આ પહેલાંના અંકમાં આપણી નિશ્ચેષ્ટ અને યંત્રની માફક કામ કરતી ભારતીય આમજનતાની માનસિકતા વિશે સ્વામીજીના વિચારોની વિગતવાર ચર્ચા કરી. સ્વામીજીએ પોતાનાં ભાષણો, વર્ગવ્યાખ્યાનો, વાર્તાલાપો અને પત્રો દ્વારા આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો ઉકેલ પણ મૂક્યો છે.

શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદજી)ને શિકાગોથી ૧૯ માર્ચ ૧૮૯૪ના રોજ લખેલા પત્રમાં તેઓ કહે છે:

ધકેપકેમોરીનમાં ભારતના છેલ્લા ભૂમિપ્રદેશ પર મા-કન્યાકુમારીના મંદિરમાં બેસીને મેં એક યોજના વિચારી. આપણે કેટલાય સંન્યાસીઓ ભટકીએ છીએ અને લોકોને અધ્યાત્મવિદ્યા શીખવીએ છીએ – પણ આ બધું ગાંડપણ છે. આપણા ગુરુદેવ કહેતા કે, ‘‘ભૂખ્યે પેટે ધર્મ ન થાય !’ આ ગરીબ માણસો પશુ જેવું જીવન ગાળે છે તે કેવળ અજ્ઞાનને લીધે જ. દરેક યુગમાં આપણે તેમનું લોહી ચૂસ્યું છે અને તેમને પગ તળે છૂંદ્યા છે.

… કેટલાક પરહિતકારી નિ:સ્વાર્થી સંન્યાસીઓ ગામડે ગામડે જાય અને કેળવણી ફેલાવે, ચાંડાલ સુધીના તમામ વર્ગાેની સ્થિતિ સુધારવા મૌખિક શિક્ષણ, નક્શા, ચિત્રો આદિ સાધનો વડે શિક્ષણ ફેલાવવા પ્રયાસ કરે, તો શું સમય જતાં કંઈ સારું પરિણામ ન આવે ? યોજનાની વિગતો આ નાના પત્રમાં ન લખી શકાય, ટૂંકમાં અર્થ એ છે કે ‘‘પર્વત મહંમદ પાસે ન જાય, તો મહંમદે પર્વત પાસે જવું.’ લોકો એટલા બધા ગરીબ છે કે શાળા-પાઠશાળાઓમાં જઈ ન શકે. વળી ફક્ત કાવ્યો વગેરે વંચાવવાથી તેમને કંઈ ફાયદો થશે નહિ. રાષ્ટ્ર તરીકે આપણે આપણું વ્યક્તિત્વ ગુમાવ્યું છે, અને ભારતનાં બધાં દુ:ખોનું એ જ કારણ છે. દેશની અદૃશ્ય થઈ ગયેલી વિશિષ્ટતા આપણે દેશને પાછી મેળવી આપવાની છે અને પ્રજાને ઊંચે લાવવાની છે. હિંદુઓ, મુસલમાનો અને ખ્રિસ્તીઓએ શૂદ્રોને પગ તળે કચડ્યા છે. તેમને ઊંચા લાવવાનું બળ દેશમાંથી એટલે રુઢિચુસ્ત હિંદુઓમાંથી આવવું જોઈએ. દરેક દેશોમાં અનિષ્ટો તો હોય છે પણ તે ધર્મને લીધે નહિ, પરંતુ ધર્મ ન હોવાને લીધે. તેથી દોષ ધર્મનો નહિ પણ લોકોનો છે.

આ વસ્તુને અમલમાં મૂકવા પ્રથમ માણસોની જરૂર છે, અને પછી દ્રવ્યની. ગુરુદેવની કૃપાથી દરેક શહેરમાંથી દસથી પંદર માણસો જરૂર મળશે. (૮.૪૪)

સ્વામીજીએ આ મહાકાર્યને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે ૧૮૯૭માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને તેનો શુભારંભ કરી દીધો. ૧૯૦૨માં પોતાની મહાસમાધિ પહેલાં અત્યંત અલ્પકાલીનગાળામાં અસંખ્ય લોકોને અને રાષ્ટ્રિય નેતાઓને અને વિશેષ કરીને યુવાનોને આ કાર્ય માટે પ્રેર્યા હતા. પછીથી થયેલા રાષ્ટ્રના ગ્રામ્યવિકાસનાં કાર્યો અને તેના અભિગમમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સ્વામીજીની પ્રેરણાએ મહત્ત્વનું કાર્ય કર્યું છે.

સ્વામી વિવેકાનંદના સંદેશથી પ્રેરાઈને મહાત્મા ગાંધી ૩૦, જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ બેલૂર મઠમાં ગયા હતા. એ દિવસે ત્યાં સ્વામી વિવેકાનંદની ૫૯મી જન્મજયંતીનો મહોત્સવ ઉજવાતો હતો. ‘‘દરિદ્રનારાયણ સેવા’ આ મહોત્સવનું વિશિષ્ટ લક્ષણ હતું. સ્વામીજી દરિદ્રો પ્રત્યે એક વિશેષ સહાનુભૂતિ તેમજ આદરભાવ દાખવતા હતા. તેઓ એમને સાક્ષાત્ નારાયણના રુપે જોતા અને ‘‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શ સાથે એમની સેવા કરવા તત્પર રહેતા. એ જ દિવસે ગાંધીજી અને એમના સંગીસાથીઓનું બેલુર મઠમાં ભારતના સ્વદેશ ભક્ત સંન્યાસી સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પવા આવવું એક અણધાર્યું આગમન હતું.

ગાંધીજી અને સ્વામીજીના વિચારો અને આદર્શાે વચ્ચે ઘણી બાબતોમાં સમાંતરતા જોવા મળે છે. ઘણા વિચારો અને આદર્શાેમાં તો ગાંધીજી પર સ્વામીજીની સ્પષ્ટ અસર આપણે જોઈ શકીએ છીએ. સુપ્રસિદ્ધ લેખક અને જાણીતા ગાંધી વિચારક પ્યારેલાલે પોતાના ‘‘મહાત્મા ગાંધી – ધ અર્લી ફેઈસ’ના વાૅ.૧માં આ વાતને સમર્થન આપતાં કહ્યું છે:

‘‘સ્વામીજીએ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણના વિચારો અને આદર્શાેને કાર્યાન્વિત કર્યા છે… આવા આધુનિક મનીષીનાં લખાણોએ યુરોપના ટોલ્સ્ટાૅય તેમજ પૂર્વના મહાત્મા ગાંધી પર પણ પ્રભાવ પાડ્યો… પોતાના જીવનકાળના એક દસકા જેટલા અલ્પ સમયગાળામાં તેમણે સમગ્ર જીવનભરનું કાર્ય પૂર્ણ કરી નાખ્યું. દુ:ખી, ગરીબ, કચડાયેલા સામાન્યજનોને ઈશ્વર કોટિના ગણવા માટે તેમણે (સ્વામીજીએ) ‘‘દરિદ્રનારાયણ’ શબ્દ આપ્યો છે (અને એટલે જ ‘‘શિવજ્ઞાને જીવસેવા’નો આદર્શ ભારતવર્ષ સમક્ષ એમણે સર્વ પ્રથમ મૂક્યો છે.) સર્વ પ્રથમ આ ‘‘દરિદ્ર નારાયણ’ શબ્દને દેશબંધુ ચિતરંજન દાસે કોલકાતા કોર્પાેરેશનમાં સ્વરાજ પક્ષના એક કાર્યક્રમ રૂપે સ્વીકાર્યો. આ જ શબ્દ ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં એક અગ્નિમંત્ર સમો બની ગયો. એમાંય જ્યારે મહાત્મા ગાંધીજીએ ભારતના લાખો ગામડાંના પુનરુદ્ધાર માટે આ શબ્દને પોતાના આદર્શમંત્ર જેવો બનાવ્યો ત્યારથી એમના અહિંસક અસહકાર આંદોલનમાં એ સર્વગ્રાહી બની ગયો.’

ભારતના ભૂખ્યાંજનોના જઠરાગ્નિને શાંત કરવા માટે ધર્મની આવશ્યકતા વિશે સ્વામી વિવેકાનંદે ઘોષણા કરતાં કહ્યું હતું કે જેઓ બીજા બધાની સેવા કરે છે કે એમને માટે જીવે છે તેઓ જ ખરેખર પ્રભુની પૂજા કરે છે.. બીજા કોઈ પ્રભુને શોધવા જવાની જરુર નથી. ગાંધીજીનાં વિચારો અને લખાણોમાં પણ આપણને સ્વામીજીના ઉપર્યુક્ત વિચારોનો પડઘો સંભળાય છે.’

