વાવાઝોડું ત્રાટક્યાના બરાબર એક વર્ષ પછી ૧૦ ડિસે. ૧૯૪૩નો એસોસીએટેડ પ્રેસનો સંદેશો આ મુજબ હતો. ‘મીદનાપુરમાં કૂતરાં અને ગીધડાંનો શિકાર બનેલાં મડદાં નહેરોમાં તરતાં દેખાયાં. તામલુક શહેરથી પા માઈલના વિસ્તારમાં અમે તાજેતરમાં જ મરી ગયેલ સ્ત્રીનું શબ જોયું જેને એક કૂતરું ફોલી ખાતું હતું.’ ખરેખર જ્યારે નર્ક પૃથ્વી પર ઊતારવામાં આવે ત્યારે માણસો કરતાં કૂતરાંઓની બચવાની આશા વધુ હોય છે. સંકટોને પગલે રોગચાળો પણ આવતો જ હોય છે. વાવાઝોડાંનો વારસો કોલેરા અને મલેરિયા અને સાથે દુકાળથી મારા ત્રીસ લાખ દેશબાંધવો મરણ પામ્યા. હું પણ તમને આ કહેવા જીવતો ન રહ્યો હોત! માત્ર એક વ્યક્તિના ગુણાતીત પ્રેમે મને બચાવ્યો- એવો પ્રેમ જેને શ્રદ્ધાનું મૂર્ત સ્વરૂપ કહી શકાય.

દુષ્કાળ દરમિયાન જે કંઈ અલ્પ ખોરાક અમે મેળવી શકતા તેમાંથી માંડ એક ટંકનું ખાવાનું થાય અને તેનાથી પણ અમે થોડાં અઠવાડિયાં કરતાં વધુ તો ન જ બચી શક્યા હોત. મારાં દાદીમા શારદાએ પોતાનો ભાગ મને આપવાનું શરૂ કર્યું. એ એનો કોઈ દેખાવ ન કરતાં તેમજ તેની કોઈ નોંધ લે તેવું પણ ન ઈચ્છતાં. મારા સિવાય કોઈ તેમના આ ત્યાગને જાણતું પણ નહિ. તેમનામાં જે થોડીક શક્તિ રહી હતી તે બચાવવા રોજ જમવાના સમય પછી તેઓ પોતાના ધાબળામાં ઘુસી જતાં અને ઉદાસીનપણે બારણાની તિરાડમાંથી આવતા પ્રકાશ તરફ જોતાં રહેતાં. હું તેમની બાજુમાં બેસીને તેમનો ક્ષીણ હાથ પકડી રાખતો અને બે જિંદગીમાંથી એક બચાવવાની તેમની છૂપી ઇચ્છાનો ભાગીદાર બનતો.

સતત કેટલાયે દિવસો સુધી શારદા કશું જ ખાતાં નહિ અને થોડા જ સમયમાં પોષણના અભાવે માંદાં પડ્યાં. ચામડીના એક પછી એક પડ ઊતરે તેમ એમનું વજન ઓછું થતું ચાલ્યું અને છેલ્લે જાણે કશું જ બચ્યું નહિ. થોડા વખત પછી તો ભોંય પરની તેમની જગ્યાએથી તેઓ હાલીચાલી પણ શકતાં નહોતાં. હું તેમના માટે પાણી લાવતો. તેઓની નબળાઈ એટલી હતી કે બોલી પણ શકતા નહિ, તેથી હું તેમને વાર્તાઓ કહેતો, જો કે મારી વાર્તાઓ એમના જેટલી સરસ ન હતી.

તેમના જીવનની છેલ્લી રાત્રે અમારું જમવાનું બ્રેડનો નાનો ટુકડો હતો જેના કોળિયાના કદના કટકા કર્યા હતા. દરેકને ભાગે એક ટુકડો હતો. એમણે એમનો કટકો મને આપ્યો અને છેલ્લી એકવાર મારા હાથમાં હાથ પરોવી સ્મિત કર્યું. પછી એમનાં પોપચાં ફફડીને બિડાઈ ગયાં. હું એમની બાજુમાં બેસીને ખાતો હતો તે દરમિયાન તેઓ ચિર શાંતિમાં સરી પડ્યાં. એમની શહીદીને પણ હું માતંગિની જેટલી જ બહાદુરીપૂર્ણ માનું છું અને ભારતના આત્માને મહાન ભેટ ગણું છું.

આ બન્યા પછીની વ્યથામાં મારું પહેલું કામ મારી જાતને કાદવમાંથી ઊંચકી મારા મન, શરીર અને ભાવનાઓને કેળવવાનું હતું જેથી જે લોકોએ હું મુક્ત બની શકું તે માટે પોતાના જીવ આપી દીધા તેને લાયક બની રહું. અને આથી હું રોજ ખુલ્લા પગે ગોઠણ જેટલો કાદવ ખૂંદતો મારા ઘરથી ચાર માઈલ દૂર આવેલા એક ખુલ્લા વર્ગમાં ભણવા જતો. રસ્તામાં માતંગિનીનો મંત્ર ગણગણતો રહેતો, ‘ક્યારેય યત્ન કરવાનું છોડશો નહિ.’

Total Views: 462
By Published On: July 1, 2012Categories: Mani Bhaumik0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram