માણસ તમને જમણા ગાલે તમાચો મારે તેના તરફ ડાબો ગાલ ધરવો’ એ બાઈબલના વાકયનો અર્થ શો છે . જ્યારે તમે માણસને ઈશ્વરરૂપે જોશો ત્યારે દરેક વસ્તુ, વાઘ સુધ્ધાં, પ્રિય પ્રાણી બની જશે. જે કાંઈ તમારી સામે દેખાય- તમારી સન્મુખ આવે તે કેવળ નિત્ય આનંદમય ઈશ્વર જ છે; આપણને તે પિતા, માતા, મિત્ર, સંતાન વગેરે વિવિધ રૂપે દેખાઈ રહ્યો છે; એ સર્વ રૂપે આપણો જ આત્મા આપણી સાથે ખેલી રહ્યો છે. (૫.૩૦૯-૧૦)

આપણે મંદિરમાં રહેલા, મૂર્તિમાં રહેલા પ્રભુને પૂજીએ છીએ, ભજીએ છીએ. પણ સાચી સેવા દ્વારા પૂજા કઈ રીતે થઈ શકે અને આપણે ક્યાં પ્રભુને નિહાળવા જોઈએ એની વાત કરતાં સ્વામીજી કહે છેઃ

‘ઈશ્વરની ઉપાસના કરવા સારું તમે એકાદ પ્રતિમા શોધી કાઢો, પરંતુ વધુ સારી પ્રતિમા અગાઉથી જ હાજર છે, તે છે જીવંત માનવ. ઈશ્વરની ઉપાસના કરવા સારું તમે ભલે મંદિર બંધાવો, અને એ સારું પણ હોય; પરંતુ એથી વધુ સારું, વધુ ઉચ્ચ એવું માનવ શરીર પહેલેથી હાજર છે.’ (૫.૨૯૮-૯૯)

સ્વામી વિવેકાનંદની જેમ મહાત્મા ગાંધીજીએ સમગ્ર ભારતનું પરિભ્રમણ કરીને અને દરિદ્ર, પીડિત લોકોનાં દુઃખકષ્ટ જોઈને સ્વામીજીએ આપેલો શબ્દ આપણને ‘દરિદ્ર નારાયણ’ના રૂપે આપ્યો છે. સામાન્ય રીતે આપણી આ ત્રણ પ્રાચીન ઋણ સ્વીકારની વાત છે – માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ ત્રણ ઋણ તો આપણા પર છે જ અને એ ઋણમાંથી મુક્ત બનવું એ આપણો જીવનભરનો પ્રયાસ હોય છે. પણ સ્વામીજીએ આપણા ભારતવર્ષની પ્રજાને બીજા બે દેવનું ઋણ સ્વીકારવાની વાત પણ કરી છે. એ બે દેવ છે, ‘દરિદ્ર દેવો ભવ’ અને ‘મૂર્ખદેવો ભવ’. આ વિશે સ્વામીજીના શબ્દોમાં કહીએ તોઃ

‘તમે તો વાંચ્યું છેઃ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતાને દેવ સમાન ગણો, પિતાને દેવ સમાન ગણો, પણ હું કહું છુંઃ ‘દરિદ્ર દેવો ભવ’ ‘મૂર્ખદેવો ભવ’ ‘ગરીબને, અભણને, અજ્ઞાનીને, દુઃખીઓને – એવા લોકોને ઈશ્વર માનો. આવા લોકોની સેવ એ જ સર્વાેચ્ચ ધર્મ છે.’ (૮.૭૦)

માનવમાં રહેલા પ્રભુની સેવા કરવી એ આપણા જીવનનો આદર્શ બની જવો જોઈએ. પણ આ સેવાનું વળતર મેળવવાની પંચાતમાં પડવું ન જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને નિષ્કામ કર્મની વાત કરી હતી. ફળની અપેક્ષા રાખ્યા વગર કરેલું કાર્ય આપણને સર્વાેચ્ચ આનંદ અને શાંતિ આપે છે. સેવા ધર્મ પણ આવો જ છે. સેવાની કાવડ ચલાવનારે સ્વામીજીના આ શબ્દો હંમેશાં યાદ રાખવા જેવા છેઃ

‘આપણા જાતિભાઈઓને સહાય આપીને પરમાત્માની ઉપાસના કરવાનો લાભ મેળવવો એ એક મોટો અધિકાર નથી શું? જો આપણે ખરેખર અનાસક્ત હોત, તો નિરર્થક આશાના આ સર્વ દુઃખથી આપણે પર રહ્યા હોત અને જગતમાં આનંદથી સારું કાર્ય કરતા હોત. અનાસક્તપણે કામ કરવાથી કોઈ દુઃખ કે વેદના આવતાં નથી. અનંતકાળ સુધી જગત તેનાં દુઃખો અને વેદનાઓ સાથે ચાલ્યું જ જવાનું છે.’ (૧.૬૨)