ગાંધીજીએ તેમના અલગ અલગ લેખોમાં કંઈક આવી જ વાત કરી છે:

‘હજારો અબોલ ભારતવાસીઓમાં રહેલા પ્રભુ સિવાય બીજા કોઈ પ્રભુને હું ઓળખતો નથી.. અને હું સત્યરૂપી પરમેશ્વરનો ઉપાસક છું અને એ સત્યરૂપી પરમેશ્વરનાં દર્શન આવા કરોડો અબોલ લોકોની સેવામાં થાય છે. જેમને દરરોજનું બે ટાણાંનું ભોજન પણ ન મળતું હોય તેવાં કરોડો લોકો પાસે હું ઈશ્વરની વાત કેવી રીતે કરી શકું. એમને મન તો ઈશ્વરનાં દર્શન રોટલી રૂપે જ થાય છે.. ઈશ્વરનું નામ લઈને એમની ઉપેક્ષા કરવી એ નિરર્થક છે. મારી દૃષ્ટિએ આપણી આ ચોર વૃત્તિ છે કે કોઈ પણ એક શક્તિશાળી પુરુષ કે સ્ત્રીને કામ વિના કે ભોજન વિના રહેવું પડે ત્યાં સુધી આપણને આરામ અને સારું ભોજન મળે એ પણ એક શરમની વાત છે.’ (‘‘હરિજન’, ૧૧ માર્ચ, ૧૯૩૯, પૃ.૪૪; ‘‘યંગ ઇંડિયા’, ૬ ઓક્ટો.,૧૯૨૧, પૃ.૩૧૪; ૧૫ સપ્ટે., ૧૯૨૭, પૃ.૩૧૩; ૧૫ ઓક્ટો., ૧૯૩૧, પૃ.૩૧૦)

૧૪ માર્ચ, ૧૯૩૧ના રોજ રંગૂનના રામકૃષ્ણ મિશનમાં આયોજિત શ્રીરામકૃષ્ણ જન્મોત્સવ સભામાં ગાંધીજીએ કહ્યું હતું:

‘‘એમનાં જીવન અને સંદેશ પર મને પૂરેપૂરી શ્રદ્ધા છે અને એ આદર્શનું અનુસરણ કરવાનું હું આપ સૌને આહ્‌વાન કરું છું. હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં મને શ્રીરામકૃષ્ણના અનુગામીઓ નિમંત્રે છે. એમના આશીર્વાદ મારાં કાર્યો પર પણ વરસતા રહે છે. શ્રીરામકૃષ્ણના નામે સેવાશ્રમો, હોસ્પિટલો વગેરે સમગ્ર ભારતવર્ષમાં છવાયેલાં છે. એવું કોઈ સ્થળ નથી કે જ્યાં નાના કે મોટા પાયે આવાં સેવાકાર્યો ન થતાં હોય. તેઓ દવાખાનાં ખોલે છે, દરિદ્રો અને રોગીઓની ચિકિત્સા કરે છે, ઔષધ આપે છે… વિવેકાનંદે એમના ગુરુને સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કર્યા છે. આવા સેવાશ્રમોની સંખ્યામાં વધારો થતો રહે એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું.’

૨૩ જૂન ૧૮૯૪ના રોજ શિકાગોથી મૈસૂરના મહારાજાને લખેલ એક અત્યંત પ્રેરણાદાયી પત્રમાં સ્વામીજી કહે છે:

‘આપણા દેશમાં હજારો એકનિષ્ઠ ત્યાગી સંન્યાસીઓ છે; તેઓ ગામેગામ ધર્મોપદેશ આપતા ફરે છે. તે પૈકીના કેટલાકોને જો આવી વ્યાવહારિક બાબતોના શિક્ષકો તરીકે પણ ગોઠવવામાં આવે તો તેઓ સ્થળે સ્થળે અને ઘેર ઘેર માત્ર ધર્મોપદેશ જ નહીં પરંતુ શિક્ષણ સુદ્ધાં આપતા ફરશે. માનો કે તેમના પૈકી બેત્રણ જણ સાંજના ભાગમાં કોઈ ગામડામાં કેમેરા, પૃથ્વીનો ગોળો, કેટલાક નકશા વગેરે ચીજો સાથે લઈને જાય તો અભણ લોકોને તેઓ ખગોળ અને ભૂગોળનું ઘણું જ્ઞાન આપી શકે. જિંદગીભર પુસ્તકો વાંચવાથી આ ગામડિયાઓને જે જ્ઞાન માંડ મળી શકે, તેના કરતાં સોગણું વધારે જ્ઞાન તે સાધુઓ જુદી જુદી પ્રજાઓની વાતો કહીને તેમને આપી શકશે. આ કાર્ય માટે એક સંસ્થાની જરુર છે.. (૩.૨૮૮)

૧૮૯૪માં પોતાના સંન્યાસી ગુરુબંધુઓને લખેલ એક પત્રમાં પોતાની સંકલ્પનાની આ પ્રકારની એક સંસ્થા (રામકૃષ્ણ મિશન)ની જરૂર છે, એ દર્શાવ્યું છે. સાથે ને સાથે સંસ્થાના સભ્યોમાં કેવી ગુણવત્તા હોવી જોઈએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે:

‘આપણે થોડાએક શિષ્યોની જરૂર છે, અગ્નિ જેવા તેજસ્વી યુવકોની, સમજ્યા ? બુદ્ધિશાળી અને બહાદુર, જેઓ મોતના મોંમાં સુદ્ધાં જવા તૈયાર હોય, અને સમુદ્રને પણ તરી જવાની હિંમત દાખવે. મારું કહેવું સમજો છો ? આવા સેંકડોની, સ્ત્રીઓ અને પુરુષો બન્નેની, આપણને જરૂર છે. કેવળ એ ધ્યેય માટે જ તમારાથી બનતું બધું કરો. ગમે ત્યાંથી શિષ્યો બનાવો અને તેમને આપણા પવિત્રતા ઘડનારા યંત્રમાં મૂકી દો… ચારિત્ર્ય ઘડો એટલે પછી હું તમારી પાસે આવીશ, સમજ્યા ? આપણે બે હજાર – ના, ના, દસ અરે વીસ હજાર સંન્યાસીઓ જોઈએ છે: સ્ત્રીઓ અને પુરુષો બન્ને. આપણી સાધ્વી-માતાઓ શું કરે છે ? ગમે તે ભોગે આપણે શિષ્યો જોઈએ છે. જાઓ, લોકોને સમજાવો અને તમે પણ ખરા દિલથી પ્રયત્ન કરો. પણ ધ્યાન રાખજો કે ગૃહસ્થાશ્રમી ચેલા નથી જોઈતા, આપણે તો સંન્યાસીઓ જોઈએ. તમો દરેક સો સો માથાં મૂંડી (સંન્યાસીઓ બનાવી) જ નાખો – પણ કેળવોલા યુવકો લેજો, બેવકૂફો નહિ. ત્યારે તમે વીર કહેવાઓ… કલકત્તા અને મદ્રાસ વચ્ચે તમે વિદ્યુતપ્રવાહ ચાલુ કરી દો; તે હું જોવા માગું છું. દરેક સ્થળે કેન્દ્રો શરુ કરો અને શિષ્યો બનાવતા જાઓ. સ્ત્રી-પુરુષના ભેદ સિવાય, જે ઇચ્છે તેને મઠમાં દાખલ કરો. પછી હું તમારી પાસે આવીશ. એક વિશાળ આધ્યાત્મિક્તાનું મોજું આવી રહ્યું છે; શ્રીરામકૃષ્ણની ઇચ્છાથી જે નીચે છે તે ઉચ્ચ બનશે અને અજ્ઞાની છે તે પંડિતોનો પણ ગુરુ બનશે. ‘‘ઊઠો, જાગો, ધ્યેય સિદ્ધિ ન થાય ત્યાં સુધી અટકશો નહિ !’ હંમેશાં વિસ્તાર પામે તે જ જીવન છે, સંકુચિતતા એ મૃત્યુ છે. જે સ્વાર્થી માણસ પોતાના જ સુખની પરવા કરે છે અને આળસુ જીવન ગાળે છે, તેને માટે નરકમાં પણ સ્થાન નથી. શ્રીરામકૃષ્ણના સાચા પુત્ર તે જ છે કે જે બધાં પ્રાણીઓ પ્રત્યે દયાળુ છે અને પોતાની જાતની અધોગતિનું જોખમ વહોરીને પણ જે તેમને માટે શ્રમ કરે છે. ‘‘બીજા હલકટ છે.’ આ આધ્યાત્મિક જાગૃતિની તક વખતે જે હિંમતભેર ઊભો થશે અને ઘેરઘેર તેમજ ગામડે ગામડે શ્રીરામકૃષ્ણનો સંદેશો પહોંચાડશે તે જ મારો ભાઈ છે, એ શ્રીરામકૃષ્ણનો પુત્ર છે. (૮.૭૪-૭૫)

Total Views: 254

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.