આપણા દેશના દુઃખી પીડિત અને કચડાયેલ લોકોની સેવા એ જ આપણા જીવનની સાચી તીર્થયાત્રા છે. આવી જીવનયાત્રા માટે સ્વામીજી કહે છેઃ

‘તમને તમારા જાતિભાઈઓ પ્રતિ પ્રેમ છે? ઈશ્વરને શોધવા તમારે ક્યાં બીજે જવું છે? શું આ બધા દરિદ્ર, દુઃખી અને દુર્બળ મનુષ્યો પોતે જ દેવો નથી? પહેલાં એમની સૌની પૂજા શા માટે ન કરવી? ગંગાકિનારે કૂવો ખોદવા શા માટે જવું? પ્રેમની સર્વ સમર્થ શક્તિમાં શ્રદ્ધા રાખો.’ (૯.૨૩૫)

દેશના પીડિત લોકો માટે સ્વામીજીનું હૃદય કેટલું દ્રવી ઊઠ્યું હતું. એમના યોગક્ષેમ માટે તેઓ જીવનભર ઝઝૂમતા રહ્યા. સામાન્યજનના કલ્યાણ માટે સ્વામીજી શું કહે છે એ આપણે જોઈએઃ

‘માનવજાતિના કલ્યાણ માટે, ઓછામાં ઓછું ભારતમાં, જેને કોઈપણ શક્તિ પાછું હઠાવી ન શકે એવું એક યંત્ર મેં ગોઠવ્યું છે એવી ખાતરી કરીને, પાછળથી શું થશે એની પરવા રાખ્યા વિના હું ચિરનિદ્રામાં પોઢી જવા માગું છું. મારી એક જ ઇચ્છા છે કે જે એકમાત્ર ઈશ્વરનું અસ્તિત્વ છે, જે એક ઈશ્વરમાં હું માનું છું, જે સર્વ આત્માઓના એકંદર સમૂહરૂપ છે, અને સૌથી વિશેષ તો જે મારો ઈશ્વર દુષ્ટ નારાયણ રૂપે છે, જે મારો ઈશ્વર દુઃખી નારાયણ રૂપે છે, જે મારો સર્વ પ્રજાઓના અને સર્વ જાતિઓના દરિદ્ર-નારાયણ રૂપે છે, જે મારી પૂજાનું ખાસ પાત્ર છે, તેનું પૂજન કરવા સારું હું વારંવાર જન્મ ધારણ કરું અને હજારો કષ્ટ વેઠું.’ (૫.૩૧૬-૧૭)

આપણો ધર્મ સમાજથી વિમુખ બન્યો, સામાન્ય જનના કલ્યાણની જાણે કે એણે ઉપેક્ષા કરવા માંડી. અંતરના હૃદયના સાચા ધર્મને બદલે બાહ્યાચારોનું પ્રબળ વર્ચસ્વ છવાઈ ગયું. પરિણામે આપણો ધર્મ ક્રિયાકાંડોમાં જ રહી ગયો અને એણે જે સાચું કાર્ય કરવાનું હતું એ ભૂલી ગયો. આપણી અવદશાનું એક કારણ આ પણ છે. આપણા સાચા ઈશ્વર ક્યાં છે, આપણો સાચો ધર્મ શેમાં છે એની વાત કરતાં સ્વામીજી કહે છેઃ

‘તમારે કલ્યાણ સાધવું હોય તો તમારી ક્રિયાવિધિઓ ફેંકી દો અને જીવતા ઈશ્વરને કે માનવ-ઈશ્વરને ભજો; માનવશરીરધારી દરેક જીવને પૂજો. ઈશ્વરના વિશ્વરૂપ તેમજ માનવરૂપમાં તેને ભજો. તેનું વિશ્વરૂપ એટલે આ જગત; અને તેને ભજવું એટલે તેની સેવા કરવી. આ જ ખરો ધર્મ છે, વિધિઓમાં રચ્યાપચ્યા રહેવું એ નહિ. ભગવાન સમક્ષ ભોગ દસ મિનિટ ધરાવવો કે અર્ધાે કલાક એવો વિચાર કરવો તે ધર્મ નથી, એ ગાંડાઈ જ છે. કાશી અથવા વૃંદાવનનાં મંદિરનાં દ્વાર આખો દિવસ ઉઘાડતી અને બંધ કરતી વખતે સંગીતના સૂરો છેડાય તે માટે લાખો રૂપિયા ખર્ચાયા છે! અત્યારે ભગવાન સ્નાન કરે છે, હવે તે ભોજન લે છે, હવે તે અમે નથી જાણતા તેવા બીજા કામમાં પ્રવૃત્ત છે.’ (૮.૫૩)

ભાવનગરના દીવાન શ્રીપ્રભાશંકર પટ્ટણી સાચા માનવધર્મની અને ગૃહસ્થધર્મની વાત આ શબ્દોમાં કરે છેઃ

‘દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને

વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.’

જ્યારે માણસોને ખાવા માટે એક કોળિયાના પણ સાંસાં પડતા હોય ત્યારે છપ્પનભોગ ધરીને ખાલી દેખાડો કરવાને બદલે ભૂખ્યાના પેટમાં અન્નનો કોળિયો જાય એવું સત્કાર્ય આપણે કરવું આવશ્યક છે.

વળી આપણાં બધાં દુઃખકષ્ટોનું મૂળ સાચી કેળવણીનો અભાવ છે. જો આ કેળવણીના દ્વાર બધાંને માટે ખુલ્લાં રહે અને માણસો મુક્તમને સહજ-સરળ રીતે કેળવણી મેળવીને કેળવાયેલા બને તો આ બધો દુઃખભાર દૂર થઈ જાય. એ વિશે સ્વામીજી પોતાના એક વ્યાખ્યાનમાં આમ કહે છેઃ

‘જ્યારે જીવંત ઈશ્વર ખોરાક વિના અને કેળવણી વિના મરે છે ત્યારે આ બધું ચાલ્યા કરે છે! મુંબઈના વાણિયાઓ માંકડ માટે ઈસ્પિતાલો બંધાવે છે, જ્યારે માણસો મરતાં હોય તો પણ તેમને માટે તેઓ કશું નહિ કરે, આવી સાદી બાબત સમજવાને તમારામાં મગજ નથી કે આ જ આપણા દેશની મરકી છે, અને બધે સ્થળે આવી ગાંડાની ઈસ્પિતાલો વધતી જ જાય છે… તમારામાંના કેટલાક આગની પેઠે ફરી વળો અને ઈશ્વરના આ વિશ્વરૂપના પૂજનનો પ્રચાર કરો. આવું કાર્ય અગાઉ કદીયે આ દેશમાં આરંભાયું નથી. આપણે લોકો સાથે ઝઘડવું નહિ; આપણે બધાના મિત્રો થવું છે… વિચારોનો પ્રસાર કરો; ગામડે ગામડે જાઓ, ઘેર ઘેર ફરો, તો જ ખરું કામ થશે.’ (૮.૫૩)

આપણે હવે રાષ્ટ્રને દેવ બનાવવાની જરૂર છે. રાષ્ટ્રની પ્રજા એ આપણા જીવતાં જાગતાં દેવદેવીઓ છે. જો આપણે એની સેવા કરીને પ્રભુ પૂજા કરતાં બનીશું તો સમગ્ર રાષ્ટ્ર આવતીકાલે જૂદું જ રૂપ ધરશે. એ વામનમાંથી વિરાટ બની જશે. પ્રજાને આ વિરાટના સ્વરૂપે જોવાની વાત સ્વામીજી આ શબ્દોમાં કરે છેઃ

‘આ એક જ દેવ, આપણી પોતાની ભારતીય પ્રજા, અત્યારે જાગ્રત છે. સર્વત્ર તેના હાથ છે, સર્વત્ર તેના પગ છે, સર્વત્ર તેના કાન છે; સર્વત્ર એ વ્યાપી રહેલ છે. બીજા બધા દેવો તો સૂઈ ગયા છે. આપણી ચારે બાજુએ રહેલ આ વિરાટ ભગવાનને આપણે ભજીશું નહિ તો વળી બીજા કયા ફાલતુ દેવોની પાછળ દોડ્યા કરીશું?’ (૨.૧૭૨)

આજે પણ આપણે આપણા દેશમાં ગરીબોની સંખ્યા ઘટાડી શક્યા નથી. દરિદ્રનારાયણ વધતા જ રહે છે, રોગી નારાયણ પણ વધે છે, અજ્ઞનારાયણનો આંકડોય નાનો નથી. જો આપણે આ ત્રણેય નારાયણની સાચી સેવા કરવા માગતા હોય તો સ્વામીજીના શબ્દો આપણે હંમેશાં યાદ રાખવા જોઈએ અને એ પ્રમાણે આપણું જીવન જીવવું જોઈએ.

Total Views: 452

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.